Text Size

વિઘ્નો અને પ્રાયશ્ચિત

પ્રશ્ન : આત્મોન્તિની સાધનામાં આગળ વધનારા સાધકને બહારનાં કોઈ તત્વો-વ્યક્તિઓ કે વસ્તુઓ વિક્ષેપરૂપ બને છે ખરાં ? એના માર્ગમાં એને આગળ વધતો અટકાવવાના કે એનું પતન કરવાના ઈરાદાથી દેવતાઓ વિઘ્ન નાખે છે ખરા ?
ઉત્તર : જૂના ધર્મગ્રંથોમાં એવી વાતો આવે છે ખરી. તે પ્રમાણે કોઈ તપસ્વી સ્વર્ગાદિની પ્રાપ્તિ માટે તપ કરતા તો સ્વર્ગનો રાજા ઈન્દ્ર પોતાનું આધિપત્ય સાચવવાના આશયથી પ્રેરાઈને તેમના તપમાં ભંગ પાડવા માટે અપ્સરાઓ મોકલતો તથા બીજા પ્રયાસો કરતો. તેથી કેટલાકના તપનો ભંગ થતો પણ ખરો. લાલસાયુક્ત સાધકોના સંબંધમાં એ વાત કદાચ સાચી હશે તો પણ જે એકમાત્ર આત્મોન્નતિની જ ઈચ્છા રાખે છે અને પરમાત્માનો સાક્ષાત્કાર જ જેમનું જીવન ધ્યેય છે, તેમણે એવી વાતોથી ગભરાઈ જવાની જરૂર નથી. તે તો સારા કામમાં પ્રવૃત્ત થયા છે, પછી દેવતાઓ તેમના માર્ગમાં વિઘ્નો શા માટે નાખશે ? દેવતાઓ ને સિદ્ધો એથી ઊલટા પ્રસન્ન થશે તથા તેમને મદદરૂપ થવાની કોશિશ કરશે. બુદ્ધ તથા ઈસાઈ ધર્મમાં જેમ માર અને શયતાન (સેતાન) વિષે કહેવામાં આવ્યું છે તેમ હિંદુ ધર્મશાસ્ત્રીઓએ માયાનો ઉલ્લેખ કરેલો છે. પરંતુ સાધકની સાધનામાં અંતરાયરૂપ થનાર એ સેતાન, માર કે માયા મુખ્યત્વે માણસની પોતાની અતૃપ્ત ઈચ્છાઓ, લાલસાઓ, તૃષ્ણાઓ કે વાસનાઓ છે. એ જ એને ચંચળ બનાવે છે, ચલાયમાન કરે છે, અને પ્રલોભનો કે ભયસ્થાનોનો શિકાર બનાવે છે. એમની શુદ્ધિ કરવાની અને એમના સકંજામાંથી મુક્તિ મેળવવાની જરૂર છે. એટલું થશે તો સાધકે કશાથી ડરવાનું કારણ નહિ રહે. બહારના તત્વોનું જોર પણ એની આગળ નહિ ચાલી શકે.

બહારનાં તત્વો શુભ હેતુવાળા સાધકના માર્ગમાં પણ વિઘ્નો નાખે છે એવી માન્યતા મનુષ્ય સમાજને માટે ભારે હાનિકારક અને અમંગલ છે. એને લીધે કાયમી ભયનું, અચોક્કસતાનું, અથવા અસલામતીનું વાતાવરણ પેદા થાય છે. એવી માન્યતા સાધકોને નિરાશ ને નાહિંમત બનાવશે. માટે એને ઉત્તેજન ન આપતાં. માણસ માંડ કરીને મહેનતથી આગળ વધે અને એની મહેનતને નિષ્ફળ બનાવવા દૈવી કે બહારનાં તત્વો કમર કસીને મેદાને પડવા તૈયાર રહે તો કોનો ઉદ્ધાર થઈ શકે ?

પ્રશ્ન : શાસ્ત્રોમાં પાપ, કુકર્મ કે અપરાધના નિવારણને માટે જુદાં જુદાં પ્રાયશ્ચિત કહી બતાવવામાં આવ્યા છે. એવાં પ્રાયશ્ચિતને પરિણામે પાપનિવારણ થાય છે એ વાત શું સાચી છે ?
ઉત્તર : તમે જો શાસ્ત્રોમાં માનતા હો તો એવી શંકા કરવાનું કોઈ કારણ નથી. પાપ કે અપરાધના નિવારણની ભાવનાથી જુદાં જુદાં પ્રાયશ્ચિત્તોનો શ્રદ્ધાપૂર્વક આધાર લેવાથી જરૂર લાભ થાય છે. પ્રત્યેક અપરાધ કે કુકર્મના નિવારણનો એક યા બીજો ઉપાય તો હોય જ. અને શાસ્ત્રોએ એ ઉપાયોનું પ્રતિપાદન કર્યું છે એમાં ખોટું શું છે ? તપ, વ્રત, મંત્રજપ, અનુષ્ઠાન, ઉપવાસ, તીર્થસેવન તથા પ્રાર્થના ને શાસ્ત્રશ્રવણ જેવા જુદાં જુદાં ઉપાયો એને માટે જ બતાવવામાં આવ્યા છે.

પ્રશ્ન : પ્રાયશ્ચિત થયા પછી મનની દશા કેવી થવી જોઈએ ?
ઉત્તર : એકદમ નિર્મળ ને હળવી. પ્રાયશ્ચિત થયા પછી મન તથા અંતરનો બધો જ બોજો ઊતરી ગયો હોય એમ લાગવું જોઈએ, મન પર કશો ભાર ન રહેવો જોઈએ. દિલમાંથી ડંખ પણ દૂર થવો જોઈએ. વરસાદના દિવસોમાં વાદળાં ગડગડાટ કરીને વરસે છે પછી આકાશ કેટલું સ્વચ્છ થઈ જાય છે, એવી જ રીતે અપરાધ, કુકર્મ કે પાપના પશ્ચાત્તાપ કે પ્રાયશ્ચિત પછી મન એકદમ સાત્વિક અને સ્વચ્છ બની જવું જોઈએ.
એક બીજી હકીકત પણ ખાસ યાદ રાખવા જેવી છે. અપરાધ કે દોષનું સાચું પ્રાયશ્ચિત થયું ક્યારે કહેવાય ? જ્યારે મન તેમાંથી સંપૂર્ણપણે હઠી જાય, મનમાં દોષ કે અપરાધ અથવા તો કુકર્મ કરવાની વૃત્તિ જ ન ઊઠે અને એનો અંકુર પણ ન રહે ત્યારે. સાચું પ્રાયશ્ચિત મનની સંપૂર્ણ શુદ્ધિમાં સમાયેલું છે, એ સમજી લેવું જોઈએ. અને મનની સંપૂર્ણ શુદ્ધિ થતાં મન બુરાઈમાં રસ નથી લેતું તથા બુરાઈ તરફ નથી દોડતું, એ ખાસ યાદ રાખવું જોઈએ. એટલે એક વાર થયેલો અપરાધ ફરી વાર ન થાય એ જ પ્રાયશ્ચિતનું સાચું લક્ષણ છે.

Today's Quote

Change your thoughts and you change your world.
- Norman Vincent Peale

prabhu-handwriting