Text Size

Kena

Chapter 1, Verse 01

ॐ केनेषितं पतति प्रेषितं मनः केन प्राणः प्रथमः प्रैति युक्तः।
केनेषितां वाचमिमां वदन्ति चक्षुः श्रोत्रं क उ देवो युनक्ति ॥१॥

om keneshitam patati preshitam manah
kena pranah prathamah praiti yuktah
keneshita vacham imam vadanti
chakshuh shrotram ka u devo yunakti

જિજ્ઞાસુ પ્રશ્ન કરે છે
કયી શક્તિથી પ્રેરાઈને મન વિષયોમાં જાયે છે ?
કાબુ કરે છે કોણ પ્રાણ પર ? વાણી કોણ ચલાવે છે ?
કોણ શક્તિ દે છે નેત્રોને ? કર્ણ શક્તિ ક્યાં પામે છે ?
કોણ કરે છે પ્રવૃત્ત આ સૌ ઈન્દ્રિયમનને કર્મ વિશે ? ॥૧॥

અર્થઃ

કેન - કોની દ્વારા
ઇષિતમ્ - સત્તા કે ચેતન પામી
પ્રેષિતમ્ - પ્રેરિત કે સંચાલિત બનીને
મનઃ - મન
પતતિ - વિષયો તરફ વહન કરે છે.
કેન - કોની દ્વારા
યુક્તઃ - નિયુક્ત થઇને
પ્રથમઃ - બીજા બધાથી શ્રેષ્ઠ
પ્રાણઃ - પ્રાણ
પ્રૈતિ - ચાલે છે.
કેન - કોને લીધે
ઇષિતમ્ - સક્રિય કરાયેલી
ઇમામ - આ
વાચમ્ - વાણીને
વદન્તિ - લોકો બોલે છે.
ચક્ષુઃ - નેત્રેન્દ્રિયને
શ્રોત્રમ્ - કર્ણેન્દ્રિયને
કઃ - કોણ
ઉ - પ્રસિદ્ધ
દેવઃ - દેવ
યુનક્તિ - નિયુક્ત કરે છે અથવા પોતપોતાના વિષયોમાં જોડે છે.

ભાવાર્થઃ

આપણે ત્યાં અને પરદેશમાં ધર્મ, તત્વજ્ઞાન અથવા સાધના સંબંઘી અવનવા વિચારોને વહેતા કરવામાં આવે છે. અનેકવિધ અભિપ્રાયો અપાય છે. એક પશ્ચિમના પ્રખ્યાત વિચારકે થોડાક વખત પહેલાં એક લેખમાં જણાવેલું કે ભારતની પ્રજા દુઃખને લીધે, દુઃખો દૂર કરવા માટે ઇશ્વર અથવા આધ્યત્મિકતા તરફ વળી હતી. એ વાંચીને મને વિચિત્ર લાગણી થઇ આવી. એ સામાન્ય સુપ્રસિદ્ધ વિચારક કે વિદ્વાનની વિચારધારાને માટે વિસ્મિત થયો. આપણા દેશમાં પણ એવા માનવો નથી મળતા એવું નથી. એ પણ એવી જ દલીલો કરે છે. કોઇ ધર્માચરણ કે આધ્યાત્મિકતાની અભિરુચિનું કારણ ભય માને છે તો કોઇ દુઃખ સમજે છે. કોઇક અજ્ઞાન કહે છે તો કોઇક વ્હેમ વર્ણવે છે. કોઇ એના મૂળમાં અંધવિશ્વાસ તો કોઇ દુન્યવી ભોગોપભોગની લાલસા છે એવું માને છે. એ સઘળા વિચારોની પાછળ સાચો વિચાર છૂપાઇ ગયો છે.

માનવ સૌથી પહેલાં, સંસ્કૃતિના ઉષઃકાળમાં, આધ્યાત્મિકતાની અભિરુચિવાળો, ઇશ્વરપ્રેમી, કેવી રીતે થયો ને ધર્મને માર્ગે કેવી રીતે વળ્યો ? એને કોઇ નાનું મોટું દુઃખ હતું ? સંકટ સતાવતું હતું ? ભયની ભૂતાવળ એની આસપાસ ભમી રહેલી ? એને મૃત્યુની ભીતિ, જીવનની મોહિની કે લૌકિક-પારલૌકિક પદાર્થોની લાલસા હતી ? એ એનો અંધવિશ્વાસ અથવા વ્હેમ હતો ? ના. એવું હોત તો એ અભિરુચિ આટલા બધા લાંબા સમય સુધી ટકત નહીં. દુઃખ દૂર થતાં, ભય-લાલસા-વ્હેમ-અંધવિશ્વાસનો અંત આવતાં એનો પણ અંત આવત અને એને સંસારના સર્વશ્રેષ્ઠ મનાતા સદબુદ્ધિસંપન્ન, સુશિક્ષિત, સુસંસ્કારી સ્ત્રીપુરુષોનો સાથ ના સાંપડત. એ અભિરુચિનું કારણ બીજું હતું.

ધર્મ, તત્વજ્ઞાન, સાધના અથવા આધ્યાત્મિકતાનો આરંભ માનવની શુદ્ધ જિજ્ઞાસાવૃતિમાંથી થયો છે. એ સૌની પાછળ, એમના મૂળમાં એની જ્વલંત જિજ્ઞાસાવૃતિ રહેલી છે. એ જિજ્ઞાસાવૃતિએ જ એને પ્રશ્નો પૂછતો અને એમના પ્રત્યુત્તરો માટે ઉત્તરોત્તર આગળ વધતો કર્યો છે. એને સૌથી પહેલાં પોતાની જાતને માટે, પોતાની અંદરની દુનિયા વિશે જાણવાની ઇચ્છા થઇ છે. એ પોતાને માટેની માહિતી મેળવવાની આકાંક્ષા રાખે છે. એટલે તો પૂછે છે કે, મન જડ હોવાં છતાં કોની મદદથી વિષયોનું ચિંતનમનન કરે છે અને વિષયોમાં વિહરે છે ? પ્રાણને શરીરમાં સંચરવાનું સામર્થ્ય કોણ પ્રદાન કરે છે ? વાણી કેવી રીતે બોલે છે, ને આંખ કાન કેવી રીતે, કોની શક્તિ દ્વારા જુએ છે તથા સાંભળે છે ? કોને લીધે જડ શરીર સજીવ જેવું લાગે છે ? કોને લીધે જીવન બને છે ને કોની અનુપસ્થિતિમાં શરીર અને ઇન્દ્રિયોના સમસ્ત વ્યાપારો બંધ થવાથી મરણ થાય છે ? હૃદય કોને લીધે સંવેદનનો, ઉર્મિનો અનુભવ કરે છે, ફેફસાં પ્રવૃતિશીલ બને છે, અને ધમની કોને લીધે રક્તાભિસરણના કાર્યમાં પ્રવૃત થાય છે ? શરીર તો નાશવંત છે, પરિવર્તનશીલ છે, તો એની અંદર એને સજીવ કરનારું કોઇ અપરિવર્તનશીલ, અવિકારી, અવિનાશી તત્વ છે ખરું ? એની અંદર કોઇ ચિન્મયી શાશ્વતી સત્તા છે ખરી ? જીવનનું સર્જન, વિસર્જન, નિયંત્રણ કરનારું કોઇ અપાર્થિવ પરિબળ છે ખરું ? એ દૈવી શક્તિ, સત્તા કે ચેતના જો હોય તો ક્યાં છે, કેવી રીતે કાર્ય કરે છે, અને એનું સ્વરૂપ કેવું છે, એ કેવા ગુણધર્મથી અથવા વિશેષાધિકારથી સંપન્ન છે ?

બાહ્ય જગતને જોઇને એની ગતિવિધિના સંબધમાં પણ એવા જ અન્ય પ્રશ્નોની પરંપરા માનવમનમાં પેદા થઇ. જગતની રચના ક્યારે, શા માટે ને કેવી રીતે થઇ ? કોનાથી થઇ ? એ કોઇનું સર્જન છે કે પોતાની મેળે જ પેદા થયું છે ? એનું સર્જન, સંરક્ષણ, વિસર્જન કોણ કરે છે ? એની વ્યવસ્થા અને અવ્યવસ્થા આપોઆપ થાય છે કે એની પાછળ કોઇનો હાથ છે ?

એ ઉપરાંત માનવ એના પોતાના જીવનનો વિચાર કરતો ને પૂછતો થયો છે કે આજુબાજુ અશાંતિ અથવા ઓછી શાંતિ દેખાય છે તો ક્યાંય સંપૂર્ણ સનાતન શાંતિ હશે ખરી ? કોઇ ઠેકાણે પૂર્ણ જ્ઞાન, પૂર્ણ જીવન, પૂર્ણ આનંદ, સુખ, સંતૃપ્તિ, રસ તેમજ સંપૂર્ણ સામર્થ્ય હશે ખરું ?

એ પ્રશ્નોને પૂછીને માનવ બેસી ના રહ્યો. એમના પ્રતીતિજનક પ્રત્યુત્તરને માટે પ્રામાણિક પ્રયત્નો કરવા માંડ્યો. એ જિજ્ઞાસાવૃતિ જ એને ધર્મ, તત્વજ્ઞાન, આત્મસાધના અથવા અધ્યાત્મની દુનિયામાં આગળ વધારતી રહી. એનો પાયો પાકો હતો. એવી વિશુદ્ધ આત્મજિજ્ઞાસાનો પરિચય આ પ્રથમ મંત્ર દ્વારા કરાવવામાં આવ્યો છે. એ જિજ્ઞાસાવૃતિ જીવતી રહેશે ત્યાં સુધી ધર્મ, સાધના, આધ્યાત્મિકતા, તત્વજ્ઞાન - બધું જ જીવતું રહેશે. એને સંતોષવા માટે માનવ એક અથવા બીજી રીતે એમનો આશ્રય લેશે. એથી પ્રરાઇને એ અવનવા પ્રયોગો કરતો જ રહેશે. આધ્યાત્મિકતાનું પ્રેરક બળ એટલું બધું પ્રાણવાન કે પ્રબળ છે. માટે જ એ અનંતકાળથી અક્ષય બનીને જીવી રહી છે. પોતાની જાતને ને જગતને જાણવાની એની પાછળની સનાતન સર્વોપરી સત્તાને સમજવાની ને સાક્ષાત કરવાની કામના શેષ રહે ત્યાં સુધી એનો સર્વનાશ કોઇ કાળે, કોઇ સ્થળે, કોઇનાથી, કોઇયે ઉપાયે નહિ થઇ શકે.