if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

यस्यामतं तस्य मतं मतं यस्य न वेद सः ।
अविज्ञातं विजानतां विज्ञातमविजानताम् ॥३॥

yasyamatam tasya matam
matam yasya na veda sah
avijnatam vijanatam
vijnatam avijanatam

જાણે છે જે બ્રહ્મતત્વને પૂર્ણપણે તે ના જાણે,
નથી જાણતો એમ કહે જે તે જ ખરેખર કૈં જાણે;
જ્ઞાનતણું અભિમાન કરે જે તેનાથી પ્રભુ દૂર રહે,
અભિમાન નથી જેને તેની સદા સદા સંગાથ ફરે. ॥૩॥

અર્થઃ

યસ્ય અમતમ્ - જે એમ માને છે કે પરમાત્મા નથી જણાતા
તસ્ય - તેને માટે
મતમ્ - તે જણાયેલા છે. (અને)
યસ્ય - જેનું
મતમ્ - એવું માનવું છે કે પરમાત્માને મેં જાણી લીધા છે.
સઃ - તે
ન - નથી
વેદ - જાણતા.
વિજાનતામ્ - જાણવાનું અભિમાન કરનારા માટે (એ પરમાત્મા)
અવિજ્ઞાતમ્ - જણાયેલા નથી. (અને)
અવિજાનતામ્ - જેમને જાણવાનું અભિમાન નથી એમને માટે
વિજ્ઞાતમ્ - જણાયેલા છે.

ભાવાર્થઃ

જે મહાપુરુષને આત્મવિકાસની અંતરંગ સાધના દ્વારા પરમાત્માનો અપરોક્ષ અનુભવ થાય છે તે મહાપુરુષ સર્વપ્રકારે શાંતિ પામે છે ને ધન્ય બને છે. એના મનમાં પરમાત્માના સાક્ષાત્કારનું સહેજ પણ અભિમાન નથી હોતું. એ પરમાત્માના પરમ મહિમામાં મળી જાય છે. પરમાત્માની અનંતતાને અનુભવે છે. જાણે છે કે પરમાત્મા પોતે જ પરમજ્ઞાનસ્વરૂપ હોવાથી ગમે તેવું શાસ્ત્રીય કે બૌદ્ધિક જ્ઞાન પણ એમની પાસે નથી પહોંચી શકતું. એ પરમાત્માનો પાર પામી નથી શકતું. પરમાત્માની કૃપાથી જ પરમાત્માને ઓછાવત્તા પ્રમાણમાં પ્રમાણમાં જાણી શકાય છે; ને જે પરમાત્માને જાણી લે છે, પરમાત્માની પાસે પહોંચે છે, તે પરમાત્મામય બની જાય છે. એ પરમાત્માથી પૃથક્ રહેતો નથી. એ રીતે વિચારીએ તો, કોઇ એવું કહે કે મેં પરમાત્માને જાણ્યા છે તો એનું કથન આદર્શ નથી. કારણ કે જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેયની ત્રિપુટી હજુ સુધી કાર્ય કરે છે. પરમાત્માને જાણી અથવા પામી લીધા પછી, પારસના સંગ પછી લોઢું લોઢું રહેતું નથી અને મીઠાની પૂતળી સમુદ્રમાં મળ્યા પછી પૂતળી રહેતી નથી તેવી રીતે, જાણનાર રહેતો નથી. એનો વ્યક્તિગત અહંભાવ ઓગળી જાય છે. એ અને પરમાત્મા બંને જુદા જુદા રહેતા નથી. જે એમ કહે છે કે મેં પરમાત્માને જાણ્યા છે એનું અનુભવજ્ઞાન અધૂરું છે, અથવા એ વ્યવહારિક રીતે આવશ્યકતા જણાતાં એવું જણાવે છે. બાકી સ્વાનુભૂતિના સર્વોચ્ચ શિખર પર પહોંચ્યા પછી હું પરમાત્માને જાણી કે પામી ચૂક્યો છું એવા ભેદભાવયુક્ત ઉદગારોને કાઢવાના રહેતા નથી. સઘળું અદ્વૈત થાય છે. પરમાત્મામય બને છે, પછી કોણ બોલે ને શું બોલે ? જેની અંદર જાણવાનું અભિમાન નથી, અથવા જે પરમાત્મા સાથે અભેદ સાધીને એકાકાર અથવા એકરૂપ બની ગયો છે, તે જ એમને વાસ્તવિક રીતે જાણી શક્યા છે એવું કહી શકાય.

પરમાત્માને કોઇપણ અને જ્ઞાત અથવા અજ્ઞાત રીતે લેશપણ ના જાણતું હોય તેવું થોડું છે ? જે એમને નથી માનતા તે પણ માને છે અને જાણતા નથી એવું કહેનારા પણ જાણે છે. એ અંદર છે, બહાર છે, ઉપર-નીચે, આગળ-પાછળ, સર્વત્ર છે. સંસારમાં એ જ લીલા કરે છે. શરીરની અંદર ચેતના બનીને એ જ વિરાજે છે. એ જ સૂર્યમાં, ચંદ્રમાં, તારકમાં, વૃક્ષ-વલ્લરી-પુષ્પમાં, પૃથ્વી-પવન- પાવકમાં, જળસ્થળમાં વાસ કરે છે. માતા બનીને માવજત કરે છે, પિતા બનીને પાલન. પતિ તથા પત્ની દ્વારા પોતાના પવિત્ર પ્રબળ પ્રેમને પ્રવાહિત કરે છે. ભાઇ તથા બહેનમાં રહીને આત્મીયતાનો અનુભવ કરાવે છે. મિત્રો મારફત મમત્વ બક્ષે છે. વિરોધીઓ તથા શત્રુઓનો સ્વાંગ સજીને સાવધ બનાવે છે. એ જ પવન, પાણી, આકાશ, અને અન્નમાં છે. એમને કોણ નથી ઓળખતું ? એમનાથી સર્વથા અપરિચિત જેવું કોણ છે ? જે છે તે સઘળું એ જ છે એટલે જે એવું કહે છે કે અમે એમને નથી જાણતા એમનું કથન સાચું નથી. અને જે એમ કહે છે કે અમે જાણીએ છીએ એ પણ બરાબર નથી. કારણ કે એમને સંપૂર્ણપણે જાણવાનું શક્ય નથી. જાણ્યા પછી જાણનારનું અસ્તિત્વ રહેતું નથી.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.