Text Size

00. માહાત્મ્ય

ગોકર્ણોપાખ્યાન - 1

 

ભાગવતની ભાગીરથીના પવિત્ર તટપ્રદેશ પર જે કોઇ બેસે છે તે પાવન બને છે. જે એનું અમીમય અદ્દભૂત આચમન કરે છે તે કૃતાર્થ થાય છે. એના સુભગ સલિલમાં સ્નાન કરનારની કાયાપલટ થઇ જાય છે. એ અવનવો આહલાદક અવતાર ધારણ કરે છે. એના ભાવો, વિચારો ને જીવનવ્યવ્હારો ઉદાત્ત બને છે. એવું ના બને તો જ આશ્ચર્ય. માનવની એટલી નિર્બળતા. ભાગવતની ભાગીરથીમાં સ્નાન કરવા છતાં પણ જીવન જીવન ના થાય અને વિપથગામી જ બનતું જાય તો એ સ્નાનને સાચું સ્નાન ના કહી શકાય. એ સ્નાન બાહ્યાચાર પૂરતું ઉપલક સ્નાન બની રહે ખરું પરંતુ આત્માનો અપરોક્ષ અનુભવ કરાવનારું અથવા પરમાત્માની પાસે પહોંચાડનારું અંતરંગ સાધનાનું સ્વર્ગીય સોપાન ના બની શકે. સપ્તાહશ્રવણના રસિયાઓએ ને ભાગવતના વાચકો કે અભ્યાસીઓએ આ વાતને ખાસ યાદ રાખવાની છે.

એટલી અગત્યની સ્પષ્ટતા કર્યા પછી ભાગવત માહાત્મ્યના ચોથા અધ્યાયમાં ગોકર્ણોપાખ્યાનનો આરંભ થાય છે. એ ઉપાખ્યાનનું વર્ણન સનકાદિ ઋષિઓએ દેવર્ષિ નારદની આગળ કરેલું છે.

એ ઉપાખ્યાન ભારતના દક્ષિણ પ્રદેશ સાથે સંબંધ ધરાવે છે. પ્રાચીન સમયમાં તુંગભદ્રા નદીના તટ પર એક સુંદર શહેર હતું. તેમાં સર્વે વેદોનો વિશેષજ્ઞ, શ્રૌતા તથા સ્માર્ત કર્મોમાં કુશળ, સૂર્યસમાન પ્રતાપી અને પ્રભાવશાળી આત્મદેવ નામે બ્રાહ્મણ રહેતો. એ ધનવાન હોવા છતાં ભિક્ષાન્ન પર નિર્વાહ કરતો. એની પત્ની ધુન્ધુલી કુલીન તથા સુંદર હોવા છતાં પોતાની વાતને વળગી રહેવાના સ્વભાવવાળી હતી. એ બીજાની વાતો કરવામાં ને પારકી પંચાતમાં આનંદ માનતી, ગૃહકાર્યમાં કુશળ હોવા છતાં પણ કૃપણ અને ઝગડાખોર હતી.

એ બંનેની પાસે અર્થ અને ભોગવિલાસની પ્રચુર સામગ્રી વિદ્યમાન હોવા છતાં પણ એમને કોઇ સંતાન ના હોવાથી એમના મન ચિંતાતુર અને અશાંત રહેતાં. સંતાનની પ્રાપ્તિની કામનાથી પ્રેરાઇને એમણે કેટલાંક પુણ્યકર્મો કરવા માંડ્યા તથા દીનદુઃખીઓને દાન દેવામાં પણ પોતાના મનને પરોવી દીધું. તો પણ એમની મનોકામના ના ફળી અને એમનો આંતરિક અસંતોષ ના મટ્યો. એવી પ્રતિકૂળ પરિસ્થિતિથી પીડા પામીને આત્મદેવ ગૃહત્યાગ કરીને વનમાં નીકળી પડ્યો.

ત્યાં મધ્યાહન સમયે તૃષાતુર બનીને એ એક તળાવ પાસે પહોંચ્યો. પાણી પીને પોતાના દુઃખનો વિચાર કરતો એ તળાવના તટ પર બેસી ગયો. ત્યાં બે ઘડી પછી એને એક સંતપુરુષનો સમાગમ થયો. સંતપુરુષે દુઃખનું કારણ પૂછવાથી એણે પોતાની આપવીતી કહી સંભળાવી.

એની આપવીતી સાંભળીને અને એને મુક્ત હૃદયે રડતો જોઇને એ સંતપુરુષના કાળજામાં કરુણા પેદા થઇ. એ યોગનિષ્ઠ હોવાથી એમણે આત્મદેવના ભવિષ્યનો સઘળો ઇતિહાસ જાણી લીધો ને જણાવ્યું કે સાત જન્મ સુધી તારા જીવનમાં કોઇ સંતાનપ્રાપ્તિની શક્યતા નથી. પરંતુ આત્મદેવ સંતાન વિનાના જીવનને સ્મશાન જેવું શુષ્ક ને નીરસ માનતો હોવાથી પોતાની માગણીમાં મક્કમ રહ્યો ત્યારે સંતપુરુષે એને પ્રસાદરૂપે એક ફળ આપ્યું અને એ ફળ એની પત્નીને ખવડાવવાનો આદેશ આપ્યો, સાથે સાથે એવું પણ કહ્યું કે તારી પત્ની એક વરસ સુધી સત્ય, શૌચ, દયા ને દાનધર્મનું પાલન કરીને એકવાર ભોજન કરવાનો નિયમ રાખશે તો જે બાળક થશે તે સાત્વિક કે શુદ્ધ સ્વભાવવાળો થશે.

સંતપુરુષ એવું કહીને વિદાય થયા અને આત્મદેવ પોતાને ઘેર પાછો ફર્યો. ઘેર આવીને એણે પેલું ફળ ધુન્ધુલીને અર્પણ કર્યું, અને પોતે ક્યાંક ચાલ્યો ગયો. ધુન્ધુલીને પુત્રપ્રાપ્તિની આકાંક્ષા તો હતી જ પરંતુ એને માટે માતા તરીકે આરંભમાં જે કષ્ટ સહન કરવું પડે તે સહવાની એની તિલમાત્ર ઇચ્છા ન હતી. માતા તરીકેની વચગાળાની સાધના સિવાય જ એને પુત્રપ્રાપ્તિનું ફળ મેળવવું હતું. એણે એ ફળ ના ખાધું ને પોતાને ત્યાં આવેલી પોતાની બેનને બધી કથા કહી સંભળાવી. બેને એને આશ્વાસન આપીને કહ્યું કે મારાં પેટમાં જે બાળક છે તે હું સાનુકૂળ સમય આવતાં તને આપી દઇશ. મારા પતિને ધન આપીને સંતુષ્ટ કરવાથી તે પણ માની જશે. ત્યાં સુધી તું ઘરમાં ગર્ભવતીની પેઠે ગુપ્તરૂપે નિવાસ કર. આપણે એવી યુક્તિ કરીશું કે બધા લોકો એવું જ માનશે કે તારો પુત્ર છ મહિનાનો થઇને મૃત્યું પામ્યો. કોઇને એ વાતની કશી શંકા જ નહિ થાય. હું તારે ત્યાં આવીને રોજ એ પુત્રનું પાલનપોષણ કોઇને પણ કશી આશંકા ના થાય એવી રીતે કરતી રહીશ. તારા પતિએ તને આપેલું ફળ ગાયને ખવડાવી દે.

ધુન્ધલી એની બેનના કહ્યા પ્રમાણે બધું કરવા તૈયાર થઇ.

વખતના વીતવા સાથે પેલી સ્ત્રીને જ્યારે પુત્ર થયો ત્યારે એ પુત્ર એણે ધુન્ધલીને આપી દીધો. ધુન્ધલીએ આત્મદેવને જણાવ્યું કે મારું જીવન પુત્રપ્રાપ્તિથી ધન્ય બન્યું છે. લોકો પણ એ જાણીને આનંદ પામ્યા. ધુન્ધલીએ આત્મદેવને કહ્યું કે મારી છાતીમાં દૂધ નથી : મારી બેનને તાજેતરમાં જ થયેલા પુત્રનું અવસાન થયું હોવાથી એને આપણા ઘરમાં રાખો તો એ આપણા પુત્રનું પાલનપોષણ કરી શકે. આત્મદેવે ધુન્ધલીના પ્રસ્તાવનો સ્વાકાર કર્યો.

એમના એ નવજાત પુત્રનું નામ ધુન્ધુકારી રાખવામાં આવ્યું.

પેલી ગાયને સંતપુરુષની પ્રસાદીરુપે પ્રાપ્ત થયેલું જે ફળ ખવડાવવામાં આવેલું તેના પરિણામે એને પણ એક મનુષ્યાકાર બાળકનો જન્મ થયો. એ બાળક સર્વાંગ સુંદર, દિવ્ય, નિર્મળ ને સુવર્ણ સરખી સુંદર કાંતિવાળો હતો. એને દેખીને આત્મદેવની પ્રસન્નતાનો પાર ના રહ્યો. લોકો પણ પ્રસન્ન બનીને આત્મદેવના ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા. કોઇને ધુન્ધુલીએ છૂપાવેલા ગુપ્ત રહસ્યની ખબર ના પડી.

એ બાળકના ગાયના જેવા કાન જોઇને આત્મદેવે એનું નામ ગોકર્ણ રાખ્યું.