Text Size

00. માહાત્મ્ય

ગોકર્ણોપાખ્યાન - 3

 

કથા ભાગવતના માહાત્મ્યના પાંચમા અધ્યાયમાં આગળ વિસ્તરે છે. એ વિસ્તારનું પણ વિહંગાવલોકન કરી લઇએ.

આત્મદેવના વનગમન પછી એક દિવસ ધુંધુકારીએ ધુન્ધુલીને પુષ્કળ મારપીટ કરીને કહ્યું કે ધન ક્યાં છુપાવ્યું છે તે કહી દે નહિ તો હમણાં તને મારી નાખું છું.

એથી ડરીને અને એના ઉપદ્રવોથી દુઃખી થઇને ધુન્ધુલીએ રાતના વખતે કૂવામાં પડીને પ્રાણત્યાગ કરી દીધો. ભાગવત સૂચવવા માગે છે કે કુપુત્રો સુખશાંતિપૂર્વક જીવવા તો નથી જ દેતા પણ મરવાયે નથી દેતા.

એ ઘટના પછી જ્ઞાની ગોકર્ણ તીર્થાટને નીકળી પડ્યો. એ સાચા અર્થમાં યોગનિષ્ઠ હોવાથી સુખદુઃખ, રાગદ્વેષ, લાભહાનિ તથા મિત્રશત્રુના વિરોધાભાસી ભાવોથી અને એમના પ્રભાવોથી પર હતો. યોગારૂઢ અથવા યોગનિષ્ઠ પુરુષ પ્રકૃતિના પરિવર્તનશીલ વિરોધાભાસી પ્રવાહોમાં આત્મજ્ઞાનનો આશ્રય લઇને એવી જ રીતે અલિપ્ત અથવા અચળ રહે છે. એનો આત્મા સર્વે પ્રકારની પરિસ્થિતિમાં ને સર્વે કાળ કે સ્થળમાં આત્માની અલૌકિકતાનો પરિત્યાગ નથી કરી શકતો.

ધુંધુકારી પાંચ વેશ્યાઓ સાથે ઘરમાં રહેવા લાગ્યો. એમના સંગમાં એની બુદ્ધિ નષ્ટ થવાથી એ અનેક પ્રકારનાં કુકર્મો કરવા માંડ્યો. એક દિવસ વેશ્યાઓએ એની પાસે ઘરેણાં માંગ્યા. એમની માગણીને સંતોષવા માટે એણે ઠેકઠેકાણે ચોરી કરીને એમને સુંદર વસ્ત્રો તથા આભૂષણો લાવી આપ્યાં. વેશ્યાઓ એથી પ્રસન્ન થઇને વિચારવા લાગી કે આ રોજ ચોરી કરતો લાગે છે. એક દિવસ એ ચોરી કરતાં પકડાશે ને પ્રાણદંડ પામશે. માટે ધનની સુરક્ષા માટે એને અત્યારથી જ મારી નાખીએ તો શું ખોટું ? એને મારી નાખીને ક્યાંક જતા રહેવામાં જ કલ્યાણ છે. એવું વિચારીને વેશ્યાઓએ નિદ્રાધીન ધુંધુકારીને દોરડાથી ગળું દબાવીને મારવાનો પ્રયત્ન કર્યો. પરંતુ એ પ્રયત્ન નિષ્ફળ જવાથી એના મુખ પર ભયંકર અંગારા નાખ્યા. એની વેદનાથી એ રીબાઇ રીબાઇને મૃત્યુ પામ્યો. એ પછી વેશ્યાઓએ એના મૃત શરીરને એક ખાડામાં દાટી દીધું.

એ હકીકતની ખબર કોઇને પણ ના પડી. કોઇક પૂછતું તો વેશ્યાઓ કહેતી કે આ વખતે તો અમારા પતિદેવ ધનોપાર્જનના પ્રયોજનથી પ્રેરાઇને ક્યાંક દૂર-સુદૂર જતા રહ્યા છે. એમને પાછા આવતાં એકાદ વરસ વીતી જશે.

વેશ્યાઓ ધુંધુકારીની સમસ્ત સંપત્તિ લઇને નાસી છૂટી. માહાત્મ્યકાર એ પ્રસંગને અનુલક્ષીને સૌને સાવધાન કરતાં કહે છે કે દુષ્ટ પ્રકૃતિની કુલટા સ્ત્રીઓનો વિશ્વાસ કદી પણ ના કરવો જોઇએ. જે એમનો વિશ્વાસ કરે છે તે દુઃખી થાય છે. એમની વાણી સુધામયી તથા કામીઓના હૃદયમાં રસનો સંચાર કરનારી પરંતુ એમનું હૃદય છરાની ધાર જેવું સુતીક્ષ્ણ કે નિર્દય હોય છે. એવી સ્ત્રીઓને મન કોણ પ્રિય હોય છે ? માહાત્મ્ય એ ભાવાર્થની અભિવ્યક્તિ કરતાં કહે છે :

स्त्रीणां नैव तुं विश्वासं दुष्टानां कार्येद् बुधः ।

विश्वासे यः स्थितो मूढः स दुःखैः परिभूयते ॥

सुधामयं वचो यासां कामिनां रसवर्धनम् ।

हदयं क्षुरधाराभ प्रियः को नाम योषिताम् ॥

      અધ્યાય પ, શ્લોક ૧૪-૧પ

પરંતુ ભાગવત માહાત્મ્યના એ સ્વાનુભવપૂર્ણ શબ્દો એકલી સ્ત્રીઓના સંબંધમાં જ સાચા ઠરે છે એવું થોડું જ છે ? પુરુષોને પણ એ એટલા જ પ્રમાણમાં લાગુ પડે છે. અહીં વેશ્યાઓનો પ્રસંગ ચાલતો હોવાથી પ્રકારાંતરે એમના સરખી સ્ત્રીઓના સ્વભાવનું વર્ણન કરવામાં આવ્યું છે એ સાચું છે પરંતુ સ્વાર્થરત, ઇન્દ્રિયલોલુપ, મોહાસક્ત પુરુષોને પણ એ વર્ણનમાંથી બાકાત નથી રાખી શકાય તેમ. પુરુષ હોય કે સ્ત્રી, જે મોહાંધ બને છે એના સંબંધમાં એ જ નિયમ લાગુ પડે છે.

ધુંધુકારી દુર્ગતિ પામ્યો ને પ્રેત બન્યો.

જે કુકર્મપરાયણ બને છે ને પાંચ ઇન્દ્રિયો તથા સ્પર્શ, શબ્દ, રૂપ, રસ ને ગંધ જેવા પંચ વિષયોમાં-પાંચ વેશ્યાઓમાં આસક્ત થાય છે તે બધી રીતે નાશ પામે છે. કામ ક્રોધ, સંમોહ, સ્મૃતિવિભ્રમ, બુદ્ધિનાશ અને સર્વનાશનાં જે ક્રમિક દુષ્પરિણામો વિષયસંગના પરિણામે આવે છે તેનું વર્ણન ગીતાના બીજા અધ્યાયમાં કરવામાં આવ્યું છે.

એવા વિપથગામી માનવો જીવતા પ્રેત જેવા મનાય છે.

ગોકર્ણે ધુંધુકારીના મૃત્યુના સમાચાર સાંભળીને ગયાજીમાં વિધિપૂર્વક શ્રાદ્ધ કર્યું. એ ઉપરાંત જુદાં જુદાં પવિત્ર તીર્થસ્થાનોમાં એના શ્રાદ્ધની વિધિ કરવાનો આગ્રહ રાખ્યો.

એમ કરતાં કરતાં એક વાર એ તુંગભદ્રાતટવર્તી પોતાના મૂળ નગરમાં પહોંચી ગયો ને કોઇને માહિતી ના મળે તેમ રાતને વખતે જઇને પોતાના ઘરના આંગણામાં સૂઇ ગયો.

એને સૂતેલો જોઇને ધુંધુકારીએ મધ્યરાત્રી થતાં પોતાનું ભયંકર રૂપ બતાવવા માંડ્યું. હાથીનું, પાડાનું, ઘેટાનું, ઇન્દ્રનું અને અગ્નિનું રૂપ ધારણ કરતાં કરતાં છેવટે એ મનુષ્યની આકૃતિમાં પ્રકટ થયો. એના વિપરીત રૂપોને વિલોકીને એને કોઇક દુર્ગતિપ્રાપ્ત જીવ જાણીને ગોકર્ણે એનો પરિચય પૂછ્યો અને એના સંબંધી માહિતી માગી તો એ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. ગોકર્ણે એની ઉપર મંત્રેલું પાણી છાંટયું ત્યારે એણે જણાવ્યું કે હું તારો ભાઇ ધુંધુકારી છું. મારા પોતાના જ દુષ્કર્મથી મેં મારા બ્રાહ્મણત્વનો નાશ કરી નાખેલો. મારાં દુષ્કર્મનો અંત નથી.

એણે પોતાના અંતકાળની સઘળી હકીકત સંક્ષેપમાં કહીને જણાવ્યું કે મને પ્રેતયોનિની પ્રાપ્તિ થઇ છે અને હું કેવળ વાયુભક્ષણ કરીને જ જીવી રહ્યો છું. તું કરુણા તથા સ્નેહનો સાગર હોવાથી તને વિજ્ઞપ્તિ કરું છું કે મારા પર અનુગ્રહની વૃષ્ટિ વરસાવીને મને આ દયનીય દશામાંથી વહેલી તકે મુક્ત કર તેમ જ શાંતિ ધર.

ધુંધુકારી વિધિપૂર્વકના ગયાક્ષેત્રના પિંડદાનથી ને જુદાં જુદાં તીર્થોના તર્પણથી પણ શાંતિ નહોતો મેળવી શક્યો. અને કેવી રીતે મેળવી શકે ? શાંતિ ને મુક્તિનો એકમાત્ર મંગલમય અમોઘ માર્ગ પરમાત્માની શરણાગતિ કે પ્રીતિનો છે, અને એમને સુદૃઢ કરવા માટે એમના સ્મરણ, મનન અથવા કથાશ્રવણનો છે. એનો આશ્રય લીધા સિવાય બંધનમુક્ત અને ક્લેશરહિત થવાનું અશક્ય છે.

ધુંધુકારીએ સ્પષ્ટતાપૂર્વક કહ્યું પણ ખરું કે ગયાક્ષેત્રનાં સેંકડો શ્રાદ્ધકર્મોથી પણ મારી મુક્તિ નહિ થઇ શકે. એને માટે તો કોઇ બીજો જ વધારે સારો, અત્યંત અસરકારક માર્ગ શોધી કાઢવો જોઇએ. એ સ્પષ્ટીકરણથી ગોકર્ણ વિચારમાં પડ્યો. એ કશા નિર્ણય પર ના પહોંચી શક્યો.

સવારે એના શુભાગમનના સમાચાર સાંભળીને બધા લોકો એકઠા થયા ત્યારે એણે રાત્રી દરમિયાન થયેલા આશ્ચર્યકારક અનુભવોની કથા કહી સંભળાવી. એ સાંભળીને સૌ વિચારમાં પડ્યા પરંતુ કોઇ નિર્ણય પર ના પહોંચી શક્યા. આખરે ભગવાન સૂર્યનારાયણની પ્રેરણાથી ગોકર્ણે ધુંધુકારીની મુક્તિ માટે શ્રીમદ્દ ભાગવત સપ્તાહપારાયણનો સંકલ્પ કર્યો.