Text Size

અસંગશસ્ત્રની અનિવાર્યતા

શ્રીમદ્ ભગવદ્ ગીતાના પંદરમા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને અને એની દ્વારા સમસ્ત જનસમાજને, એક નવા જ શસ્ત્રના ઉપયોગની ભલામણ કરી છે. એ વખતના, આજના અને સર્વકાળના સંસારને માટે એ શસ્ત્ર આમ અજાયબીમાં નાખી દે એવું અસરકારક, અવનવું તથા અનોખું છે. એ શસ્ત્ર કયું છે તે જાણો છો ? અસંગશસ્ત્ર. ભગવાન શ્રીકૃષ્ણે એને વાપરવાની ભલામણ કરતાં કહ્યું છે કે આ સંસારરૂપી વૃક્ષની શાખાઓ ઉપર અને નીચે બધે જ ફેલાયેલી છે. તે શાખાઓ પ્રકૃતિના ત્રણ ગુણોથી ફાલેફૂલે છે. એ વિશાળ સંસારવૃક્ષના આદિઅંતનો તથા રૂપનો તાગ સહેલાઈથી નથી મેળવી શકાતો. એનો પાર પામવાનું કામ અતિશય કપરું છે. કેવળ અસંગશસ્ત્રથી જ એ વૃક્ષનું છેદન કરી શકાય છે. માટે અસંગશસ્ત્રને ધારણ કરીને એને કાપવા કે નિર્મૂળ કરવા માટે તૈયાર થઈ જવું. અસંગશસ્ત્રથી સજ્જ થનારા વિવેકી પુરુષને એ વૃક્ષનો ભય નથી રહેતો.

પરંતુ અસંગશસ્ત્ર એટલે શું ?  માણસો કહેશે કે આ શસ્ત્ર તો તદ્દન નવું છે. આ શસ્ત્ર વિશે તો અત્યાર સુધી સાંભળ્યું જ ન હતું. બીજા ઘણાંયે શસ્ત્રોનાં નામ સાંભળ્યા છે પરંતુ આ શસ્ત્ર તો કોઈ જુદી જ જાતનું લાગે છે. ગીતાએ વળી આવું શસ્ત્ર ક્યાંથી કાઢ્યું ? બરાબર છે. શસ્ત્ર જુદી જ જાતનું એ સાચું છે છતાં પણ ખૂબ જ ઉપયોગી, આવશ્યક અથવા કિમતી છે, તેથી તેનો પરિચય કર્યા વિના નહીં ચાલે. તેની માહિતી મેળવવી જ પડશે. બીજા શસ્ત્રોની જેમ આ અસંગ-શસ્ત્ર કોઈ યુદ્ધભૂમિમાં લડવા માટે કામ લાગનારું બહારનું શસ્ત્ર નથી, પરંતુ તે અંદરનું શસ્ત્ર છે. એની ઉત્પત્તિ મનની અંદર જ થાય છે, અને મનની અંદર એનો વાસ હોય છે. કોઈ બહારની યુદ્ધભૂમિમાં નહી, પરંતુ અંદરની યુદ્ધભૂમિમાં જે સનાતન સંઘર્ષ ચાલ્યા કરે છે તેમાં લડવા માટે એ કામ લાગે છે. મનને દ્વંદ્વોથી મુક્ત કરે છે. અહંતા, મમતા અને આસક્તિના પાશમાંથી છોડાવે છે, શાંતિ આપે છે. પરમાત્મા-પરાયણ કરે છે. અને સંસારમાં રહેવા છતાં માણસના અંતરઆત્માને સંસારની પ્રવૃત્તિઓથી ખરડાવા નથી દેતું. માણસના મન અને અંતરને એ સંસારથી પર રાખે છે અને સંસારના સુખાસ્વાદમાં સંતૃપ્ત થઈને ભાન ભૂલીને બેસી રહેતાં બચાવે છે. એની આગળ એ જીવનની પૂર્ણતાના મૂળભૂત ને મહાન ધ્યેયને રજૂ કરે છે ને શક્તિ આપે છે. એ શસ્ત્રનો સમ્યક ઉપયોગ કરનારની દશા કેવી અનેરી થઈ જાય છે તે જાણો છો ? પેલા પ્રખ્યાત ભક્તકવિએ પોતાની આવી જ પ્રસિદ્ધ કાવ્યપંક્તિમાં કહ્યું છે કે, ‘અગ્નિને ઉધઈ ન લાગે, મહામણિને મેલ જોને’ તેના જેવી. અગ્નિને ઉધઈની અસર નથી ને મહામણીને મેલ નથી લાગતો ! તેવી રીતે એ શસ્ત્રના પ્રયોગમાં સિદ્ધહસ્ત થનાર પુરુષને સંસારનો મેલ નથી લાગતો અને સંસારની ઉધઈની અથવા તો વિકૃતિઓની અસર પણ નથી થતી. એ એમનાથી અલિપ્ત રહે છે.

ગીતાના બીજા અધ્યાયની ભાષામાં કહીએ તો એ સ્થિતપ્રજ્ઞ બની જાય છે. ગુરુ નાનક એવા પુરુષનો પરિચય આપતાં કહે છે કે,

અકલ કલા ખેલત નર જ્ઞાની,
જૈસે  નાવ ચલે ચારો  દિશ,
ધ્રુવતારા પર રહત નિશાની ... અકલ કલા ખેલત નર જ્ઞાની

પાણીમાં નાવ ફાવે ત્યાં ફરે છે, પરંતુ એનું નિશાન હંમેશા ધ્રુવ તારા તરફ રહેતું હોય છે. તેવી રીતે અસંગશસ્ત્રવાળો પુરુષ સંસારમાં રહીને અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરતો હોય તો પણ એનું લક્ષ્યસ્થાન એક ઈશ્વર જ રહે છે. એનું મન પરમાત્મામાં જ રહે છે. એની પ્રવૃત્તિઓ પરમાત્માની પ્રસન્નતાને માટે જ થતી હોય છે. એ સંસારના પદાર્થો કે વિષયોમાં બંધાઈ નથી જતો, મોહાંધ નથી થતો અને પોતાના જીવનધ્યેયનું તથા પરમાત્માનું વિસ્મરણ પણ નથી કરતો. એવું વિસ્મરણ એ કરી જ નથી શકતો. એ જાણે છે કે સંસાર ગમે તેવો આકર્ષક અને સુખદાયક હોવા છતાં સ્થાયી નથી, પરિવર્તનશીલ છે, અને એક દિવસ એમાંથી ચાલતી પકડવાની છે.

એટલે જીવનનો જે સોનેરી સમય મળ્યો છે તે સમય સંસારમાં ભાન ભૂલીને બેસી રહેવાને બદલે, પોતાના ને બીજાના હિત માટે જ વાપરવો જોઈએ. એવી ઊંડી ને સાચી સમજણથી પ્રેરાઈને તે પોતાની પ્રવૃત્તિઓનું ચક્ર ગોઠવતો હોય છે. અને કાર્યક્રમ પણ એને સહાયક થાય એવી રીતે જ યોજતો હોય છે. સંસારમાં તે જીવે છે અને વિવિધ વ્યવહારમાં ભાગ પણ લે છે, પરંતુ ભ્રાંત બનીને નહીં પણ તદ્દન તટસ્થ રહીને કે સાક્ષીરૂપ થઈને. જીવનના રહસ્યમય નાટકનો એ કુશળ છતાં સદાયે સાવધ અને અલિપ્ત અભિનેતા બની રહે છે. એનાં સારા-નરસા, સુખદ કે દુ:ખદ, અનુકૂળ કે પ્રતિકૂળ પાઠથી પ્રભાવિત થઈને એ ભાન નથી ભૂલી જતો. પરિણામે એ જીવનનો, જીવનના વ્યવહારનો ને સંસારનો સાચો આનંદ લૂંટી શકે છે, અને એનો લાભ લઈને પોતાનું સાર્થક્ય કરે છે.

આટલા સ્પષ્ટીકરણ પછીથી હવે અસંગશસ્ત્રનો અર્થ બરાબર સમજાઈ ગયો હશે. એ શસ્ત્રથી થતા લાભનો ખ્યાલ આવ્યો હશે, અને એ શસ્ત્રની ઉપયોગિતા પણ સમજાઈ હશે. અસંગશસ્ત્ર એ બીજું કોઈ શસ્ત્ર નથી પણ સંગદોષથી બચાવનારું અનાસક્તિનું શસ્ત્ર છે, તેની સ્પષ્ટતા કરવાની હવે બાકી નહીં રહી હોય. માણસ સંસારના જે પદાર્થો, વિષયો, પ્રસંગો તથા સંજોગોની અસર નીચે આવે છે એની સારી-માઠી છાપો એના પર પડ્યા કરે છે. એ છાપોની પ્રતિક્રિયા રૂપે એ સુખી-દુ:ખી પણ થતો હોય છે. સંકલ્પ-વિકલ્પ ને વાસનાથી યુક્ત બને છે અને બંધનોમાં બંધાય છે. હર્ષ ને શોક, અહંતા ને મમતા તથા રાગ અને દ્વેષ એને ઘેરી વળે છે. એનું નામ જ વિશાળ શાખાવાળો સુદૃઢ સંસાર. એ જેમ બહાર છે તેમ અંદર પણ છે. અંદર તો એનું મૂળ છે એમ કહીએ તો ચાલે. એ સંસારને નિરર્થક ને નહીંવત્ કરવાને માટે અસંગશસ્ત્રનો પ્રયોગ કરવાનો છે. એ શસ્ત્રના ઉપયોગમાં ક્રમે ક્રમે સિદ્ધહસ્ત બનવાનું છે. એવી સિદ્ધહસ્તતા પ્રાપ્ત કરીને સંસારના સંજોગો, પ્રસંગો, વિષયો ને પદાર્થોની પ્રતિક્રિયામાંથી મુક્તિ મેળવવાની છે. એ પ્રતિક્રિયા આપણને ચંચળ ના કરે, વ્યગ્ર ના બનાવે, આપણી માનસિક સ્વસ્થતા ને શાંતિનો નાશ ના કરી નાખે, અને જીવનના પુણ્યમય પ્રવાસમા અંતિમ આદર્શની વિસ્મૃતિ ના કરી દે એ જોવાનું છે. આટલી સિદ્ધિ થઈ જાય એટલે થયું.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

There is a sufficiency in the world for man's need but not for man's greed.
- Mahatma Gandhi