Text Size

ઈશ્વરના સાક્ષાત્કારની અનિવાર્ય આવશ્યકતા

ઈશ્વરનો સાક્ષાત્કાર કાંઈ એમનેમ થાય છે કે ? એને માટે સૌથી પહેલી, મૂળભૂત અથવા અનિવાર્ય આવશ્યકતા ઈશ્વરને માટેના પ્રબળ પ્રેમની છે. એવો પ્રેમ ના પ્રગટે ત્યાં સુધી ઈશ્વરનાં દર્શન કે સાક્ષાત્કારની આશા ના રાખી શકાય. એવો પવિત્ર, પ્રખર ને સતત પ્રેમ જ ઈશ્વરની પાસે પહોંચાડી શકે તેમ છે. એ પ્રેમનું સ્વરૂપ કેવું હોય છે તે જાણો છો ? અનિર્વચનીય. એટલે કે વાણીથી વ્યક્ત ના કરી શકાય તેવું. વાણી દ્વારા જે વ્યક્ત થાય છે એ તો એનો આછોપાતળો આભાસ જ હોય છે. ખરી રીતે તો એ અનુભવની વસ્તુ છે. એવો પ્રેમ પ્રગટે ત્યારે જ ધાર્યું કામ થઈ શકે.

પ્રેમનો પ્રવાહ મનુષ્યના જીવનમાં પેદા નથી થતો એવું થોડું છે ?  જીવનમાં પ્રેમનો પ્રવાહ પેદા તો થાય છે જ, પરંતુ એની દિશા જુદી હોય છે. જુદી એટલે કે સંસારિક. સાંસારિક વસ્તુઓને લક્ષ્ય કરીને પ્રેમનો એ પ્રવાહ હંમેશા પ્રબળમાં પ્રબળ રૂપે વહેતો હોય છે અને કેટલીકવાર તો આશ્ચર્યચક્તિ કરી નાખે એવી રીતે પણ વહેતો હોય છે. પ્રેમના એ પ્રબળ પ્રવાહને બાહોશ ઈજનેર બનીને ઈશ્વરની દિશામાં વાળવામાં આવે તો ઈશ્વરનો સાક્ષાત્કાર દૂર ન રહી શકે. પુરાણકાળમાં ભગીરથે સ્વર્ગલોકમાં વહેનારી ગંગાને પોતાના પિતૃઓના ઉદ્ધારની ઈચ્છાથી જેમ મૃત્યુલોકમાં વાળીને વહેતી કરી, તેમ ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાની તમન્નાવાળા પુરુષે પ્રેમની ગંગાને સંસારના વિવિધ વિષયોમાંથી પાછી વાળીને ઈશ્વર તરફ વહેવડાવવી પડશે. એ પ્રેમ જ્યારે ઉત્કટ બનશે ત્યારે એના પરિણામરૂપે વ્યાકુળતા પેદા થશે. ઈશ્વરના દર્શનને માટે અંતર અધીરું બનશે અને ઈશ્વર સિવાય બીજું કશું જ નહીં ગમે. અંતરની દુનિયામાં એવા ઉષ:કાલનો આવિર્ભાવ થવાથી ઈશ્વરના સાક્ષાત્કારરૂપી સૂર્યોદયને થતાં વાર નહી લાગે.

એ પ્રેમની કલ્પના કરવામાં મદદ મળે એ માટે એક નાનોસરખો દાખલો આપું. કોઈ વાર કોઈનો છોકરો ખોવાયો હોય છે ત્યારે છાપામાં જાહેરખબર આવે છે. એમાં આવી જાતનું લખાણ લખાયું હોય છે :

ચિ. ભાઈ જનાર્દન,

તું ઘરમાંથી કોઈને કશું કહ્યા વિના અચાનક ક્યાંક જતો રહ્યો છે, ત્યારથી તારી બા ખૂબ જ કલ્પાંત કરે છે. એણે ખાવા-પીવાનું પણ છોડી દીધું છે. મારી તબિયત પણ બગડી ગઈ છે અને મને ઊંઘ નથી આવતી. તો તું જ્યાં હોય ત્યાંથી તરત ઘેર પાછો આવી જજે. પૈસા જોઈતા હોય તો મંગાવજે. તું જતો રહ્યો એટલા માટે તને કોઈ ઠપકો નહિ આપે.

જોયું ને ? છોકરો ઘેરથી જતો રહ્યો છે, તેમાં માબાપની દશા કેટલી બધી કરૂણ થઈ ગઈ છે ? એમને રડવું આવે છે, ખાવાનું નથી ભાવતું અને ઊંઘ પણ નથી આવતી. સંસારનો પ્રેમ એવો છે એટલે એવું થાય એમાં કાંઈ આશ્ચર્ય નથી. એવી સ્થિતિ સાવ સ્વાભાવિક છે. પરંતુ પરમાત્માને માટે કોઈને એવો પ્રેમ થયો અને એવી જાહેરખબર આપવાનું કે, એવો પ્રેમપત્ર લખવાનું મન થયું ? એવી જાહેરખબર કદાચ કોઈ છાપું નહિ લે અને એવો પ્રેમપત્ર પણ કોઈયે પોસ્ટ-ઓફિસ પહોચતો નહિ કરી શકે : એ તો પોતાના અંતરમાં જ લખવો પડશે. છતાં પણ એને લિપિબદ્ધ કરવાની ઈચ્છા કોઈને થઈ ખરી ?  પરમાત્માને એવી રીતે કોણે પ્રેમપૂર્વક લખ્યું ને કહ્યું કે, હે મારા પ્રિયતમ પરમાત્મા !  ન જાણે કેટલાય વખતથી તમે મને છોડીને ચાલ્યા ગયા છો. તમે ગયા છો ત્યારથી મને શાંતિ નથી મળતી ને ચેન નથી પડતું. હું બેચેન બનીને ફર્યા કરું છું. મને ભોજન નથી ભાવતું ને ઊંઘ પણ નથી આવતી. તો મારી સ્થિતિનો વિચાર કરીને તમે જ્યાં હો ત્યાંથી મારી પાસે વહેલી તકે આવી પહોંચજો. તમે લક્ષ્મીના સ્વામી છો એટલે પૈસા મોકલવાનો તો પ્રશ્ન જ નથી. પરંતુ તમે આટલો વખત જતા રહ્યાં તેને માટે, જ્યારે મળશો ત્યારે ઠપકો નહિ આપું.

એવા પ્રેમ વિના ઈશ્વરનો સાક્ષાત્કાર કેવી રીતે થઈ શકે ?  મીરાં, રામકૃષ્ણ પરમહંસ ને ચૈતન્ય મહાપ્રભુમાં એવો પ્રેમ પ્રગટ્યો. બાકી સામાન્ય માણસે તો એની કલ્પના જ કરવાની રહે છે. એટલે એમનો સાક્ષાત્કાર પણ એને માટે કલ્પના જ રહે છે ને વાસ્તવિકતા નથી બનતી.

ધ્યાનની ઊંડી દશામાં પણ ઈશ્વરદર્શન થઈ શકે છે પણ તે અનૂભૂતિ માટે પણ ઈશ્વર તથા સાધનાને માટેનો ઉત્કટ પ્રેમ તો જોઈશે જ. તેના સિવાય મનોરથ સફળ નહિ જ થાય.

- શ્રી યોગેશ્વરજી

Comments  

0 #1 Jayesh R. Shukla 2013-07-09 15:23
પ્રભુ યોગેશ્વેરજીની અમૃતવાણીનો હું લાભાર્થી છું એ મારૂ સદભાગ્ય છે. જેમ-જેમ હું એમના ગ્રંથોનું વાંચન કરતો જાઉં છું તેમ-તેમ મારા પ્રશ્નોનું નિરાકરણ થતું જાય છે. પ્રભુદર્શનની ઝંખનાં મને છે જે વધુને વધુ પ્રબળ બને અને હું તે માટે લાયક બનું એવા આશીર્વાદ મળે એમ પ્રાર્થું છું. સૌ ભક્તોને એમનું લેખન-મનન-ચિંતન હમેશાં પ્રેરણા આપે જ છે એમાં કોઈ શંકા નથી. આપનો દિવાનો
- જયેશ શુક્લ॰ નિમિત્ત॰ ૦૯.૦૭.૨૦૧૩.મંગળ વાર॰

Today's Quote

To give service to a single heart by a single act is better than a thousand heads bowing in prayer.
- Mahatma Gandhi