Text Size

ગુરુની આવશ્યકતા છે કે નહીં ?

ગુરુની આવશ્યકતા છે કે નથી એ પ્રશ્ન કોઈ કોઈ સાધકને સતાવ્યા કરે છે. કોઈ કોઈ સાધક તરફથી એ પ્રશ્ન પૂછાય છે પણ ખરો. આમ તો એ પ્રશ્નમાં ના સમજાય એવું અટપટું કશું જ નથી, અને એ પ્રશ્ન એમને એટલો બધો ના સતાવત, પરંતુ એમને માટે એ સમસ્યા એટલા માટે ઊભી થઈ છે કે એમના પોતાના વિચારો સ્થિર નથી, અને કેટલાક નામાંકિત, પ્રમાણભૂત તેમજ વિશ્વસનીય પુરૂષો તરફથી એવા વિચારો વહેતા કરવામાં આવે છે કે ગુરૂની આવશ્યકતા બિલકુલ નથી. ગુરૂ આપણો ઉદ્ધાર કરી શકે તેમ નથી. માટે ગુરૂ કરવાનો કે કોઈને ગુરૂરૂપે માનવાનો કોઈ અર્થ નથી. પરમ સત્યનો પાવન પ્રકાશ માણસની અંદર છે, અને એને આખરે તો તે પોતાની અંદરથી જ પ્રાપ્ત થવાનો છે. એ પ્રકાશનું પ્રાગટ્ય કોઈ બીજું નથી કરાવી શકવાનું. માટે બાહ્ય ગુરુની ઈચ્છા રાખવી નકામી છે. માણસે પોતે જ પોતાના ગુરુ થવાનું છે.

એવા વિચારોના શ્રવણમનન તથા વાચનના પરિણામે એમના મનમાં હલચલ પેદા થાય છે ને ખળભળાટ મચે છે. એમની માન્યતા ને શ્રદ્ધાના પાયા હલવા માંડે છે. ગુરુ માટેની ઊંડી ભાવના કે લાગણી એમના દિલમાંથી મટતી નથી અને સાથે સાથે નામાંકિત તથા પ્રમાણભૂત કહેવાતા પેલા માન્ય ઉપદેશકોના ઉપદેશ પણ એમને ગળે જોઈએ એટલા પ્રમાણમાં નથી ઉતરતા, એટલે એમની દશા ત્રિશંકુ જેવી થઈ જાય છે. નથી એ ગુરુનો કે ગુરુ કરવાની ભાવનાનો ત્યાગ કરી શકતા કે નથી ગુરુમાં જેવી જોઈએ તેવી શ્રદ્ધા જાગૃત કરી શકતા. હિંચકાની પેઠે એમની ચિત્તવૃત્તિ ચંચળ બનીને આમતેમ ઝુલ્યા કરે છે ને સ્થિરતાને ધારણ નથી કરી શકતી. એવા માણસો શંકાશીલ બને, ભ્રાંતચિત્ત થાય, કિંકર્તવ્યવિમૂઢ બને અને કોઈ વાર અવસર આવતાં પોતાના આત્મસંતોષને માટે ગુરુની આવશ્યકતા છે કે નથી એવો પ્રશ્ન પૂછે અને પ્રશ્નના ઉત્તરની આશા રાખે એ તદ્દન સ્વાભાવિક છે.

આપણે ત્યાં પ્રગતિવાદ અથવા તો આધુનિકતાને નામે હમણાં હમણાં જે નવો પવન વાવા માંડ્યો છે એની એક મોટી ખાસિયત એ છે કે તે જૂનાનો સદંતર વિરોધ કરે છે અને એને ઠેકાણે નવું આવવું જોઈએ એવો આગ્રહ રાખે છે. જૂના વિચારો, રિવાજો, સિદ્ધાંતો, ગ્રંથો અને જૂની વ્યવસ્થાઓ તથા સંસ્થાઓ તેને માન્ય નથી, માટે તેમને ઉખેડી નાખીને કે નિર્મૂળ કરીને નવાની સંસ્થાપના કરવાનો તે આગ્રહ રાખે છે. જૂનું તેટલું બધું સોનું છે - એવું કહેવાનો આપણો આશય નથી. જૂનામાં ક્યાંય કંચન હોય તો ક્યાંય કથીર પણ હોય; ક્યાંક પવિત્ર પારદર્શક પાણી હોય તો ક્યાંક તેના પર જામી ગયેલી લીલ પણ હોય; ક્યાંક પ્રજ્વલિત પાવક હોય, ક્યાંક કેવળ તણખા હોય તો ક્યાંક રાખ પણ હોય; એમાં અવલોકન, સંશોધન ને સુધારણાને અવકાશ હોઈ શકે. એ માટેનો પ્રમાણિક પ્રયાસ આવકારદાયક ને સ્તુત્ય પણ કહેવાય. તેને બદલે જૂનું બધું કથીર છે, માલ વગરનું છે, ઉપેક્ષા કરવા યોગ્ય કે કાઢી નાખવા જેવું છે, તથા એ જૂનું છે માટે જ એનો વિરોધ કે ઉપહાસ કરવા જેવો છે એવું નક્કી ને જડ વલણ અખત્યાર કરવામાં આવે, અને એને જ પ્રગતિવાદ અથવા આધુનિકતાની નિશાની માનવામાં આવે ત્યારે એવા વલણ સાથે આપણે સંમત ના જ થઈ શકીએ અને એવી આધુનિકતાને અંજલિ પણ ના આપી શકીએ. જૂના અને નવા બંનેનો વિચાર પોતાની બુદ્ધિથી કરવો જ પડશે. જૂનામાં બધું સારું ના લાગતું હોય તો બધું ખરાબ પણ નથી અને એવી જ સ્થિતિ નવાની પણ છે. એમાં પણ સારા-નરસાનું સંમિશ્રણ જ છે. એટલે બંનેની બાબતમાં હંસક્ષીરન્યાયને કામે લગાડવો પડશે. જૂનાને ખાતર જૂનાનો આગ્રહ અથવા અસ્વીકાર અને નવાની ખાતર જ નવા પ્રત્યે સૂગ કે શ્રદ્ધા - એ બંને પ્રકારના ભયસ્થાનોમાંથી બચવાનું છે.

એક બીજી વાતનો ઉલ્લેખ કરી લઉં ? જેને પ્રાચીન કહેવામાં આવે છે તે વિચારો, ભાવો, માન્યતાઓ, સિદ્ધાંતો, સંસ્થાઓ ને વ્યવસ્થાઓની પાછળ અનુભવનું પીઠબળ છે. આટલાં બધાં વરસો સુધી તે જીવંત છે તેનું કારણ કેટલાક કહે છે તેમ કેવળ પરંપરા, રૂઢિ કે અંધશ્રદ્ધા નથી, કિન્તુ તેમની પોતાની તર્કબદ્ધતા, શક્તિ ને સંગીનતા છે. એટલે તો વારંવારના વિરોધ છતાં એ આજે પણ જીવંત છે. તેમને સહાનુભૂતિથી સમજવાની કોશિશ કરવાને બદલે કાંઈક નવું કહી કે કરી નાખવાની ધૂન કે લગનમાં તેમનો વગર વિચાર્યે વિરોધ જ કર્યા કરશો તો તેમને ધારો છો તેમ ઉખેડીને ફેંકી તો નહીં જ શકો, પરંતુ લોકોના મહામહેનતે ઊભા કરેલા વિશ્વાસને હલાવી નાંખશો અને નુકશાન પહોંચાડશો એ તો નક્કી જ છે. લોકોને જ્યાં સુધી કોઈ નવી ને સારી વ્યવસ્થા નહીં આપો ત્યાં સુધી જૂનાના અંત આણવાના કામમાં તમને સફળતા નહિ જ મળે. તમારી એવી પ્રવૃત્તિથી વિશેષ હેતુ પણ નહિ સરે.

ગુરુની આવશ્યકતાનો સ્વીકાર પૂરતા ચિંતનમનન અને અનુભવ પછીથી થયેલો છે. આત્મિક ઉન્નતિની અભિલાષાવાળી વ્યક્તિને ગુરુની આવશ્યકતા છે જ. ખાસ કરીને યોગમાર્ગમાં તો ગુરુ વિના ચાલે જ નહીં. ગુરુ વિના માર્ગ કોણ બતાવશે ? ઉત્સાહ કોણ આપશે ? ગૂંચ કોણ ઉકેલશે ? અને મંઝીલ પર પહોંચવાનું પીઠબળ કોણ પૂરું પાડશે ? મોટાભાગના માણસો ગુરુની મદદ વિના ભાગ્યે જ આગળ વધી શકશે. તેનાથી ડરવાનું ને તેનો વિરોધ કરવાનું શું કામ છે ? તે તો પિતાતુલ્ય છે, માયાળુ માતા છે, મિત્ર છે અને માર્ગદર્શક છે. ગુરુની સંસ્થામાં કોઈ દોષ દેખાતા હોય તો તેમને દૂર કરવાનો પ્રયાસ જરૂર કરો. પરંતુ ગુરૂનો અથવા એની પાછળની લોકોપયોગી ભાવનાનો વિરોધ કદાપી સફળ નહિ થઈ શકે.

જીવનમાં એવો તબક્કો પણ આવશે જ્યારે બાહ્ય ગુરુની જરૂર નહિ રહે. પરંતુ તે ક્યારે ? મન જ્યારે નિર્મળ ને સાત્વિક બનશે અને ઈન્દ્રિયોનો સંયમ સહજ થશે ત્યારે એવું મન માર્ગદર્શકનું કામ કરી શકશે. હૃદયની શુદ્ધિ સધાતાં અંદર રહેલા ઈશ્વર સાથે સંબંધ બંધાશે અને ઈશ્વરની પ્રેરણા તથા ઈશ્વરનું પથપ્રદર્શન પ્રાપ્ત થશે. શુદ્ધ થયેલું હૃદય અને એમાં રહેલો ઈશ્વરી પ્રકાશ જ પછી ગુરુનું કામ કરશે. એવા વિશાળ અર્થમાં કહી શકાય કે માણસ પોતે જ પોતાનો ગુરુ થઈ શકશે.

કવિ દયારામે ગાયું પણ છે કે

"મન તણો ગુરુ મન કરીશ તો તો સાચી વસ્તુ જડશે,
દયા, દુઃખ કે સુખ માન પણ સાચું કહેવું પડશે."

પરંતુ એવી ઊંચી ભૂમિકા પર પહોચેલા સાધકો કેટલા ? આંગળીના વેઢા ગણી શકાય એટલા પણ ભાગ્યે જ મળી શકે. વધારે ભાગના લોકો તો હજુ તદ્દન પ્રાથમિક દશામાં, આરંભની ભૂમિકામાં જ જીવી રહ્યા છે. તે પોતાના પ્રકાશદાતાને ઝંખે છે. માર્ગદર્શકની માંગણી કરે છે. શ્રદ્ધાસ્પદને માટે શ્રદ્ધાભક્તિથી પ્રાર્થના કરે છે. આગળ વધવાની ઈચ્છા રાખે છે. પરંતુ પ્રગતિનો સાચો ને સ્પષ્ટ ખ્યાલ ના હોવાથી આગળ નથી વધી શકતા. કોઈ આગળ વધ્યા છે તો કોઈ ક્યાંક અટકી પડ્યા છે. એવા બધાને ગુરુની જરૂર રહેવાની જ. તે બહારના ગુરુને બદલે અંદરના અથવા મનના ગુરુ નહિ કરી શકવાના. એવી રીતે વિકાસ પણ નહિ કરવાના. એટલે તો મનના ગુરુ માટેની ભલામણ કરનાર દયારામને પણ બહારના ગુરુ કરવા પડેલા. પહેલા બહારના ગુરુ, પછી અંદરના. બહારના ગુરુમાં શ્રદ્ધાભક્તિ રાખનારે અંદરના ગુરુનો સંબંધ છેવટે તો કરવાનો રહેશે જ. એવો સંપર્ક સાધી ચૂકેલા કોઈક ગણ્યાંગાંઠ્યા ઉન્નતિના રાજમાર્ગ પર આગેકૂચ કરવા માગતા બીજા જીવોને તો બાહ્ય ગુરુની આવશ્યકતા રહેશે જ રહેશે. એમાં કાંઈ ખોટું પણ નથી.

- શ્રી યોગેશ્વરજી

Comments  

0 #1 Pushpa R Rathod 2010-07-25 11:46
ગુરુ એટલે શાંતિથી સમજો વિચારો, એનું હકિકતમાં આચરણ કરો. હૃદયથી, શ્રદ્ધાથી, આસ્થાથી જાણો અને વહેવારમાં લાવો. પછી ખબર પડશે કે માણવા કરતા જાણવા વધુ મહત્વનું છે. ફકત ગુરુને આક્ષેપ કરવા કરતા ચેલા પણ સત્ય વફાદાર સરળ મહત્વકાંક્ષી કે પુર્ણ સમર્પણની સાથે હૃદયનો અવાજ શું છે એ પણ જાણો. સંપૂર્ણ જીવન શું છે ? કે જેનાથી મૃત્યુથી પણ નિર્ભય બનો. તો સ્વસ્થ રીતે જશો અને કુદરતથી પ્રેમ મેળવશો. તો જ જિંદગી આનંદથી માણી શકશો.

Today's Quote

Be not afraid of growing slowly, be afraid only of standing still.
- Chinese Proverb