Text Size

જીવનધોરણ

આજુબાજુ બધે જ અને કેટલાય વખતથી જીવનધોરણને ઉપર લાવવાની કે સુધારવાની વાતો ચાલે છે. જીવનધોરણને ઉપર ઉઠાવવાની વાતની પાછળનો મુખ્ય અને એકમાત્ર આશય માનવ ભૌતિક રીતે સમૃદ્ધ બને અથવા સંપત્તિશાળી થાય તે છે. માનવ પોતાના જીવનની જરૂરિયાતોને સુચારુપે પહોંચી વળે, પુરી કરે કે સંતોષે, એ ઈચ્છવા યોગ્ય છે અને જીવનધોરણને ઉપર ઉઠાવવામાં કે ઊંચે લાવવામાં એને માટેનો આગ્રહ કામ કરે છે. છતાં પણ જીવનધોરણને ઊંચું લાવવાની પાછળ જે ભૌતિક અને કેવળ ભૌતિક ભાવના સેવવામાં આવે છે તે બરાબર નથી. માનવ ભૌતિક રીતે સુખી, સમૃદ્ધિશાળી અને સંપત્તિમાન બનશે તો પણ જો માનવતાની દૃષ્ટિએ, નૈતિક અથવા માનવીય મૂલ્યોના આવિષ્કાર, સંરક્ષણ તથા સંવર્ધન દ્વારા આગળ નહિ વધે એટલું જ નહિ પરંતુ પાછળ રહેશે તો એના જીવનને આદર્શ નહિ બનાવી શકે. જે સમાજમાં એ શ્વાસ લે છે તે સમાજની સુખશાંતિ કે સમુન્નતિ પણ નહિ સાધી શકે. એટલે જીવનધોરણને ઉપર ઉઠાવવાની વાત કરતી વખતે કેવળ ભૌતિક નહિ પરંતુ માનવીય રીતે પણ જીવનનું સ્તર ઉપર ઊઠે તેનું ધ્યાન રાખવું જોઈએ અને મહત્વ માનવું જોઈએ.

માણસ ભૌતિક રીતે વૈભવી, ઐશ્વર્યશાળી અથવા સંપન્ન બને પરંતુ અસત્યપરાયણ હોય, છળકપટ કરતો હોય, વિશ્વાસઘાતી હોય, સ્વાર્થ-અહંતા-મમતા-શોક-વાસના-લાલસા તથા ભયથી ભરપૂર હોય તો એ જીવનના ધોરણ કે સ્તરને ઉચ્ચ ના કહી શકાય. એવા એકાંગી જીવનધોરણની ભલામણ અથવા પ્રશંસા પણ ના કરી શકાય. એવું જીવન કોઈનું કલ્યાણ ના કરી શકે. છતાં પણ એવા માનવીય જીવનધોરણને સુધારવા અને ઉપર ઉઠાવવાની સ્મૃતિ સરખી પણ નથી કરાવવામાં આવતી અને બધું જ ધ્યાન, એકમાત્ર સાંસારિક સમૃદ્ધિ જ સર્વ કાંઈ હોય એમ માની એની પર જ કેન્દ્રિત કરવામાં આવે છે. પરિણામે જીવનને સમૃદ્ધ અને સંપત્તિશાળી બનાવવા જેટલા પ્રયત્નો કરવામાં આવે છે તેટલા પ્રયત્નો સદબુદ્ધિ, સદવિચાર અથવા સદભાવ અને સત્કર્મની અભિવૃદ્ધિને માટે નથી કરવામાં આવતા. મોટાભાગના માનવો એને લીધે માનવીય અને નૈતિક વિકાસથી વંચિત રહી જાય છે. એમને એવા જીવનવિકાસની જેવી જોઈએ તેવી સ્મૃતિ નથી રહેતી. સંસારના સ્વરૂપને છે એના કરતાં સુંદર, સ્વચ્છ, સુધામય અને સુખસભર બનાવવું હોય તો ભૌતિક અને માનવીય જીવનસ્તરને ઉપર ઉઠાવીને માનવને માનવીય મૂલ્યોથી મંડિત કરવાના પ્રયત્નો કરવાની આવશ્યકતા છે.

જીવનધોરણના એ બંને શિખરો સર કરવાથી જીવનનું સાચું શ્રેય સાધી શકાશે. આજે આપણે અન્નમોરચે કટોકટીની વાત કરીએ છીએ. એક વ્યક્તિ પાસે અન્નની અધિકતા હોય છે છતાં બીજી અન્નની આવશ્યકતાવાળી વ્યક્તિને માટે એનું અન્ન કામ લાગતું નથી. અન્ન સડી કે બગડી જાય છે, એને નાખી દેવામાં આવે છે, તો પણ આવશ્યકતાવાળાને માટે નથી વપરાતું. જેની પાસે વસ્ત્ર, ધન, પદ અને અધિકાર છે એ બીજાને ઉપયોગી થવાની કોશિશ નથી કરતા. એને લીધે એક પ્રકારની ખોટી કટોકટી પેદા થાય છે ને બીજા મુસીબતમાં મુકાય છે. એનું કારણ ચારિત્ર્યની કટોકટી - Crisis of character - હોય છે. એટલે કોઈ પણ પ્રજાને સાચા અર્થમાં સ્વસ્થ, સુખી અને શક્તિશાળી કરવા માટે એને સાંસારિક સંપત્તિથી અને જીવનોપયોગી આવશ્યકતાઓથી સંપન્ન કરવાની સાથે સાથે એની અંદર માનવતાના મૂલ્યોને વિકસાવીને એને પરહિતકારક બનાવવાની આવશ્યકતા છે. એવાં પરહિતકારક માનવતામંડિત માનવો ભૂખે રહીને પણ બીજાને પોતાનું ભોજન આપશે, પરહિતને માટે જ જીવશે, પદ-પ્રતિષ્ઠા-સત્તા-લક્ષ્મીની લાલસામાં નહી પડે, પ્રલોભનોથી નહીં ડગે, કર્તવ્યનિષ્ઠ રહેશે, ને કોઈ સ્થળે, કોઈ કારણે, દાનવતાના શિકાર નહી બને. જીવનનું ધોરણ એકલી લક્ષ્મી તથા સંપત્તિથી ઊંચું નથી આવતું. સદવિચાર, સદભાવ તથા સત્કર્મથી ઊંચું આવી શકે છે, એ યાદ રાખીએ તો આપણને ને બીજાને લાભ થાય. દેશમાં દેખાતી ચારિત્ર્યની કટોકટી - Crisis of character - દૂર થાય. દેશને એકલાં શસ્ત્રો, એકલી સેના અને સાંસારિક સમુન્નતિ રક્ષી ને સુદૃઢ નથી બનાવી શકતાં. એની ચારિત્ર્યશીલ પ્રજા જ સુરક્ષિત અને શક્તિશાળી બનાવતા હોય છે.

- શ્રી યોગેશ્વરજી

Comments  

0 #1 Mahesh Shastri 2009-10-28 15:34
bahu saras.

Today's Quote

It is easy to be friendly to one's friends. But to befriend the one who regard himself as your enemy is the quientessence of true religion. The other is mere business.
- Mahatma Gandhi