Text Size

ગ્રામસુધારણા

ભારતની ભૂમિ ખેતીપ્રધાન છે. એના મોટાભાગના માનવો શહેરોમાં નહિ પરંતુ ગામડામાં વસે છે. મોટાભાગની વિશાળ વસ્તીને ગ્રામજીવન સાથે જ વધારે કામ પડે છે. એટલે દેશના સર્વાંગિણ વિકાસની કે વિશાળ હિતની કોઈ પણ યોજના બને એમાંથી ગામડાંઓ અને ગ્રામપ્રજા કેવી રીતે બાકાત રહી શકે ? એવી યોજના-ગ્રામજીવન પ્રત્યે દુર્લક્ષ કરનારી યોજના-ને વિકાસની પરિપૂર્ણ, ત્રુટિરહિત વિકાસયોજના ના કહી શકાય. દિન-પ્રતિદિન એવી ફરિયાદ સાંભળવામાં આવે છે, અને એ ફરિયાદ એકદમ અકારણ અને આધાર વિનાની નહિ જ હોય કે વિકાસ યોજનાનું લક્ષ્ય મોટેભાગે શહેરો હોય છે અને ગામડાં એનાથી વંચિત રહી જાય છે. ગામડામાં સ્વાવલંબી, સ્વમાની, સ્વસ્થ જીવનનિર્વાહની શક્યતાઓ અલ્પ હોવાથી અને શહેરોમાં એની અધિકતા હોવાને લીધે અને કેટલાંક અન્ય કારણોને લીધે, ગામડાં દિન-પ્રતિદિન તૂટતાં જાય છે ને શહેરોના વિસ્તાર તથા વસવાટમાં વૃદ્ધિ થાય છે. આપણા રાષ્ટ્રને શક્તિશાળી, સમૃદ્ધ, સુખી, સશ્યશ્યામલ કરવા માટે આપણે ગામડાંના, એની સાથે સંકળાયેલા ખાતરના, ખેતીના, પાણીના, વિજળીના ને પશુપાલનના પ્રશ્નોને લક્ષમાં લઈને એમના સંતાષકારક સર્વદિશીય, સર્વાંગિણ સમાધાન માટે આયોજન કરવું જોઈએ. ગ્રામપ્રજાની સુખાકારી, શાંતિ ને સમૃદ્ધિ માટે એમની પોતાની અંદર જાગૃતિ પેદા કરવી જોઈએ. ગ્રામપંચાયતો અને અન્ય એવા રાજકીય તથા સાંસ્કૃતિક માધ્યમો દ્વરા એમને ઉપયોગી થવાની અને એમના જીવનને અધિકાઅધિક સ્વચ્છ, સુશિક્ષિત, સુસંસ્કૃત, સમૃદ્ધ ને સુખમય કરવાની પ્રવૃત્તિઓ આદરવી જોઈએ.

ભારતનાં લાખો કરોડો ગામડાંઓ, ગ્રામજનો અને એમના અનેકવિધ પ્રશ્નો પરત્વે આપણે ઉદાસીન નથી. ‘જય જવાન જય કિસાન’ના ઉદગારો એમના સૂચક છે. ભારત એના ગામડાઓમાં પણ વસે છે, એ આપણે જાણીએ છીએ. એ ગામડાંના વિકાસનું ધ્યાન આઝાદી પછી રાખવામાં આવ્યું છે. એમાં ક્યાંય ત્રુટિઓ અને અપૂર્ણતાઓ રહી ગઈ હોય તો એ ત્રુટિઓ અને અપૂર્ણતાઓનો અંત આણવાનો પ્રામાણિક પ્રયત્ન વીસ મુદ્દાના અભિનવ કાર્યક્રમ દ્વારા કરવામાં આવ્યો છે. એ કાર્યક્રમ દ્વારા ગામડાંઓને ને ગ્રામપ્રજાના પ્રશ્નોને કેટલી બધી અગ્રિમતા આપવામાં આવી છે, એનું અનુમાન તો એટલા પરથી જ કરી શકાશે કે વીસ મુદ્દાના એ કલ્યાણ કાર્યક્રમમાંના પ્રથમ ૨ થી ૯ જેટલા મુદ્દા એને જ મળતા છે. એટલે એ કાર્યક્રમ મોટેભાગે ગ્રામસુધારણાનો સુયોજિત કાર્યક્રમ છે, એવું અતિશયોક્તિ વિના કહી શકાય.

એ મુદ્દા આ રહ્યાઃ

૧. ખેતીની જમીન પર ટોચમર્યાદાનો અમલ અને વધારાની જમીનની ઝડપી વહેંચણી. જમીનને લગતા દફતરનું સંકલન.
૨. ભૂમિહીનો તેમજ ગરીબ વર્ગને વસવાટની જમીન આપવાની જોગવાઈઓમાં ઝડપ.
૩. વેઠની પ્રથાની સમાપ્તિ.
૪. ગ્રામકરજ ફેડવાની યોજના. ભૂમિહીન ખેતમજૂરો, નાના ખેડૂતો તથા કારીગરોના વસૂલાતની મોકુફી.
૫. લઘુત્તમ - ઓછામાં ઓછા ખેતમજૂરીના કાયદાઓની ફેરવિચારણા.
૬. વધુ પચાસ લાખ જમીન સિંચાઈ હેઠળ લાવવાની વાત. ભૂમિગત જળના ઉપયોગ માટેનો રાષ્ટ્રીય કાર્યક્રમ.
૭. વિદ્યુતવેગી વિદ્યુત કાર્યક્રમ, કેન્દ્રના નિયંત્રણ હેઠળના સુપર થર્મલ સ્ટેશન.
૮. હાથશાળ ક્ષેત્રના વિકાસ માટે નવો વિકાસ કાર્યક્રમ.

યોજના કાગળ પર ગમે તેટલી આકર્ષક, અવનવી ને પ્રેરણાત્મક હોય, પરંતુ એનો અમલ કરવામાં ન આવે તો એ સાકાર, સફલ કે સાર્થક ના બની શકે. આવશ્યકતા અને અનિવાર્ય આવશ્યકતા એના અમલની છે. એને માટે લાગતાવળગતા સૌએ કટિબદ્ધ બનવાનું છે. એ યોજનાને અનુસરવામાં આવશે તો ગામડાં નંદનવન બનશે અને શહેરો તરફની દોટ ઘટવા માંડશે. ખેડૂતો ને ખેતમજૂરો ઋણમુક્ત ને સુખી બનશે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

It is easy to be friendly to one's friends. But to befriend the one who regard himself as your enemy is the quientessence of true religion. The other is mere business.
- Mahatma Gandhi