Text Size

દહેજપ્રથા

દહેજપ્રથાનો અંત આણો. પૈઠણ, કરિયાવર, દહેજ ગમે તે નામથી ઓળખાતી ને ચાલતી એ કુપ્રથાનો અંત આણો. વરવિક્રય કે કન્યાવિક્રય-લગ્નને નામે કરવામાં આવતા ગમે તેવા વિક્રયને દુર કરો. લગ્નને આવશ્યકતા, કર્તવ્ય, ફરજ અને પ્રભુતામાં પગલાં પાડનારી પવિત્ર પ્રકિયાને બદલે વ્યાપાર, સ્વાર્થસિદ્ધિ તથા બદલો લેવાના વ્યવસાયમાં પલટાવનારી, એના મૂળભૂત ગૌરવને હણનારી, અને એનું અસાધારણ અપમાન કરનારી એ પ્રથા પર પ્રતિબંધ મૂકો. એના પ્રતિકૂળ પરિણામોથી વર-કન્યાની અને લાગતાવળગતા સૌની રક્ષા કરો. ચારેકોરથી એવો અવાજ ઊઠી રહ્યો છે. એ એક સારો, આદરપાત્ર, અપનાવવા જેવો અવાજ છે.

એવાં કેટલાય કુટુંબો છે જે દહેજમાં કે કરિયાવારમાં મોટી રકમ આપવી પડતી હોવાથી પોતાની યુવાન પુત્રીઓને પરણાવી નથી શકતા. વરપક્ષ તરફથી લગ્ન માટે અથવા કહો કે લગ્નની ફી રૂપે હજારોની રકમ માંગવામાં આવે છે. જે ગમે તેમ કરીને, દેવાદાર બનીને પણ એટલી રકમ આપે છે, એમની કન્યાઓનાં લગ્નજીવન પણ સુખી બને છે એવું નથી હોતું. એમને દર વર્ષે કાંઈ ને કાંઈ ઉમેરો કરવો જ પડે છે, ને કેટલાય કિસ્સાઓમાં વધારે ને બીજી રકમ મેળવવાની મહેચ્છાથી પ્રેરાઈને વરરાજા બીજી, ત્રીજી ને ચોથી વાર લગ્ન કરવા તૈયાર થાય છે. લગ્ન એમને માટે આજીવિકાનું કે મોજશોખનું સાધન બને છે. એથી ઊલટું કેટલેય ઠેકાણે વરવિક્રય થતા હોય છે અથવા વરરાજાને ખરીદવામાં આવતા હોય છે. લગ્નના ઉમેદવાર બનવાની ઈચ્છાવાળા યુવક પાસેથી કન્યાપક્ષ તરફથી મોટી રકમોની અને અન્ય સામગ્રીઓની માંગણી કરવામાં આવે છે. એને લીધે  યોગ્યતાવાળા કેટલાય ગરીબ યુવકોને અનિચ્છાએ અવિવાહિત જીવન જીવવું પડે છે. કેવળ લક્ષ્મી કે સંપત્તિને જોરે જ કેટલાય આર્થિક રીતે પછાત વર્ગોનો ગેરલાભ લઈને લગ્ન કરી શકે છે.

કન્યા કે વરપક્ષ તરફથી લગ્નની વિધિને અનુસરીને પોતપોતાની શક્તિ અથવા સાધનસંપત્તિની મર્યાદામાં રહીને પોતાના પુત્ર કે પોતાની પુત્રીના વર્તમાન અને ભાવી જીવનને સરળ, સુખી ને સમૃદ્ધ કરવા સ્વેચ્છાનુસાર ચોક્કસ સહાયતા કરવામાં આવે એ વાત જુદી છે અને એમની લાચારી કે ગરજનો ગેરલાભ લઈને વરકન્યાના બજારુ વસ્તુની પેઠે ભાવ નક્કી કરવામાં આવે અને એમને વસુલ કરવાનો યેનકેન પ્રકારેણ આગ્રહ સેવવામાં આવે એ વાત તદ્દન જુદી, ઉત્તેજન નહીં આપવા જેવી અને વિપરિત છે. એનો અંત આવવો જ જોઈએ. વાસ્તવિક રીતે વિચારીએ તો અત્યાર સુધી કેટલાંય સુશિક્ષિત સ્ત્રી-પુરુષોએ એની સામે વિરોધ ઉઠાવ્યો છે અને કેટલાય જ્ઞાતિમંડળોએ એનો નવા નિયમો દ્વારા અંત આણ્યો છે. છતાં પણ દેશ વિશાળ અને એની વસ્તી પણ વિરાટ છે, એ દૃષ્ટિએ જોતાં એ દિશામાં વધારેને વધારે સુધારાને માટે અવકાશ છે. એ કુપ્રથાથી મુક્ત મંડળો કરતાં એ પ્રથાથી યુક્ત મંડળો વધારે છે.

ગયે અઠવાડિયે જ એક ભાઈ મારી પાસે આવીને રડવા લાગ્યા ને બોલ્યા કે વરપક્ષ તરફથી મોટી રકમની માંગણી કરવામાં આવે છે. મારાથી એટલી રકમ આપી શકાય તેમ નથી. એથી મારી પુત્રીનું લગ્ન અશક્ય થઈ ગયું છે. પુત્રીએ નિર્ણય કર્યો છે કે હું પૈસા આપીને લગ્ન નહીં કરું. એના કરતાં કુંવારી રહીશ. સુશિક્ષિત છું તો કમાઈને નિર્વાહ કરીશ.

મેં કહ્યું તો એમાં ખોટું શું છે ? રડવાનું શું છે ? એ કન્યાને ધન્યવાદ ઘટે છે.

દહેજપ્રથાનો અંત કોણ આણે ? એવી સંસ્કારી, સુશિક્ષિત, સ્વમાની યુવતીઓ અને એવા યુવકો, સંકલ્પ કરે કે ધનને આપીને કે લઈને લગ્ન નહીં કરીએ. જ્ઞાતીમંડળો, પંચાયતો, સાંસ્કૃતિક મંડળો, રોટરી - લાયન જેવી ક્લબો અને સત્સંગ મંડળો પોતપોતાના સભ્યો અને શુભેચ્છકો માટે એના નિયમો કરે. શિક્ષણ સંસ્થાઓ, વર્તમાનપત્રો, લેખકો, સેવકો સૌ એને માટે લોકમતને તૈયાર કરે. તો દહેજના એ અસાધારણ અનિષ્ટનો અંત આણવાનું કામ અશક્ય નહીં રહે. યુવક-યુવતીઓએ એને માટે જાગૃત બનવાની આવશ્યકતા છે. દહેજપ્રથાનો લાભ લેનાર તથા પોષનારનો સામાજીક બહિષ્કાર કરવો જોઈએ.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

In the practice of tolerance, one's enemy is the best teacher.
- Dalai Lama