Text Size

શ્રાવણી

તહેવારોના બીજા લાભો તો અનેક છે. પરંતુ એમણે રાષ્ટ્રીય સંસ્કૃતિની અખંડિતતા અને સુરક્ષિતતાને અક્ષય રાખવામાં કેટલો બધો મહત્વનો સહયોગ પ્રદાન કર્યો છે એ ખાસ વિચારવા જેવું છે. એમણે પ્રદેશના, દિશા-પ્રદિશાના કે કાળના, ભાષાના, મતમતાંતરના, વેશભૂષાના ને સભ્યતાવિષયક પરંપરાગત આચારવિચારના બાહ્ય ભેદભાવોને ભૂંસી નાખીને કે ગૌણ કરીને રાષ્ટ્રીય એકતાની દૈવી દૃષ્ટિનું સર્જન ને સંવર્ધન કરવામાં જે મહત્વનો ફાળો આપ્યો છે એ અતિશય અમુલખ છે. વરસોથી એમણે પ્રત્યક્ષ કે પરોક્ષ, જ્ઞાત કે અજ્ઞાત રીતે, એ દિશામાં કાર્ય કર્યું છે. શ્રાવણીના પવિત્ર પર્વનો જ વિચાર કરો, એ પર્વનો ઉત્સવ ઉત્તર-દક્ષિણ-પૂર્વ ને પશ્ચિમ સર્વત્ર થાય છે. બધા જ પ્રદેશની, સમસ્ત રાષ્ટ્રની પ્રજા એનો એકસરખો આદર કરે છે.

પરંતુ આપણા પર્વો ને તહેવારોને જીવંત કરવા ને શક્તિશાળી બનાવવા માટે એમની પાછળના જીવનોપયોગી શક્તિસંચારક સંદેશને સમજવાની આવશ્યકતા છે. એ સંદેશને લીધે જ એ આટલાં બધાં વરસોથી અમર રહીને નિત્યનૂતન જેવા જણાઈ રહ્યા છે. શ્રાવણીના પર્વની પાછળનું પ્રયોજન પણ કાંઈ નાનું-સૂનું તો નથી જ.

ભારતના પ્રાતઃસ્મરણીય ઋષિવરોએ માનવજીવનનું ધ્યેય કે સાર્થક્ય ભૌતિક સુખસમૃદ્ધિની પ્રાપ્તિમાં કે ખાવા-પીવામાં ને ઈન્દ્રિયજન્ય ભોગપદાર્થોના સેવનમાં નહોતું માન્યું. આ દ્રશ્યમાન જગતની અંદર ને બહાર રહેલી સર્વોપરી સર્વશક્તિમાન સત્તા કે ચેતનાને ઓળખવાની સાધનાનો આધાર લઈને એ સત્તાના સતત સંપર્ક દ્વારા સનાતન શાંતિની સિદ્ધિ કરવાના ધ્યેયની એમણે સ્મૃતિ કરાવેલી. જીવનની ઉત્તરોત્તર ઉદાત્તતા દ્વારા ‘સત્યં શિવં સુદરંમ્’નો સાક્ષાત્કાર કરવામાં જ જીવનનું સાર્થક્ય સમાયેલું છે એવો એમનો અભિપ્રાય હતો. પ્રજા એ સનાતન સંદેશનું સદા સ્મરણ કરે અને એને જીવનમાં મૂર્તિમંત કરવાની વિચારપૂર્વકની સાધનાનો આશ્રય લે તે માટે એ સંદેશને એમણે જુદાજુદા પર્વોમાં ગૂંથી લીધો. શ્રાવણીનું પરંપરાગત પર્વ એવા જ સર્વોપયોગી શાશ્વત સંદેશનું સ્મરણ કરાવે છે.

શ્રાવણીના પવિત્ર દિવસે યજ્ઞોપવિતને બદલવામાં આવે છે. યજ્ઞોપવિત પહેરનારા લોકો સવારે વહેલા ઉઠે છે ને સરિતાના સુંદર તટપ્રદેશ પર કે સમુદ્રકિનારે ભેગા થાય છે. ત્યાં અથવા એવા જ બીજા કોઈ સાનુકૂળ સ્થળમાં ભાતભાતની વિધિ કરવામાં આવે છે ને यज्ञोपवितं परमं पवित्रं तथा यज्ञोपवितं लभमस्तु तेनः બોલીને યજ્ઞોપવિત બદલવામાં આવે છે. જે અપરિણીત હોય તે ત્રણ સુત્રવાળા યજ્ઞોપવિતને ધારણ કરે છે. બળ તથા તેજ પ્રદાન કરનાર એ યજ્ઞોપવિતના ત્રણ સૂત્રો ત્રિગુણાત્મિકા પ્રકૃતિની, સ્વપ્ન, જાગૃતિ, સુષુપ્તિ - ત્રણ અવસ્થાની, સ્થૂળ, સૂક્ષ્મ, કારણ - ત્રિવિધ શરીરની ને ત્રિલોકની સ્મૃતિ કરાવે છે. જીવ પ્રકૃતિના ગુણોમાં આસક્ત હોવાથી સુખદુઃખ જેવા દ્વંદ્વોમાં ને બંધનમાં પડેલો છે. ગીતાની ભાષામાં કહીએ તો

पुरुषः प्रकृतिस्थो हि भुङ्‌क्ते प्रकृतिजान्गुणान् ।
कारणं गुणसङ्गोऽस्य सदसद्योनिजन्मसु ॥१३-२१॥

એ બંધન અવિદ્યાને લીધે છે. અવિદ્યાની એ ગ્રંથિને તોડવાથી જીવ દ્વંદ્વાતિત તથા બંધનમુક્ત બને છે ને કૃતાર્થ થાય છે. એ પછી એને માટે સ્વરૂપનો સાક્ષાત્કાર સહજ બની જાય છે. યજ્ઞોપવિતને ધારણ કરનારે સંધ્યા ગાયત્રી જેવા નિત્યકર્મો કરવા પડે છે, ને જીવનની સાત્વિકતાને વધારવાને માટે કેટલાંક વ્રતો તથા નિયમોનું પાલન કરવું રહે છે. જીવનમાં આત્મદર્શનના અલૌકિક આદર્શને નજર સમક્ષ રાખીને એની પૂર્તિ માટે પ્રયત્નો કરતાં એ ભારે જાગૃતિપૂર્વક આગળ વધે છે. એનાથી અનીતિ, અન્યાય, અધર્મ અથવા અનાચારનો આધાર ભૂલેચૂકે પણ નથી લઈ શકાતો.

આટલા બધા મહાન સંદેશને પ્રદાન કરનાર અને જીવનને તેજસ્વી, ઉજ્જવળ, પરમાત્મપરાયણ બનાવવાની દીક્ષા આપનાર યજ્ઞોપવિતની ભાવના વખતના વીતવા સાથે વિલુપ્ત થવા લાગી છે અને એને ધારણ કરનારા કેવળ ધારણ કરીને ને શ્રાવણીના દિવસે લોકાચાર પૂરતું એનું સ્મરણ કરીને જ સંતોષ મેળવે છે એ દુઃખદ છે. પર્વ રહ્યું છે, પરંતુ પર્વનો પ્રાણ નથી રહ્યો.

ગાયત્રીદેવીને गायत्रीं त्र्यक्षरां बालां साक्षसूत्रकमंडलुम् કહી છે, એના પરથી સૂચિત થાય છે કે વૈદિક કાળમાં કન્યાઓને યજ્ઞોપવિત આપવામાં આવતું. પાછળથી એ પ્રથાનો લોપ થવાથી સ્ત્રીનું લગ્ન થતાં એના વતીનું યજ્ઞોપવિત પુરુષ પહેરી લેતો. આજે પણ એ પ્રથા પ્રચલિત હોવાથી પુરુષ લગ્નજીવનમાં પ્રવેશ કરીને છ સૂત્રોવાળા યજ્ઞોપવિતને ધારણ કરે છે. મહર્ષિ દયાનંદ સરસ્વતીએ કન્યાઓને યજ્ઞોપવિતને પહેરાવવાની પ્રાચીન પ્રથાને પુર્નજીવિત કરી છે અને એ પ્રથા ક્યાંક ક્યાંક ચાલે છે પણ ખરી. પરંતુ પ્રથાની પાછળના પ્રયોજનની સ્મૃતિ ચાલુ રહે તો જ તે પ્રાણવાન બને છે. પુરુષો જ યજ્ઞોપવિતના મર્મને સમજીને એનો ઉચિત લાભ નથી લેતા તો સ્ત્રીઓમાં એનો પ્રચાર કરવાનો ઉત્સાહ કોઈ ભાગ્યે જ દર્શાવશે.

શ્રાવણીને રક્ષાબંધન પણ કહે છે. એ દિવસે ભાઈને બેન રક્ષા બાંધે છે. કહે છે કે માતા કુંતીએ અભિમન્યુને રક્ષા બાંધેલી. જો એમ જ હોય તો તો રક્ષા કોઈ પણ બાંધી શકે છે. પરંતુ ભાઈ-બેનની ભાવના ને સ્નેહીજનોની સદભાવના પૂરતું મર્યાદિત બનેલું આ પર્વ પણ જીવન પરિવર્તનમાં, પ્રેમીજનોના પારસ્પરિક પ્રેમસબંધને દ્રઢાવવામાં ઉપયોગી બની શકે તેમ છે. એ રીતે વિચારતા એની મહત્તા કે ઉપયોગિતા સ્પષ્ટ છે.

રક્ષાબંધન આ પવિત્ર પુણ્ય-અવસર પર આપણે ભારતમાતાને પ્રેમપૂર્વક અંતરના અંતરમમાંથી રક્ષા બાંધીએ ને સંકલ્પ કરીએ કે ભારતમાતાની શાનને વધારવા બનતું બધું જ કરી છુટીશું. એને વધારે ને વધારે સુખી ને સમૃદ્ધ કરવા પ્રયત્નો કરીશું અને એવી રીતે એનાં સાચાં સંતાનો બનીશું. એની સ્વતંત્રતાને ને શાંતિને, પ્રતિષ્ઠાને અને એકતા તથા અખંડિતતાને આંચ આવે એવું ભૂલેચૂકે પણ કશું નહિ કરીએ. એની આઝાદી, એકતા અને અખંડિતતાને અકબંધ રાખવા કોશિશો કરીશું. એના સાચા સૈનિકો બનીશું. આપણા દેશને એવા સંકલ્પો તથા પ્રયત્નો કરનારા આત્માઓની ખૂબ જ આવશ્યકતા છે. શ્રાવણીના પવિત્ર પર્વમાંથી એને માટેની પ્રેરણાની પ્રાપ્તિ કરીને તદનુસાર સેવાકાર્યમાં લાગી જઈએ, ને ભારતમાતાના ગૌરવને હૃદયમાં ધારણ કરીને એના ઉત્કર્ષ સારુ પોતપોતાના ક્ષેત્રમાં રહીને પુરુષાર્થ કરીએ તો આજનું પર્વ સફળ બનશે ને શ્રેયસ્કર થઈ પડશે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

When you judge another, you do not define them, you define yourself.
- Dr. Wayne Dyer