Text Size

પ્રારંભ

સંસાર આજે સંક્રાંતિકાળમાંથી પસાર થઇ રહ્યો છે. ધાર્મિક જગતમાં પણ ક્રાંતિ કેટલાય વખતથી શરૂ થઇ ચુકી છે. જૂના મુલ્યો ફેરવાતાં જાય છે. તેને ઠેકાણે નવા પોતાનું સ્થાન લેતાં જાય છે. તેમને પણ ઠેકાણે પડતાં કે સ્થિર થતાં વાર લાગે છે. ભૌતિક સુધારણાની શ્રદ્ધા દિવસે દિવસે વધતી જાય છે એ વાત સારી છે પણ નૈતિક કે આત્મિક ઉન્નતિની ઉપેક્ષા થતી જાય છે ને તે બાબતે માણસ વધારે ને વધારે શંકાશીલ, અંધશ્રદ્ધાળુ, ઉચ્છૃંખલ ને કોરો બનતો જાય છે એ હકિકત ભારે જોખમકારક ને માનવજાતિના સર્વતોમુખી વિકાસની દ્રષ્ટિએ અમંગલ ને ચિંતાજનક છે એમ કહ્યા વિના ચાલે તેમ નથી. ઇશ્વર ને ધર્મની વાતોને સ્વાર્થસિદ્ધિ તથા સગવડ માટે ઉપજાવી કાઢેલી વાતો તરીકે મોટા મોટા બુદ્ધિમાન માણસો પણ માનવા માંડ્યા છે. ને જે પોતાને ધાર્મિક કે ઇશ્વરપરાયણ માને છે કે મનાવે છે તેમનામાંના પણ બહુ જ થોડા, સત્ય ધર્મનું પાલન કરીને, જીવનને ઇશ્વરપરાયણ બનાવવા ને ઇશ્વરનો સાક્ષાત્કાર કરવા સાચા અર્થમાં પ્રયાસ કરે છે. સાધારણ માણસને જેટલી ઘરમાં, રોટીમાં, ધન ને વૈભવમાં, શારીરિક સુખમાં, દારૂ, શરાબ, જુગાર ને પત્તાં જેવી રમતોમાં, યંત્રોમાં, વીજળીમાં ને જાહેર અભિપ્રાયોમાં કે લોકમતમાં શ્રદ્ધા છે તેટલી જ શ્રદ્ધા ઇશ્વર, ધર્મ, અને આત્મોન્નતિની વાતોમાં નથી. એવે વખતે આ કથાની રચના થાય છે. જીવનને પૂર્ણ મુક્ત ને પ્રભુમય બનાવવા માટે થયેલી સાધનાની કથા કેટલાક બુદ્ધિજીવી કે બુદ્ધિ પર જ નિર્ભર રહેતા માણસોને કૈંક અચરજમાં મૂકી દેશે. કેટલીક વાર શંકાશીલ, તો કોઇ વાર ઊંડા વિચાર કરતાં પણ કરી મુકશે. કોઇક વાર તેમની પ્રસન્નતામાં વધારો પણ કરી મૂકશે. કોઈ એવી વાતો અને એવા પ્રસંગો પણ તેમની સામે રજૂ થશે. પણ કથા આખીયે પ્રામાણિક કે વાસ્તવિક છે એ વાતને યાદ રાખવાથી આશા છે કે બધી જાતનાં માણસોને આમાંથી કંઈ ને કંઈ ઉપયોગી સામગ્રી અવશ્ય મળી રહેશે. જીવનને પ્રભુપરાયણ કરવાની ઈચ્છાવાળા માણસો કે પ્રકાશને પંથે પ્રવાસ કરનારા સાધકોને સાધનાના નાનાસરખા ઈતિહાસ જેવી આ કથામાંથી, જીવનવિકાસને માટે મદદરૂપ એવી ભરપૂર સામગ્રી મળી રહેશે એ નક્કી છે. પથભ્રાંત કે હતાશ થયેલા સાધકોને આમાંથી માર્ગદર્શન ને નવજીવનની સુખદ સામગ્રી સાંપડશે. સંસારના આધ્યાત્મિક વારસામાં એ રીતે થોડોઘણો પણ વધારો થશે તો લેખનનો પરિશ્રમ કૈંક અંશે સાર્થક થયેલો મનાશે.

 મારે પોતાને માટે તો આત્મકથાનો અક્ષર દેહે આલેખાયેલો ક્રમ જુદા જુદા ર્તીથોની એક સળંગ, વિરાટ, મહામૂલ્યવાન યાત્રા જેવો છે. તેની સ્મૃતિ અત્યંત ઉપકારક છે. કપાઈ ચૂકેલા યાત્રાના વિશાળ માર્ગનો વિચાર કરીને જેમ યાત્રી સંતોષ ને ઉલ્લાસનો અનુભવ કરે તેવી મારી દશા છે. નાનપણથી મને રોજનીશી લખવાની ટેવ હતી. તે ટેવ ઉપકારક લાગવાથી લાંબા વખત સુધી ચાલુ રહી. એટલે જીવનનું અવલોકન કરીને તેનું શબ્દોમાં સરવૈયું કાઢવાની મારી પ્રિય પ્રથા, ઈશ્વરની પ્રેરણાનો પુરસ્કાર પામીને જાણે કે આ આત્મકથાના રૂપમાં પરિમણી રહી છે. એ પરથી કોઈએ એમ ન સમજવાનું કે વીતી ગયેલા જીવનની બધી જ વાતો આ આત્મકથામાં સમાવી લેવામાં આવી છે. અહીં તો જે વાતો લખવા જેવી લાગી તે જ લખેલી છે. સાધનાના પ્રદેશમાં થયેલા અનુભવોમાંના પણ થોડા ઘણા જ, જે જાહેર કરવા ઠીક લાગ્યા છે તે જ, જાહેર કર્યા છે. આત્મકથા લખનારે પોતાના જીવનની બધી જ કથા લખવાની નથી હોતી. પણ પોતાના જીવનની લખવા જેવી ઉપયોગી કથા લખવાની કે કહેવાની હોય છે. એ વિચારનો મેં શરૂઆતથી જ સ્વીકાર કર્યો છે. છતાં આ કથા મારા જીવનની લગભગ સમગ્ર કથા બની રહે છે એ પણ નક્કી છે.

આ કથામાં મોટે ભાગે આધ્યાત્મિક જીવનના તાણાવાણા જોવા મળે તો તેથી કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. મારું આજ સુધીનું જીવન જ આધ્યાત્મિક છે. આત્મિક ઉન્નતિને માટે જ તેનો ઉપયોગ થયો છે. તેની કથા આત્મિક ઉન્નતિ માટેની સાધનાની જ કથા છે. એટલે આ આત્મકથામાં મોટે ભાગે બીજું આવે પણ શું ? બીજાની આશા પણ શી રીતે રાખી શકાય ? આપણે ત્યાં કહેવત છે કે કૂવામાં હોય તો હવાડામાં આવે. તે જ પ્રમાણે જે જીવનમાં છે તે જ કથામાં છે. જે હૈયે તે જ હોઠે છે. બગીચો જ આખો ગુલાબનો છે. તો તેમાંથી ગુલાબ સિવાયના બીજા ફૂલો કેવી રીતે મળી શકવાનાં છે ? આંબા પર કેરી વિના બીજું કયું ફળ થઈ શકવાનું છે ? નદીની પાસેથી નિર્મળ નીર વિના બીજી કઈ વસ્તુની આશા રાખવાની છે ? રાજનીતિજ્ઞનું  જીવનવૃતાંત રાજનીતિની વાતોથી જ મોટે ભાગે ભરેલું હોય છે. સૈનિકનું વૃતાંત સેના, શૂરવીરતા અને સંગ્રામની વાતોથી મઢેલું હોય છે. એવી રીતે એક સાધક કે આધ્યાત્મિક પંથના પ્રવાસીની જીવનકથામાં આધ્યાત્મિકતા અને સાધનાની વાતો વિના બીજું શું હોય ? બીજું કાંઈ હોય તો પણ મોટે ભાગે તો તે જ હોય એ સમજી શકાય તેવું છે. રસિયા અને જિજ્ઞાસુ વાચકો તેમાંથી રસ મેળવી લેશે એવી આશા છે.

કેટલાક માણસો એમ માને છે કે આધ્યાત્મિક અનુભવો કે સાધનાની ગુહ્ય વાતોને જાહેર કરવાનું કામ ઠીક નથી. એવી વાતો તો અનુભવી માણસના પોતાના પૂરતી ગુપ્ત રહે ને સચવાઈ રહે એ જ બરાબર છે. આ માન્યતા આપણે ત્યાં સારી પેઠે પ્રચલિત છે ને કેટલેક અંશે સારી પણ લાગે છે પણ તેને પકડીને બેસી રહેવાનું કામ કાયમને માટે બરાબર લાગતું નથી. સાધનાની ગુહ્યતામાં માનનારા સંતોએ પોતાના અનુભવની વત્તીઓછી વાતો માનવજાતિના મંગલ માટે પોતાના ભક્તો પાસે રજૂ કરી છે. તે પાછળથી જાહેર પણ થઈ છે. કેટલીક વાતો તેમણે પોતે લખી કે વર્ણવીને ગ્રંથાકારે પ્રસિદ્ધ કરી છે. ઈશુ, બુદ્ધ, રામકૃષ્ણદેવ, રમણ મહર્ષિ અને અરવિંદ જેવા સંતોની એવી કેટલીય વાતો જાણીતી છે. તેથી માનવજાતિનું મંગલ જ થયું છે. હજારો લોકોને તેમાંથી સમય સમય પર પ્રેરણા મળી છે ને બીજા લાખો કે કરોડોને તેમણે પ્રકાશ પહોંચાડ્યો છે. આત્મોન્નતિ અને ધર્મપરાયણતાની જ્યોતિને જલતી રાખવામાં તેમણે ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો છે. કેટલાય મૃતઃપ્રાય માણસોના જીવનમાં તેમણે પ્રાણ પૂર્યો છે. એટલે એવી બીજી અનુભવકથાઓ પ્રસિદ્ધ થાય તો તેનું પરિણામ એકંદરે સારું જ આવશે. સંસારને તેથી લાભ જ થશે. ધર્મ અને ઈશ્વરની શ્રદ્ધાને જીવતી રાખવામાં અને આત્મિક પંથના પુણ્ય પ્રવાસીઓને પ્રોત્સાહિત કરવામાં તે મદદરૂપ સાબિત થશે.

છતાં આ વાત રુચિની અને ઈશ્વરી પ્રેરણાની છે. કોઈની રુચિ હોય ને ઈશ્વરી પ્રેરણાનું પીઠબળ મળવાથી તે જો પોતાના અનુભવની વાતો લખે તો તેમાં કંઈ ખોટું નથી. જે ઈશ્વરની પ્રેરણા પ્રમાણે ચાલે છે તેણે બીજી ચિંતા કરવાની જરૂર નથી. હા, એક વાત તરફ આપણે સાધકોનું ધ્યાન ખેંચીશું કે પોતાની અનુભવ વાતોને પ્રકટ કરવાની પાછળ ધનપ્રાપ્તિનો કે કીર્તિની કમાણીનો કોઈ ક્ષુદ્ર હેતુ ન હોવો જોઈએ. અત્યંત શુદ્ધ ભાવે, બીજાને મદદરૂપ થવા માટે જ, પોતાની અનુભવવાતોની અભિવ્યક્તિ થવી જોઈએ. તેમ થાય તો કશી હરકત નથી. બાકી લોકપવાદનો વિચાર કરીને બેસી રહેવાથી કંઈ નહિ વળે. લોકો તો એમ પણ કહે છે બધા અનુભવો ને બધી વિદ્યાને ગુપ્ત રાખવાની પદ્ધતિનો કડકપણે આધાર લેવાથી ઘણી વિદ્યાઓ અને અનુભવવાતો લુપ્ત થઈ ગઈ છે અને એવી રીતે સંસારે ઘણું ઘણું ખોયું છે. એટલે લોકપવાદનો તો પાર નથી. સારો ને સાચો માર્ગ દિલને તપાસવાનો, ઈશ્વરની ઈચ્છાને જાણવાનો અને એનો અમલ કરવાનો છે. એ માન્યતાથી પ્રેરિત થઈને જ આ નાનકડી કથાની શરૂઆત કરી રહ્યો છું.

 

Today's Quote

Success is a journey, not a destination.
- Vince Lombardi

prabhu-handwriting