Text Size

જન્મ

 સાધના કરવાથી તન ને મનનાં પરમાણુઓ પલટાઇ જાય છે ખરાં ? અનુભવી સંતોનું એવું કહેવું છે ખરું. મેં કોઇ એવી ભારે સાધના કરી નથી. છતાં પણ આજે વરસોથી મને એ વાતનો અનુભવ થઇ રહ્યો છે. મતલબ કે તન ને મન એવું પલટાઇ ગયું છે કે મારો ક્યાંય જન્મ થયો હશે એમ લાગતું જ નથી. જાણે સમૂળી ક્રાંતિ કે કાયાપલટ થઇ ગઇ હોય એવી મારી દશા છે. મનોવૃતિ જ એવી થઇ ગઇ છે કે મારો જનમ થયો હશે તે વાત તેમાં ઊગતી ને ઠરતી જ નથી. જનની ને જન્મભૂમિના ભાવો તેમાં જાગતા ને તેની સાથે બંધબેસતાં જ નથી. આ કોઇ ભાવના નથી, કલ્પનાવિહાર પણ નથી, પણ નક્કર હકિકત છે. બીજાને માટે તેને સમજવાનું જરા મુશ્કેલ થશે. છતાં જે વાસ્તવિકતા છે તેને રજૂ કરી રહ્યો છું. કોઇ અનુભવી પુરુષો તેને સહાનુભૂતિથી વિચારી ને સમજી પણ શકશે. એ પરથી કોઇએ એમ નથી સમજવાનું કે સંસારમાં સામાન્ય રીતે જેમ સૌનો જન્મ થાય છે તેમ મારો જન્મ નથી થયો. મારા કહેવાનો આશય પણ એવો નથી. મારું શરીર કોઇ બીજા માનવશરીરના આધાર લીધા વિના જ આ પૃથ્વી પર પ્રકટ થયું છે અથવા તો એનું અવતરણ અલૌકિક રીતે સીધું આકાશમાંથી થયું છે એમ પણ નથી. એવી વાત તદ્દન પાયા વિનાની છે. બીજાં બધાં જ શરીરોની જેમ મારા શરીરનો જન્મ તદ્દન સામાન્ય ને લૌકિક રીતે જ થયો છે. પરંતુ તે શરીર અને આ શરીરમાં જાણે કે આસમાન-જમીનનો ફરક પડી ગયો હોય એવું મને લાગ્યા કરે છે. જૂનાં પહેલાંના શરીરનાં પરમાણુઓમાં પરિવર્તન થઇને જાણે નવું સાધનામય શરીર થયું હોય ને તેની સાથે સાથે નવા મનનો પણ ઉદય થયો હોય એમ લાગ્યા વિના રહેતું નથી. એટલે મને ઘર, જન્મસ્થાન, જનની, બહેન તથા બીજા સ્નેહીજનો તરફ જે મમત્વ થવું જોઇએ તે થતું નથી. એક સામાન્ય રૂપે થયેલા જન્મ પછી બીજો નવો જન્મ થયો અથવા તો મારા સર્વસ્વનો જાણે પુનરાવતાર થયો હોય એવી અનેરી દશાનો અનુભવ આજે દિવસોથી કરી રહ્યો છું, મારા કહેવાનો સારાંશ આટલો જ છે, એનો મર્મ આ જ છે. આ અનુભવ કેવળ મારા પુરતો જ મર્યાદિત રહી શકે ને સાચો ઠરી શકે એ સહેજે સમજી શકાય તેવું છે. જરૂરી પણ તે જ છે ને લાભ પણ તેમાં જ સમાયલો છે. એક સરી જતા સ્વપ્નની વિગતને યાદ કરતો હોઉં એવી મારી આજની દશા છે. અતીત કાળના સુષુપ્ત સંસ્કારોને સ્મૃતિપટ પર તાજા કરીને તદ્દન તટસ્થ રીતે આલેખી રહ્યો હોંઉ એવી મારી અનોખી અવસ્થા છે.

એ દશામાં રહીને સામાન્ય રીતે વાત કરું તો કહી શકાય કે મારો જન્મ અમદાવાદ ને ધોળકાની વચ્ચે આવેલા સરોડા ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. પિતાનું નામ મણિલાલ ભટ્ટ ને માતાનું નામ જડાવબેન. સરોડા એક પચરંગી છતાં બ્રાહ્મણની વધારે પડતી વસ્તીવાળું નાનું સરખું ગામ છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ગામની પાસેથી પવિત્ર સાબરમતી વહી જાય છે. ઇ. સ. 1921માં ઓગષ્ટની પંદરમી તારીખે મારો જન્મ. ભારતીય દેશી પદ્ધતિ પ્રમાણે શ્રાવણ સુદી બારસને સોમવાર. તે વખતે સવારનો સમય હતો. પરંતુ સૂર્યોદય નહોતો થયો. જન્મ પછી દસેક મિનિટે સૂર્યોદય થયો એમ માતાજીનું કહેવું છે. તે વખતે ગામડામાં ઘડિયાળ ભાગ્યે જ રહેતા એટલે સુનિશ્ચિત સમય તો કોણ કહી શકે ?

યોગીરાજ શ્રી અરવિંદનો જન્મદિવસ પણ પંદરમી ઓગષ્ટ હતો. બીજા કેટલાય જ્ઞાત-અજ્ઞાત પુરુષોનો જન્મ તે દિવસે થયો હશે. કોઇનું મૃત્યુ પણ થયું હશે. કહે છે કે શ્રીરામકૃષ્ણ પરમહંસદેવનો સમાઘિ દિવસ પણ તે જ હતો. તે દિવસે રાતે એક વાગ્યે તેમણે સમાધિ લીધી હતી. ભારતને જે અહિંસક આઝાદી મળી તે પણ પંદરમી ઓગષ્ટે. પણ એ રીતે કંઇ એ દિવસના મહત્વને સિદ્ધ કરવાનો મારો ઉદ્દેશ્ય નથી. તેનું મહત્વ સિદ્ધ થાય પણ કેવી રીતે ? ઇશ્વરના દરબારમાં બધા દિવસો સરખું મહત્વ ધરાવે છે. હર્ષ અને શોક તથા ઉત્થાન ને પતનના સારા-માઠાં પ્રસંગો વત્તા-ઓછા પ્રમાણમાં આ વિશાળ પૃથ્વી ઉપર લગભગ રોજ બનતાં હોય છે.

કોઇ કોઇ મહાન પુરુષોનાં જીવનચરિત્રમાં આવે છે કે તેમના જન્મ વખતે સુવાસિત ને શીતળ પવન પ્રસરવા માંડ્યાં, નદીનાં નીર વિશાળતા ધારણ કરીને અદભૂત નિનાદે વહેવા માંડ્યાં; પૃથ્વી પર પ્રસન્નતા ફરી વળી, ને તે ધનધાન્યવતી અથવા સસ્યશ્યામલા બની ગઇ. તો કોઇ કોઇ ઠેકાણે આવે છે કે તેમના જન્મ વખતે દેવોએ અંતરિક્ષમાંથી પુષ્પો વરસાવ્યાં. તેવી વાતો સાચી છે કે કાલ્પનિક, તે વાત જુદી છે. તેની સત્યાસત્યતામાં ઊતરવાની આવશ્યકતા પણ નથી. અહીં તો એક બીજી જ વસ્તુનો ઉલ્લેખ કરવા માંગું છું. તે એ કે જો કે હું મહાન પુરુષ નથી છતાં બાળપણથી અસામાન્ય એવા માર્ગે મેં મુસાફરી કરી છે. તેથી મારા જીવનમાં કાંઇક નવીનતા જોઇને મહાપુરુષોના જીવનની વાતોને યાદ કરીને, હું કોઇકવાર માતાજીને પૂછું છું કે મારા જન્મ વખતે પણ શું આવું કંઇ થયું હતું ખરું ? મારા પર ફૂલો વરસ્યાં હોય કે મારા જન્મથી ઘરમાં કોઇ સુખમય ફરેફારો થયા હોય એવું કાંઇ બનેલું ખરું ? અથવા કેટલાક મહાપુરુષોના સંબંધમાં સંભળાય છે કે તે જન્મતાં જ મોટા દેખાવા માંડ્યા. રામનામ લેવા માંડ્યા કે બત્રીસીથી સંપન્ન થઇ ગયા. અથવા તો લોકોત્તર લક્ષણો બતાવવા માંડ્યા, એવું કંઇ મારા જીવનમાં બનેલું ખરું ? તેના ઉત્તરમાં માતાજી કહે છે કે, ના. એવું કાંઇ જ બન્યું ન હતું. ઘર પણ જેવું ચાલતું હતું તેવું સાધારણ ને ગરીબ દશામાં જ ચાલતું હતું અને એમ જ ચાલુ રહ્યું. દેવોએ ફૂલો પણ વરસાવ્યાં કે ગીત પણ ન ગાયા. અથવા સૂક્ષ્મ રીતે કોઇને ખબર ન પડે તેમ કર્યું હોય તો પ્રભુ જાણે. મતલબ કે જન્મસમયની દશા તદ્દન સાધારણ હતી. કલ્પનાના રંગો પૂરીને કવિ કે લેખક અથવા પ્રસંશકો એને અસાધારણ બનાવી બતાવે તો ભલે, બાકી સાચી હકિકત આ છે અને રહે એ આવશ્યક છે.

ઇ. સ. 1921 માં ભારતદેશ ગુલામ હતો. પરદેશી સત્તાનું અહીં સામ્રાજ્ય હતું, તેમાંથી છૂટવા માટેની યોજના દેશના બાર નેતાઓ કોંગ્રેસના સંગઠન નીચે ભેગા મળીને ઘડી રહ્યા હતા. તે વાતાવરણમાં મારો જન્મ થયો. એવે વખતે ફૂલોની વર્ષા ને સન્માનનાં ગીત શોભે પણ ખરાં કે ? એટલે પણ બરાબર છે કે જન્મ સાધારણ હશે.

જન્મ વખતે મારી ધન રાશિ હતી તે સહેજ. મારું નામ ભાઇલાલભાઇ પાડવામાં આવ્યું.

Today's Quote

A lie sprints. but truth has endurance.
- Anonymous

prabhu-handwriting