Text Size

માતાપિતાની ઝાંખી

 રૂખીબાની જેમ અમારું ઘર પણ ગરીબ જ હતું. માતાપિતાની આર્થિક અવસ્થા છેક સાધારણ હતી. માતાપિતાનું ભણતર પણ છેક સાધારણ. તે વખતે ગામડામાં ભણતરનું મહત્વ પણ બહુ થોડું મનાતું. તેમાંય વળી સ્ત્રીઓને તો ભણતરની જરૂર જ ના હોય એમ મનાતું. કન્યાશાળાની પ્રથા નાના ગામડામાં ભાગ્યે જ જોવા મળતી. તેનો વિચાર પણ લોકદૃષ્ટિએ રુચિકર કે આવકારદાયક ભાગ્યે જ થતો. બાળલગ્નોની પ્રથા વ્યાપક હતી, એટલે બાળકોને કેળવવા કરતાં ઘર માંડવા તરફ માબાપનું ધ્યાન વિશેષ રહેતું. એવા માબાપ પાસેથી ઉત્તમ કેળવણીની આશા પણ કેવી રીતે રખાય ? કુળનો મુખ્ય વ્યવસાય ખેતીનો હતો. તે પિતાજીને વારસામાં મળેલો. અમારા કુળમાં અમારી જાણ પ્રમાણે આગળ પર કોઇ ભક્ત, જ્ઞાની કે યોગીપુરુષ નહોતા થયા. એક-બે શ્રીમંત પુરુષો જરૂર થયા હતા, પણ તેમની શ્રીમંતાઇ આધ્યાત્મિક ન હતી. માતાપિતામાં આધ્યાત્મિક સંસ્કાર જરૂર હતા. પિતાજીની સ્થિતિ ઘણી ગરીબ. વળી એકના એક વ્યવસાય ખેતી પ્રત્યે તેમનું લેણું ન હતું. એટલે ગરીબાઇમાં વધારો થયા કરતો. ખેતરમાં જાત-મહેનત ઘણી કરે, ઉત્તમ યોજનાઓ બનાવે ને તેને ઉત્સાહપૂર્વક અમલમાં પણ મુકે. પરંતુ ભાગ્ય એવું કે મહેનત મોટેભાગે માથા પર જ પડે. કોઇવાર કુદરત રુઠે તો કોઇ વાર કોઇ બીજું જ કારણ બને. કપરી દશા સુધરે જ નહિ. દવા કરવા છતાં પણ દર્દ ન ટળે. છતાં પણ ઘરમાં ખાવાનું દુઃખ ન હતું. ઘી-દૂધ પણ સ્વતંત્ર રીતે મળી રહેતા. વળી માતાપિતા બંને સંતોષી સ્વભાવનાં હોવાથી ઇશ્વર પર શ્રદ્ધા રાખીને બધી દશામાં પ્રસન્ન રહેતાં.

પિતાજી ગરીબ છતાં સ્વભાવનાં અમીર હતા. તેમનું શરીર તંદુરસ્ત ને પડછંદ હતું. બીજાનું દુઃખ તેમને દુઃખી કરતું ને તેને દૂર કરવા તે બને તેટલા તમામ પ્રયાસ કરતા. ગામમાં બહારવટિયા આવે ત્યારે તેમનો સામનો કરવામાં તે પહેલા રહેતા. તેમનામાં કેટલાય સદગુણો હતા. તેમણે પોતાના જીવનમાં કોઇનું બગાડ્યું તો શું પણ બગાડવાનો વિચારે કર્યો ન હતો. પોતાના રોજિંદા જીવનમાંથી બહાર નીકળવાની તેમને ફુરસદ જ ક્યાં હતી ? તે ભલા ને તેમનું કામ ભલું. દિવસનો મોટો ભાગ તે ખેતરમાં જ પસાર કરતા ને જાતમહેનતથી રળેલું અન્ન ખાતા. તેમને કોઇના પર દ્વેષ ન હતો. સૌની સાથે મૈત્રી હતી. તેમના એ બધા ગુણોને લઇને આજે પણ વાત નીકળે છે ત્યારે ગામના માણસો તેમના મુક્ત કંઠે વખાણ કરે છે.

ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે, તે સાચું છે. યથાર્થ છે. તેના વિના જગત શાના આધાર પર જીવત ? તેનું ઋણ જગતને માથે ખરેખર ઘણું મોટું છે. ખેતીનો ધંધો પણ આપણે ત્યાં જૂના વખતથી ઉત્તમ માનવામાં આવે છે. આઝાદીનો અનુભવ કરતો તે ધંધો ખરેખર ઉત્તમ છે. તેમાં માણસ કુદરતની સાથે એકરૂપ થઇ શકે છે ને કલંકરહિત જીવન ગુજારવાની તક મેળવે છે. જોકે બીજા બધા જ ધંધાની જેમ ખેતીના ધંધામાં પણ આજે વિકૃતિ પેઠી હશે, છતાંય એકંદરે તે વધારે પ્રામાણિક રહ્યો છે, મારા જન્મ સમય દરમિયાન તો તે ઘણો પવિત્ર ને પ્રામાણિક હતો, એટલે પ્રામાણિકતાથી જીવન ચલાવનાર ગામડાના એક ખેડૂતના ઘરમાં જન્મ મળવા બદલ હું મારી જાતને ખરેખર ભાગ્યશાળી માનું છું. તે માટે ગૌરવની લાગણી પણ અનુભવું છું. ગરીબોના શોષણ દ્વારા ધનવાન બનેલા કોઇક ધનિકને ત્યાં જન્મવા કરતાં પ્રામાણિકતા ને પવિત્રતાથી જીવનારા એક ગરીબ ઘરમાં જન્મવામાં હું ઇશ્વરની કૃપા માનું છું. બાકી તો જન્મ ને મરણ ઇશ્વરાધીન છે. કુદરતના કયા કાનૂનો કે કર્મના કયા નિયમો તેની પાછળ કામ કરે છે તે કોણ કહી શકે ? સાધારણ માણસને તેની સમજ પણ શું પડે ? કોઇ અસાધારણ અનુભવી પુરુષ જ તેના રહસ્યનો ઉકેલ કરવા-કરાવવામાં સફળ થઇ શકે. એટલુ સાચું છે કે સંસારનું કોઇયે કર્મ અવ્યવસ્થિત કે આકસ્મિક નથી. જે આકસ્મિક લાગે છે તેની પાછળ પણ કર્મની પ્રામાણિક ને ચોક્કસ વ્યવસ્થા કામ કરતી હોય છે. માણસ તેને જાણી શકતો નથી એટલું જ. એટલે સરોડાના નાના ગામમાં એક સાધારણ ખેડૂત કુટુંબમાં થયેલો મારો જન્મ આકસ્મિક ન હતો. તેની પાછળ કર્મની અદભૂત કળા અથવા ઇશ્વરની ઇચ્છા કામ કરી રહેલી.

માતાજીમાં પણ નાની ઉંમરથી જ ધાર્મિક સંસ્કારોનું અસ્તિત્વ હતું. ઇશ્વર પરની શ્રદ્ધા તેમનામાં વાસ કરી રહેલી. તેમનું લગ્ન બાળપણમાં થયેલું. તે વખતે સરોડામાં બોધાનંદ ને સોમેશ્વરાનંદ નામે બે સંન્યાસી રહેતા. ગામથી થોડે દૂર એકાંતમાં સિદ્ધેશ્વરી માતાનું મંદિર છે, ત્યાં તેમનો ઉતારો હતો. માતાજી તેમની પાસે અવારનવાર જતા. તે તરફ વાવ પણ હતી. એટલે વાવે પાણી ભરવા જતાં કેટલીયવાર તે તેમના દર્શને પહોંચી જતા. બોધાનંદ તેમની પર ઘણો પ્રેમ રાખતા ને તેમને જસુ કહીને સંબોધતા. બંને સંન્યાસીઓ ભારે વિદ્વાન હતા, પરંતુ બોધાનંદ વૈદકમાં પણ પ્રવીણ હતા. માતાજીનો ઘરસંસાર સુખી ન હતો. તેમના શ્વરસુરપક્ષના સભ્યો તેમને સતાવવામાં, દબાવવામાં ને નાહક ક્લેશ કરાવવામાં બહુ રસ લેતા ને તેમનો ઘરસંસાર દુઃખી થાય તેવા પ્રયાસ કર્યા કરતા. તેથી તે ખૂબ ત્રાસી જતા. એકવાર તો તેમણે મરવાનો નિર્ણય કરીને ઝેરી વસ્તુનું સેવન પણ કરી લીધેલું હતું. પરંતુ સદભાગ્યે તે બચી ગયાં ને જરૂરી ઉપચારોને અંતે સારાં પણ થયા, એવા દુઃખી જીવનમાંથી મુક્તિ મેળવવાની કામના તેમના મનમાં કાયમ રહેતી ને તે માટેના ઉપાયોનો વિચાર તે કર્યા કરતા. બોધાનંદની પાસે વારંવાર જવામાં તે પણ એક મહત્વનું કારણ હતું. એકવાર તો તેમના સાંસારિક જીવનને શાંતિમય ને સુખી કરવા બોધાનંદે તેમને એક મંત્રેલી સોપારી પણ આપેલી. પરંતુ ધારેલી અસર કરવામાં તે નિષ્ફળ નીવડી. સાંસારિક જીવન જ્યાં લગી ચાલુ રહ્યું, ત્યાં લગી તેમને દુઃખ ને માનસિક અશાંતિનો અનુભવ કરવો પડ્યો.

માતા ને પિતા બંને પરગજુ ને ઇશ્વરથી ડરીને ચાલનારાં હતાં. ઘરની અંદરનું વાતાવરણ ક્લેશમય હોવાં છતાં ઘરમાં અનાજ સારા પ્રમાણમાં રહેતું. જીવનની જરૂરિયાતોની બાબતમાં નિરાંત રહેતી એટલું સારું હતું.

ખેડૂતના ઘરમાં જન્મ મળવાથી કહો કે બીજા કારણથી કહો, પણ મારું જીવન પણ ખેડૂતના જીવન જેવું જ બની ગયું છે એમ નથી લાગતું ? ખેડૂતના સંસ્કાર મારી અંદર વારસામાંથી જ ઉતરી આવ્યા છે. ખેડૂત આખો વખત કુદરતને ખોળે પોતાના કામમાં મશગુલ બનીને જીવન પસાર કરતો હોય છે. તેમ મને પણ કુદરત પ્રત્યે પ્રેમ છે અને એકાંતમાં વાસ કરવામાં આનંદ આવે છે. કુદરતને ખોળે મારા શરૂઆતના જીવનમાં હું કલાકો લગી શાંતિ માણતાં બેસી રહેતો ને જીવનમાં તો કુદરત મારી સદાની સહચરી બની ગઇ છે. આજે તો મારું જીવન કુદરતમય થઇ ગયું છે. પ્રકૃતિપ્રિયતા એ રીતે જાણે કે મને ગળથૂથીમાંથી જ પ્રાપ્ત થઇ છે.

ખેડૂતનું બીજું વિશેષ લક્ષણ સ્વાવલંબન છે ને મારા જીવનમાં તેણે પણ ઘણો મહત્વનો ભાગ ભજવ્યો છે. પ્રકાશના પરમ પંથના પ્રવાસની આ કથા વાંચનારને તેની પ્રતીતિ સહેજે થઇ રહેશે. જીવનમાં મેં સદાયે સ્વાશ્રયી થવા, મારા પોતાના પગ પર ઉભા રહીને આગળ વધવા ને કોઇનાય આધારે બેસી ન રહેવાનો પ્રયાસ કર્યો છે. તેથી મને લાભ થયો છે. સાદાઇ, સંયમ અને ઇશ્વરપરાયણતાનું પણ તેવું જ છે. તે પણ મને વારસામાં મળ્યા છે. હા, મેં વડીલોપાર્જિત જમીન ખેડવાનું બંધ કર્યું છે અને એ પુરાણા બળદોના વંશજ બળદ, હળ અને કોશ જેવા રાચરચીલાં પણ આજે મારી પાસે નથી. પણ એનો અર્થ એવો થોડો છે કે ખેતી બંધ થઇ છે ને ખેડૂત તરીકેના જીવનને મેં તિલાંજલિ આપી છે ? ના, હું ખેડૂત મટી નથી ગયો, કદાપિ નહિ. ઇશ્વરે મને એક પ્રકારની ખેતીને બદલે બીજા પ્રકારની ખેતી સોંપી છે એટલું જ. હવે હું આખા જીવનનો ખેડૂત છું અને સમગ્ર જીવનની ખેતી કરી રહ્યો છું. આ ખેતીની ઉપજ પણ કેવળ મારે માટે નહિ પણ સમસ્ત સંસારને માટે છે. આ આધ્યાત્મિક ખેતી ખૂબ અનેરી અને આશીર્વાદરૂપ છે. તેમાં જીવનની જમીનને સંયમ ને શ્રદ્ધાના હળ તથા બળદથી ખેડી, ઇશ્વરના પ્રેમનું બીજ વાવવું પડે છે. ભક્તિની વર્ષાને તે પર વરસવા દઇને જ્ઞાનનાં સૂર્યનાં કિરણોનો લાભ લેવો પડે છે. ત્યારે તેમાં સિદ્ધિ, શક્તિ, શાંતિ, પરમાત્મપ્રાપ્તિ કે પૂર્ણતાનો પાક ઉતરે છે. ઇશ્વરની કૃપાથી એ ખેતી હજી ચાલુ જ છે.

 

Today's Quote

When you change the way you look at things, the things you look at change.
- Dr. Wayne Dyer

prabhu-handwriting