Text Size

સંચાલકો વિશે - 1

 કોઇ જાહેર સંસ્થાના નિયમો સારા હોય, મકાનની રચના ને વ્યવસ્થા સારી હોય છતાં પણ શું એટલાથી જ તે સંસ્થા આદર્શ સંસ્થા બની જાય છે ખરી ? શું એટલાથી જ તેને ઉત્તમ અને અનુકરણીય કહી શકાય ખરી ? એ પ્રશ્ન જરૂર વિચારવા જેવો છે. કોઇ સંસ્થાનું મકાન રાજમહેલ જેવું વિશાળ ને ભવ્ય હોય, તેમાં નળ, વીજળી ને સંડાસની ઉત્તમોત્તમ વ્યવસ્થા હોય, ને તેના નિયમો પણ દેખીતી રીતે ઘણા સારા હોય તો પણ, તે સંસ્થા આદર્શ છે કે નહિ તે તરત કહી શકાતું નથી. તે બધાં તત્વો સંસ્થાને ઉત્તમ અને આદર્શ બનાવવામાં અગત્યનો ભાગ ભજવે છે, એ વાત સાચી. કોઇપણ સમજુ માણસ તેનો ઇન્કાર નહિ કરી શકે એ પણ સાચું. પરંતુ તેની સાથે સાથે એક બીજી મહત્વની વસ્તુનો પણ વિચાર કરવો પડે છે. ને તે વસ્તુ બીજી કોઇ નહિ પણ તે સંસ્થાના સંચાલક કે જેમની પ્રકૃતિ અને પદ્ધતિનો પ્રભાવ તે સંસ્થા પર સારા પ્રમાણમાં પડે છે, ને સંસ્થાના છાત્રોના જીવનઘડતરનું એક મહત્વનું મૂલ્યવાન અને અનિવાર્ય અંગ બની રહે છે. બાળકોના ચારિત્ર્ય પર તેનો ઘણો આધાર રહે છે તે વાત કોણ નથી જાણતું ? એટલે જ મારું માનવું છે કે ઉત્તમ મકાન ને ઉત્તમ નિયમોની સાથે સાથે સંસ્થાના સફળ સંચાલન સારૂ ઉત્તમ માણસ, સંચાલક કે ગૃહપતિની પસંદગીને પણ વળગી રહેવાની જરૂર છે. તેવો સંચાલક સંસ્થાને પોતાનું ઘર ગણીને તેમાં રહેનારા બાળકોને પોતાના કુટુંબના સભ્યોસમા સમજી તેમાં પ્રાણ પૂરવાનો પ્રયાસ કરશે ને સંસ્થાની ઉન્નતિને પોતાની ઉન્નતિ સમજશે. બાળકોની સેવા જેમને પ્યારી હોય ને તે માટે જેમના હૃદયમાં ઝંખના, તલસાટ ને તમન્ના હોય, તેવા સેવાના વ્રતવાળા માણસો જ તે કામ કરી શકશે. આપણી સંસ્થાઓને એવા માણસોની સેવા મળે તે જરૂરી છે. એવા સેવાના ભેખધારી માણસોનું માર્ગદર્શન મેળવીને આપણી સંસ્થાઓને સેવા ને સંસ્કારની સંસ્થાઓ બનાવવા સંસ્થાઓના સંસ્થાપકો કે સંરક્ષકોએ સચેત રહેવું જોઇએ. એ વિના આપણી સંસ્થાઓ કેવળ નામની રહેશે. તેમનાં મોટાં ને મોહક મકાનો ઊભાં રહેશે, તેમનો પ્રચાર થશે, તેમની સુંદર નિયમાવલિ પણ પ્રસિદ્ધ થશે - પ્રશંસાને પાત્ર ગણાશે ને તેમની અર્ધશતાબ્દી કે શતાબ્દી પણ ઉજવાશે છતાં તે સફળ, અનુકરણીય, પ્રાણવાન કે આદર્શ નહિ ગણાય. એટલે આદર્શ સંચાલક એ આદર્શ સંસ્થાનું એક આવશ્યક અંગ છે એ સમજી લેવાની જરૂર છે. આજે તો સંસ્થાઓની વાત જુદી છે. બાળકોની સંસ્થાઓમાં કેટલાક એવા સંચાલકો પણ છે, જેમને બાળસ્વભાવ, બાળસુધાર ને બાળકોની કેળવણીનું કશું જ્ઞાન નથી. અરે, બીજી વાત તો ઠીક પણ બાળકો પ્રત્યે પ્રેમ ને એમની સેવામાં રસ જ નથી. તે રસને કેળવવાની રુચિ પણ નથી. કોઇ લાગવગને લીધે કે પરંપરાગત વારસાના પ્રતિનિધિ બનીને તેવા માણસો સંચાલક જેવા મહત્વના પદ પર પ્રતિષ્ઠિત થઇ ગયા છે. તેમની દવા કરવાની જરૂર છે. તે વિના તેમને ને સંસ્થાને સફળ અને આદર્શ બનાવી નહિ શકાય. ધનની ઇચ્છાવાળા માણસે પણ કર્તવ્યની ભાવનાને અદા કરવા જ આ માર્ગ તરફ દૃષ્ટિપાત કરવો જોઇએ. અમારી સંસ્થા બીજી બધી રીતે સારી હતી પણ તેને સારા સંચાલક મળ્યા ન હતા, એટલે એને આદર્શ કેમ કહી શકાય ?

આશ્રમજીવનનાં વરસો દરમિયાન મને ત્રણ ગૃહપતિ કે વ્યવસ્થાપકોનો અનુભવ થયો. બાળકોની સાથે એક થઈ જઈ, તેમના દિલમાં ડોકિયું કરીને, તેમને સમજવાની ને તેમના પ્રશ્નોને ન્યાય આપવાની કળા તેમને ભાગ્યે જ હસ્તગત હતી. અનાથાશ્રમમાં આવેલાં બાળકો તો અનાથ કહેવાય એટલે તેમની જાણે કોઈ જુદી જ જાત હોય તેમ તેમના તરફ કંઈક તિરસ્કાર ને અણગમાની નજરે જોવામાં આવતું. તેમની સાથે દિલ ખોલીને વાતો કરવાની તો વાત જ શાની, તેમની સાથે હળવામળવાનું પણ બંધ હતું. જો કોઈ ગુનો થયો હોય તો જ વિદ્યાર્થીને મોટે ભાગે ગૃહપતિની પાસે ઊભા રહેવાનો લહાવો મળતો. ગુનેગાર વિદ્યાર્થીને તેની ભૂલનું ભાન કરાવીને તે ભૂલનું પુનરાવર્તન ન કરવા માટે સમજાવવાને બદલે ગૃહપતિ તેને ધમકાવતા ને માર મારતા. તે વસ્તુ લગભગ સામાન્ય જેવી થઈ ગયેલી. એને પરિણામે તેમનામાં એક પ્રકારની ફડક પેસી જતી. ગૃહપતિથી તે ખૂબ જ ડરતાં રહેતાં. ગૃહપતિ કોઈ ધન્ય દિવસે સંસ્થામાં ચક્કર મારવા નીકળે તો તે સમાચાર સંસ્થામાં વાયુવેગે ફરી વળતા ને ગૃહપતિના માર્ગમાંથી નાસી જઈને બાળકો આડાંઅવળાં સંતાઈ જતાં કે બેસી રહેતાં. તેમના દિલમાં ડરની એવી દુર્ભેદ્ય દીવાલ ઊભી થઈ ગયેલી. ગૃહપતિના મનમાં એવો જ ભાવ ઘર કરી બેસતો કે તે પોતે બાળકો કરતાં વધારે વિશેષતાવાળા જુદી જ જાતિના એવા કોઈ અનેરા પુરુષ છે. આ માન્યતાને લીધે વિદ્યાર્થીઓને તે ઉપયોગી થઈ શકતા નહિ. ઊલટું કેટલાક વિપરીત વિચારોને લીધે પોતાના ને વિદ્યાર્થીઓ વચ્ચેના સંબંધને દિનપ્રતિદિન બગાડવામાં વધારે ભાગ ભજવતા. માટે જ જે સંસ્થામાં પ્રવેશતાવેંત પ્રેમ ને મીઠાશનું દર્શન થવું જોઈએ, તેમાં ઉંદર ને બિલાડી જેવી વિરોધી, ડરપોક ને હિંસક મનોવૃત્તિનું દર્શન થતું. વિદ્યાર્થીઓ ગૃહપતિથી ડરતા જ રહેતા ને તેમને પરાયા માનતા. અંગ્રેજ રાજ્યના જમાનામાં જેમ પ્રજાને માથે જુલમ ગુજારનારા ગોરા સાહેબો હતા ને પ્રજાને તેમની બીક હતી, તેવું જ આ બાબતમાં પણ સમજાતું. અંગ્રેજોના સ્વભાવ ને તેમની નીતિરીતિનું દર્શન કરીને તે વખતે આપણા કેટલાક કાળા સાહેબો પણ તેમનું અનુકરણ કરવાની હરિફાઈમાં પડ્યા ને અમારી સંસ્થા પણ તેથી સાવ અછૂત ન હતી.
 

Today's Quote

To give service to a single heart by a single act is better than a thousand heads bowing in prayer.
- Mahatma Gandhi

prabhu-handwriting