Monday, December 11, 2017
Text Size

સંચાલકો વિશે - ૨

 ગૃહપતિ ને બાળકોના આવા પ્રતિકૂળ સંબધનું પરિણામ કેવું આવે તે સારી પેઠે સમજી શકાય તેમ છે. એવો સંબંધ બાળકોના જીવન વિકાસમાં શું મહત્વનો ફાળો આપી શકે ? એવા સૂકા સંબંધવાળી સંસ્થામાંથી સ્વમાની, સ્વંત્રતાના ઉપાસક ને તેજસ્વી બાળકો કેવી રીતે નીકળી શકે ? જીવનને ઉજ્જવળ કરનારા, ઉત્તમ કારકીર્દિવાળા, માનવતાથી સંપન્ન યુવાનો, મહાપુરુષો ને નેતાઓ તેમાંથી કેવી રીતે નીકળી શકે ? કોઈના સંસ્કારની મૂડી વધારે મૂલ્યવાન હોય ને તેને આગળ પર સારી સહાયતા ને સત્સંગતિ મળી રહે તો તેનું જીવન ચમકી ઉઠે તે ભલે, બાકી આવી રસ ને કસને ચૂસી લેનારી સંસ્થામાંથી કુટુંબ, ગામ, નગર, સમાજ ને દેશ તથા દુનિયાના જ્યોતિર્ધરો કેવી રીતે જન્મી શકે ?

સંસ્કારના રહ્યાસહ્યા અંકુર પણ જ્યાં ખાખ થઈ જાય ને પ્રેમની જ્યોતિનું રહ્યુંસહ્યું અજવાળું પણ જેના પ્રતિકૂળ વાતાવરણમાં ઘોર અંધકારમાં ફેરવાઈ જાય તે સંસ્થામાંથી ભવિષ્યના આદર્શ નાગરિકો ને સંસ્કૃતિના સૂત્રધારો પ્રગટવાની આશા કેવી રાખી શકાય ? તેમાં આદર્શ બાળકો કે કિશોરો પણ કેવી રીતે તૈયાર થઈ શકે ? આ તો એક એવો જાહેર બગીચો છે જેમાં તેના માળી તરફથી છોડવાઓને પાણી પણ પાવામાં નથી આવતું, અંકૂરો અને રોપાઓને જલસિંચન પણ કરવામાં પણ નથી આવતું, એટલું જ નહિ, માળી તરફથી બીજી સંભાળ રાખવામાં નથી આવતી. તેના સંરક્ષક પોતે જ તેના તરફ ઉદાસીન છે ! ને તેની પાસેથી ઉત્તમ ફળ, ફૂલ, વૃક્ષો ને લીલોતરીની આશા રાખવામાં આવે છે. શું તે આશા કોઈ રીતે ફળી શકે તેમ છે ? બીજી કોઈ રીતે ફળે તો ભલે, બાકી માળીના પ્રયત્નનો વિચાર કરતાં તો નિરાશ જ થવું પડે છે.

જે માળી પોતાના હાથમાં પડેલા બગીચાને પોતાનું માનીને જોતો નથી, પ્યાર કરતો નથી, તેમાં પ્રાણ પરોવતો નથી ને તેની ઉન્નતિ માટે જરૂરી ખાતર નાખી, કલમો રોપી, પાણી સીંચી તેની ફળદ્રુપતા માટે મહેનત કરતો નથી ને વધારામાં, તેને વધારે ને વધારે વિકૃત કરવાના પ્રયાસ કરે છે, તે તેની ખીલવણી કરીને તેની શોભાને કેવી રીતે વધારી શકશે ? જાહેર સંસ્થાઓના સંબંધમાં પણ કુશળ માળી ના મળવાથી મોટે ભાગે એવું જ બને છે. અમારી સંસ્થામાં બાળકો તો હજારો આવ્યાં, પણ તેમાંથી તૈયાર થઈને બહાર પડેલાં બહુ ઓછા બાળકો પોતાની વિશેષ ફોરમવાળા ને તેજસ્વી થઇ શક્યા તેનું મોટુ કારણ આ પણ છે. એટલે જાહેર સંસ્થાના સંચાલકોને મારી પ્રાર્થના છે કે બાળકોના જીવનવિકાસના વિચારને મહત્વનો માનતો હોય તેવા અને બાળકોમાં રસ લેનાર કોઇ કુશળ કારીગરના હાથમાં તેમને સુપરત કરજો. કોઇ એવા ગૃહપતિની તેમને માટે પસંદગી કરજો જે તેમના પ્રશ્નોને સમજવાની શક્તિ ધરાવતો હોય ને તેમને માટે બનતું બધું જ કરી છૂટવા તૈયાર હોય. ગૃહપતિના પદ પર પ્રતિષ્ઠિત થયેલા માણસોને પણ મારે એ જ કહેવાનું કે બાળકોની સેવા કરવા માટે મળેલી ઉત્તમ તકને માટે ઇશ્વરનો આભાર માનજો ને તેમના જીવનમાં રસ લઇ તેમની બનતી સેવા કરવા દિનરાત તૈયાર રહેજો. બાળકોને પ્રભુના પ્રતિનિધિ માનીને તેમના જીવનમાં ભળી જવાની કોશિશ કરજો, તો તમારું જીવન ધન્ય બનશે, તમારી મારફત સમાજની મોટી સેવા થશે ને સંસ્થા તમારે લીધે સફળ ને સજીવ બનશે.

આના જ અનુસંધાનમાં એક બીજી વાત કહી દઉં. આપણે ત્યાં અનાથાશ્રમો ઘણાં છે ને તેમની સંખ્યા વધતી જાય છે. સમાજમાં અનાથો વધે તે જોકે સારી વાત નથી. પણ જ્યારે સમાજમાં અનાથો હોય જ ત્યારે તેમને સહાય કરનારા આશ્રમો વધે એ ખરેખર આનંદ પામવા જેવી વાત છે. સેવાની જાહેર સંસ્થાઓ જે સમાજમાં વધે તે સમાજ આખરે અભ્યુદયને માર્ગે આગળ વધે, એમાં સંદેહ નથી. તે વિશે મારે ખાસ કાંઇ કહેવાનું નથી. મારે તો અનાથાશ્રમ સંબંધી જ થોડો ઉલ્લેખ કરવો છે. અનાથાશ્રમ શબ્દ છે તો સારો, પણ વધારે ભાગના લોકો તેમાં એકલદોકલ, અસહાય, રખડતાં, કંગાલ અને અનાથ સ્ત્રીપુરુષો રહેતાં હશે એમ માને છે. એવી માન્યતાથી પ્રેરાઇને અનાથાશ્રમો ને તેમાં રહેનારા સભ્યોને તે કાંઇક હલકી ને સૂગની નજરે જુએ છે. આ વસ્તુ સારી નથી. ને તેથી અનાથાશ્રમ શબ્દમાં તેવી ભ્રામક માન્યતાની શક્યતા સમાયેલી ના હોય તોપણ તેને બદલે બીજા કોઇ સારા શબ્દનો પ્રયોગ કરવાનું વધારે યોગ્ય થઇ પડે તેમ લાગે છે. અનાથાશ્રમને બદલે સેવાશ્રમ, બાળાશ્રમ જેવા શબ્દોનો પ્રયોગ વધારે સારો કહી શકાય.

આશ્રમના બાળકોને અથવા તેના સ્ત્રીપુરુષ સભ્યોને પણ આપણે કહીશું કે તમારી જાતને અનાથ ન માનશો. માતાપિતા જેવા લૌકિક સંબંધોથી વંચિત થવા છતાં પણ તમારી જાતને અસહાય ને નિરાધાર ન સમજશો. ઇશ્વર સારા સંસારનો સ્વામી છે. તે જ સૌનો પિતા છે ને માતાની જેમ માયાળુ બનીને સૌની સંભાળ લેવા પણ તે તૈયાર છે. તે સૌની રક્ષા કરે છે. તેને યાદ કરો, પ્રેમ કરો, તેના પર શ્રદ્ધા રાખો ને પ્રાપ્ત થયેલી પરિસ્થિતિમાં પ્રસન્ન રહીને તેમાંથી માર્ગ કાઢવા મહેનત કરો. જીવનને ઉજ્જવળ બનાવવા કોશિશ કરો. ગરીબ ને એકલદોકલ એવા કેટલાય બાળકો આપમેળે આગળ વધીને સંસારમાં મહાન થયા છે. તેમ તમે પણ મહાન બનવાનો પ્રયાસ કરતાં રહેશો તો જરૂર મહાન બની શકશો. બાકી તમારી જાતને દીન, હીન ને લાચાર ના સમજશો. પોતાની જાતને હલકી માનવામાં એક પ્રકારનો અપરાધ સમાયેલો છે.

ગુજરાતમાં મારે એક જૈન ભાઇ સાથે વાત થઇ. તે જાહેર સંસ્થાઓમાં ગૃહપતિ બાળકોને મારે, ધમકાવે ને દંડ કરે તેની તરફેણમાં હતા. સમજાવટ ને પ્રેમથી બાળકો બગડે છે એમ તેમનું કહેવું હતુ. જે જૈન ધર્મ અહિંસાને શીખવે છે, એના એક અનુયાયીનું કથન સાંભળીને મને નવાઇ લાગી. મેં તેમને ઉત્તર આપ્યો કે બાળકોને મારવામાં આવે કે નહિ તે વાત જુદી છે. પરંતુ મોટાભાગના ગૃહપતિઓ બાળકોને અનાથ ને હીન માની તેમને તિરસ્કારની નજરે જુએ છે ને તેમનાથી દૂર ને દૂર રહેવામાં ગૌરવ માને છે. તેમનું તે વલણ જરાય સારું નથી. બાળકોને મારીને કે સમજાવીને ગમે તે રીતે સુધારવામાં તેમને વધારે રસ જ હોતો નથી. તેમનો રસ તો પોતાનું બળ બતાવવામાં ને પ્રભુત્વ જમાવવામાં જ હોય છે. તે વસ્તુને આપણે કેવી રીતે આવકારી શકીએ ? કોઇપણ સમજુ માણસ કેવી રીતે આવકારી શકે ?

Today's Quote

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.
- Rabindranath Tagore

prabhu-handwriting