Text Size

આશ્રમજીવનનો વિચાર

 આશ્રમમાં કપડાં હાથે ધોવા પડતાં ને નાની ઉમરમાં મને કપડાં ધોવાની આવડત નહિ એટલે શરૂઆતમાં મુશ્કેલી પડતી. પણ પછીથી ટેવાઇ જવાયું. કપડાં જરા પણ મેલાં રહેતા તો ગૃહપતિ તરફથી દંડ થતો કે માર પડતો. તેથી વિદ્યાર્થીઓ ગૃહપતિથી ખૂબ બીતા. બીકનું સામ્રાજ્ય એ પ્રમાણે આશ્રમમાં બધે ફેલાઈ ગયેલું દેખાતું. વિદ્યાર્થીઓનાં માનસ જ મોટેભાગે ડરપોક બની ગયેલાં. આપણે ત્યાં એક એવો વર્ગ છે જે 'ભય વિના પ્રીત નહિ' ની જૂની છતાં સારી પેઠે પ્રચલિત થયેલી કહેવતમાં માને છે. ભય વિના પ્રીત થાય છે કે નહિ ને ભય દ્વારા થયેલી પ્રીત લાંબી ટકે છે કે નહિ તે વાત જુદી છે. પરંતુ કેટલાક માણસો એવા હોય છે જેમનો ભય બતાવીને પણ પ્રીત કરવાનો ઉદ્દેશ નથી હોતો. ભય બતાવવામાં એમને એક જાતનો આનંદ આવે છે. વળી તે ભયની અસર થાય છે તથા પોતાને જોઈને કોઈ ભયભીત થાય છે તે જોઈને પ્રસન્ન થાય છે. ભય દ્વારા પ્રીત નહિ પણ વધારે ને વધારે ભય જગાવવાનો ને ભયના વાતાવરણને કાયમ રાખવાનો તેમનો ઉદ્દેશ હોય છે. તેમના બધા જ પ્રયાસો એ ઉદ્દેશને લક્ષમાં રાખીને કરવામાં આવે છે. પરસ્પરની પ્રીત, મમતા ને શુભેચ્છાના વેરી જેવા તે માણસો બીજાનો સુધાર કરીને બીજાના જીવનને ઉજ્જવળ કેવી રીતે કરી શકે ? માનવતાની માવજત કરીને કોઈકના જીવનની કરમાયેલી વાડીને તે કેવી રીતે હરિયાળી બનાવીને ખીલવી શકે ? અતિશય લાડથી જેમ બાળકો બગડે છે તેમ અતિશય દાબ, માર ને ભયથી પણ તેમનો સુધાર અસંભવ બની જાય છે. બાળકોને પોતાનાં માનીને તેમના સુધારમાં જે રસ જ ના લે તે તો બાળકોની સાથે મીઠો સંબંધ સ્થાપી શકે જ કેવી રીતે ? તે તો કેવળ પોતાના અહંભાવને સંતોષવા માટે બાળકોને ધમકાવે, દંડ કરે ને માર મારે. તેમની પાસે જઈને તેમની સાથે ભળી જઈને એક થવાને બદલે તેમનાથી દૂર ને દૂર રહ્યા કરે. એવા વર્તાવથી બાળકોને શું લાભ થઈ શકે ?

એવો વર્તાવ કરનારા ગૃહપતિ, વ્યવસ્થાપકો ને શિક્ષકો આપણે ત્યાં નથી એમ નહિ. હવે જો કે હવા બદલાતી જાય છે ને વિચારોની ક્રાંતિ પણ સારા પ્રમાણમાં થતી જાય છે તો પણ પરિસ્થિતિ પૂરેપૂરી સુધરી નથી. એ દિશામાં હજી ઘણા ઘણા પ્રયાસો કરવાના બાકી રહે છે.

વિદ્યાર્થીઓને દંડ દેવાથી ને મારવાથી વિદ્યાર્થીઓનું માનસ કેટલીકવાર સુધરવાને બદલે બગડે છે ને તેમના દિલમાં દ્વેષ ને પ્રતિશોધની ભાવના પ્રગટ થાય છે. અમારા આશ્રમમાં તેની પ્રતીતિ સહેલાઈથી થઈ શકતી. વિદ્યાર્થીઓ ગૃહપતિને ગાળો દેતા પણ જોવામાં આવતા ને તેમને કોઈ નુકસાન થાય તો તેથી વધારે ભાગે રાજી પણ થતા. કોઈ કોઈ સમજુ વિદ્યાર્થીઓ પણ મળી આવતા. પરંતુ સામાન્ય પરિસ્થિતિ તો આવી જ હતી. તે પરિસ્થિતિ કેટલીકવાર પ્રબળ પણ બની જતી. ત્યારે વિદ્યાર્થીઓ ગૃહપતિ સામે જાહેર રીતે પોતાનો વિરોધ જાહેર કરતા ને રોષ ઠાલવતા. લગભગ નવેક વરસ સંસ્થામાં રહીને મારે પાછળથી બીજી સંસ્થામાં દાખલ થવાનું  થયું ત્યારે એવું જ બનેલું. પરિસ્થિતિ કોઈ કારણથી એટલી બધી બગડેલી કે વિદ્યાર્થિઓએ વીજળી બંધ કરી દઈને ગૃહપતિને ચંપલ જેવાં સાધનોથી માર મારેલો. એ આખોયે પ્રસંગ દુ:ખદ ને વખોડી કાઢવા જેવો હતો. પરંતુ એ બનાવ વિદ્યાર્થીઓ ને ગૃહપતિ વચ્ચે જે વિરોધની ખાઈ લાંબા વખતથી ખોદાતી જતી હતી તેના ઊંડાણના પડઘારૂપે હતો. જે સંસ્થામાં વિદ્યાર્થી ને વ્યવસ્થાપકો વચ્ચે મમતા, મીઠાશ ને સંપ હોય તે સંસ્થામાં આવા ભયંકર ને શરમજનક પ્રસંગો ના જ બની શકે. ધરતીની અંદર જ્યારે ઉષ્ણતા અત્યંત પ્રમાણમાં વધી પડે ત્યારે છેવટે ધરતી કંપે છે એમ કહેવાય છે. એ કથન આ સબંધમાં પણ લાગુ પાડવાનું છે ને વિદ્યાર્થીઓના મનમાં વિરોધ કે દ્વેષ ના જાગે તે માટે જાગ્રત રહેવાનું  છે. તેના શરૂઆતના ને મહત્વના અકસીર ઈલાજ તરીકે સેવાના આદર્શ પર ઊભી થયેલી સંસ્થાના સંચાલક કે વ્યવસ્થાપકોએ સંસ્થાના સભ્યો તરફનો લગીર જેટલો પણ વિરોધ, દ્વેષ ને ઉપેક્ષાનો ભાવ પોતાના દિલમાંથી દૂર કરવાનો છે. તો જ સંસ્થાનું વાતાવરણ શાંતિમય બની શકે ને સંસ્થામાં સ્વર્ગ ઉતરે.

સંસ્થામાં ચિત્ર, સંગીત, બેન્ડ, હોઝિયરી ને દરજી તથા સુથારી કામની તાલીમ આપવામાં આવતી. વળી સ્કાઉટિંગની પ્રવૃત્તિ પણ ચાલતી. બીજી રમતગમતોનો પણ અવકાશ હતો. પોતાની રુચિ પ્રમાણે તેમાં ભાગ લેવાની સૌને છૂટ હતી. પરંતુ મારું ધ્યાન તો મુખ્યત્વે ભણવામાં જ લાગેલું, એટલે અભ્યાસ વિના બીજી કોઇ પ્રવૃતિમાં મને રસ ન હતો. સંસ્થામાં દર વર્ષે ઉત્સવ થતો. તેમાં બહારના પ્રતિષ્ઠિત માણસોને બોલાવવામાં આવતા ને બીજા દર્શનાર્થી પણ ભેગા થતાં. પહેલે માળે આવેલો સુંદર ને વિશાળ હોલ માણસોથી ભરાઇ જતો. તે વખતે વિદ્યાર્થીઓ નાટકો ભજવતા ને ગીતો ગાતા. વળી સંગીત ને વ્યાયામના વિવિધ પ્રયોગો પણ કરી બતાવતા. તે પ્રયોગો જનતામાં ખૂબ જ પ્રિય થઇ પડતાં. તેમાં સારું કામ કરી બતાવનારને ઇનામો પણ મળતા. એ વાર્ષિકોત્સવ મને ખૂબ જ ગમતો. વરસો સુધી મેં તેમાં લાગટ ને સક્રિય ભાગ પણ લીધેલો. એક-બે ગીતો લોકોને ખાસ આકર્ષક થઇ પડ્યા હતા. તેમાં મારે મહત્વનો ભાગ ભજવવાનો હતો. તે ઉપરાંત નાટકો પ્રત્યે પણ મને ખાસ અભિરુચિ હતી. મારામાં એક નટની સુષુપ્ત શક્તિ છે એમ ઉત્સવના એક કુશળ સંચાલક ભાઇને એક વાર ખાતરી થઇ. તેથી નાની ઉંમરમાં જ મને નાટકમાં એક નાનો પાઠ આપવામાં આવ્યો. તે પછી દર વરસે મને જુદા જુદા નાટકોમાં મહત્વની ભૂમિકા આપવામાં આવતી. એક વાર મને કરણ ઘેલાનું ને બીજી વાર શિવાજીનું પાત્ર આપવામાં આવ્યું. તો એક વાર ગીતાના પહેલા અધ્યાયના કૃષ્ણ અને અર્જુનના સંવાદના નાટકમાં મને અર્જુન બનાવવામાં આવ્યો. તે પ્રસંગ વિશેષ યાદગાર હતો કેમ કે તે વખતનો વાર્ષિક ઉત્સવ મુંબઇના ગવર્નર લોર્ડ બ્રેબોર્નના પત્ની લેડી બ્રેબોર્નના પ્રમુખપદે થયો હતો. ઉત્સવ માટે અમે દિવસોથી તૈયારી કરી રાખેલી. હોલ આખો આગંતુકોથી ખીચોખીચ ભરાઇ ગયો. તે વખતના સંસ્થાના ગૃહપતિ વિદ્વાન ને ભલા હતા. લેડી બ્રેબોર્નને તે બધા કાર્યક્રમની વિગતો સમજાવતા. બધો ઉત્સવ પૂરો થયો પછી ઇનામો વહેંચાયા. ત્યારે નાટકમાં ઉત્તમ અભિનય બદલ મને પણ શ્રીમતી બ્રેબોર્નના હાથે ઇનામ મળ્યું. તેમણે મારી સાથે પોતાની પશ્ચિમી પદ્ધતિ પ્રમાણે હસ્તધૂનન કરીને મારું નામ પૂછીને શાબાશી આપી. એથી અમારો ઉત્સાહ વધી ગયો.

સંસ્થાના લગભગ દરેક ઉત્સવમાં એ રીતે હું ભાગ લેતો. સંસ્થા છોડ્યા પછી જી. ટી. બોર્ડીગ હોસ્ટેલમાં રહેવાનું થયુ ત્યારે પણ મેં નાટકમાં ભાગ ભજવ્યો હતો. ગુજરાતના સિદ્ધહસ્ત ને લોકપ્રિય હાસ્યલેખક શ્રી જ્યોતિન્દ્ર દવેના પ્રસિદ્ધ પ્રહસન 'લગ્નના ઉમેદવારો' માં મેં કવિનો પાઠ લીધેલો. બાળપણની એ રુચિ અને કુદરતી બક્ષીસ જો વધારે કેળવાઈ હોત તો તેનું કોઈક જુદું જ પરિણામ આવ્યું હોત. પરંતુ પાછળથી જીવનનો માર્ગ કંઈક અંશે બદલાતા તે રુચિને પોષણ મળવાનું બંધ પડ્યું. સંકુચિતતાનો ત્યાગ કરીને, જરાક વિશાળ દૃષ્ટિને અપનાવીને વિચારીએ તો આજે પણ શું છે ? નાટક, અભિનય અને અભિનેતા ત્રણેય આજે પણ મોજૂદ છે. જીવન એક મહાન નાટક નહિ તો બીજું શું છે ? ફેર એટલો જ છે કે રંગમંચ પરનો અભિનય મોટેભાગે કાલ્પનિક હોય છે; તેને રજૂ કરનાર એનાથી અછૂત રહે છે, જ્યારે જીવનના મહાન નાટકનું તેવું નથી. આ નાટકનો અભિનય એના અભિનેતાને કર્મના મજબૂત સંસ્કારબંધનથી બાંધે છે ને સમય પર છોડાવે છે પણ ખરો. આ અભિનય સાચો છે ને જો અભિનેતામાં આવડત હોય તો તેને માટે શ્રેયસ્કર થઇ પડે તેમ છે. પૂર્ણતાના છેવટના અંક લગી તે ચાલુ જ રહે છે. ત્યાં સુધી જન્મ ને મરણના પડદા પડે છે ને ઊંચકાય છે પણ નાટક પૂરું થતું નથી. એના એ અભિનેતાને જુદા જુદા રૂપે અભિનય પૂરો કરવા માટે આવવું પડે છે. તેના વિના છૂટકો નથી થતો. સામાન્ય નાટક કરતાં જીવનના આ મહાન નાટકમાં વધારે કલા, શક્તિ ને સમજની જરૂર પડે છે તેની ના પણ કોણ કહી શકશે ? માટે જ કહું છું કે અભિનય ચાલ્યા જ કરે છેઃ ચાલવા જેવો અભિનય હજી પણ ચાલ્યા જ કરે છે.

 

Today's Quote

You can get everything you want if you help enough others get what they want.
- Zig Ziglar

prabhu-handwriting