Text Size

સ્વચ્છતા વિશે

 આશ્રમજીવન દરમ્યાન વાસણ, કપડાં ને પથારીની સફાઇ સૌને હાથે જ કરવી પડતી. તે વસ્તુ કેટલાંક વિદ્યાર્થીઓને ગમતી ન હતી. દરેક ઋતુમાં સવારે પાંચ વાગ્યે ઉઠવું પડતું ને ઠંડા પાણીથી સ્નાન કરવાનું રહેતું તે વાતનો પણ કેટલાકને અણગમો હતો. પણ વિદ્યાર્થીઓના ભાવિજીવનને માટે તે નિયમો ઘણાં ઉપયોગી હતા તેમાં સંદેહ નહિ. તિતિક્ષા ને સ્વાશ્રયને શીખવવામાં તે ભારે કિમતી ભાગ ભજવતા. મને પોતાને તે વખતે તે નિયમોનું મુલ્ય બરાબર સમજાતું ન હતું. પરંતુ પાછલા દિવસોમાં મારે માટે તે નિયમો ઘણાં ઉપયોગી થઇ પડ્યા ત્યારે મને તેનું મહત્વ સમજાયું. આજે મારે માટે એ નિયમો સોનેરી થઇ પડ્યા છે. આશ્રમજીવન પછી મારે માટે ઇશ્વરે હિમાલયનો એકાંતવાસ નિર્માણ કર્યો તે વખતે જો હું સ્વાશ્રયી જીવન ને સહનશક્તિને શીખવનારા એ નિયમોથી ટેવાયો ન હોત તો હિમાલયવાસ મારે માટે મુશ્કેલ થઇ પડત એમાં તલમાત્ર સંદેહ નથી. બાળપણમાં પડેલી ટેવો જીવનમાં મજબૂત રીતે જામી જાય છે. એટલે બાળપણની આશ્રમજીવનની કેટલીક સારી ટેવો આગળ ઉપર મને મદદરૂપ થઇ પડી. આશ્રમજીવન વિદ્યાર્થીઓને વ્યવસ્થિત, નિયમિત તથા સ્વાશ્રયી બનાવનારું હોવાથી તે એટલા માટે પણ આવશ્યક છે તેમ મારું માનવું છે.

આશ્રમમાં નિયમિત વહેલા ઉઠવાની ટેવ પડી તે પણ પાછળથી અત્યંત લાભકારક થઇ. આધ્યાત્મિક સાધનાના ક્ષેત્રમાં સફર કરનાર સાધકને માટે જેટલું બની શકે તેટલું વહેલું ઉઠવું જરૂરી છે. તે નિયમના પાલનમાં મને મુશ્કેલી ના પડી તેનું એક મોટું કારણ બચપણથી પડેલી મારી ટેવ હતું. પાછલા દિવસોમાં મને સ્વચ્છતા તરફ જે એક પ્રકારનો પક્ષપાત રહ્યો તેથી કેટલાકને નવાઇ લાગતી. હિમાલયના શાંત અને એકાંત પ્રદેશમાં મારે રહેવાનું થયું ત્યારે પણ મારી સ્વચ્છતા ને તેની ચીવટ ઘણાં માણસોને વધારે પડતી લાગતી. તે માટે ટીકા પણ થતી. કોઇ કહેતું કે સર્વ કાંઇ છોડી દઇને જંગલમાં રહેનારા ને સાધુજીવન જીવનારાને વળી સ્વચ્છતા શી ? સાધુ મહાત્મા તો બને તેટલા ગંદા જ રહે. તેમને સ્વચ્છતા તરફ પ્રેમ જ શેનો હોય ? વળી કોઇ મને શ્રીમંત માનતું. પણ સાચી વાતની સમજ કોઇને ભાગ્યે જ હતી. મારા જીવનમાં બાળપણથી જ સ્વચ્છતાના મહિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. એટલું જ નહિ પણ અસ્વચ્છતા કે ગંદકી, દૂર કરવા જેવી ને ઉપેક્ષણીય છે એ વાત મારા જેવા બીજાં બાળકોના મનમાં સારી પેઠે ઠસાવવામાં આવેલી. ગંદા કપડાં, ગંદા વાસણ, ગંદી પથારી, ગંદા વાળ ને નખ તથા ગંદા દાંત માટે અમને દંડ પણ કરવામાં આવતો. એટલે સ્વચ્છતાના આકરા નિયમપાલન વચ્ચે ને સ્વચ્છતાના વાતાવરણમાં જ મારો વિકાસ થયેલો. સ્વચ્છતાના સતત આગ્રહે મને કેળવ્યો હતો. સ્વચ્છ મકાનમાં, સ્વચ્છતાના હિમાયતી સંચાલકો ને સ્વચ્છતાના પુજારી બાળકોની સાથે શ્વાસ લઈને હું મોટો થયેલો. એક, બે કે ત્રણ દિવસ નહિ પણ વરસો સુધી મેં સ્વચ્છતાની તાલીમ લીધેલી. એ સ્વચ્છતા અંદરની ને બહારની બંને પ્રકારની હતી. તે બંનેથી મને લાભ થયેલો. એટલે તેની ઉપેક્ષા હિમાલયના એકાંતવાસ દરમ્યાન મારાથી કેવી રીતે થઈ શકે? સાધુ જીવન ગંદકીનું ઉપાસનાઘર ને શુધ્ધીનું ઉપેક્ષાક્ષેત્ર છે એ વાતને હું સ્વીકારતો નથી ને મારી સમજ પ્રમાણે સાચા સંતો, શિક્ષકો ને ઉપદેશકો પણ સ્વીકારતા નથી. તેને તો શુધ્ધિનું મહાન મંદિર માનવામાં આવે છે. તેનો ઉપાસક અંદર ને બહારની શુધ્ધિ દ્વારા પવિત્રતાની પ્રતિમા કે શુધ્ધિના સ્વામી જેવા પરમાત્માને પ્રાપ્ત કરવાની સાધના કરે છે. એ અશુધ્ધિના અસુરનો ઉપાસક કેવી રીતે હોઈ શકે ? સાધુજીવન ને સાધનાને નામે આમ જનતામાં કેટલાક ભ્રાંત અને પાયા વિનાના ખ્યાલો ફેલાયેલા છે તે ભારે ખેદની વાત છે. એમનો અંત આણવાની આવશ્કતા છે.

જે શ્રીમંત હોય તે જ સ્વચ્છ રહી શકે છે ને ગરીબ તો ગંદો જ રહે એવું થોડું છે ? સ્વચ્છ થવા માટે માણસે શ્રીમંત થવાની અથવા તો શ્રીમંત દશાની રાહ જોવાની જરૂર નથી. સ્વચ્છતા તો  સૌ કોઈ રાખી શકે છે. તે તો માનવમાત્રનો ઈજારો છે. ગરીબ કે અમીર કોઈયે તેની સાધના કરી શકે છે. ફક્ત તે માટે રુચિ ને પ્રેમ જોઈએ. તે હોય તો ગરીબ પણ સ્વચ્છ રહી શકે ને ના હોય તો પ્રચુર ધન તથા સામગ્રીવાળો શ્રીમંત પણ અસ્વચ્છ રહે.

હિમાલયના આ પ્રદેશમાં ગંગામાતાનું મહામોઘું દાન ઈશ્વરે આપેલું છે. ગંગાનું પાણી કેટલું બધું નિર્મળ હોય છે ? તેનો ઉપયોગ કરવાની છૂટ સૌ કોઈને મળેલી છે. છતાં પણ બધા માણસો તેનો ઉપયોગ કરીને સાફ રહેવાનું પસંદ નથી કરતા એ હકીકત છે. ગંગાના પવિત્ર પાણીમાં રોજ રોજ કપડાં ધોવાની કોણ ના કહે છે ? પણ દરરોજ કપડાં ધોઈને સાફ રહવાનું બહુ ઓછા માણસો પસંદ કરે છે. કેટલાક માણસો એવા પણ છે જે સાધન હોવા છતાં આળસને લીધે રોજ નાહતા પણ નથી. તેમાંના કેટલાક કોઈ ધન્ય દિવસે નહાવાની પરંપરાગત આદતના દાસ થયા હોય છે. એ બધા ધારે તો સહેજે સાફ રહી શકે છે. તેમાં અમીર ને ગરીબના ભેદ આડે આવતા નથી. એ તો રુચિને કેળવવાનો ને આળસને છોડીને સાધારણ શ્રમ કરવાનો પ્રશ્ન છે. વાત ખરેખર એવી છે છતાં પણ કેટલાક માણસો મેં આગળ ઉપર કહ્યું તેમ મારાં સાધારણ સાફ કપડાંને ને ઠીક કરેલા વાળને જોઈને મને સારી સ્થિતિનો સમજતા. આશ્રમજીવનની નાનપણમાં પડેલી ટેવને લીધે જ પાછલા જીવનમાં હું સ્વચ્છતાનો પૂજારી રહી શક્યો. આશ્રમજીવનનો એ લાભ કાંઇ જેવો તેવો ના કહેવાય.

 

Today's Quote

You can't cross the sea merely by standing and staring at the water.
- Rabindranath Tagore

prabhu-handwriting