Text Size

આરોગ્ય વિશે જાગૃતિ

 આશ્રમમાં રહેવાનું થયું તે દરમ્યાન મને ચકભિલ્લુ જેવી રમતો ને ક્રિકેટનો શોખ હતો. પણ તે શોખ કાંઇ વધારે પડતો ના કહેવાય. કોઇ વાર અનુકૂળતાં મળતાં મને ક્રિકેટ રમવાનું ગમતું. બીજી રમતો તરફની અભિરુચિ ઓછી હતી.

કસરત કરાવવા માટે રોજ સવારે કસરતમાં પ્રવીણ શિક્ષક આવતાં. એટલે રવિવાર સિવાયના બધા જ દિવસોમાં અમારે કસરત કરવી પડતી. કસરતના પ્રયોગો ખૂબ જ સારી રીતે શીખવવામાં આવતા. દંડ-બેઠક, પિરામીડ, લકડીપટ્ટા, લકડી, મગદળ, ભાલા, લેજીમ, બોક્ષીંગ, બંદૂક તથા દોડવાની તાલીમ અપાતી. તે ઉપરાંત જુદી જુદી રમતો પણ રમાડવામાં આવતી. મને પણ તેના શિક્ષણનો લાભ મળેલો. પરંતુ શરૂઆતમાં મને તેમાં બિલકુલ રસ ન હતો. લગભગ ચૌદેક વરસની વય સુધી પરિસ્થિતિ એવી જ રહી. પછી તેમાં ફેર પડ્યો. એકવાર મારા હાથમાં લોકમાન્ય શ્રી તિલક મહારાજના જીવનનો એક પ્રસંગ આવ્યો. તેમાં જણાવ્યું હતું કે તિલક મહારાજનું શરીર શરૂઆતમાં બહુ નબળું રહેતું. એક વાર તેમને તે સાલવા લાગ્યું ને શરીરને નિરોગી, સશક્ત ને સુદૃઢ કરવાનો તેમણે નિર્ણય કર્યો. તિલક મહારાજ જેવા મજબૂત મનોબળવાળા મહાપુરુષનો નિર્ણય હોય પછી તો કહેવું જ શું ? તે જ દિવસથી તે દંડ-બેઠકની પાછળ આદુ ખાઇને લાગી ગયા. તેનું પરિણામ ઘણું સુંદર ને ચમત્કારીક આવ્યું. તેમના શરીરનો બાંધો જ બદલાઇ ગયો. એ પ્રસંગના વાચનની મારી પર સારી અસર થઇ. એટલું જાણે મને પ્રેરણા પાવા પૂરતું ન હોય તેમ તે પછી થોડા દિવસોમાં મારા હાથમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીનું જીવનચરિત્ર (ઝંડાધારી) આવ્યું. તેમાં વિસ્તારથી વર્ણવેલા એ મહાન જ્યોતિર્ધરના જીવનપ્રસંગોને મેં જોયા. તેમની શરીરશક્તિનો ચિતાર આપતા પ્રસંગો પણ એમાં અનેક હતાં. તેમનાં શરીરસૌષ્ઠવ અને અદભૂત શરીરસામર્થ્યનો તેના પરથી મને ખ્યાલ આવ્યો. તેમના મહાન શિષ્ય સ્વામી શ્રદ્ધાનંદનું જીવન જોવા મળ્યું. એ પરથી મને લાગી આવ્યું કે શરીરની ઉપેક્ષા બરાબર નથી. એ કોઇપણ કારણથી ચલાવી લેવાય તેમ નથી. જીવનને મહાન બનાવવું હોય ને પોતાની ને બીજાની સેવા કરવી હોય તો શરીરને સુદૃઢ અને નીરોગી કરવાની જરૂર છે. શરીર પ્રત્યેની ઉદાસીનતા ને બેપરવાઇને દૂર કર્યે જ છૂટકો છે. સુખી જીવનના લાભ માટે પણ શરીરને સુંદર કે શક્તિશાળી બનાવવાની આવશ્યકતા છે. ધર્માચરણ ને આત્મિક જીવનની સાધના માટે પણ શરીરસંપત્તિની અનિવાર્ય આવશ્યકતા છે. શરીર પાયો છે. એનો અનાદર કરીને આત્મિક વિકાસની ઉચ્ચોચ્ચ ઇમારતના ચણતરની આશા કેવી રીતે રાખી શકાય ? સાધારણ માણસને માટે પણ 'પહેલું સુખ તે જાતે નર્યા'ની વાત પ્રસિદ્ધ જ છે, માટે શરીર તરફ પૂરતું ધ્યાન રાખવું જ પડશે.

એ વિચારણાએ મારામાં કસરત પ્રત્યેનો પ્રેમ પેદા કર્યો. મારું શરીર ખૂબ જ નબળું હતું. મારો બાંધો પણ પહેલેથી એકવડિયો હતો. માથાનો દુઃખાવો મારે માટે સામાન્ય થઇ પડ્યો હતો. મને થયું કે એ બધું બરાબર નથી. તેનો ઇલાજ કરવો જોઇએ. મહાન પુરુષ બનવાની મહત્વકાંક્ષા ને ભાવનાએ મારા દિલમાં મજબૂત રીતે ઘર કરેલું એટલે મને થયું કે શરીર પ્રત્યે પણ બેદરકાર ના રહેવું જોઇએ. નિયમિત વ્યાયામ કરવો જોઇએ. વળી યોગના ગ્રંથો ને કેટલાક યોગીઓના જીવન વાંચવાથી મને યોગી બનવાની ઇચ્છા થઇ. તે માટે પણ શરૂઆતમાં શારીરિક તાલિમની આવશ્યકતા લાગી. એટલે મેં એનો આશ્રય લીધો. દંડ-બેઠક, સૂર્યનમસ્કાર અને શીર્ષાસન ખૂબ જ ઉત્સાહથી કરવા માંડ્યાં. કસરત પ્રત્યેની મારી ઉદાસીનતા કાયમને માટે દૂર થઇ. કસરતનો પ્રેમ મારા જીવનમાં તે પછી ઉત્તરોત્તર વધતો જ ગયો. તેથી મારા તન ને મને બન્નેને ફાયદો થયો. તન અને મન પરસ્પર સંકળાયેલા છે એટલે એકની અસર બીજા પર અચૂકપણે પડે છે જ. કસરતને લીધે મારો બાંધો બદલાઇ ગયો, માથાનો દુઃખાવો કાયમને માટે દૂર થઇ ગયો, ને તંદુરસ્તી ઉપરાંત બીજા ઘણાં લાભો વારસામાં મળ્યાં. આજે મારુ શરીર સારું છે. મારા કાર્યમાં સહાયક છે. મને પોતાને હાથી જેવા બળની, પહેલવાનપણાની કે જે મળે તે બધું સ્વાહા કરી જવાની શક્તિ કેળવવાની ઇચ્છા નથી. તેમાં રસ પણ નથી. પરંતુ આરોગ્યમાં રસ અવશ્ય છે. ને તેથી જ દરેક ભાઇબેનને વ્યાયામ પ્રત્યે પ્રેમ કેળવવા, વ્યાયામ કરવા અને શરીરને સુંદર બનાવવા માટે શ્રમ કરવાની મારી વિનંતિ છે, કહો કે ભલામણ છે.

આપણે ત્યા જ્યાં જ્યાં છાત્રાલયો હોય ત્યાં ત્યાં બધે જ વ્યાયામના નિયમિત શિક્ષણની વ્યવસ્થા કરવાની જરૂર છે. કેટલાંય છાત્રાલયો એ વ્યવસ્થાથી વંચિત દેખાય છે. છાત્રાલયો કવળ બાળકોને રાખવાનાં સ્થાન નથી. તે તો બાળકોને કેળવવાની જગ્યાઓ છે. માટે બાળકોના તન, મન ને વાણીના વિકાસ માટેની જરૂરી સામગ્રીથી તે સંપન્ન હોવા જોઈએ. વળી તે સામગ્રીનો સદુઉપયોગ થાય છે ને તેનો લાભ લઈને બાળકોનાં જીવન વધારે ને વધારે ઓજસ્વી બને છે એ વાતનું પણ ધ્યાન રખાવું જોઈએ. છાત્રાલયોમાં રહેનાર બાળકો પણ વ્યાયામપ્રિય બને ને શરીરને સ્વસ્થ રાખે તે માટે કાળજી રખાવી જોઈએ. માતાપિતા, સંરક્ષક ને શાળાના સંચાલકોએ તેમને વ્યાયામપ્રિય બનાવવામાં મદદરૂપ થવાની અસાધારણ આવશ્યકતા છે.

 

 

Today's Quote

God, grant me the serenity to accept the things I cannot change, the courage to change the things I can, and the wisdom to know the difference.
- Dr. Reinhold Niebuhr

prabhu-handwriting