Text Size

ગીતા વાંચનની અસર

 માનવના જીવનવિકાસમાં કેટલાંક ચોક્કસ વરસો ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. કેટલીકવાર અમુક ખાસ મહિના ને દિવસો તેના જીવનના ઘડતરમાં મહત્વનું કામ કરી જાય છે ને તેથી અમર બની જાય છે. એથી પણ આગળ વધીને કહીએ તો કેટલીક પળો કે ક્ષણો તેના જીવનમાં ક્રાંતિ કરનારી સાબિત થાય છે, તે દરમિયાન જીવન એવા પ્રસંગો ને એવી પરિસ્થિતિમાંથી પસાર થાય છે, જેની અસર આખર સુધી રહી જાય છે ને તેના ભાવિનો નિર્ણય કરનારી થઈ પડે છે. અચાનક કોઈ એવી વ્યક્તિની સાથે સંબંધ થઈ જાય છે કે જેનો પ્રભાવ લાંબા વખત લગી ચાલ્યા કરે ને જીવનને અવનવીન કરે. અથવા કોઈ એવા વાતાવરણની પ્રાપ્તિ થાય છે જે પોતાની અસરથી આજ સુધી ચાલુ જીવાતા આવેલા જીવનને જ બદલી દે. અથવા સારી કે નરસી એવી બુદ્ધિનો ઉદય થઈ જાય છે જે તેના ચાલુ પ્રવાહને પલટાવી દે. એવી ક્રાંતિકારી ક્ષણો જીવનમાં કદી કદી ઉત્પન્ન થાય છે, ને તે તેના જીવનમાં સીમાચિહ્ન સમી થઈ પડે છે. એવા દિવસો, મહિના અને એવા વરસો જીવનને માટે ભારે કીમતી કામ કરનારાં થઈ પડે છે. દરેક માનવના જીવનને માટે આ વાત વત્તેઓછે અંશે સાચી ઠરે છે. મારા સંબંધમાં પણ એમ જ સમજી લેવાનું છે. નવમું વરસ મારા જીવનમાં ઘણું કીમતી હતું. તે વરસ દરમિયાન જે અવનવા બનાવો બની ગયા તેનો ઉલ્લેખ મેં આગળ ઉપર કરી દીધો છે. ચૌદમું વરસ પણ તેવું જ હતું. તે વરસે મને જીવનના ચોક્કસ ઘડતરની પ્રેરણા પૂરી પાડી. જીવનની શુદ્ધિની ઝંખના તે દરમિયાન જાગી ઊઠી. જીવનને મહાન ને ઉન્નત બનાવવાની મહત્વાકાંક્ષાએ હૃદયમાં ઘર કર્યું. તે દરમિયાન પ્રગટ થયેલા સંસ્કારો ને વિચારો તે પછીનાં વરસોમાં વધારે ને વધારે પ્રબળ બનવા તથા ફાલવા ને ફૂલવા માંડ્યાં.

ચૌદમા વરસની પહેલાંથી જ મને એક સારા સદ્દગુણી ને હોશિંયાર વિદ્યાર્થી બનવાની ઈચ્છા થઈ. ખૂબ સારો અભ્યાસ કરીને જીવનને ઉજજ્વળ કરવાની મારામાં કામના જાગી. તેને પૂરી કરવાના પ્રયાસ પણ મેં શરૂ કરી દીધા. મારા જીવનને સુધારવા ને સદ્દગુણી બનાવવા મારાથી બનતી મહેનત હું કરતો હતો. બધા જ વિદ્યાર્થીઓ પર પ્રેમભાવ જણાઈ રહે ને કોઈના પ્રત્યે કોઈ પણ કારણથી દ્વેષ કે તિરસ્કાર ના થાય તેનું ધ્યાન રાખતો. એ વખતે મારો અભ્યાસ સારો હતો. તેથી ગૃહપતિ મારા પર પ્રેમ રાખતા. તેને લીધે બીજા વિદ્યાર્થીઓથી ઉત્તમ હોવાનું અભિમાન થવાનો સંભવ હતો. અભિમાનનો અંશ પણ ઉત્પન્ન ના થાય તે માટે હું જાગ્રત રહેતો. કોઇ જાતનું વ્યસન લાગુ ના પડે તેની સાવધાની પણ રાખ્યો કરતો. ને બધા વિદ્યાર્થીઓ પ્રત્યે મિત્રતા હોવા છતાં બૂરી ટેવ ને ખરાબ કારકિર્દીવાળા વિદ્યાર્થીઓની કુસંગમાં પડાય નહિ તેનું પણ ધ્યાન રાખતો. કેટલાક મહાન પુરુષો શરૂઆતમાં રોજનીશી રાખતા એવું મેં સાંભળેલું. તેથી મને પણ રોજનીશી રાખવાનું મન થયું અને એનો અમલ પણ મેં કરી દીધો. નવરાશનો વખત મળે ત્યારે ચોપડી વાંચવાની કે શાંતિથી બેસી રહેવાની ટેવ તો મને પહેલેથી જ પડી હતી. એટલે મારો વખત કદી બગડતો નહિ.

તે  દિવસોમાં મને ગીતાનું વાચન કરવાનું મન થયું. ગીતા તરફ મારું ધ્યાન કેવી રીતે ખેંચાયું તે જાણવા જેવું છે. મુંબઈમાં સેન્ડહર્સ્ટરોડ પર આવેલી કબુબાઈ હાઈસ્કૂલમાં મને અંગ્રેજીના અભ્યાસ માટે દાખલ કરવામાં આવ્યો. તેમાં અંગ્રેજી ચોથા ધોરણથી ગીતાનો વિષય દાખલ કરવામાં આવેલો, તે માટે એક ખાસ શાત્રીજીની નિયુક્તિ કરવામાં આવી. શાત્રીજી ભારે વિદ્વાન ને મિલનસાર હતા. તેમના ગુણો ભારે હતા. એ અર્થ સાથે ગીતાના એકાદ-બે અધ્યાયોનો અભ્યાસ કરાવતા. પાછળથી અમારી સંસ્થામાં પણ તેમની નિમણૂક કરવામાં આવી. સંસ્થામાં પણ અમૂક ચોક્કસ દિવસે રાતે તે એકાદ કલાક ધર્મોપદેશ માટે આવતા. તે ઘણા જ ભલા ને સરળ સ્વભાવના હતા. સંસ્થાના બાળકો તરફ તેમને એક પ્રકારનો મીઠો પક્ષપાત ને ભાવ હતો. તેમની ગીતા શીખવવાની પદ્ધતિ પણ ઘણી સારી હતી. પરંતુ વિદ્યાર્થીઓ તેનો લાભ ભાગ્યે જ લેતા. કેટલાક વિદ્યાર્થીઓને ધર્મ પ્રત્યે અરુચિ અને સૂગ હતી, તો કેટલાકની માન્યતા એવી હતી કે ગીતા જેવા ગ્રંથોનો અભ્યાસ કરનાર માણસ છેવટે સંસારને માટે નકામો થઈ જાય છે. સંસારનો વ્યવહાર તેનાથી થઈ શકતો નથી. એવા એવા ઉટપટાંગ ખ્યાલોને લીધે કોઈક જ વિદ્યાર્થી ગીતાના અભ્યાસની અભિરુચિવાળો નીકળતો. એ વખતની અમારી અવસ્થા જ એવી અપરિપક્વ હતી કે જેમાં ગીતા જેવા મહાન ગ્રંથના મહિમાનો ખ્યાલ જ ના આવે. ગીતા શી વસ્તુ છે ને તેમાં  શું સમાયેલું છે તેનો અમને મોટેભાગે તો ખ્યાલ જ ન હતો. છતાં પણ શાત્રીજી મહારાજના પ્રયાસથી કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ કરાવનારા એક વિષય તરીકે ગીતાનું મહત્વ સમજીને પણ તેનો પાઠ કરતા થઈ ગયા.

એ સંજોગોમાં ગીતા મારા હાથમાં આવી. મેં સાંભળ્યું હતું કે ગીતા ભારતનો જ નહિ પણ સમસ્ત સંસારનો એક મહાન ધર્મગ્રંથ મનાય છે. વળી એમ પણ સાંભળ્યું હતું કે મહાત્મા ગાંધીજી જેવા મહાપુરુષ તેનો નિત્યપાઠ કરે છે. એટલે તેનો પરિચય કરવાનું મન તો મને ક્યારનુંય થયું હતું. પરંતુ મારું ભાષાજ્ઞાન તે વખતે ઘણું કાચું હતું. સંસ્કૃત હજી અંગ્રેજી ચોથા ધોરણથી જ બીજા વિષય તરીકે શરૂ થયેલું એટલે ગીતાના સંસ્કૃત શ્લોકને સમજવાનું કામ મારે માટે સહેલું ન હતું. છતાં પણ શ્લોકોનો ઉકેલ મારે માટે ધાર્યા કરતાં સહેલો થઇ પડ્યો. તે માટે શરૂ શરૂમાં મેં શ્લોકોને બદલે વધારે ને લગભગ બધું જ ધ્યાન તેના ગુજરાતી અર્થ પર આપવા માંડ્યું. તેથી મને લાભ થયો. અર્થો સરળ હતા. તે મારી સમજીમાં સહેલાઇથી આવવા માડ્યાં. મને ઘણો આનંદ થયો. પછી તો મેં ગીતાવાચનનો જાણે કે નિયમ જ કરી નાખ્યો. ગીતાના બધા અધ્યાયો સમજવા સહેલા નથી. તેમાંથી બારમો, પંદરમો, સોળમો ને બીજો એ ચાર અધ્યાય પ્રમાણમાં સહેલા છે. તેમાંથી પણ બીજો અધ્યાય હું વારંવાર વાંચતો. તેના ભાવ મને ખૂબ જ ગમી ગયેલા. તેમાંયે તેમાં આખરે વર્ણવેલા સ્થિતપ્રજ્ઞના લક્ષણો મારુ ખાસ ધ્યાન ખેંચતા. મારે માટે તે પ્રેરણા ને પથપ્રદર્શનની સામગ્રી જેવા થઇ પડ્યા. મહાત્મા ભિક્ષુ અખંડાનંદની ગીતામાં અધ્યાયોની આગળપાછળ જુદાં જુદાં પુસ્તકોમાંથી સુંદર ઉપદેશ ને ઉતારા આવતા. તેને વાંચતા હું ધરાતો નહિ. તેમાં શ્રી રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ ને રામતીર્થના ઉપદેશ હતા. તે મને ગમતા અને અસરકારક લાગતા. રોજ રાતે તેમને વાંચી જવાની મને લગની લાગેલી. તેનો મહાન સ્વાદ મને મળી ગયેલો. એટલે તેને મૂકવાનું મન થતું ન હતું. પાછળથી તો મને તેમાંના મોટા ભાગનાં ઉપદેશવચનો યાદ પણ રહી ગયેલા.

તેની સાથે સ્થિતપ્રજ્ઞના શ્લોકોના વિચારે મારા ચાલુ જીવનમાં ક્રાંતિ કરી નાખી. મને મહાન પુરુષ થવાની ઇચ્છા થઇ. પરંતુ સ્થિતપ્રજ્ઞના લક્ષણો પરથી મને સમજાયું કે મહાન પુરુષ થવા માટે ઘણા ઘણા સદગુણો કેળવવાની ને ઉત્તમ લક્ષણોને અપનાવવાની જરૂર છે. તે માટે ભારે પ્રયાસ કરવો જોઇએ.

 

Today's Quote

A lie sprints. but truth has endurance.
- Anonymous

prabhu-handwriting