Text Size

જીવનવિકાસની પ્રેરણા

 સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો કેટલાં બધાં વિશાળ ભાવથી ભરેલાં ને ગહન છે ? તેમને સમજવા જેટલી પાકી બુદ્ધિનો તે વખતે મારામાં અભાવ હોય એ દેખીતું છે. છતાં પણ તેના મોટાભાગના ભાવ મને સમજાવા માંડ્યા. તે લક્ષણો પ્રમાણે મેં મારા જીવનને સરખાવવા માંડ્યું. જે સ્થિતપ્રજ્ઞ છે તે કામ અને ક્રોધથી પર હોય છે. કામિની, કાંચન ને કાયાની આસક્તિમાં ફસાતો નથી. અહંકાર, રાગદ્વેષ ને મમતાથી રહિત હોય છે. ભય તેને લાગતો નથી. મન ને ઇન્દ્રિયો પર તેનો કાબૂ હોય છે. સંસારના ક્ષણભંગુર પદાર્થોની આસક્તિ મૂકીને તેણે પરમાત્માની પ્રીતિ કરી હોય છે. તેનું મન પરમાત્મામાં રમી રહ્યું હોય છે ને પરમાત્માની સાથે એકતાર બની ગયું હોય છે. તેના જીવનની નદી અનંત કાળથી વહેતી વહેતી છેવટે પરમાત્માના પરમ સાગરને મળી ગઇ હોય છે. તેથી તેના તન, મન ને વચનમાં પરમ શાંતિ, પ્રેમ ને પવિત્રતા ફરી વળી હોય છે. તે સદગુણ ને સુવિચારની મૂર્તિ જેવો બની જાય છે. એવાં એવાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોનો વિચાર કરીને મને થયું કે મારે પણ સદગુણની મૂર્તિ બનવું જોઇએ. જીવનને સુવિચાર ને સત્કર્મથી સંપન્ન બનાવવું જોઇએ. ઉત્તમ ભાવના અને આદર્શથી ભરી દેવું જોઇએ. કામ, ક્રોધ, અભિમાનથી અછૂત રહેવાની કોશિશ કરવી જોઇએ. ભય ને ધિક્કારથી મુક્તિ મેળવવી જોઇએ. તન, મન ને વચનને નિર્મળ ને મધુર કરવા જોઇએ. સૌ પ્રત્યે પ્રેમ રાખવો જોઇએ, એટલે કે પ્રેમની મૂર્તિ બનવું જોઇએ. પરમાત્માની પાસે પહોંચવાનો પ્રયાસ કરવો જોઇએ. જીવનને એવી રીતે મહાન બનાવી શકાય.

જીવનના ઘડતરની યથાર્થ સમજ પૂરી પાડવામાં એવી રીતે ગીતાએ મને ખૂબખૂબ મદદ કરી. માતાની પેઠે પ્રારંભમાં તેણે મને માર્ગદર્શન આપ્યું. જીવનની શુદ્ધિ ને જીવનના વિકાસની નક્કર પ્રેરણા પૂરી પાડી. એટલે મારું કામ સહેલું થયું. પછી તો મેં બરાબર સાવધ રહીને જીવનને સદગુણોની મૂર્તિ બનાવવાનો પ્રયાસ શરૂ કર્યો. રોજ રાતે સૂતાં પહેલાં આખાયે દિવસનું મનન કરવાની ટેવ એ બાબતમાં મને ખૂબ મદદકારક થઇ પડી. પછી તો હરેક ક્ષણે મન જાણે કે વિવેચકની જેમ જાગ્રત રહેતું ને થયેલી કે થઇ રહેલી ભૂલને પકડી પાડી તે પ્રત્યે વિરોધ નોંધાવતું. ભૂલને માટે દિલમાં લાગી આવતું. પશ્ચાતાપ થતો, ને તેનું પુનરાવર્તન ના થાય તે માટે સાવધ રહેવાનો નિશ્ચય કરતો. રોજનીશીની ટેવ પણ તે કામમાં મદદરૂપ થઇ પડી. મારામાં પહેલેથી બહુ દુર્ગુણો તો ન હતા. તો પણ જે હતા તે પણ આત્મનિરીક્ષણની એ નવી ટેવ દ્વારા દૂર થવા માંડ્યા. મારા જીવનમાં એવી રીતે નવો રસ ને નવો પ્રકાશ પ્રકટવા માંડ્યો. જીવનનું મંથન શરૂ થયું.

ગીતા પ્રત્યેનો મારો પ્રેમ ને પૂજ્યભાવ એ પછી તો દિવસે દિવસે વધતો ચાલ્યો. તેમાં કદી ઓટ આવી નથી. તેણે જે હૂંફ આપી તે અમૂલ્ય થઇ પડી. તેની પૂરી પાડેલી પ્રેરણારૂપી સંપત્તિ જીવનની કંગાલિયત, જડતા કે દરિદ્રતાને દૂર કરવામાં ભારે સફળ સાબિત થઇ. તે પછીના વરસોમાં ગીતાની પાસે હું વધારે ને વધારે પહોંચતો ગયો ને ગીતાના રહસ્યને યથાશક્તિ સમજવાની કોશિશ કરતો. તેથી મને અનહદ આનંદ મળ્યો અને અપાર લાભ થયો.

 

Today's Quote

Success is getting what you want. Happiness is wanting what you get.
- Dave Gardner

prabhu-handwriting