Text Size

જીવનચરિત્રના વાંચનની અસર

 ગીતાના પ્રારંભના પરિચયના એ દિવસોમાં એક બીજો પ્રસંગ બની ગયો. તેણે પણ જીવનશુદ્ધિની દિશામાં મને મદદ કરી. બે-ત્રણ દિવસથી અહીં વરસાદ બંધ જેવો હતો. તેથી ઉકળાટ સખત થતો. હવે વરસાદ પુષ્કળ પ્રમાણમાં પડવા માંડ્યો છે. તેથી કેટલો બધો આનંદ થાય છે ! મારા તે વખતના જીવનમાં પણ ઇશ્વરની આકસ્મિક કૃપાનો વરસાદ વરસવા માંડ્યો. વાત એમ બની કે એક દિવસ મારા હાથમાં અચાનક શ્રી રામકૃષ્ણ પરમહંસદેવનું જીવનચરિત્ર આવી ગયું. મને સારા ને સદગુણી જીવન પર પ્રેમ છે ને સારા વાંચનનો પણ શોખ છે એ વાત મારા વિદ્યાર્થીમિત્રોના જાણવામાં આવી. તેમાંથી એક વિદ્યાર્થીએ પુસ્તકાલયમાંથી લાવીને તે પુસ્તક મને વાંચવા આપ્યું. રામકૃષ્ણદેવનું જીવન મારે માટે તદ્દન નવું હતું. ગીતાના પાછલા પૃષ્ઠોમાં છપાયેલા તેમના છુટક ઉપદેશો મેં અનેકવાર વાંચેલા. એટલે એમના તરફ મને આદરભાવ હતો, અને ઇશ્વરને મેળવી ચુકેલા એક લોકાત્તર મહાન પુરુષ તરીકે હું તેમને પ્રેમપૂર્વક યાદ કરતો. તેમનું જીવનચરિત્ર એવી રીતે અચાનક મારા હાથમાં આવ્યું તેથી મને આનંદ થયો. ઇશ્વરે પોતે જ  કૃપા કરીને એ યોગ ઉભો કર્યો. અથવા તો રામકૃષ્ણદેવે પોતે જ, મુંબઇની સંસ્થામાં જીવનવિકાસના પ્રયોગની સમજ પૂરી પાડવા, પુસ્તકાકારે સ્થૂળ સ્વરૂપ લઇને, જાણે કે મારા જીવનમાં પ્રવેશ કર્યો. ઇશ્વરની ઇચ્છા અકળ છે. કુદરતની લીલા પણ અનેરી ને ગહન છે. કયે વખતે તે શું કરવા માગે છે તેની કોને ખબર પડી શકે ? શાસ્ત્રો ને સંતો કહે છે કે જન્માંતર સંસ્કાર ને કર્મફળની ભૂમિકા પર વર્તમાન જીવનનો ઘાટ ઘડાય છે. પણ તેનો પૂર્વાપર સંબંધ કોણ સમજી ને સિદ્ધ કરી શકે ? કોઇ દિવ્ય દૃષ્ટિવાળા મહાપુરુષને માટે તે શક્ય હોય તો ભલે પરંતુ સાધારણ માણસને માટે તો તે આકાશકુસુમવત્ જેવું મુશ્કેલ જ નહિ પણ અશક્ય છે. સંસારના મોટા ભાગના માણસો હજી તદ્દન સામાન્ય દશામાં જ જીવે છે. કર્મના આધાર પર જીવનમાં ઘટતી ઘટનાઓનું રહસ્ય તે કેવી રીતે સમજી શકે ? તે કામ તો પંડિતોને માટે પણ અટપટું ને અસંભવ છે. ચૌદ વરસની નાની અવસ્થામાં મને તો તેની સમજ પડે જ કેવી રીતે ? છતાં પણ એટલું તો સમજી શકાયું કે રામકૃષ્ણદેવનું પુસ્તક જોતાંવેંત મને આનંદ થયો. અંતરમાં કોઇ અનેરી લાગણી થઇ આવી.

રામકૃષ્ણદેવના જીવનનું વાચન મારે માટે રસિક થઇ પડ્યું. તેમના જીવનપ્રસંગો જેમ જેમ મારી સમક્ષ ઉપસ્થિત થવા માંડ્યા તેમ તેમ મારો રસ વધતો ગયો. તેમનું જીવન કેટલું સુંદર છે ? સંસારના આધ્યાત્મિક ઇતિહાસની એ એક મહામોંઘી મૂડી છે. મારી જેમ ભારતમાં જ નહિ પણ ભારતની બહાર પણ તેણે કેટકેટલા માણસોને પ્રેરણા આપી હશે ને રસ પાયો હશે તે કોણ કહી શકે ? પરમહંસદેવ ભારતના જ નહિ પણ સારા સંસારના છે. આજે તો તેમનું નામ ભારતની સીમાઓ ઓળંગીને દૂર દૂર સુધી પહોંચી ચૂક્યું છે. ભારત ને સંસારના મહાત્મા પુરુષોમાં અગ્રપદે તેમની સ્થાપના કે પ્રતિષ્ઠા થઇ ચુકી છે. તેમના જીવનચરિત્રે મારા જીવનમાં નવો પ્રકાશ પહોંચતો કર્યો. ઇશ્વરના સાક્ષાત્કાર માટેના તેમના સાધનાપ્રયોગો મેં વાંચ્યા. તેમનું જગદંબા સાથેનું અખંડ અનુસંધાન જોયું. મહાન શક્તિશાળી ગુરુ તોતાપુરીની કૃપાથી થયેલી તેમની નિર્વિકલ્પ સમાધિનો વિચાર કર્યો. એમની અપાર પવિત્રતા ને નિષ્ક્રિયતાનું દર્શન કર્યું. શારદામાતા સાથેનો તેમનો લગ્ન પછીનો, મિલન-દિવસથી છેવટ સુધીનો સંયમી ને કામવાસના રહિત તદ્દન નિર્મળ સંબંધ જોયો. વિવેકાનંદનું તેમણે કરેલું ઘડતર જોયું. તેમની દ્વારા કરાયેલી કેટલાય ભક્તોની કાયાપલટની ઝાંખી કરી. તેમનો ઉત્કટ ઇશ્વરપ્રેમ અને માનવ અનુકંપાનો ભાવ જોયો. કામિની, કાંચન ને કીર્તિ તરફના તેમના પ્રખર વૈરાગ્યનો વિચાર કર્યો. તેમના સરળ છતાં સારરૂપ ઉપદેશોનું મનન કર્યું. ને છેલ્લે છેલ્લે જોયું તેમનું મહાપ્રસ્થાન. એ બધા ભાવો ને પ્રસંગો દિલમાં એવા તો જડાઇ ગયા અને એવી અલૌકિક અસર કરી ગયા કે વાત નહિ. તેમનું જીવન ધર્મનો અનુવાદ ને સાધનાનો પ્રત્યક્ષ તરજૂમો હતું. મને તેમાંથી ઇશ્વરના દર્શન ને તે માટેની સાધનાની પ્રેરણા મળી. જીવનના વિકાસના આરંભના અંગ હૃદયશુદ્ધિનો પરિચય તો થયો જ હતો. હવે એના આગળના અંગરૂપે ઇશ્વરદર્શનની સ્પષ્ટ સમજ મળી. મારા આનંદનો પાર ન રહ્યો. મારા જાણેલા-માણેલા જીવનનું મેં મનન કર્યું હોય એમ મને લાગવા માંડ્યું.

સાથે સાથે જીવનની ઉચ્ચતાનું જે શિખર સર કરવાનું છે તેનો મને ખ્યાલ આવ્યો. રામકૃષ્ણદેવ જેવા મહાન પુરુષ થવાની ને ઇશ્વરની કૃપા મેળવવાની મને ભાવના થઇ. મને થયું કે મારો જન્મ તે માટે જ છે. મારા જીવન દ્વારા ઇશ્વર તે ભાવનાની પૂર્તિ કરવા માંગે છે. એ ભાવોથી મારું હૃદય ભરાઇ ગયું. રામકૃષ્ણદેવના જીવનનું વાચન પૂરું કર્યું ત્યારે હું એક વસ્ત્ર પહેરીને અગાશીના બારણાં પાસે બેઠેલો. પુસ્તકમાં શ્રીરામકૃષ્ણદેવનો સુંદર ફોટો હતો. મેં એને આંખમાં આંસુ સાથે પ્રણામ કર્યા, ને પ્રાર્થના કરતાં કહ્યું કે 'હે પ્રભુ, મને તમારા પ્રેમામૃતનું પાન કરાવો. મને તમારા જેવો પવિત્ર, પ્રભુપરાયણ અને મહાન બનાવો. કાયા, કાંચન ને કીર્તિના મોહમાંથી કાયમને માટે મુક્તિ આપો. મારા પર ઇશ્વરની-જગદંબાની સંપૂર્ણ કૃપા વરસી જાય તે માટે આશીર્વાદની વૃષ્ટિ વરસાવો. મને સંસારમાં આસક્ત થવા દેશો નહિ ને કાયમ માટે મારી સંભાળ રાખીને શુદ્ધ, બુદ્ધ, મુક્ત ને પૂર્ણ બનાવી દેજો.'

એ પ્રસંગ આજે પણ યાદ આવે છે ત્યારે અંતરમાં અનેરી લાગણી ઉત્પન્ન થાય છે. એ પ્રસંગ અને એ દિવસ જીવનનો યાદગાર ને પુણ્યવાન દિવસ હતો એમાં શંકા નહિ.

 

 

Today's Quote

Not everything that can be counted counts, and not everything that counts can be counted.
- Albert Einstein

prabhu-handwriting