Text Size

પરિવર્તન

 રામકૃષ્ણદેવના જીવનના વાચનનો પ્રસંગ મારા જીવનમાં એ એક જ હતો એમ નહિ. એ પ્રસંગ પહેલો જરૂર હતો પણ છેલ્લો ન હતો. તે પછી તો એ ઉત્તમ, આદર્શ, અનુકરણીય જીવનનું વાચન મેં કેટલીયવાર કર્યું ને તેનું મનન કરવાનો નિયમ તો જાણે રોજનો થઇ પડ્યો. ગીતાની પેઠે તેનો પ્રેમ મારા જીવનમાં કાયમ રહ્યો ને દિવસે દિવસે વધતો જ ગયો. એની અંદરનો મારો રસ કદી ખૂટ્યો નથી. એ આદર્શ મહાપુરુષના જીવનના મનનથી મને ઘણો લાભ થયો ને તેવા મહાપુરુષના સમાગમ માટે હૃદય રડવા, પ્રાર્થના કરવા, તલસવા લાગ્યું. એ દશા લાંબા વખત લગી ચાલુ રહી. તેમના જીવનનું વાચન પૂરું કર્યા પછી તેમના જેવા બીજા સંતોના જીવનચરિત્રનું વાચન કરવાનું મને મન થયું. તેને પરિણામે મેં સ્વામી વિવેકાનંદ, રામતીર્થ, મહર્ષિ દયાનંદ ને સ્વામી શ્રદ્ધાનંદના જીવનચરિત્રો વાંચી લીધા. ચૈતન્ય મહાપ્રભુનું જીવન પણ જોઇ લીધું. તેથી મારી ભાવના દૃઢ થવા માંડી. સ્વામી ભાસ્કરાનંદ, બ્રહ્માનંદ, પયહારી બાબા ને તૈલંગ સ્વામીના જીવનના વાચનથી વળી વધારે મદદ મળી. એ બધા મહાપુરુષોના જીવનના વિચારથી પ્રતીતિ થઇ કે જીવનને સદગુણી ને સાત્વિક બનાવવાથી જ શાંતિ મળે છે. સદગુણ ને સાત્વિકતા ઉત્તમ જીવનનો જરૂરી પાયો છે. તે પાયા પ્રત્યે દુર્લક્ષ કરવાથી કોઇપણ માણસ મહાન બની શકે નહિ. કદાચ તે મહાન બનેલો લાગતો હોય ને લોકોમાં મહાન કહેવાતો હોય તોપણ તેને સાચા અર્થમાં મહાન કહી શકાય નહિ. મહાન બનવા માટે માનવતાની ખીલવણી જરૂરી છે. માણસ કેવળ ધનથી, સંપત્તિથી, સત્તા, વિદ્યા ને સુંદરતાથી તથા તપથી પણ મહાન બની શકતો નથી. તે બધી કે તેમાંની એકાદ વસ્તુ હોવા છતાં પણ જો તે સાચા અર્થમાં માનવ ના બને તો તેને મહાન કહી શકાય નહિ. સદગુણી જીવન, સાત્વિક સ્વભાવ, સારા વિચાર ને સારા કર્મ જીવનને ઉન્નત પદે પહોંચાડવા માટે જરૂરી છે. સંતોના જીવનના મનનથી મારા એ વિચારને પુષ્ટિ મળી. સંતોએ જાણે એના પર મહોર મારી.

તે ઉપરાંત, એક બીજો વિચાર પણ મજબૂત બન્યો. પરમાત્મા છે ને તેમની પ્રાપ્તિ કરી શકાય છે તે રહસ્યની સમજ શ્રી રામકૃષ્ણદેવના જીવનમાંથી મને સહેજે પડી. પરમાત્માના દર્શન માટે તેમણે જે કઠિન સાધનાનો આધાર લીધેલો તેનું વર્ણન મેં ખૂબ જ રસપૂર્વક વાંચ્યું હતું. એટલે માણસે પોતાના જીવનમાં બને તેટલો પ્રયાસ કરીને પરમાત્માનો સાક્ષાત્કાર કરવો જોઇએ એ ભાવ મારા મનમાં દૃઢ થઇ ગયો. મને થયું કે પરમહંસ દેવની જેમ મારે પણ પરમાત્માનું દર્શન કરવું જોઇએ. એક આદર્શ સંત બનવું જોઇએ ને ઇશ્વરના પૂર્ણ કૃપાપાત્ર થવું જોઇએ. તે માટે હૃદયની શુદ્ધિ, મન ને ઇન્દ્રિયોનો સંયમ ને પ્રબળ પ્રેમ અથવા તો ભક્તિભાવની જરૂર છે. તેની સિદ્ધિ થતાં ધારેલું કામ જરૂર થઇ શકે. તે વિના માનવજીવન અલ્પ જ રહી જાય. માટે ઇશ્વર પર શ્રદ્ધા રાખીને જીવનને સદગુણી કરવા ને ઇશ્વરનું દર્શન કરવા માટે સાધના કરવા તૈયાર થવું જોઇએ.

તે પ્રમાણે ઇશ્વરની ઇચ્છા કે પૂર્વજન્મના સંસ્કાર ગમે તે કારણથી મારા મનમાં જીવનને આધ્યાત્મિક ઉન્નતિની દિશામાં આગળ વધારવાની ઇચ્છા થઇ. તે દિવસે દિવસે પ્રબળ બનતી ગઇ. તેને પરિણામે મારા જીવનનો ક્રમ જ બદલાઇ ગયો. મેં દિવસનો વધારે ભાગ વિદ્યાર્થીઓથી દૂર એકાંતમાં જ ગાળવા માંડ્યો. નવરાશનો વખત સારા સારા વાંચન કે વિચારમાં વિતાવવા માંડ્યો. આગળ જતાં તે ક્રમમાં વધારો થતો ગયો. સ્કૂલમાં હું મોટેભાગે બપોર સુધી જ રહેતો ને પછી હેન્ગીંગ ગાર્ડન પર ચાલ્યો જતો. ત્યાં છેક ઉપર જઇને કોઇ ઝાડની છાંયામાં આરામ કરતો ને જીવનના ઘડતરની વાતો વિચારતો. હેન્ગીંગ ગાર્ડનના વચલા ભાગમાં તે વખતે એક ઝરણું હતું. તેની પાસે પણ લગભગ રોજ બેસતો. તેની પાસે બેસી રહેવાનું મને ખૂબ ગમતું. આજુબાજુ પંખી ઉડતાં ને બોલતાં, તે જોઇને મારો આનંદ માતો નહિ. ઝરણાંની અંદર પગ મૂકીને હું કલાકો લગી એ સુંદર ને શાંત વાતાવરણમાં બેસી રહેતો. કેટલાક દિવસો સાંજ પણ ત્યાં પસાર કરતો. કોઇવાર ચોપાટીના વિશાળ સાગરકિનારે આંટા મારતો. હેન્ગીંગ ગાર્ડન પર જતી વખતે મને એમ જ લાગતું કે હું કોઇ મહાન વિશ્વવિદ્યાલયમાં જઇ રહ્યો છું. કુદરત એક મોટું વિશ્વવિદ્યાલય નહિ તો બીજું શું છે ? ચાર દિવાલના બનેલા પત્થર કે ઇંટના વિશ્વવિદ્યાલયમાં જે શિક્ષણ મળે છે તેના કરતાં કુદરત પાસેથી માણસને ઓછું શિક્ષણ નથી મળતું. માણસની આંખ જો ઉઘાડી હોય ને ગ્રહણ શક્તિ તાજી હોય તો કુદરતને ખોળે બેસીને તે ઘણું ઘણું જ્ઞાન મેળવી શકે છે. નદી, ઝરણાં, સાગર, આકાશ તથા વૃક્ષો, પુષ્પો અને સંધ્યા તથા ઉષાના રંગો તેને ડહાપણ ને જીવનપરિવર્તનના કેટલાયે અવનવા પાઠ આપી શકે છે. મારો પોતાનો એ અનુભવ છે. મને પોતાને કુદરતની પાસેથી ઘણું શિક્ષણ ને ઘણી શાંતિ મળી છે. કુદરત પ્રત્યેના શરૂઆતના પક્ષપાત ને વધારે પડતા પ્રેમને લીધે જ મારે માટે કુદરતી સૌંદર્યથી ભરપૂર હિમાલયમાં વરસો સુધી વસવાટ કરવાનું વિધાન ઇશ્વર તરફથી નક્કી થયું હશે. ગમે તેમ પણ એ દિવસોમાં મને કુદરતને ખોળે વખત વિતાવવાનું ખૂબ ગમતું. એનો અર્થ એ નથી કે સ્કૂલના અભ્યાસ પ્રત્યે મને અણગમો કે અનાદર હતો. ભણતર તરફ મને ખાસ પ્રેમ હતો એ વાતનો નિર્દેશ મેં આગળ કરી જ દીધો છે. પણ મારી બુદ્ધિમાં મને વિશ્વાસ હોવાથી ભણતરની વધારે પડતી ચિંતા હું નહોતો કરતો. પરીક્ષાની આગળના દિવસોમાં હું ખૂબ પરિશ્રમપૂર્વક અભ્યાસ કરતો. એટલે પરિણામ સુંદર આવતું. મારો નંબર મોટેભાગે પહેલા ત્રણ વિદ્યાર્થીઓમાં જ રહેતો એટલે શિક્ષકોને મારે માટે સદાય સદભાવ રહેતો.

સુવાનું સ્થાન પણ મેં ફેરવી નાખ્યુ. સંસ્થાના વિદ્યાર્થીઓ ઉપરના હોલમાં સુઇ રહે એવો નિયમ હતો. પણ એકાંત ને શાંત વાતાવરણનો વિચાર કરીને ઉપરની અગાશીમાં સુવાનો નિયમ રાખ્યો. વરસાદના દિવસોમાં હું હોલની પાસેની ગેલેરીમાં સુઇ રહેતો. એવી રીતે સુઇ રહેવાનું કામ સંસ્થાના સામાન્ય નિયમની વિરુદ્ધ ગણાતું. તે માટે ગૃહપતિની વિશેષ પરવાનગીની જરૂર રહેતી. પરંતુ એક સારા વિદ્યાર્થી તરીકે સંસ્થામાં મારી એટલી નાની ઉમરમાં પણ પ્રતિષ્ઠા હતી. એટલે એકલા સુવાનું કામ મારે માટે સહેલું થયું. ગૃહપતિએ પણ એ વિશે મને ના પાડેલી નહિ. એક-બે વાર તેમણે મને તે વિશે પૂછેલું ખરું પણ મેં તેમને જણાવેલુ કે મને એકાંતમાં સુવાનું વધારે ગમે છે. એટલે તેમણે મને રજા આપેલી. એ રીતે મારુ કામ સહેલું થયું હતું.

તે દિવસોમાં મેં રાતે વહેલાં ઉઠીને પ્રાર્થના ને ધ્યાન કરવાની ટેવ પાડેલી. તે ટેવ પાછળથી પણ ચાલુ જ રહી. રાતે લગભગ એક વાગ્યાની આસપાસ ઉઠીને હું પ્રભુને પ્રાર્થના કરતા આંટા મારતો. પછી પથારીમાં બેસીને ધ્યાન કરતો. ધ્યાન કરવાની કોઇ ખાસ વિધિની મને સમજ ન હતી. પણ મારું વલણ મોટેભાગે શ્વાસોશ્વાસની ગતિ બંધ કરવા તરફ રહેતું. શ્વાસોશ્વાસ શાંત થતાં તરત સમાધિ થાય છે એમ હું માનતો. રામકૃષ્ણદેવના જીવનમાં મેં એમ વાંચેલું કે તે મધરાત દરમ્યાન ઉઠીને એક વસ્ત્ર સાથે ને કેટલીકવાર બધા જ વસ્ત્રોનો ત્યાગ કરીને ધ્યાનમાં બેસતા. તેને યાદ કરીને મેં પણ એનું અનુકરણ કરવા માંડ્યું. વસ્ત્રને દૂર કરીને ધ્યાન કરવા માંડ્યું. પણ એમ કાંઇ રામકૃષ્ણદેવની જેમ સમાધિ ઓછી થાય ? તે માટે તો અસાધારણ અભ્યાસ જોઇએ. છતાંપણ મને તે દશામાં આનંદ જરૂર મળતો. કેમ કે બીજાની જેમ મારું મન ધ્યાન કરવા બેસતાં આમતેમ ભમતું નહિ. શરીરના ભાનને હું ભૂલી શકતો નહિ અથવા દેહાધ્યાસથી ઉપર ઉઠી શકતો નહિ પણ મનમાં ખાસ સંકલ્પ-વિકલ્પો પણ ઉઠતા નહિ. તેથી મને શાંતિ લાગતી ને મારો બધો વખત આનંદમાં વીતી જતો.

 

 

Today's Quote

Clouds come floating into my life, no longer to carry rain or usher storm, but to add color to my sunset sky.
- Rabindranath Tagore

prabhu-handwriting