Text Size

બે પ્રવાહો

પ્રેમની દશા મારા જીવનમાં એવી રીતે વધતી જ ગઈ. અનુભવની અવનવી દિશા પણ ઉઘડતી ગઈ ને જીવન નવાનવા ભાવોથી ભરાવા લાગ્યું. જગદંબાના નિરાકાર રૂપની ઝાંખી મને મારી આજુબાજુના બધા પદાર્થોમાં થવા લાગી. તેની હાજરીનો અનુભવ મારે માટે અખંડ અને આનંદદાયક થઈ પડ્યો. મારા જીવનમાં તે વખતે બે પ્રકારના પ્રવાહો કામ કરી રહેલા. એક પ્રવાહ મારી ઊંડી ભાવનાનો હતો. તેને લીધે જડ ને ચેતનમાં મને જગદંબાના સુંદર સ્વરૂપની ઝાંખી થતી. સંસારના પ્રત્યેક પદાર્થમાં તેનો ભાસ થતો. જુદા જુદા રૂપમાં તે જ રમણ કરે છે, લીલા કરે છે, એવો અનુભવ મળ્યા કરતો. પરિણામે મારું હૃદય પ્રસન્ન બની જતું. પરંતુ પ્રસન્નતાની સાથે સાથે તેમાં કરુણતા પણ પ્રગટ થતી. તેનું કારણ પ્રેમ ને લાગણીનો અતિરેક હતું. તેને લીધે સઘળા પદાર્થોમાં રમી રહેલા જગદંબાના સ્વરૂપને મૂર્ત થયેલું જોવાની મને ઈચ્છા થતી. મતલબ કે જે જગદંબા કે ઈશ્વર પ્રેમ, પવિત્રતા, સુંદરતા ને વિશેષતા બનીને સંસારના સઘળા પદાર્થોમાં વિરાજમાન છે તે પોતાનું પૂર્ણ ને સ્વતંત્ર સ્વરૂપ ધરી મારી સામે પ્રગટ થાય ને મારી સાથે વાતો કરીને મને પોતાના પ્રેમમાં નવરાવી દે એવી મારી ભાવના હતી. તે ભાવનાને સાકાર કરવા માટે મારું હૃદય તલસવા ને રડવા માંડતું તેમજ સતત પ્રાર્થનાનો આધાર લેતું. જગદંબાના સાક્ષાત્ દર્શનનું કામ કાંઈ એટલું સહેલું ન હતું. મને તેની ખબર હતી છતાં પણ તેની ઈચ્છા મારા દિલમાં સ્વાભાવિક રીતે જ ઉત્પન્ન થયેલી. તેને દૂર કરવાનું મારે માટે અસંભવિત હતું. નદી જેમ સાગર તરફ કોઈનો ઉપદેશ લીધા વિના સ્વાભાવિક રીતે જ વહે છે ને વરાળ કોઈની ભલામણ વિના સહજ રીતે જ ગગન તરફ ગતિ કરે છે તેમ મારું મન કુદરતી રીતે જ જગદંબાને મળવાના મનોરથ કર્યા કરતું. કામ મુશ્કેલ છે તેની ખબર હોવા છતાં તે તેનો ત્યાગ કરવા અસમર્થ હતું. પૂર્વજન્મના સંસ્કાર જ જાણે કે મને એ દિશામાં ખેંચી રહ્યા. તેની જ પ્રેરણાથી મારું જીવન જાણે કે ઝંકૃત થયું, ને પ્રેમ ને ભક્તિના નવા સૂર છેડવા માંડ્યું. ગયા જન્મનું અનુસંધાન જાણે કે શરૂ થઈ ચૂક્યું. નવજાગરણની એ ક્રિયા ક્રમે ક્રમે છતાં ચોક્કસ રીતે થઈ રહી.

પ્રેમ કે ભક્તિના એ પ્રવાહની સાથે સાથે બીજો એક પ્રવાહ પણ ચાલી રહ્યો. તે પ્રવાહ તેના અનુસંધાનમાં ને તેના વિરોધી નહિ પણ પૂરક કે સહાયક પ્રવાહ તરીકે કામ કરી રહ્યો. તે પ્રવાહ ધ્યાનનો અથવા યોગનો હતો. તેની ગતિ પહેલાં પ્રવાહ કરતાં ઘણી મંદ હતી ને તેનું સ્વરૂપ પણ પહેલાંની સરખામણીમાં સાધારણ હતું. છતાં તેની અસર પણ તે વખતના જીવન પર થોડીઘણી થઇ રહી. ભક્તિના પંથની પેઠે યોગના પંથની યાત્રા પણ સહેલી ન હતી. તેમાં પણ ભારે ધીરજ, શુદ્ધિ ને મહેનતની જરૂર હતી. અખંડ સાધના વિના તેની સિદ્ધિ થવાનું કામ કપરું હતું. તે યાત્રા માટે પણ જન્માંતર સંસ્કારો જ મને પ્રેરિત કરી રહ્યા. ભગવાન બુદ્ધ, સ્વામી ભાસ્કરાનંદ ને ત્રૈલંગ સ્વામીના જીવન મેં સારી પેઠે વાંચેલા. તેમની જેમ મહાન યોગી, પ્રકૃતિના સ્વામી થવાની ને મૃત્યુંજય બનવાની ધગશ મારામાં જાગી ઉઠી. સમાધિના ઊંડા પ્રદેશમાં પ્રવેશ કરીને આત્મદર્શન કરવાની ને પરમ શાંતિ, પૂર્ણતા ને મુક્તિનો અનુભવ કરવાની મને લગની લાગી. તે કામ કેવી રીતે કરી શકાશે ને કેટલા વખતમાં કરી શકાશે તેની મને ખબર ન હતી. પણ મારી શ્રદ્ધા, ભાવના ને મહત્વકાંક્ષા અજબ, અડગ અને અમર હતી. જીવનને ઉજ્જવળ કરવાનો ને મહાન થવાનો મારો સંકલ્પ દૃઢ હતો એટલે મારી શક્તિ ને સમજ પ્રમાણે તેની પૂર્તિ કે સફળતા માટે હું બનતો પ્રયાસ કર્યા કરતો.

કિશોર ને યુવાવસ્થાના વરસો જ એવા વિલક્ષણ હોય છે. તે વરસોમાં મન જે વસ્તુને પકડી લે છે તેમાં પાવરધા બનવાનો ને તેમાંથી પાર ઉતરવાનો પ્રયાસ કરે છે. આશા, શ્રદ્ધા, ઉત્સાહ ને મહત્વાકાંક્ષા તે વખતે સર્વલક્ષી ને સમુન્નત બને છે ને જો યોગ્ય રાહ ને રાહબર મળી જાય તો જીવનને માટે મંગલકારક થઇ પડે છે. મારુ હૃદય પણ તે વખતે ઉત્તમ ભાવના, વિચાર ને ઉત્સાહથી ભરપૂર હતું. તેમાં ઉઠતાં દિવાસ્વપ્નો ઘણાં જ મહાન અને અલૌકિક હતા. ક્રાંતિના એ કાળમાં જીવનને જરૂરી આધ્યાત્મિક માર્ગ મળી ગયો તે જીવનનું સદભાગ્ય હતું.

મારા સહાધ્યાયી વિદ્યાર્થીઓમાં આવી કોઇ ભાવનાનું દર્શન ભાગ્યે જ થતું. આજુબાજુના વિદ્યાર્થીઓ પણ ઉચ્ચ જીવનના પ્રેરણાબળથી રહિત જ દેખાતાં. કેટલાક મોટાં મનાતા માણસોની પણ એ જ દશા હતી. પોતાની નાનીસરખી વિચારસૃષ્ટિમાં જ તે સંતુષ્ટ હતા. એ દશામાં મને વારંવાર થતું કે ઇશ્વરે મને એકલાને જ આવું હૃદય કેમ આપ્યું છે અને આવી આધ્યાત્મિક ભાવના મારામાં જ કેમ ભરી છે ? તે વખતે મને ખબર નહિ કે આધ્યાત્મિક ભાવનાથી સંપન્ન માણસો દુનિયામાં હમેંશા બહુ થોડા જ થતા રહ્યા છે. બહુ થોડા માણસોને ઇશ્વરની ભૂખ હોય છે ને વધારે ભાગના માણસો તો શરીર ને સંસારના વિષયોમાં જ ઇતિકર્તવ્યતા માનીને બેસી રહે છે.

માણસોના મન જીવનને વધારે ને વધારે મહાન ને ઉજ્જવળ કરવાની આકાંક્ષાથી કેમ ભરાઇ જતા નથી એ એક આશ્ચર્ય છે. વધારે ભાગના માણસો પોતાને દીન, હીન ને પામર માનીને બેસી રહે છે ને એ જ રોજિંદુ જીવન જીવ્યા કરે છે. યુવાનો પણ સ્વપ્ન સેવીને પોતાના સ્વપ્નોને સિદ્ધ કરવા માટે શ્રમ કરનારા કેમ થતા નથી ને થાય છે તો કેમ ઓછા થાય છે એ એક આશ્ચર્ય છે. તેમની રગેરગમાં મહત્વકાંક્ષા ને ઉત્સાહનો સંચાર કેમ થતો નથી ને તેમના દિલમાં નવા ક્ષેત્રોને સર કરવા ને ઉત્તમ પદ પર પ્રતિષ્ઠિત થવા માટે થનગનાટ કેમ થતો નથી એ આશ્ચર્ય મને તે વખતે પણ થતું. કેમ કે તે વખતે મારું જીવન જુદું હતું. વધારે ભાગના યુવાનો કરતાં તે જુદી જ દિશામાં વહી રહેલું. તે વખતે મારી સાથે ભણતા એક ભાઇ, નારાયણભાઇ મારી વાતને સમજી શકે તેમ હતા. તે સારા ગુણો ને સંસ્કારોથી સંપન્ન હતા. વળી મારા પર પ્રેમ રાખતા. એટલે એમની આગળ કેટલીકવાર હું મારા દિલને ખુલ્લું કરતો.

 

Today's Quote

You must not lose faith in humanity. Humanity is an ocean; if a few drops of the ocean are dirty, the ocean does not become dirty.
- Mahatma Gandhi

prabhu-handwriting