Text Size

પ્રેતની વાત

રાતે કોઇ કોઇ સાધકો વહેલા ઉઠીને જપ કે ધ્યાન કરવા બેસે છે. પરંતુ ઘણીવાર તેમને આળસ ને ઊંઘ સતાવ્યા કરે છે. તેથી તે મૂંઝવણમાં મૂકાય છે. તેવા સાધકોએ ઊંઘમાંથી ઉછીને મોઢું ધોઇ નાખવુ જોઇએ. વળી તે છતાં પણ સુસ્તીનું આક્રમણ ચાલુ જ રહે તો શરૂઆતમાં થોડો વખત આંટા મારતાં પ્રભુસ્મરણ કરવું જોઇએ. તેથી ઘણો ફાયદો થશે. એવા સાધકોએ રાતે પેટ ભરીને ખાવાને બદલે સૂક્ષ્મ ભોજન કરવું જોઇએ. વળી રાતે જેટલું બને તેટલું વહેલું જમવું જોઇએ. કેટલાક માણસો રાતે ખૂબ મોડા જમે છે, ભરપેટ જમે છે, ને પછી તરત જ પથારીમાં સૂવા પડે છે. એ ટેવ આરોગ્યની દૃષ્ટિએ સારી નથી ગણાતી. માટે કેવળ આરોગ્યનો વિચાર કરીને પણ તેમણે તેમાંથી છૂટવાનો પ્રયાસ કરવો જોઇએ. સાધનાનો આશ્રય લેવા માંગનાર માણસે તો તેમાંથી મુક્તિ મેળવવી જ જોઇએ. તે વિના રાતે ને વહેલી સવારે તેને સાધનાનો સાચો આનંદ નહિ મળી શકે. તે વખતે તેના પર આળસ, સુસ્તી, ઊંઘ ને કેટલીકવાર કુવિચાર ને કુસ્વપ્નનું આક્રમણ થયા કરશે.

સંસ્થામાં સાંજનું ભોજન સવા છ વાગ્યે થઇ જતું ને સુવાનો સમય રાતે નવનો હતો. એટલે મધ્યરાત્રિ દરમ્યાન કે તે પછી ઉઠવામાં મુશ્કેલી ન લાગતી ને પ્રાર્થના કરતાં કે ધ્યાનમાં બેસતાં આળસનો અનુભવ ના થતો. નાનપણથી મારું મન વધારે ભાગે વિચાર વિનાનું રહેતું. સંકલ્પો ને વિકલ્પોની સ્ફુરણા તેમાં ભાગ્યે જ થતી. કોઇ ઠેકાણે બેસીને હું કોઇ ઝાડ-પાનને જોતો હોઉં, સાગરના પાણીને જોતો ફરતો હોઉં, રાતે તારા મઢેલા વ્યોમનો વૈભવ જોતો હોઉં કે હેન્ગીંગ ગાર્ડનમાં આરામ કરતાં કરતાં આકાશમાં સરી જતા વાદળનું નિરીક્ષણ કરતો હોઉં, મારું મન તે વખતે વધારે ભાગે શાંત જ રહેતું. એ એક હકીકત હતી. એટલે ધ્યાન કરતી વખતે મનને નિર્વિચાર કરવાનો પ્રશ્ન મારે માટે ખાસ ભારે ન હતો. બીજા કેટલાકને તે પ્રશ્ન જેમ મૂંઝવ્યા કરે છે તેમ તેણે મને ખૂબ મૂંઝવણમાં મૂક્યો નહિ. મારે માટે મોટો પ્રશ્ન દેહભાનને ભૂલી જવાનો ને સમાધિમાં પ્રવેશ કરવાનો હતો. તે પ્રશ્ન મને જરા વધારે ભારે લાગતો ને તેના ઉકેલ માટે કોઇપણ પ્રકારની સ્પષ્ટ સમજ વિના મારા પ્રયાસ ચાલુ રહેતા. મારા જીવનમાં તેવા પ્રયાસ વરસો સુધી ચાલુ રહ્યા. ત્યારે જ ઇશ્વરની કૃપાથી છેવટે દેહાતીત દશાનું દ્વાર મારે માટે ઉઘડી શક્યું. સૌથી આગળ તરી આવતી વિશેષ વસ્તુ તો એ હતી કે ઉત્તમ દશાના અનુભવ માટેના એ પ્રયાસ મારે ઇશ્વર પર શ્રદ્ધા રાખીને એકલે હાથે જ કરવા પડ્યા. સાધનાના સંગ્રામમાં લાંબા વખત લગી શરૂઆતમાં મારે એકલે હાથે જ લડવું પડ્યું. કોઈ બાહ્ય શક્તિ કે ગુરુની દોરવણીનો લાભ મને ના મળી શક્યો, તેથી મારું કામ કઠિન જરૂર થયું. પરંતુ તેણે મને નિરાશ નથી કર્યો. મારી શ્રદ્ધા, ભાવના ને મહત્વાકાંક્ષા દિનપ્રતિદિન વધારે ને વધારે ઉત્કટ બનતી ગઇ, ને જેવી સમજ્યો તેવી સાધના પણ મેં ચાલુ રાખી. સાધનાના બાગના માળી બનીને તેની એકલે હાથે માવજત કર્યે રાખી. એમ વરસ પર વરસ વીતતાં જ ગયા.

તે દિવસોમાં શરૂ થયેલી એક બીજી અનુભવદશાનો ઉલ્લેખ પણ કરી લઉં. રામકૃષ્ણદેવનું જીવન વાંચ્યા પછી મને થયું કે તેમની જેમ મને પણ ઇશ્વરને 'મા' રૂપે ભજવાનું જ ગમશે. તે ભાવ મને વારસામાં મળ્યો હોય તેમ લાગ્યું. તેથી મેં પણ ઇશ્વરને જગદંબા માનીને પ્રાર્થના કરવા માંડી. પ્રાર્થનાના વિજ્ઞાનની મને કશી જ સમજ ન હતી. તેના વિધિવિધાનની પણ માહિતી ન હતી. મને તો એટલી જ ખબર હતી કે ઇશ્વર સંસારની માતા છે ને હું તેનો બાળક છું. તે બધે જ હાજર છે છતાં પવિત્રતા ને પ્રેમની કમીને લીધે તેનું દર્શન દુર્લભ થઇ ગયું છે. માટે હૃદયની પવિત્રતા, પ્રેમ ને દર્શનને માટે તેને પ્રાર્થના કરવી જોઇએ. બાળક જેમ 'મા' ને માટે તલસે છે ને રડે છે તેમ તેને માટે તલસવું ને રડવું જોઇએ. એની આગળ દિલને ખુલ્લું મૂકી દેવું જોઇએ. તેની કૃપાના આસ્વાદ માટે આતુર બનવું જોઇએ. તો તે જરૂર કૃપા કરી દે, દર્શન દે ને જીવન સંપૂર્ણપણે સુખી, શાંત, સમૃદ્ધ ને કૃતાર્થ બની જાય. એ સંબંધમાં મેં પરમહંસદેવના વચનો વાંચ્યા હતા, ને લગભગ રોજ રાતે સૂતાં પહેલાં તેનું પુનરાવર્તન પણ થતું હતું. મારે માટે તે એક જાતનો ઉપયોગી, સ્વાદિષ્ટ ને શક્તિસંચારક ખોરાક થઇ ગયો હતો. રોજ રાતે જમ્યા પછી હું ઉપર અગાશીમાં જઇને બેસતો. વળી કોઇવાર સંસ્થાના મોટા મેદાનમાં આવેલા ચકડોળ પર બેસતો કે ચોપાટીના દરિયાકિનારે જતો. ત્યાં બેસીને જગદંબાના દર્શન માટે પ્રાર્થના કરતો. તે વખતે મારી દશા અજબ જેવી થઇ જતી. મારું હૃદય ભાવવિભોર ને કરુણ બની જતું. કેટલીકવાર મને 'મા'ના દર્શન માટે રડવું પણ આવતું. કોઇવાર ભાવમાં ડૂબી જઇને હું અગાશીમાં કે ચોપાટીની રેતીમાં આળોટતો તો કોઇવાર કોઇ ભૂલને યાદ કરીને તે માટે પશ્ચાતાપ કરતાં પૃથ્વી સાથે માથું ઘસતો. હે મા, મને શુદ્ધ બનાવ, મુક્ત બનાવ ને દિવ્ય બનાવ. મારી નિર્બળતાનો નાશ કરી દે, મારા દૂષણ દૂર કર, મારી અશુદ્ધિનો અંત લાવી દે - એવી પ્રાર્થના હું રોજ કરતો. વળી એમ પણ કહેતો કે હે મા, હું તો નાનો બાળક છું છતાં મારા દિલમાં તમારા દર્શનની લગની લાગી ગઇ છે. મારી આંખ તમારે માટે આતુર ને તરસી થઇ છે. તમારું સુંદર રૂપ જોવાનું મને મન થયું છે. રામકૃષ્ણદેવની જેમ મારે તમારી સાથે વાતો કરવી છે તો મારા પર કૃપા કરો. તમે કૃપા કરી દેશો તો છેવટે કશું જ બાકી નહિ રહે. બધી ઇચ્છા પૂરી થશે ને જીવન સુખી બનશે. તમે તો સર્વસમર્થ છો. જે ધારો તે કરી શકો છો. તો હવે મને દર્શન દો. મારા પર કૃપા કરો. મારાથી દૂર ના રહો. તમે તો માતા છો, દયાળુ છો, પ્રેમની મૂર્તિ છો. તો મારી પાસે દોડી આવો ને મારી સંભાળ લો.

એવી એવી પ્રાર્થનાની દશામાં કલાકો વીતી જતાં. પછી તો દિવસે પણ એવી પ્રાર્થના ચાલુ રહેતી. સવારમાં જ મોટેભાગે હું હેન્ગીંગ ગાર્ડન પર જતો. ત્યાં બેસીને અથવા કોઇવાર સંસ્થામાં રહીને ઉષા ને સંધ્યાના પલટાતા જતાં રંગોને અવલોકવામાં મને આનંદ આવતો. તે વખતે પણ જગદંબાને યાદ કરીને ને જુદા જુદા રંગોમાં તેની જ સુંદરતાની ઝાંખી કરીને હું પ્રાર્થના કરતો ને કરુણતા અનુભવતો. રાતે તો મારી દશા ખૂબ જ કરુણ થઇ જતી. પ્રાર્થના ને આરાધનાના ભાવથી હૃદય ભરાઇ જતું. તે વખતે કોઇની સાથે વાત કરવાનું મન પણ થતું નહિ. તે વખતે કોઇ મને જોતું તો તેને ભારે આશ્ચર્ય થતું. મારા મનની કલ્પના કરવાનું કામ પણ બીજાને માટે મુશ્કેલ હતું. મારા ભાવો ને વિચારોને સમજવાની બીજામાં શક્તિ પણ ન હતી. એ બધાની અભિવ્યક્તિ કરવાની જરૂરે ન હતી. એટલે મોટેભાગે એકાંતમાં રહીને જ હું મારું કામ કર્યા કરતો ને મારા ભાવોને બનતાં ગુપ્ત રાખતો. દિલનું દર્દ દિલમાં જ ઠલવાયા કરતું.

આ બધી વાત હું ચૌદ વરસથી શરૂ કરીને પછીના ત્રણેક વરસ સુધી તે સંસ્થાના નિવાસ દરમ્યાનની મારી ઝાંખીને માટે કરી રહ્યો છું. પ્રેમની એ દશામાં ઉત્તરોત્તર વધારો જ થતો ગયો. કોઇને એવી શંકા થવાનો સંભવ છે કે 'એટલી નાની ઉંમરમાં તે પ્રેમની એવી દશા હોય ને પ્રેમના એવા પ્રબળ ભાવો દિલમાં જાગી શકે ?' પરંતુ જે જન્માંતરમાં માને છે એને એવી શંકા કદી પણ નહિ સતાવે. તે તો જાણે છે કે આ જન્મ કાંઇ એક જ ને પહેલો જન્મ નથી. આ પહેલાં ઘણાં જન્મો વીતી ગયા છે ને તેના સંસ્કાર વારસામાં મળ્યા છે. એ સારા કે નરસા કે કર્મસંસ્કારનો વારસો આ જીવનના ઘડતરમાં આરંભથી જ ભાગ ભજવે છે. એટલે ચાલુ જીવનમાં કોઇની ઉમર નાની દેખાતી હોય તો તેને નાની જ માની લેવાની ભૂલ કરી બેસવાની જરૂર નથી. જીવન અનંત છે ને તેના ચક્રમાં વિચરણ કરનારા જીવે કેટલીય ઉમર પૂરી કરી છે. તેનો હિસાબ કે આંક કોઇથી કાઢી શકાય તેમ નથી. એટલે નાની ઉંમરમાં કોઇના જીવનમાં કોઇ વિશેષતા કે કોઇ મહત્તાનું દર્શન થાય કે કોઇ મોટું કામ થયેલું લાગે તો નવાઇ પામવાની જરૂર નથી. મારી દશાનો વિચાર કરીને પણ કોઇએ શંકા કરવાની જરૂર નથી. જન્માંતર સંસ્કાર બહુ પ્રબળ હોય છે. એવા સંસ્કારવાળા ધાર્મિક પાત્રો સંસારમાં ઘણાં થઇ ગયા છે. તેમની વિશેષતા આગળ મારી વિશેષતા કાંઇ જ નહિ લાગે.  જુઓને, ધ્રુવજીએ પાંચેક વરસની જ ઉંમરે તપ કરીને ભગવાનનું દર્શન કર્યું. પ્રહલાદે પણ નાની ઉમરમાં ઉત્તમ પદ મેળવી લીધું. ને શંકર (શંકરાચાર્ય), શુકદેવ, નારદ, જડભરત, અષ્ટાવક્ર ને જ્ઞાનેશ્વરે નાની ઉંમરે કેવું અલૌકિક કામ કર્યું ! તેમની સરખામણીમાં મારું કે કોઇયે સાધારણ માણસનું કામ શું વિસાતમાં છે ? છતાં પણ તે વખતે જે કામ થઇ રહ્યુ હતું તે જન્માંતરના અનુસંધાનમાં હતું એ જ કહેવા માંગુ છું.

પ્રેમની એ દશા ધીરે ધીરે વધતી ગઇ. પછી તો જાણે 'પત્રે પત્રે વિટપવિટપે' 'મા' જ છે એમ લાગવા માંડ્યુ. સંધ્યા ને ઉષાના રંગોમાં ને તારા-ચંદ્રમાં તેની જ મોહિની લાગવા માંડી. રાતે ચોપાટીના દરિયાના પાણીમાં ઉભો રહેતો ત્યારે મોટા મોટા મોજાં મારા પગની આસપાસ ફરી વળતા. તે વખતે તરંગોના રૂપમાં આવીને 'મા' જ મને આશ્લેષ આપતી હોય એમ લાગતું. કિનારા પરની રેતીમાં, ફૂલમાં, પતંગિયાની પાંખોમાં ને પંખીની સુમધુર સુરાવલિમાં 'મા'ની જ હાજરી દેખાતી ને 'મા'ના પ્રેમનું દર્શન થતું. રસ્તે ચાલતાં જે કુમારી કે સ્ત્રી મળતી તેમને પણ 'મા'ની પ્રકટ પ્રતિમા માનીને મનોમન પ્રણામ કરવાની મેં ટેવ પાડેલી. પુરુષો ને સ્ત્રીઓની દૃષ્ટિ ને વાણીમાં તેનો જ વિહાર અનુભવાતો. એ દશા સહજ બની ગઇ. રાત્રે સૂતી વખતે પણ 'મા'ના ખોળામાં માથું મૂકતો હોઉં એમ માનીને હું ઉશીકા પર માથું મૂકતો. વેદાંતની 'બધે બ્રહ્મ'ની ફિલસૂફી એ રીતે મારે માટે જાણે અનુભવની સામગ્રી બની ગઇ.

 

Today's Quote

The task ahead of us is never as great as the power behind us.
- Anonymous

prabhu-handwriting