if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

 ઋષિકેશથી હરદ્વાર થઇને કાંગડી ગુરુકુલની મુલાકાત લઈને હું દિલ્હી આવ્યો. દિલ્હીના પ્રસિદ્ધ સ્થળો જોવાની ઇચ્છાથી એકાદ દિવસ રોકાવાનો વિચાર કરીને સ્ટેશન પાસેની એક હોટલમાં મેં મુકામ કર્યો. થોડીવાર વિશ્રામ કરી સ્નાનાદિથી નિવૃત થઇને મેં ભોજન કર્યું. ઋષિકેશના પ્રવાસનું સ્મરણ કરતાં કરતાં એકાદ કલાક વીતી ગયો હશે ત્યાં હોટલનો માણસ બારણું ઉઘાડીને અંદર આવ્યો ને મારી સાથે વાતે વળગ્યો. મારે શહેરમાં ફરવાનો વિચાર હતો, તે જાણીને તેને આનંદ થયો. ઓછા ખર્ચે શહેરના ખાસ ખાસ સ્થળો જોઇ શકાય તે માટે ટાંગાની વ્યવસ્થા કરી આપવાનું તેણે માથે લીધું. મને તેથી સંતોષ થયો. મારા મગજ પરનો મોટો ભાર જાણે કે ઉતરી ગયો.

પ્રારંભિક વાર્તાલાપ પછી થોડીવાર વાતાવરણમાં શાંતિ ફેલાઇ રહી. પણ તે વધારે વખત સુધી ટકી નહિ. પાંચેક મિનીટ પછી પેલા ભાઇએ કહેવા માંડ્યુ, 'તમને અહીં આરામ તો લાગે છે ને ? કોઇ વસ્તુની જરૂર હોય તો વિના સંકોચ કહી દેજો. અમે અહીં મુસાફરોને માટે દરેક પ્રકારની સગવડ રાખીએ છીએ.'

મેં ક્હયું: 'મને કોઇ વસ્તુની જરૂર નથી. કોઇ તકલીફ પણ નથી. બધી રીતે આરામ છે.'

'નહિ, તમે સમજ્યા નહિ.' તેણે આગળ ચલાવ્યું, 'મારી કહેવાની વાત જરા જુદી છે. કેટલાક લોકો સંકોચ રાખે છે, એટલે મારે કહેવાનું સાહસ કરવું પડે છે. તમે યુવાન છો એટલે તમારે જરૂર હોય તો કોઇ છોકરીને અમે તમારી સેવામાં મોકલી શકીએ તેમ છીએ. તે માટેની વ્યવસ્થા પણ અમે રાખીએ છીએ.'

આવી વાતની મને કલ્પના પણ ન હતી. ભારતના પાટનગરનું વાતાવરણ આવું અશ્લીલ અને અનીતિમય હશે તેની મને કલ્પના પણ ન હતી. મારી સામેના ઓરડામાં બેત્રણ પુરુષો ને એક સ્ત્રીના બોલવાનો અવાજ આવતો હતો. કોઇક વસ્તુ માટે તેમની વચ્ચે ઘર્ષણ થઇ રહ્યું હોય એમ લાગતું. તે તરફ મારું ધ્યાન ગયું. ત્યાં જ સ્ત્રીએ ઝીણા સ્વરમાં દર્દભરી ચીસ પાડી ને મારું દિલ હાલી ઉઠ્યું. મને થયું કે કોઇ નિર્દોષ સ્ત્રી પર અત્યાચાર થઇ રહ્યો છે. તે સ્ત્રી પણ હોટલ તરફથી જ મુસાફરોને પૂરી પાડવામાં આવી હશે ! એ વિચારથી મારું દિલ વધારે પ્રમાણમાં કંપી ઉઠ્યું. આ હોટેલમાં આવી તો કેટલીય સ્ત્રીઓ રહેતી હશે જેમના પર અત્યાચાર ગુજરતા હશે, જેમનાં શરીર વેચવામાં આવતા હશે ને જેમના આંસુ અને આક્રંદ હોટલની અંધકારભરી દિવાલોની અંદર ને અંદર અટવાઇ જતા હશે. અને આ તો એક હોટલની વાત છે. આવી કેટલીય હોટલો અનીતિના અડ્ડા બનીને ભારતના આ પાટનગરમાં ને બીજાં અસંખ્ય શહેરોમાં કામ કરી રહી હશે તેની કોને ખબર છે ? અનીતિના આવા અડ્ડા પર માણસ ગુજરાન ચલાવે છે, તે વસ્તુ કેટલી બધી શરમજનક ને ઘૃણાસ્પદ છે ! આ અડ્ડાના નિભાવ માટે કેવા કેવા કીમિયા કરીને માણસો સ્ત્રીઓને ફસાવતા હશે ! એ બધા વિચારોથી મારું હૃદય રડવા માંડ્યું. ઉત્તર માટે મારી તરફ તાકી રહેલા માણસને મેં હિંમતપૂર્વક કહેવા માંડ્યું: 'તમે મને કેવો માણસ ધારો છો ? શું તમે મને કોઇ કામુક, વિષયી કે બદમાશ માનો છો ? એક અજાણ્યા મુસાફરની સાથે તમે શું જોઇને આવી વાત કરવાનું સાહસ કરી રહ્યા છો ? મારે કોઇ સ્ત્રીની જરૂર નથી. પણ તમે સ્ત્રીઓ કે છોકરીઓ રાખો છો ને મુસાફરોને ફસાવવાનો પ્રયાસ કરો છો તેની ખબર મારે પોલીસને આપવી પડશે. ત્યારે જ તમને ખબર પડશે.'

મારા કડક વર્તાવથી તે માણસ જરા આભો બની ગયો. મારા આવા ઉત્તરની તેને આશા પણ નહિ હોય. તેણે ધીમેથી કહ્યું: 'પોલીસને ખબર આપવાની જરૂર નથી. મેં તો તમને ખાલી જ વાત કરી છે. તમારી ઇચ્છા ના હોય તો મારો કોઇ દુરાગ્રહ નથી.'

'મારી ઇચ્છા બિલકુલ નથી. હવે તમે એ વિશે એક અક્ષર પણ ના બોલશો.' મેં તેને ફરી ઉત્તર આપ્યો.

એવો હિંમતભર્યો ઉત્તર આપવાનું એ અજાણ્યા સ્થાનમાં મને કેવી રીતે સૂઝ્યું તે પ્રભુને જ ખબર છે. પણ મારા ઉત્તરની અસર બહુ સારી થઇ. થોડી વાર રાહ જોઇને તે માણસ ઊભો થયો ને કહેવા માંડ્યો, 'સાંજના પાંચેક વાગે ટાંગો આવીને ઊભો રહેશે. ખાસ ખાસ સ્થળે ફેરવીને છેવટે તે તમને સ્ટેશન પર છોડી દેશે.'

તે દિવસે રાતની ગાડીમાં દિલ્હીની વિદાય લેતાં પહેલાં મારે શહેરમાં થોડુંક ફરવું હતું. એટલે મેં તેના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. નક્કી કરેલા સમયે ટાંગો આવીને ઊભો રહ્યો. તેમાં લગભગ અઢી કલાક ફરીને છેવટે હું સ્ટેશન પાસે ઉતરી પડ્યો.

પણ હોટેલનો પેલો પ્રસંગ લાંબા વખત લગી મારા મનમાં તાજો રહ્યો. એ પછીના અનુભવે મને બતાવ્યું કે દિલ્હીની એ હોટલ જેવી હોટલો દેશમાં ઠેર ઠેર છે. દરિયાપારના દેશોમાં પણ અનેક છે. ભારત જેવા ધર્મપરાયણ ને ગાંધીજી જેવા નીતિમાન મહાપુરુષને માટે ગૌરવ લેનારા દેશમાં આવી હોટલો ચાલે ને પ્રજા કે સરકાર તરફથી તેમને એક યા બીજી રીતે ઉત્તેજન મળે તે ખરેખર હીણપતભર્યું છે. દેશમાં અનીતિના ધામો ખુલ્લી રીતે ચાલી રહ્યા છે. લોહીનો વેપાર ચાલે છે. વેશ્યાના બજારો લગભગ દરેક મોટાં શહેરમાં જોવા મળે છે, ને નવાઇની વાત તો એ છે કે સરકાર તરફથી તે માટે લાયસન્સ પણ આપવામાં આવે છે. અનીતિ કરવા ને સમાજમાં અનીતિ વધારવા લાયસન્સ મળે એ વાત કેટલી બધી શરમજનક છે ? દેશમાં જે છૂપા અનીતિના અડ્ડા છે તેની વાત તો જુદી છે. એ બદીને દૂર કરવાની જરૂર છે. કહે છે કે ચીનની સરકારે વેશ્યાગીરીની નાબૂદીમાં સફળતા મેળવી છે. તો ભારત શા માટે તેવી સફળતા ના મેળવે ? પૂર્ણ સ્વરાજ્ય, કલ્યાણ રાજ્ય કે સર્વોદયની સિદ્ધિ માટે તેવી સફળતા જરૂરી છે.

 

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.