if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

એ પછી અમે મસુરી ગયાં. મસુરી દહેરાદુનથી મોટર દ્વારા જવાય છે. સમુદ્રની સપાટીથી ૬૫૦૦ ફીટ પર ઊંચે આવેલું આ સ્થાન ખરેખર રમણીય છે. ખુલ્લા ને મોટા રસ્તા, સુસજ્જ બજાર ને નળ તથા બત્તીની સરસ વ્યવસ્થાથી મસુરી વધારે રમણીય લાગે છે. ગરમીનું તો નામ જ ના મળે. સાધનાને માટે આવા સ્થળ ખૂબ અનુકૂળ હોય છે. પણ તે તો રહેવા માટે કોઇ અનુકૂળ સ્થળ મળે ત્યારે. મસુરી પહોંચીને થોડું પ્રારંભિક કામ પતાવીને અમે ચિઠ્ઠીના ઉપયોગ માટે બહાર નીકળ્યા. કુલડી બજારમાં આવેલા ઇન્દ્ર રેસ્ટોરન્ટવાળા ભાઇ પર પહેલી ચિઠ્ઠી હતી પણ 'પ્રથમ ગ્રાસે મક્ષિકા'ની જેમ તે ભાઇ બહારગામ ગયેલા. તેમના નાના ભાઇ હતા. તેમણે પ્રેમ બતાવી બનતી તપાસ કરી, મદદ કરવા તૈયારી બતાવી. તેમની તપાસનું ફળ એ આવ્યું કે એક મકાન, જે તેમના મિત્રનું હતું તે માસિક રૂપિયા ૨૪૦ના ભાડે મળી શકે તેમ હતું. તેમના તે જ મિત્ર પર અમારી પાસે બીજી ચિઠ્ઠી હતી. તે પણ બહારગામ ગયેલા. પાછળથી તે આવી ગયા ને બહુ તો ભાડામાં ૧૦-૨૦ રૂપિયા ઓછા કરવા તૈયારી બતાવી. પણ એ ભાડું અમારે માટે તો ઘણું હતું એટલે તે વાત પડતી મૂકીને સ્વતંત્ર તપાસ શરૂ કરી.

ત્રીજી ચિઠ્ઠી બરોડા હાઉસના ચોકીદાર પર હતી. તે લઇને અમે બરોડા હાઉસ તરફ ઉપડ્યા. બરોડા હાઉસ ખૂબ જ દૂર છે. કુલડી બજારથી પોસ્ટ ઓફિસ થઇને કપૂરથલાના રાજાના મકાન પાસે થઇને ત્યાં જવાય છે. ખૂબ જ ચાલ્યા પછી ત્યાં પહોંચી શક્યા. અમારા મનમાં હતું કે બરોડા હાઉસ ખૂબ સુંદર મકાન હશે. પરંતુ તેવું કૈં જણાયું નહિ. મકાન તદ્દન સાધારણ, કેટલાય વખતથી વપરાયું ના હોય એવું ઉજ્જડ જેવું અને એકદમ દૂર હતું. ચોકીદાર કે બીજા કોઇયે માણસની હાજરી ત્યાં ન હતી. એવી જગ્યામાં રહેવાનું મુશ્કેલ લાગવાથી ચોકીદારની અનુજ્ઞા લેવાની જરૂર પણ ના લાગી. એ સ્થાનનું નિરીક્ષણ કરીને થોડાક વખત પછી અમે પાછા ફર્યા.

રાતે અસાધારણ આનંદ થયો. વાતાવરણ તદ્દન શાંત હતું. માનસિક એકાગ્રતાને માટે તે રસાયનરૂપ હતું. સાધનાને માટે એવું વાતાવરણ ખૂબ જ ઉપયોગી કહી શકાય. એટલે જ સાધકો ને ઋષિવરો પર્વતના ઉચ્ચ પ્રદેશમાં વાસ કરતા. મસુરી રાજસી છે એમ કેટલાક કહે છે. પણ ત્યાં કાંઇ રાજસી જેવું લાગ્યું નહિ. રસ્તા, મકાન, દુકાનોની સજાવટ, બત્તી ને પાણીની સુંદર સગવડ તેમજ શોભાને જો રાજસી કહેવાય તો મસુરી ભલે રાજસી ગણાય. પણ રાજસી શબ્દ દ્વારા જે ધ્વનિ નીકળે છે તેવો ધ્વનિ ત્યાંનાં વાતાવરણમાં નથી જડતો. મને તો એ વાતાવરણ એકંદરે ઘણું સારું લાગ્યું. વાતાવરણને સાત્વિક કે રાજસી બનાવવું તે વધારે ભાગે માણસ પર પણ આધાર રાખે છ.

હાથે રીક્ષા ચલાવવાની પ્રથા મસુરીમાં પ્રવર્તમાન છે. રીક્ષા ચલાવનારા વધારે ભાગે ગઢવાલી ને નેપાલી છે. મસુરીના આરામમય વાતાવરણમાં મજૂરી કરીને તે સાથ આપે છે ને બદલામાં પેટ અને આશ્રય પૂરતું ભાગ્યે જ મેળવે છે. ભારતના કોઇયે સારા સ્થળને જોવાની તૈયારી કરીએ એટલે દેશની સમૃદ્ધિની સાથે ગરીબાઇને જોવા પણ તૈયાર રહેવું જ જોઇએ.

બીજો દિવસ પણ અમે વધારે ભાગે ફરવામાં જ વિતાવ્યો. નિવાસને માટે જુદી જુદી હોટલો ને કેટલાક સ્થળોમાં ફરી વળ્યા. એક બે સ્થળો ગમ્યાં પણ ખરાં, પણ ભાડું ખૂબ જ વધારે હતું. આ માસ ત્યાંના લોકોને કમાવાનો હતો એમ કહેવાતું. કાયમ માટે લાંબુ રહેનારને ત્યાં પ્રમાણમાં બહુ મોંઘુ પડે તેમ ન હતું.

પરિસ્થિતિ એવી પ્રતિકૂળ હોવાથી, ઇચ્છા હોવા છતાં તેમ જ સ્થળ ગમી ગયું હોવા છતાં, અમે ત્યાં રહી શક્યા નહિ. હાલ પૂરતું અમે ઋષિકેશ જ રહેવાનું નક્કી કર્યું. ઋષિકેશમાં ગરમી ઘણી હતી. તો પણ ઇશ્વરની ઇચ્છામાં આનંદ માનીને અમે ત્યાં આવી પહોંચ્યા.

અમારી પરિસ્થિતિથી પોલીસ ઇન્સપેક્ટર ભાઇ શ્રી મુરારીલાલને માહિતગાર કર્યા ત્યારે તે પ્રેમી પુરુષનું દિલ દુખાયું. તેમનું દુઃખ પત્રમાં ઠાલવતાં તેમણે લખ્યું : 'તમને મસુરીમાં કોઇ સ્થાન ઠીક ભાડે ના મળ્યું એ જાણીને દુઃખ થયું. સંસારમાં વધારે ભાગે માણસો સ્વાર્થી હોય છે. કોઇ વીરલા જ સાચા હોય છે ને સેવા કરે છે. તેથી તો પાપ ને દુઃખ વધતું જાય છે. મને એ લોકોનો વિચાર કરીને બહુ દુઃખ થાય છે કે તે આટલી પણ મદદ કે સેવા ના કરી શક્યા. હું દૂર છું એટલે સેવા ના કરી શકવા બદલ લાચાર છું.'

મેં લખ્યું : 'પ્રભુની ઇચ્છા એવી હશે. એમાં કાંઇ દુઃખ લગાડવાનું કારણ નથી. તમારો પ્રેમ યાદ રહેશે.'

 

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.