if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

એ પછી ત્રીજા પ્રશ્નની વાત નીકળી. મેં કહ્યું : 'કેટલાક માણસો એમ માને છે કે શ્રી રામકૃષ્ણ પરમહંસદેવ ને વિવેકાનંદના અવતાર થઇ ચુક્યા છે. તો એ વિશે આપનું શું મંતવ્ય છે ? શું તેમના અવતાર થઇ ગયા હશે ? એક વિદ્યાર્થી થોડા વખત પહેલાં અમેરિકા અભ્યાસ કરવા ગયેલો. ત્યાં જઇને તેની ચિત્તવૃત્તિ વધારે ને વધારે પ્રમાણમાં આધ્યાત્મિક માર્ગે વળવા માંડી અને અભ્યાસમાંથી તેનું મન ઉપરામ થવા માંડ્યું. તેણે પ્રાર્થના ને વ્રત કરવાનું શરૂ કર્યું. પૂર્વ સંસ્કારોની પ્રબળતા હોવાથી એને અનેક પ્રકારના અલૌકિક અનુભવો પણ થવા માંડ્યા. એમ પણ જણાયું કે તે સ્વામી વિવેકાનંદનો અવતાર છે. તો શું સ્વામી વિવેકાનંદ ને રામકૃષ્ણદેવ જેવી વિભૂતિઓનો અવતાર થઇ ગયો હશે ? એ વિશે આપનો શો અભિપ્રાય છે ?'

હનુમાનદાસજીએ માથું હલાવીને કહેવા માંડ્યું કે, 'ના, એવા લોકોત્તર મહાન પુરુષોનો અવતાર થયો છે એ વાત આજની પરિસ્થિતિ જોતાં માની શકાય તેવી નથી. એવી અલૌકિક વિભૂતિઓનો જન્મ થાય તો સંસારમાં સંકટ રહે નહિ, બધે શાંતિ થાય ને બધા સુખી થાય. હાલની પરિસ્થિતિ તો જુદી જ છે. ક્લેશ ને કષ્ટો દિવસે દિવસે વધતાં જ જાય છે. માણસોની મુસીબતોનો પાર નથી. એવે વખતે એવા મહાન પુરુષોનો અવતાર થયો છે એવું કેવી રીતે કહી શકાય ?'

મારા મનમાં હતું કે હનુમાનદાસજી આ વાતનો ખુલાસો પોતાની આર્ષદૃષ્ટિથી કોઇ જુદી જ રીતે કરશે. પરંતુ તેમણે તો સાધારણ તર્કવાદનો જ આધાર લીધો. એટલે વાત સમજવી ને વિચારવી ઘણી સરળ થઇ ગઇ. તેમનો ખુલાસો બહુ તર્કસંગત ના લાગ્યો. સંસારમાં જ્યારે જ્યારે અધર્મ અને અશાંતિ વધે છે ત્યારે ત્યારે ઇશ્વર અવતાર ધારણ કરે છે એમ કહેવાય છે. અધર્મનો નાશ કરીને તે ધર્મની પ્રતિષ્ઠા ને શાંતિનો પ્રસાર કરે છે. ઇશ્વરના અવતારનું પ્રયોજન જ એ છે. જો સંસારમાં તેમના પ્રકટવા માત્રથી જ શાંતિ થઇ જાય તો પછી અવતાર ધારણ કરીને તેમને કોઇ વિશેષ કામ કરવાનું રહે જ નહિ. ઇતિહાસ તરફ દૃષ્ટિપાત કરતાં જણાય છે કે ઇશ્વરના અવતાર માત્રથી સંસારમાંથી અશાંતિ દૂર થઇ નથી. ભગવાન શ્રી કૃષ્ણ ને રામના વખતમાં શું અધર્મ અને અશાંતિનો પ્રસાર ન હતો ? શું તેમના જીવનકાળ દરમ્યાન સમાજમાં કષ્ટો ન હતાં ? ભગવાન બુદ્ધ ને ઇશુના સમયમાં પણ શું બધે શાંતિ જ હતી ? અશાંતિ અને અધર્મનો નાશ કરવા માટે તો ઇશ્વર અને તેમના પ્રતિનિધિ જેવા મહાપુરુષોના અવતાર થાય છે. એટલે અવતાર થવાથી સંસારમાં સઘળે શાંતિ થઇ જાય છે એ માન્યતા બરાબર નથી. એ માન્યતા પ્રમાણે જ જો અવતારી પુરુષોનું મૂલ્યાંકન અથવા એમની યથાર્થતાનો વિચાર કરવા બેસીએ તો ભાગ્યે જ કોઇને અવતારની શ્રેણી કે સૂચિમાં મૂકી શકાય.

મારા અંગત વિચારો આ પ્રમાણે હોવા છતાં હનુમાનદાસજી વયોવૃદ્ધ હોવાથી તેમજ તેમની પાસે હું જિજ્ઞાસુ તરીકે ગયો હોવાથી તેમની સાથે ચર્ચામાં ઉતરવાનું કામ મને સારું લાગ્યુ નહિ. તેમની પ્રત્યે મને એક પ્રકારનો આદરભાવ ઉત્પન્ન થયેલો. તેથી તેમના વિચારો મેં સાંભળ્યે રાખ્યા. વળી મારી પાસે વખત પણ થોડો હતો, ને તેટલા થોડા વખતમાં મારે બીજા પણ કેટલાક વિષયો છેડવા હતા, એટલે ચર્ચામાં ઉતરવાની વાત મેં બાજુ પર જ રાખી.

હનુમાનદાસજીને મેં ફરી વાર પૂછ્યું કે, 'ભગવાનના અવતાર વિશે તમારું શું માનવું છે ? કોઇ કોઇ માણસો કહે છે કે ભગવાનનો અવતાર થઇ ગયો છે. તો શું તે વાત સાચી છે ?'

તેમણે ઉત્તર આપ્યો કે, 'ના, રામજી ! ભગવાનના અવતારને તો હજી વાર છે. ભગવાનનો અવતાર તો ત્યારે થાય જ્યારે બહુ કષ્ટ પડે ને જગત ત્રાહિ ત્રાહિ કરે.'

મેં કહ્યું : 'કષ્ટ તો અત્યારે ઘણું પડી રહ્યું છે. શું હજી પણ વધારે કષ્ટ પડશે ?'

'હા.' તેમણે જવાબ દીધો, 'હજી વધારે કષ્ટ પડશે ત્યારે અવતાર થશે. અવતારને હજી ઘણી વાર છે.'

'ત્યારે મહાત્મા ગાંધીજી વિશે તમારું શું માનવું છે ?' મેં વળી પૂછ્યું, 'ગાંધીજી ઇશ્વરના અવતાર હતા એમ કેટલાક વિચારકોનું કહેવું છે. તમને શું લાગે છે ?'

'એમને અવતાર કહેવામાં હરકત નથી.' તેમણે જરાક કચવાતા મને જવાબ આપ્યો, 'પણ તે ઇશ્વરના અવતાર નહિ, કોઇ ભક્તના અવતાર હતા.'

એમ કહીને તેમણે કાલિદાસના મેઘદૂતના યક્ષની વાતને મળતી એક વાત કહી સંભળાવી. ને કહેવા માંડ્યું કે ગાંધીજી પહેલાં જન્મમાં એક મોટા ભક્ત હતા પણ શાપ મળવાને લીધે તેમનો પુનર્જન્મ થયેલો.

મેં કહ્યું : 'ગાંધીજીનું પૂર્વજન્મનું ભક્ત તરીકેનું નામ શું હતું તે ખબર છે ?'

તેમણે તદ્દન સ્વાભાવિકતાથી જવાબ આપ્યો, 'હા, તે નાસિકા ભક્તના અવતાર હતા.'

'નાસિકા ભક્ત ?' અત્યાર સુધી નહિ સાંભળેલા એ નવા નામને સાંભળીને મેં આશ્ચર્ય વ્યક્ત કરતાં પૂછવા માંડ્યું, 'નાસિકા ભક્તનું નામ તો આજે જ સાંભળ્યું. શું કોઇ શાસ્ત્રમાં તેની વાત આવે છે ?'

'હા,' તેમણે દૃઢતાપૂર્વક ચાલુ રાખ્યું, 'નાસિકા ભક્તની વાત શાસ્ત્રોમાં આવે છે.'

'ક્યા શાસ્ત્રમાં આવે છે તે કહેવાની કૃપા કરો તો સારું. હું પણ તે પ્રસંગ વાંચીને વધારે નક્કર માહિતી મેળવી શકીશ.'

હનુમાનદાસજી જરાક વિચારમાં પડ્યા. વાતની વિચારણાનું સ્વરૂપ આટલું બધું ઉંડાણવાળુ બનશે તેની કદાચ તેમને ખબર નહિ હોય. મેં ફરીવાર તેની તે વાત પૂછી ત્યારે તેમણે કાંઇક સંકોચ સાથે કહેવા માંડ્યું કે, 'હું તો મૂર્ખ છું. શાસ્ત્રોની માહિતી મને ક્યાંથી હોય ? મને તો બરાબર લખતાં વાંચતા પણ આવડતું નથી. અહીંથી થોડે દૂર એક બગીચો છે. ત્યાં એક પંડિત રહે છે. તે કોઇવાર પુસ્તક વાંચે છે. તેમની પાસેથી મેં આ વાત સાંભળેલી છે. વાત નક્કી ક્યા પુસ્તકની છે તે મને ખબર નથી પણ કોઇક પુરાણની હશે.'

મને થયું કે આટલા ઉંડાણથી વાત કરી તે સારુ થયું. નહિ તો એમના અભિપ્રાયનો મર્મ સાચા અર્થમાં સમજી ના શકાત, ને વધારામાં, કેટલીક ગેરસમજૂતી ઊભી થાત.

મેં કહ્યું : 'ગાંધીજી ફરી જન્મશે ખરા ?'

'કામ અધૂરું રહ્યું હોય કે કોઇ વાસના બાકી રહી હોય તો જન્મે.' તેમણે પ્રત્યુત્તર આપ્યો. વાત આગળ ચાલી : 'થોડાક વખત પહેલાં અરવિંદ આશ્રમના માતાજીએ એક પત્રકારને મુલાકાત આપીને કહ્યું છે કે ભારતને સીમાડે રુસો-અમેરિકન યુદ્ધની શક્યતા ઝઝુમે છે, ને ઇ. સ. ૧૯૫૭માં ક્રાંતિ થશે. તેથી ઉલટું, દક્ષિણ ભારતના સુપ્રસિદ્ધ સંત રામદાસજીએ હમણાં જ તેમના પરદેશના પ્રવાસ દરમ્યાન જાહેર કરતાં કહ્યું છે કે યુદ્ધ થશે જ નહિ. તો ભારતની આ બંને લોકોત્તર વિભૂતિઓના વિરોધી મંતવ્યો તમારું શું માનવું છે ?'

હનુમાનદાસજી વાળ પર હાથ ફેરવીને જરાક આનંદમાં આવી જઇને ગૌરવપૂર્વક કહેવા માંડ્યા : 'યુદ્ધ નહિ થાય એમ કહે છે પણ પાંચ વરસમાં ભયંકર યુદ્ધ થશે. તેમાં ભારે સંહાર થશે.'

 

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.