Text Size

Inspirational Quotes

અધ્યાત્મયોગ

વિજ્ઞાન સુખોપભોગના સાધનો નિર્માણ કરી શકે પરંતુ એનો સદુપયોગ કેવી રીતે કરવો તેની સદબુધ્ધિ પ્રદાન કરી શકતું નથી. સંસારની વચ્ચે રહી સંસારના પદાર્થોથી અનાસક્ત બનવું અને ધનની લિપ્સા, સત્તાની મોહિની કે પદ-પ્રતિષ્ઠા અને અધિકારના નશામાંથી મુક્ત રહી આદર્શ માનવની પેઠે સેવાકાર્ય કરવાની કળા વિજ્ઞાન શીખવી શકતું નથી. તે કળા તો અધ્યાત્મ યોગ જ શીખવી શકે.
- શ્રી યોગેશ્વરજી

અનુશાસન

મન બહુ પ્રમાદી છે. આજે પા કલાક જપ કરશે, કાલે અડધો કલાક જપ કરશે અને પરમદિવસે વળી બિલકુલ નહીં કરે. આ મનજીરામનું કાંઈ ઠેકાણું નથી માટે તેને અનુશાસનથી બાંધો. કાં તો સંખ્યાનું અનુશાસન રાખો કાં તો સમયનું બંધન રાખો. અને જો નિયમ ના પળાય તો સાથે દંડ પણ રાખજો. મનને ભટકવાની આદત પડી છે. મનને છૂટો દોર આપશો તો તે સ્થિર નહીં થાય. તે તો અનુશાસનથી જ વશ થશે.

અસંતોષ

સ્વલ્પ સંતોષ સાધકને માટે દુશ્મનની ગરજ સારે છે. તેથી સાધકે હંમેશા વિચારતા રહેવું જોઈએ કે હજુ કાંઈ વિકાસ બાકી છે ? વિકાસની દ્રષ્ટિએ આગળ વધી શકાતું હોય તો સાધના કરતાં જ રહેવું જોઈએ. એમાં પ્રમાદ ન હોવો જોઈએ.

અહંકારનો નાશ

જે સમર્પિત થાય છે એને અહં રહેતો નથી. એને રાગ કે દ્વેષ સતાવતા નથી. એને પોતાની ઈચ્છા જેવું કાંઈ રહેતું જ નથી. એનાં સંકલ્પ વિકલ્પો શાંત થઈ જાય છે. એ જેને સમર્પિત બને છે તેની ઈચ્છાને શિરોધાર્ય સમજીને કેવળ કાર્ય કરે છે. સાધક પોતાની દ્વારા એ શક્તિ જ કાર્ય કરતી હોય એવું અનુભવે છે. એવી અનુભૂતિ પછી સાધક અહંરહિત, નમ્ર અને સરળ થઈ જાય છે.

આત્મતૃપ્તિ

પોતાને માટે તો બધાં જ કરે. જે પોતાને માટે કરો છો તે અહીં જ મુકીને ચાલવાનું છે. સાથે કાંઈ આવવાનું નથી. જે બીજાને માટે કરો છો તે જ સાથે આવશે. બીજાને માટે કરવાથી તમને શાંતિ અને સંતોષ સાંપડશે. જ્યારે જવાનો વખત આવશે ત્યારે તમારો અંતરાત્મા તમને કહેશે કે મેં કોઈનું કંઈ બગાડ્યું નથી. જીવનને હું જે રીતે સમજતો હતો તે રીતે જીવવાની પ્રામાણિક કોશિશ મેં કરી. પંચમહાભૂતના શરીરને છોડતી વખતે આ આત્મસંતોષ, એ આત્મતૃપ્તિ જ તમારી સાથે આવશે.

આત્મનિરિક્ષણ

સાધક નિરંતર ધ્યાન રાખે છે કે એણે કયા માર્ગે આગળ વધવાનું છે, સાધના દ્વારા એણે શું પ્રાપ્ત કરવાનું છે. એણે સાધનાનો જે માર્ગ પસંદ કર્યો તે માર્ગે તે ગતિ કરે છે કે નહીં અને જો નથી કરતો તો શા માટે નથી કરતો - આ પ્રમાણેનું અનવરત આત્મનિરિક્ષણ આદર્શ સાધક કર્યા કરે છે. એને લીધે સાધનાના માર્ગમાં કોઈપણ પ્રકારના વિધ્નો કે અંતરાય આવે તો એમાંથી પોતાની જાતને ઉગારી શકે છે.

આત્માનંદ

સંસારમાં જે શાંતિ અને આનંદનો અનુભવ સામાન્ય માનવ કરે તેમાં અને પરમાત્માની સાથેના અનુસંધાનને સાધવાથી જે શાંતિ અને આનંદ સાધકને સાંપડે તેમાં આકાશ અને પાતાળનો તફાવત છે. સંસારનાં મનુષ્યોનો આનંદ બાહ્ય વાતાવરણ, બાહ્ય પદાર્થો કે બહારના સંજોગો પર આધાર રાખે છે. જ્યારે મનને સાત્વિક બનાવવાથી, સદગુણી કરવાથી, સુસંસ્કારોથી સંપન્ન કરવાથી અને આત્માના અનુભવને પરિણામે પ્રાપ્ત થયેલ શાંતિ અને આનંદ બહારના પદાર્થો પર નિર્ભર નથી અને તેથી જ એક વાર પ્રાપ્ત થયા પછી તેનો અનુભવ અખંડ રહે છે.

આદર્શ માનવ

યોગી બને એટલે માનવ જંગલમાં ચાલ્યો જાય એવું નથી પરંતુ મન અને ઈન્દ્રિયોનો સંયમ કરતો થઈ જાય. જ્યાં રહે ત્યાં રહીને જાગૃતિપૂર્વકનું જીવન જીવે, પ્રલોભનોથી પ્રભાવિત થયા વગર તટસ્થ રીતે જીવન જીવે અને પોતાને માટે જીવતો હોય એને બદલે બીજાને માટે જીવવાનું વ્રત લે. યોગનો સાધક આવો આદર્શ માનવ થઈ જાય છે.
- શ્રી યોગેશ્વરજી

આધ્યાત્મિકતા

આધ્યાત્મિકતા જીવનથી દૂર જવાનો માર્ગ નથી, પરંતુ જીવનની વાસ્તવિકતા ને વિવિધતાને સ્વીકારી તેની વચ્ચે નિર્લેપ રહેવાની સાધના છે.

ઈશ્વરદર્શન

સાચા દિલની પ્રાર્થના કદી નકામી જતી નથી. જેનું સત્યાનાશ થઈ ગયું હોય તેવો માણસ જેમ પોકે પોકે રડે તેવી રીતે ભગવાનના વિરહની વેદનાથી વ્યથિત થઈ ભગવાનના દર્શનને માટે ભક્ત જ્યારે પોકે પોકે રડવા માંડે છે ત્યારે ભગવાનના દર્શન દુર રહેતા નથી.

ઉત્તમ કલા

જે કલા મનુષ્યને એની સાંપ્રત દશામાંથી ઊંચકીને સાત્વિક ને શુદ્ધ આનંદના પ્રદેશમાં મૂકે, શાંતિ ને પ્રેમના પ્રવાહમાં વહેતો કરે, તથા શરીરની સ્મૃતિ પણ ભુલાવે એટલે કે આત્મા સાથે એક કરે, તે કલા ઉત્તમોત્તમ કલા કહી શકાય.