Text Size

Inspirational Quotes

સદભાગ્ય

માનવનું સદભાગ્ય હોય ત્યારે ગુરૂ સામે ચાલીને આવે અને માનવનું સદભાગ્ય હોય તો જ એવા સામેથી ચાલીને આવેલા ગુરૂને ઓળખી શકાય. તેમનો લાભ લઈ શકાય, તેમની પાસેથી આદેશ પ્રાપ્ત કરી શકાય અને તેમના બતાવેલા માર્ગ પર ચાલી શકાય, જીવનની કાયાપલટ કરી શકાય અને અંતે આત્માનું કલ્યાણ સાધી શકાય.
- શ્રી યોગેશ્વરજી

સમૃદ્ધિ અને શાંતિ

સમૃધ્ધિ એક વસ્તુ છે અને શાંતિ બીજી જ વસ્તુ છે. સમૃધ્ધિ હંમેશા માનવને શાંતિ આપી શકતી નથી. કેટલીક વાર સમૃધ્ધિથી માનવ અવિવેકી પણ બની જાય, વિપથગામી કે કુમાર્ગગામી થઈ જાય અને જીવન પરનું નિયંત્રણ ખોઈ બેસે. મન અને ઈન્દ્રિયોનો દાસ થઈ જાય. જો જીવનમાં વિવેક અને સદાચાર ન હોય તો માનવ દુઃખી દુઃખી થઈ જાય છે. આમ સમૃધ્ધિ હોવા છતાં તે શાંતિની સંપ્રાપ્તિ કરી શકતો નથી.
- શ્રી યોગેશ્વરજી

સાક્ષાત્કાર

રાંધણકળાના વર્ગમાં જઈ ભણ્યાં કે જુદી જુદી જાતના વ્યંજનો આ રીતે બને પણ એ રીતે બનાવીને જ્યાં સુધી ખાઈશું નહીં ત્યાં સુધી કાંઈ ભૂખ થોડી ભાંગવાની છે? વેદ, ઊપનિષદ, દર્શનશાસ્ત્રોમાં પારંગત થઈ ગયા, એના અધ્યયન દ્વારા પરમાત્મા વિશે જાણી લીધું પણ જ્યાં સુધી પરમાત્માનો સાક્ષાત્કાર સાધવામાં નહીં આવે ત્યાં સુધી કોઈને પણ શાંતિ થોડી મળવાની છે? ચર્ચા વિચારણા કે વિતંડાવાદ કરવાથી સાક્ષાત્કાર થોડો સધાશે? સાક્ષાત્કાર તો સાધના કરવાથી જ સધાશે.
- શ્રી યોગેશ્વરજી

સાધકનું લક્ષ્ય

આપણે ફૂલના બગીચા તરફ જઈએ તો પ્રવેશ કરતાં જ આપણે ઈચ્છા કરીએ કે ન કરીએ તો પણ ફોરમની પ્રાપ્તિ આપોઆપ થવાની. પરંતું ફોરમની પ્રાપ્તિ એ આપણું લક્ષ્ય ન હોવું જોઈએ. આપણું લક્ષ્ય તો ફોરમ જેમાં રહે છે તે ફૂલના દર્શન કે અવલોકનનું હોવું જોઈએ. તે જ રીતે, યોગ, ભક્તિ કે જ્ઞાનને નામે જે પણ સાધનાઓનો આધાર લેવાય તેમનું એકમાત્ર લક્ષ્ય આત્મદર્શન કે પરમાત્માની પ્રાપ્તિનું હોવું જોઈએ. એ લક્ષ્યનું વિસ્મરણ કદાપિ ન થવું જોઈએ.
- શ્રી યોગેશ્વરજી

સાધનાની આવશ્યકતા

માનવ પોતાનો ઘડવૈયો બની શકે, પોતાના ભાગ્યનું નિર્માણ કરી શકે, પરંતુ તે માટે તેણે સૌપ્રથમ નક્શો તૈયાર કરવો પડે અને પછી તેને સાકાર સ્વરૂપ આપવા પ્રમાદને ત્યાગી પુરૂષાર્થ કરવો પડે. જે માનવ કેવળ નક્શાઓ જ બનાવ્યા કરે અને તેને સાકાર સ્વરૂપ આપવા ક્રિયાશીલ ન બને તેની યોજનાઓ કાગળ પર જ રહી જાય છે. તેવી જ રીતે, માનવે આત્મવિકાસની યોજનાઓને સક્રિય સ્વરૂપ આપવા માટે નિશ્ચયાત્મક રીતે અને નિયમિત રીતે સાધનાપરાયણ થવું જોઈશે.
- શ્રી યોગેશ્વરજી

સાધનાની સફળતા

જ્યાં સુધી માનવ પોતાના મન અને ઈન્દ્રિયો પર વિજય પ્રસ્થાપિત કરવાને માટેનો પ્રામાણિક પ્રયત્ન નહીં કરે ત્યાં સુધી તે ભક્તિની સાધનામાં સફળ નહીં થઈ શકે, જ્ઞાનની સાધનામાં પણ સુચારૂરુપે આગળ નહીં વધી શકે અને યોગની સાધનામાં પણ પ્રગતિ નહીં કરી શકે. માનવ જ્ઞાન, ભક્તિ, યોગ કે કર્મ - ગમે તે માર્ગે આગળ વધે પરંતુ તેણે પોતાના વિચારો અને ભાવો પર નિયંત્રણ પ્રસ્થાપવા પ્રયત્નો કરવા જોઈશે. તો જ એની સાધના સફળ થશે.
- શ્રી યોગેશ્વરજી

સ્મિત

આત્માના આનંદને પરિણામે જ સ્મીત આવે છે. સ્મીત એ આપણી મોટામાં મોટી થાપણ છે. આપણે સારી રીતે જીવવું હોય તો આપણા સ્મીતને સાચવતાં શીખવું જોઈએ, આપણા મનોબળને સાચવતાં શીખવું જોઈએ, આપણે ભંગાઈ ન જવું જોઈએ, ભગ્નહૃદય ન થવું જોઈએ. તો જ જીવનની સાધના આપણે સારી રીતે કરી શકીશું.
- શ્રી યોગેશ્વરજી