if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સરિતાના શાંત પ્રસન્ન પ્રવાહમાં તરંગ પેદા થાય એવી રીતે એમના જીવનમાં આત્માભિમુખ વૃત્તિ અથવા આત્મવિકાસની ભાવના સૌથી પ્રથમ કેવી રીતે પેદા થઈ ? કેટલાક સાધકોના સંબંધમાં બને છે તેમ એમના જીવનમાં કોઈ વિરોધ, વિપત્તિ કે દુઃખદર્દનો પ્રસંગ નહોતો બન્યો. સંસારના વિષમ વિરોધાભાસી વાતાવરણે એમના પર કોઈ વિપરીત વિકૃત અસર કરી હોય એવું પણ નહોતું બન્યું. એમના જીવનમાં સૌથી પહેલાં જે જાગૃતિ આવી તે આત્મવિચારથી જ આવેલી. અને એવી વિચારપ્રેરિત વિવેકવતી જાગૃતિ જ જીવનમાં ચિરસ્થાયી ઠરીને જીવનને જ્યોતિર્મય કરે છે. દુઃખ, પીડા કે પ્રતિકૂળતાના પરિણામરૂપે પ્રાપ્ત થતી જાગૃતિ, સંજોગો સુખદ અથવા સાનુકૂળ થતાં, કોઈવાર શમી જવાનો કે મંદ પડવાનો સંભવ રહે છે ખરો. પરંતુ સદ્દવિચારના પીઠબળવાળી જાગૃતિનું તેવું નથી બનતું. એ જીવનજાગૃતિ વિકાસ માટે પ્રેરક બને છે, સુખદ ઠરે છે, ને ઉત્તરોત્તર વિસ્તૃત બને છે. પોતાની એ અદ્દભુત જીવનજાગૃતિનો ઉલ્લેખ કરતાં પાછળથી એકવાર એમણે સહજ રીતે જ કહેલું કથાનક એમના સ્વમુખે જ સાંભળીએ :

 ‘મારા જીવનનું એ અદ્દભુત સંસ્મરણ આજે પણ એટલું જ તાજું છે, એ વખતે મારી ઉંમર પંદરથી સોળ વરસની હતી. મારૂં સ્વાસ્થ્ય તદ્દન સારૂં હતું. કોઈ પ્રકારની શારીરિક તકલીફ કે અસ્વસ્થતા ન હતી. કોઈ જાતનું દર્દ પણ ન હતું. એ દિવસોમાં એકવાર અચાનક મને એક વિલક્ષણ અનુભવ થવા લાગ્યો. મને મૃત્યુનો ભય લાગવા માંડ્યો. કોણ જાણે કેમ પણ મને એવું જ લાગ્યું કે મારૂં જીવન હવે સમાપ્ત થવાનું છે. તેની ઉપર રહસ્યમય પડદો પડવાની તૈયારી છે.’

 ‘એ અનુભવ અત્યંત વિલક્ષણ હતો. મારા શરીરે રોમાંચ થયાં. મને થયું કે મારા શરીરત્યાગનો સમય નજદીક આવી ગયો ? મારાથી હવે વધારે નહિ જીવી શકાય ?’

 ‘તે  દિવસે હું એ અસાધારણ અનુભવની અસર નીચે મારા ઘરમાં એકલો જ બેસી રહ્યો. ડૉકટરે મને એ સંબંધી કશીક ઉપયોગી સલાહ આપી હોત ને ઉપચાર કર્યો હોત, પરંતુ મેં ડૉકટરને, મિત્રને કે સંબંધીને ના બોલાવ્યા. મને થયું કે મરણ પાસે આવ્યું છે તો હવે મારે શું કરવું ? મારાથી હવે નહિ બચી શકાય.’

 ‘મારા હાથપગને મેં તદ્દન ઢીલા અને શબની જેમ ઢીલા કરી દીધા. પ્રાણવાયુ ધીમે ધીમે ધીમો પડવા લાગ્યો.’

 ‘મેં  મારા મનને કહ્યું કે આનું નામ મરણ. શરીરનું મરણ થવાથી તે નિષ્ક્રિય ને નિશ્ચેતન બની ગયું છે. હવે તે નકામું બની ગયું. એને હવે સ્મશાને લઈ જવામાં ને બાળી નાખવામાં આવશે. પરંતુ મરણ કોનું થયું ? શરીરનું. મારૂ નથી થયું. કેમકે હું શરીરના મરણને જોઈ શકું છું. હું નથી મરતો. શરીર શાંત થઈ ગયું છે તો પણ હું મને એવો ને એવો, શરીરથી અલગ, અનુભવી શકું છું. હું આત્મા છું. શરીર નથી. મૃત્યુ મને નથી, શરીરને છે. શરીર જ નાશવંત છે, આત્મા તો અમર છે.’

 ‘એ અવસ્થા દરમિયાન મને એવા વિચારો જ આવવા લાગ્યા એવું નથી સમજવાનું. મને એવી ચોક્કસ અનુભૂતિ થઈ રહેલી.’

 ‘એવી અનુભૂતિ મને એ પ્રસંગ પછી અવારનવાર થયા કરતી. એને પરિણામે મારા મનમાંથી મૃત્યુનો ભય કાયમને માટે દૂર થયો. હું તદ્દન નિર્ભય બની ગયો. મને કોઈપણ વ્યક્તિ કે વસ્તુમાં રસ ના રહ્યો. મારૂં મન સ્કૂલના અભ્યાસમાંથી પણ ઊઠી ગયું. જ્યારે વખત મળતો ત્યારે હું આત્માનુસંધાનના આનંદ માટે ધ્યાનમાં જ બેસવા લાગ્યો.’

 ‘અહમ્ પદવાચ્ય પદાર્થ જ વાસ્તવમાં સદ્દવસ્તુ છે. મરણ થયા પછી એ જ એક વસ્તુ નિત્ય અથવા અવિનાશી થઈને ટકી રહે છે. ચેતના અથવા જીવનશક્તિનાં સઘળાં કિરણો એ સનાતન તત્વમાંથી જ છૂટે છે, સર્વત્ર ફેલાય છે અને અંતે એની અંદર જ લય પામે છે. મારો એ વિચાર અનુભવાત્મક ને દ્દઢ બન્યો.’

                        * * *          * * *          * * *          * * *

વેંકટરામનની બુદ્ધિ બાળપણમાં ઘણી કુશાગ્ર હતી. ઘેર અધ્યયન ના કરવા છતાં પોતાના સહપાઠીઓની પાસેથી સાંભળેલા પાઠોને યાદ કરીને એ એમનાથી આગળ વધી જતા. ગણિત ને તામિલ સાહિત્ય માટે એમને ખાસ પ્રેમ હતો.

એ પહેલેથી જ મિતભાષી હતા. ગંભીર સ્વભાવના હોવાથી ને મિત્રો સાથે વિશેષ હળતા મળતા નહિ હોવાથી એમના હૃદયના રહસ્યની કોઈને ખબર ના પડતી. એમને રમતગમતનો શોખ હતો, અને એમાં એ સૌની આગળ રહેતા. કુસ્તી તથા દંડબેઠક કરવામાં તેમ જ તરવામાં એમને વિશેષ આનંદ આવતો. એમના ગામની વૈદ્યા નદીમાં પૂર આવતું ત્યારે એના પ્રમત્ત તરંગો પર કૂદી પડીને એ તરવા માંડતા. એમને એ વખતે કયાં ખબર હતી કે ભવિષ્યમાં એમને એથી પણ અધિક બહાદુરીપૂર્વક સુદુસ્તર કહેવાતી સંસારસરિતામાં સફળતાપૂર્વક તરવાનું છે ને બીજા અનેકને તરતાં શીખવવાનું છે ?

વ્યાયામપ્રિય પ્રકૃતિને લીધે એમનું શરીર સ્વસ્થ ને સુદૃઢ બની ગયેલું.

ગાઢ નિદ્રામાં એ બીજા કુંભકર્ણ જેવા બની જતા. એવી ગાઢ નિદ્રા એમને વર્તમાન જન્મમાં જાણે કે વારસામાં મળેલી. એ જ્યારે બારેક વરસની વયના હતા ત્યારે એક દિવસ એમને ઘરમાં એકલા મૂકીને સૌ મંદિરમાં ગયાં. એ એકલા પડતાંની સાથે જ બારણાં બંધ કરીને ઊંઘી ગયા. ઘરવાળાંએ પાછા આવીને બારણાં ખખડાવ્યાં ને બૂમો પાડી પણ કશું જ ના વળ્યું. ગાઢ નિદ્રામાં સૂતેલા વેંકટરામન કેમે કરીને જાગ્યા જ નહિ ત્યારે દીવાલ પરથી કૂદીને અંદર જઈને બારણાં ઉઘાડવામાં આવ્યાં. એ પછી બીજા બધાંએ ઘરમાં પ્રવેશીને એમને મહાપ્રયાસે જગાડ્યા ત્યારે જ એ જાગી શક્યાં.

એમની એ નિદ્રાને લીધે કેટલીકવાર એમના વિરાધીઓ એમને ઊંઘમાં ને ઊંઘમાં દૂર લઈ જતા ને મારપીટ કરીને પથારી પર મૂકી જતા. એમની એ વખતની નિદ્રાવસ્થા એમના જન્માંતરના અસાધારણ સમાધિયોગના સહજ પરિપાકરૂપે પ્રાપ્ત થઈ હશે અથવા એ સમાધિયોગમાં પ્રતિષ્ઠિત થવાની ભૂમિકારૂપ હશે એવું અનુમાન અત્યારે સહેલાઈથી કરી શકાય છે. એ પોતે પાછલા જીવનમાં એવી રીતે અતીન્દ્રિય પ્રદેશમાં પ્રવેશીને કલાકો લગી આત્મામાં અવગાહન કરી શકતા એ હકીકત હવે તો લગભગ સર્વવિદિત છે.

                        * * *          * * *          * * *          * * *

રમણ મહર્ષિનો જન્મ પારાશર ગોત્રવાળા દ્રાવિડ સ્માર્ત બ્રાહ્મણ કુટુબમાં થયેલો. એમના પિતાનું નામ સુંદરમય્યર અને એમની માતાનું નામ અલઘમ્માલ. સુંદરમય્યર વકીલાત કરતા. એ જમાનામાં આવશ્યક અભ્યાસક્રમ વગર જ, સુયોગ્યતાવાળા પુરૂષોને વકીલાત કરવાની મંજૂરી મળી જતી. વકીલાતના કામમાં સુંદરમય્યરે સારી સફળતા તથા પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેલી. પ્રજા અને અધિકારીઓ એમનાથી પ્રસન્ન હતા.

વકીલ થયા પછી પણ પોતાના પ્રારંભના ગરીબાઈના દિવસોને એ કદી પણ ના ભૂલ્યા. ગરીબો પ્રત્યે ખાસ સ્નેહ ને સહાનુભૂતિ રાખીને એ એમને સાચું માર્ગદર્શન આપતા અને એમનાં કામોને સેવાભાવે કરી છૂટતા. એમની સજ્જનતાને લીધે ચોરો પણ એમને ત્યાં ચોરી કરવાની ઈચ્છા ના કરતા. એમને ત્યાં સદ્ ગ્રંથોનું અધ્યયન થયા કરતું.

એમના કુળમાં એક વાત વરસોથી વહેતી આવે છે. એ વાત ખાસ જાણવા જેવી છે. કહે છે કે એમના પૂર્વજોમાંથી કોઈને ત્યાં એક વાર એક સંન્યાસી આવ્યા. એમને માગવા છતાં પણ ભિક્ષા ના મળી. ઉપરથી એમનું અપમાન કરવામાં આવ્યું. એથી ક્રોધે ભરાઈને એમણે શાપ આપ્યો કે આ કુળમાં પ્રત્યેક પેઢીમાં કોઈ મારા સમાન સાધુ થયા કરશે.

થયું પણ એવું જ. સુંદરમય્યરના કાકા સંન્યાસી બની ગયા. સુંદરમય્યરના ભાઈ વેંકટેશય્યર ઘેરથી નીકળીને ચિંદબરના મંગલમય મંદિરમાં પહોંચ્યા. મંદિરની પરિક્રમા કરનારા પ્રવાસીઓના પથને એ સાફ કરતા. એ શિવાનંદ યોગી તરીકે પ્રખ્યાતિ પામ્યા.

સુંદરમય્યરનો સ્વર્ગવાસ ઈ.સ. ૧૮૯૫માં થયો ત્યારે એમને કલ્પના પણ ક્યાં હતી કે પોતાના ત્રણ પુત્રોમાંના એક વેંકટરામન ભવિષ્યમાં ત્યાગની એ પરંપરાને ટકાવી રાખીને મહાન યોગી કે મહર્ષિ બનશે ને માનવ જાતિને પોતાના અનુભવના આધાર પર શાંતિ, મુક્તિ કે પૂર્ણતાનો સંદેશ પ્રદાન કરશે ? એવી કલ્પના એમના કુટુંબમાં બીજા કોઈને પણ ક્યાં હતી ? હોઈ જ કેવી રીતે ?

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.