Text Size

મહર્ષિના છેલ્લા ફોટાઓ

છેલ્લા થોડાક દિવસો દરમિયાન કેટલાક અગ્રગણ્ય ફોટોગ્રાફરો મહર્ષિના ફોટાઓ લેવા માટે આવેલા. એમણે એમના તરફથી પરમ પૂજ્યભાવે કરેલી નમ્ર વિનંતીને લક્ષમાં લઈને મિત્રતાપૂર્ણ, માયાળુ, સરસ સ્મિતસહિત એમની સૂચનાનુસાર થોડાક ફોટાઓ પડાવ્યા. મારા ધાર્યા પ્રમાણે દરેકને ખબર હતી કે મહર્ષિના આપણી સાથેના સહવાસના છેલ્લા દિવસો છે. એટલા માટે ખૂબ જ મોડું થાય તે પહેલાં એમના સ્થૂળ સ્વરૂપના ફોટાઓને લેવાની ઈચ્છા થાય એ એમને માટે સ્વાભાવિક હતું. ફોટોગ્રાફરો પણ ખરેખર અત્યંત વિલક્ષણ હતા. એમના આ પૃથ્વી પરના સ્થૂળ જીવન દરમિયાન છેલ્લાં વર્ષોમાં એમની મુખાકૃતિ દિવ્ય પ્રેમ અને કરુણાથી આલોકિત બની ગયેલી. એમની પહેલાંની તસવીરોમાં પ્રકટ થતી એમની પ્રજ્ઞા તથા અલૌકિક શક્તિની સરખામણીમાં એ જુદી જ તરી આવતી.

મહર્ષિના કેટલાક સારા ફોટાઓ સુલભ હતા. એ ફોટાઓમાંથી સૌથી ઉત્તમ કહી શકાય તેવો ફોટો સોળેક વર્ષ પહેલાં લેવામાં આવેલો. એ ફોટામાં એમની મુખાકૃતિની પાછળ અસાધારણ સુંદર પ્રકાશ-વર્તુલનું દર્શન થતું. એક બીજા ફોટામાં એ વ્યાઘ્રચર્મ પર અર્ધ પદ્માસનના સુંદર શાસ્ત્રીય યોગાસન પર બેઠેલા. એ ફોટો મોટે ભાગે મહિના જેટલા સમય પછી દાઢી કરાવતા તે પછીથી લેવાયેલો, કારણ કે એ સફેદ દાઢીથી મુક્ત હતો. એ ફોટામાં તરી આવતી એમની મુખાકૃતિ બીજા કોઈ પણ ફોટા કરતાં વધારે સ્પષ્ટ અને શક્તિશાળી દેખાતી. એ ફોટાનું અવલોકન કરતાં મહર્ષિની મુખાકૃતિ કૈંક અંશે ગંભીર લાગતી. આપણા જેવા માનવો જેમનાથી ભરેલા છે તે નિર્બળતાઓ, અપૂર્ણતાઓ અને આપત્તિઓથી એ મુક્ત હતી. આ મુખાકૃતિ એક એવા મહામાનવનું દિગ્દર્શન કરાવતી જે સદાને માટે અવિદ્યાનું અતિક્રમણ કરી ચૂકેલા અને જેનામાં કોઈ પણ શંકા કે સત્યનું અસ્તિત્વ નથી તે સનાતન સર્વોત્તમ સત્યનો સાક્ષાત્કાર કરી શકેલા. મહર્ષિ દાઢી કરાવતા તે પછી પ્રત્યેક મહિને મને તેમની શુદ્ધ સ્પષ્ટ મુખાકૃતિને અવલોકવાનો અસાધારણ લાભ મળતો. અસાધારણ ધૂપ-સુગંધથી વીંટળાયેલા અને હજારો ભાવિક ભક્તોની શ્રદ્ધાભક્તિથી ઘેરાયેલા એ મહાપુરુષના સ્વરૂપને સમીપથી નિહાળવાનું સુરદુર્લભ સૌભાગ્ય મને સાંપડતું.

એમની મુખાકૃતિ મોટા ભાગનાં માનવોમાં જે ઉત્તમ ગુણનો અભાવ દેખાય છે, તેનાથી અલંકૃત દેખાતી. એ ગુણ ઊંડી, અનંત સમજશક્તિનો હતો. એ વસ્તુને સમજાવવાનું કામ સહેલું નથી પરંતુ આપણે જ્યારે એ મહાન સંતની સંનિધિમાં રહેતા ત્યારે ચોક્કસપણે સમજી શકતા કે એમની આગળ આપણું સમસ્ત વ્યક્તિત્વ ખુલ્લું થયેલું છે અને એ એના અતલ ઊંડાણને સ્પષ્ટ રીતે જોઈ શકે છે. મહર્ષિ સિવાયના બીજા કોઈ પુરુષની આગળ પોતાના વ્યક્તિત્વને પ્રકટ કરવાનું અધિકાંશ માનવોને સુખકારક ના લાગે  તે સમજી શકાય તેવું છે. મહર્ષિની એ વિશેષતા હતી કે એ પોતાના જ્ઞાનને સારી પેઠે જીરવી શકતા. એમની આગળ કશું જ ગુપ્ત નહોતું રહેતું અને કોઈને ટીકાનો થોડોઘણો ભય પણ ન રહેતો.

એ આપણા આત્માના સર્વોત્તમ સાક્ષી જેવા દેખાતા. એમની ઉપસ્થિતિ આપણને સર્વ પ્રકારના પાપકર્મમાંથી મુક્ત કરતી. એમના એક પ્રશંસક શ્રી શેષાદ્રિસ્વામીએ ચાળીશ વર્ષ પહેલાં એમના વિશે એવો અભિપ્રાય આપ્યો હતો. એ અભિપ્રાય સાચો હતો.

એમનો ત્રીજો સુપ્રસિદ્ધ ફોટો એમની મુખાકૃતિને માથા પરના આછા-પાતળા સફેદ વાળ અને દાઢી સાથે રજૂ કરતો. એ ફોટામાં દેખાતી એમની મુખાકૃતિ અસાધારણ કરુણા અને સ્મિતથી સુશોભિત બનેલી.

મહર્ષિનું આ પૃથ્વી ઉપરનું જીવન-કાર્ય હવે પૂરું થવાની તૈયારીમાં હતું. એમના સદુપદેશો જુદી જુદી ભાષામાં અનુવાદિત થયેલા, ફેલાયેલા અને એમના શિષ્યો તથા શ્રદ્ધાભક્તિસંપન્ન ભક્તો દ્વારા પ્રકાશિત થયેલા. એ ઉપદેશોને સાંભળવાની તથા સ્વીકારવાની જેમને ઈચ્છા હોય તેમને એ સંભળાવવાને માટે એમના શિષ્યોનું એક મંડળ તૈયાર થયેલું. હવે કેવળ એમના જીવનનો કરુણાન્ત જ શેષ હતો. એ અંતનું પ્રયોજન અમારા જેવા સામાન્ય માનવોને માટે અજ્ઞાત અથવા અગમ્ય હતું.

મહર્ષિના જીવના અંતિમ તબક્કાઓનું સ્થૂળ રીતે દર્શન કરવાનું સૌભાગ્ય મને નહોતું સાંપડ્યું. મને જણાવવામાં આવેલું કે એમની આસપાસના માનવોને માટે એમનું શારીરિક કષ્ટ અતિશય ભયંકર અને દુઃખદ હતું. આપણી શક્તિ અને આપણી તિતિક્ષાની સીમા તથા સમય મર્યાદાને એક પરમાત્મા સિવાય બીજું કોઈ જાણી શકતું હોય એમ હું નથી માનતો.

એ મહાન સંત-પુરુષના ત્રીજા ફોટાને હું મારા આશ્રમ નિવાસ દરમિયાન રોજ મારી પાસે રાખતો. એને મારા હૃદયમાં ધારણ કરતો. એમના બાહ્ય કલેવરને જ નહિ પરંતુ આત્મિક સ્વરૂપને પણ મારા અંતરમાં અંકિત કરતો.

પોતાના શરીર ત્યાગ પહેલાં ઈ.સ. ૧૯૫૦ના એપ્રિલમાં મહર્ષિએ પોતાની પાસેના સેવકોને કહેલું, ‘એ બધા કહે છે કે મારું મૃત્યુ થવાનું છે પરંતુ હું અહીં આજના કરતાં પણ વધારે જીવંત રીતે વાસ કરીશ.’ ખરેખર મહર્ષિનો આત્મા અમારી સૌની સાથે જ રહે છે.

મહર્ષિના ફોટાઓ આખા જગતમાં પ્રસિદ્ધિ પામ્યા છે. તો પણ એમણે પરમાનંદના પ્રદેશમાં પ્રવેશીને પરમાત્માની પાસે પહોંચીને જે પ્રકાશની પ્રાપ્તિ કરી તેની માહિતી કેટલાને છે ? આપણે માટે સાધનાનો જે માર્ગ સંકીર્ણ તથા સંકટથી ભરેલો છે તેના રહસ્યની માહિતી કોણે મેળવી ? આપણે આટલા બધા અંધ શા માટે બન્યા છીએ ? પરમાત્માના પાવન પ્રદેશમાં સદાને માટે શ્વાસ લેનારા મહાપુરુષના શરીરમાંથી સુસ્પષ્ટ રીતે પ્રાદુર્ભાવ પામતી પ્રશાંતિ, પ્રસન્નતા, પ્રજ્ઞા તથા પ્રેમને આપણે શા માટે નથી અનુભવી શકતા ? જ્યાં જડ પ્રકૃતિનું અજ્ઞાનમય આવરણ નથી, તથા જ્યાં પ્રકાશતા પરમ સૂર્યનો કદી પણ અસ્ત નથી થતો ત્યાં એ પાવન પ્રકાશ કેટલા બધા પ્રખર પ્રમાણમાં પ્રકાશી રહ્યો હશે ? એ પાવન પ્રકાશથી પુલકિત થવા માટે પ્રત્યેક માનવ પોતાના અંતરના અંતરતમમાં ઝંખે છે.

 

Today's Quote

Prayer : Holding in mind what you desire, but without adding desire to it.
- David R Hawkins

prabhu-handwriting