Text Size

શાંભવી મુદ્રાની સિદ્ધિવાળા મહાત્મા

હિમાલયમાં ઉત્તરાખંડના સુપ્રસિદ્ધ તીર્થસ્થાન ઋષિકેશની મુલાકાત લેનાર મુસાફરોને ગંગાના સુંદર શાંત તટ પર વસેલા સ્વર્ગાશ્રમ તથા લક્ષ્મણઝુલાનું સ્મરણ સારી પેઠે હશે. લક્ષ્મણઝુલાથી આગળ વધી સ્વર્ગાશ્રમ તરફ જતાં જે એકાંત, શાંત માર્ગ આવે છે તે માર્ગ ખરેખર હૃદયંગમ છે. લીલીછમ પર્વતમાળાની વચ્ચેથી ગંગાના વિશાળ તટપ્રદેશ પરથી પસાર થતો એ માર્ગ અત્યંત આકર્ષક લાગે છે. એ માર્ગે ચાલતાં ચાલતાં થોડેક આગળ વધીએ એટલે માર્ગની એક બાજુએ એક વૃક્ષ આવે છે. એ વૃક્ષની નીચે એક તપસ્વી મહાત્મા પુરુષ બેઠા છે. એમના પર દૃષ્ટિ પડતાંવેંત પહેલાં તો પ્રશ્ન ઊઠે છે કે આ તે કોઈ જીવંત માનવ છે કે પથ્થરમાંથી કોરેલી કોઈ પ્રાચીનકાળની ધ્યાનસ્થ સુંદર શિલ્પમૂર્તિ ?  એ પ્રશ્નના પ્રત્યુત્તર માટે તદ્દન નજદીક જઈને જોઈએ છીએ ત્યારે રહીસહી શંકા ટળી જાય છે ને પ્રતીતિ થાય છે કે આ તો કોઈ જીવંત સાધનસ્થ મહાત્માની જ મંગલમયી મૂર્તિ છે. એ જીવંત પ્રતિમા એટલી સ્વસ્થ ને સ્થિર છે કે એની તદ્દન નજદીક ન જઈએ ત્યાં સુધી પ્રસ્તર પ્રતિમા હોય એવું જ લાગે ...

એ મહાત્મા પુરુષનું દર્શન એકદમ અવનવું અથવા અનેરું છે. એમણે પદ્માસન કર્યું હોય છે. ગીતાના છઠ્ઠા અધ્યાયમાં કહ્યા પ્રમાણે શરીરને ટટ્ટાર રાખીને એ બેસે છે અને એમની દ્રષ્ટિ બંને ભ્રમરની મધ્યમાં સ્થિર હોય છે. એમની અત્યંત તેજસ્વી, મોટી ને ખુલ્લી આંખ કાચની પુતળી જેવી દેખાય છે. એ આંખ જરાપણ હાલતી નથી કે એમની પલક પણ નથી પડતી. એ મહાત્મા પુરુષની આગળ નિરીક્ષણ કરતાં લાંબા વખત લગી ઊભા રહો તો પણ એમની એ અવસ્થામાં કશો ફેર નથી પડતો. એમનો શ્વાસ કે પ્રાણવાયુ તદ્દન થંભી ગયેલો લાગે છે. રસ્તેથી પસાર થતા યાત્રીઓ એ એકદમ કૃશકાય, જટાવાળા, આત્મલીન તપસ્વી પુરુષને જુએ છે. કેટલાક એમને શ્રદ્ધાપૂર્વક નમસ્કાર કરે છે, તો કેટલાક આશ્ચર્યચકિત થઈને થોડાક વખત સુધી એમની આગળ બેસે છે પણ ખરા. એમની આગળ એમણે પાથરેલા કપડાંમાં કેટલાક પૈસા પણ નાખે છે. એ મહાત્મા વરસોથી રોજ નિયમિત રીતે દિવસના મોટા ભાગના વખત દરમિયાન એ જ સ્થળે, એ જ રીતે બેઠેલાં જોવામાં આવે છે. એ કોઈની સામે જોતા નથી કે કોઈની સાથે વાત પણ નથી કરતા. પોતાની અંતરંગ આત્મિક સાધનાના આનંદમાં ડૂબેલા રહીને પોતાના જીવનનો સોનેરી સમય એ શાંતિપૂર્વક પૂરો કરે છે. એમની અંતરંગ ભૂમિકા કેટલી ઊંચી હશે એ સંબંધી તો માત્ર અનુમાન કરવાનું જ શેષ રહે છે, પરંતુ એમના સર્વસુલભ, શંકારહિત, બહારના દેખાવ પરથી એટલું તો અવશ્ય સમજી શકાય છે કે એમણે આસનસિદ્ધિ કરેલી છે. પ્રાણાયામનો ઊંડો અભ્યાસ કરેલો છે અને ધ્યાન પર એમનો ઘણો જ સારો કાબૂ છે. ઉપરાંત, યોગમાં જેને શાંભવી મુદ્રાને નામે ઓળખવામાં ને વર્ણવવામાં આવે છે તે મુદ્રા એમને સિદ્ધ છે.

આ શાંભવી મુદ્રા શું છે ? તેનું રહસ્ય જાણવા જેવું છે. તે શાંભવી મુદ્રામાં યોગી આસન પર સ્થિરતાપૂર્વક બેસીને આંખ ઉઘાડી રાખીને પોતાની દૃષ્ટિને બંને ભ્રમરની મધ્યમાં સ્થિર કરે છે. ગીતામાં એનું વર્ણન ‘ભુવોર્મધ્યે પ્રાણમાવેશ્ય સમ્યક’ કહીને કરેલું છે. એ વર્ણન પ્રમાણે ભ્રમર મધ્યમાં દૃષ્ટિ સ્થિર કરવાથી યોગીનું મન ખાસ વિષયો તથા દૃશ્યો પદાર્થોમાંથી ઉપર ઊઠીને એમને નથી જોતું. એની વૃત્તિ અંતર્મુખ બની જાય છે. આરંભમાં એ મુદ્રાનો અભ્યાસ કષ્ટસાધ્ય લાગે છે. એથી આંખ ખેંચાય છે, દુઃખે છે અને આંખમાંથી પાણી પણ પડે છે. પરંતુ ધીરજ, હિંમત અને ઉત્સાહપૂર્વક ક્રમેક્રમે આગળ વધવાથી દૃષ્ટિ લાંબા વખત લગી સ્થિર થાય છે ને બધી તકલીફ મટી જાય છે. પછી તો એના ઊંડા અભ્યાસથી શ્વાસ મંદ પડીને આપોઆપ શાંત થાય છે ને સાધક અતીન્દ્રિય પ્રદેશના અથવા સમાધિના મંગલમય મંદિર દ્વારને ખોલી આગળ વધે છે. આંખ ઉઘાડી રહે છે, પરંતુ શરીરની સંજ્ઞા નથી રહેતી. યોગી દેહાધ્યાસથી પર થાય છે તેમજ અનેક પ્રકારના અસાધારણ અવનવા અનુભવો મેળવે છે. એ અનુભવોમાં સૌથી ઉત્તમ પ્રકારનો અનુભવ આત્માનુભવ પણ એને માટે સહજ બને છે. સમાધિ દશાની પ્રાપ્તિ માટે એણે આંખને બંધ કરવી નથી કરવી પડતી.

શ્રી રમણ મહર્ષિને એ અવસ્થાની અનુભૂતિ સહજ હતી, એમના દર્શનનો લાભ લેનાર અને એમના આશ્રમમાં રહેનાર સારી પેઠે જાણે છે કે એ ઉઘાડી આંખે જ નિશ્ચલતાની પ્રાપ્તિ કરીને સમાધિ દશામાં ડૂબી જતા, સમાધિ દશા પર એમનો પૂરો કાબૂ હતો. એ છતાં પણ એ અસાધારણ દશામાં પ્રવેશવા માટે એ શાંભવી મુદ્રાનો આધાર નહોતા લેતા.

વરસો પહેલાં પરદેશમાંથી ભારતમાં યોગીઓની શોધમાં આવેલા પોલ બ્રન્ટનને દક્ષિણ ભારતમાં એક એકાંત શાંત સ્થાનમાં આવા જ ખુલ્લી આંખે ઊંડા ધ્યાનમાં ડુબેલા યોગી પુરુષના સમાગમનો લાભ મળેલો. એ યોગીની દ્રષ્ટિ સ્થિર અથવા નિશ્ચળ હતી અને એમની આંખ કાચ જેવી અચેતન દેખાતી. એ યોગીનું વર્ણન એમણે પોતાના પ્રસિદ્ધ પુસ્તક ‘એ સર્ચ ઈન સીક્રેટ ઈન્ડીયા’માં ‘કદી ના બોલનારા સંત’ નામના પ્રકરણમાં કરેલું છે. ઋષિકેશની દિવ્ય ભૂમિના આ આત્મલીન ધ્યાનસ્થ મહાત્મા પુરુષને જોઈને એ પુસ્તકનું સ્મરણ થવાની સાથે એ યોગીનું એમાં કરાયેલું વર્ણન તાજું થાય છે.

કલાક પર કલાક પસાર થાય છે, છતાં મહાત્મા પુરુષનું શરીર નથી હાલતું, એમની આંખ નથી હાલતી અને એમનું ઊંડું ધ્યાન પણ નથી તૂટતું. આત્મિક જગતના કોઈક અલૌકિક અનુભવ દરિયામાં એમનું મન ડુબકી મારીને મળી ગયું છે. એમને એ ડુબકીને પરિણામે કોઈ મહામુલ્યવાન મોતી હાથ લાગ્યું છે. એ પરમ અનુભવના પ્રદેશમાં દુન્યવી વાતાવરણની અસર નથી થતી અને જુદા જુદા આઘાત-પ્રત્યાઘાતો પણ નથી પહોંચતા. હિમાલયની સામે, આગળ ને પાછળ ઊભેલી પ્રશાંત પર્વતમાળાની પેઠે એ અચળ ને અડગ છે, તેમજ આજુબાજુના વનની નીરવતા ને નિર્મળતા ધારણ કરીને એ બેસી રહ્યા છે. ગંગા જેમ દર્શન, સ્પર્શન તથા સ્નાનથી બીજાને શાંતિ આપે છે તેમ એમનું દર્શન પણ આત્મિક પંથના પ્રવાસીઓ માટે પ્રેરક, શક્તિસંચારક ને શાંતિપ્રદાયક સાબિત થાય છે. એ સાધનારત હોવા છતાં એમની ઉપસ્થિતિ જ સાધકો માટે લાભદાયક થઈ પડે છે.

કોઈને એવો પ્રશ્ન થવાનો સંભવ છે કે આત્મસાધનાની આટલી બધી ઊંચી કક્ષાએ પહોંચેલા એ મહાત્માપુરુષ સવારથી સાંજ સુધી બધાને દેખતાં રસ્તા પર શા માટે બેસે છે ? એ પોતાની ગુફા કે કુટિયામાં જ બેસતા હોય તો ?  બહાર જાહેર બેસવામાં શું પ્રતિષ્ઠાનો મોહ નથી રહ્યો ?  આપણે એમને ઉત્તર આપીશું કે જાહેરમાં એવી રીતે બહાર બેસવામાં પ્રતિષ્ઠાનો મોહ જ હોય છે એવું નથી સમજવાનું. એ મહાત્માપુરુષ પોતાની કુટિયામાં બેસવાને બદલે વરસોથી નિયમિત રીતે બહાર રસ્તા પર શા માટે બેસે છે તે તો તે જાણે, પરંતુ એથી જાણ્યે અજાણ્યે એક મહત્વનો હેતુ સિદ્ધ થાય છે તે સાચું જ છે. હિમાલયના એ પ્રદેશમાં ઊંચી કોટિના સઘળા સંતોનું દર્શન સુલભ નથી હોતું. એમને માટે પર્વતો ને જંગલોમાં શોધ કરવી પડે છે ને ત્યારે ભાગ્યે જ તે મળે છે. આ મહાત્મા બહાર રહેતા હોવાથી એમનું દર્શન સૌને માટે ને સર્વકાળે સુલભ છે. એ ઉપરાંત, યોગના ને બીજા ગ્રંથોમાં શાંભવી મુદ્રા તેમજ ધ્યાન કે સમાધિનિષ્ઠ યોગીઓનાં કરેલાં વર્ણનો તદ્દન સાચાં છે અને આ જમાનામાં પણ પ્રત્યક્ષ જોઈ શકાય છે. એ વાતની પ્રતીતિ પણ એમને જોવાથી આપોઆપ થઈ રહે છે. સાધકોને એથી પ્રેરણા ને ઉત્સાહ મળે છે. એમની એ સેવા કાંઈ ઓછી નથી. એ દૃષ્ટિએ એમનું લોકોની દૃષ્ટિ પડે એવી રીતે બહાર બેસવું સાર્થક છે.

  - શ્રી યોગેશ્વરજી

Comments  

0 #1 Sachin Mayani 2013-01-03 23:53
I want to know about shambhavi mudra and metditetion on trikuti, third eye.

Today's Quote

You don't have to be great to get started but you have to get started to be great.
- Les Brown

prabhu-handwriting