Text Size

બદરીનાથના સિદ્ધપુરુષ બાબા બચ્ચીદાસજી

આધ્યાત્મિક સાધનાના માર્ગમાં બહારના ભણતરની જરૂર પડે છે ખરી ?  બહારનું ભણતર આધ્યાત્મિક સાધનામાં અંતરાયરૂપ નથી, પરંતુ એના સિવાય પણ સાધના થઈ શકે. એટલે સાધનામાર્ગમાં એ અનિવાર્ય આવશ્યકતા નથી, એ વાતની પ્રતીતિ બાબા બચ્ચીદાસના જીવન પરથી સહેજે થઈ રહે છે.

બાબા બચ્ચીદાસ સાવ અભણ હતા. આધુનિક નિશાળનું ભણતર એમણે જરાય લીધું નહોતું. છતાં સાધનામાર્ગે ઘણા આગળ પહોંચ્યા અને એમના મુખમાંથી અનુભવજન્ય જ્ઞાનની એવી ઊંચી વાતો નીકળતી-જેને સાંભળવી એ પણ એક લ્હાવો હતો. ઘડીભર તો શ્રોતાઓ એ વાતો સાંભળી મુગ્ધ થઈ જતા અને વિચાર કરતા. આ સંતપુરુષની અંદર આવું ઉત્તમ પ્રકારનું અધ્યાત્મજ્ઞાન ક્યાંથી આવ્યું ? પરંતુ એ જ્ઞાન અને એની અભિવ્યક્તિ પાછળ એમનો ઊંડો, લાંબા વખતનો સ્વાનુભવ કામ કરતો હતો, એ સત્યની સમજ પણ એમને સહેલાઈથી પડી જતી.

ભારતનાં ધર્મશાસ્ત્રોએ ગુરુનો મહિમા મુક્તકંઠે ગાયો છે. પોતાના પરમ જ્ઞાનરૂપી પ્રકાશથી શરણાગત શિષ્યના અંતરના અજ્ઞાનરૂપી અંધકારને કાયમને માટે દૂર કરનાર અને એને દિવ્યચક્ષુ દેનાર ગુરુને બ્રહ્માની સાથે સરખાવ્યા છે, વિષ્ણુ બરાબર માન્યા છે, શંકર કહીને બિરદાવ્યા છે અને એટલાથી સંતોષ ના પામતાં એથી પણ આગળ વધીને સાક્ષાત પરબ્રહ્મ કહી બતાવ્યા છે. એની પાછળ કેવળ અંધશ્રદ્ધા, અતિશયોક્તિ યા ભાવુકતા નથી, પરંતુ વાસ્તવિકતા છે. દ્વંદ્વાતીત તથા પરમસુખદાયક થયેલા એ પરમાત્મદર્શી સદગુરુની શક્તિનો જીવનમાં અનુભવ કરી ચુકેલા પુરુષોએ ગુરુનો મહિમા ગાયો છે, એ પણ એમને અંજલિ આપવા અને અત્યંત અલ્પ માત્રામાં. બાબા બચ્ચીદાસને એવા મહાન જ્ઞાનમૂર્તિ, દિવ્યાત્મા અને યોગસિદ્ધ સદગુરુનો સમાગમ થયેલો.

એ હિમાલયના દેવપ્રયાગ સ્થાનમાં રહેતા, ત્યારે બંગાલી બાબા નામના એક સિદ્ધ મહાપુરુષ બદરીનાથની યાત્રાએથી પાછા વળતાં ત્યાં આવી પહોંચ્યા. બચ્ચીદાસ ત્યારે દેવપ્રયાગમાં અલકનંદા અને ભાગીરથીના સુંદર સંગમ પરની એક નાનકડી ગુફામાં રહેતા. બંગાલી બાબાએ પ્રથમ પરિચયે જ એમના આત્માના સુષુપ્ત સંસ્કારોને ઓળખી કાઢ્યા અને એમના પ્રત્યે પ્રેમ બતાવ્યો.

પછી તો બચ્ચીદાસે ભારે શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક બંગાલી બાબાની સેવા કરેલી. એથી બંગાલી બાબા પ્રસન્ન થયા અને બચ્ચીદાસને મંત્રદીક્ષા-સાધનાની ક્રિયા બતાવી. પછી તો બચ્ચીદાસજી ગુરુની આજ્ઞાનુસાર બદરીનાથ ગયા. ત્યાં રહીને સાધના કરવા માંડ્યા. એમનું અંતર સ્વચ્છ હતું તથા શ્રદ્ધા બળવાન અને લગની પણ ભારે ઉત્કટ હોવાથી સાધનામાં ખુંપી જતાં એમને વાર ન લાગી.

બદરીનાથની ઠંડી અસહ્ય હોય છે. નર અને નારાયણ પર્વતની વચ્ચે વિસ્તરેલી એ ભુમિમાં માણસ માટે લાંબા વખત રહેવું પણ મુશ્કેલ છે, છતાં વરસો સુધી બચ્ચીદાસજીએ ત્યાં એકધારો નિવાસ કર્યો. એની પાછળ એમની ઉત્કટ વૈરાગ્યવૃત્તિ, નિતાંત એકાંતપ્રિયતા, પ્રખર સાધનાપરાયણતા તથા તીવ્ર તિતિક્ષા કામ કરી રહી હતી.

એવા વિશેષ ગુણો વગર એ ત્યાં ભાગ્યે જ રહી શક્યા હોત. એ એકાંત, શાંત, સુંદર, સ્વર્ગીય પ્રદેશમાં રહી એમણે એકધારી સાધના કરીને છેવટે શાંતિ તથા સિદ્ધિ મેળવી.

બદરીનાથનો મહિમા એમને લીધે વધી ગયો. બદરીનાથની યાત્રાએ આવતા ભાવિક સ્ત્રીપુરુષો એમના દર્શન માટે પણ જતાં અને સમાગમ-સત્સંગનો લાભ મેળવતા.

છેવટનાં વરસોમાં તો એ શિયાળામાં પણ બદરીનાથની આજુબાજુ જ રહેતા. બદરીનાથમાં ઋષિગંગા ને અલકનંદાના સંગમ પાસે એક નાનકડી મઢુલીમાં એ વસવાટ કરતા.

૧૯૪૪માં એ મઢુલીમાં મેં એમની મુલાકાત લીધી ત્યારે એમના મુખ પર અસીમ શાંતિ અને નેત્રોમાં અસાધારણ દીપ્તિ તથા કૃતાર્થતાની છાયા હતી. એ જોઈ એમણે જીવનનું ધ્યેય સિદ્ધ કરી લીધું છે એવું લાગતું હતું.

આત્મશ્રદ્ધા, ગુરુશ્રદ્ધા ને સતત પુરુષાર્થ સાથેની ઈશ્વરકૃપાથી માનવજીવનની ધન્યતાની કેટલી ઉચ્ચ કક્ષાએ જઈ બેસી શકાય છે, તેના જીવતા-જાગતા ઉદાહરણરૂપે એ અમારી સામે શાંતિપૂર્વક બેઠા હતા.

એમને જોઈ અમારા અંતરમાં આદરભાવ પેદા થયો.

‘નર કરણી કરે તો નારાયણ બની જાય’ એ વાત સંપૂર્ણ સાચી છે, પરંતુ નર મન મુકી પુરતી શ્રદ્ધાભક્તિથી કરણી કરે તો ને ? હજારો-લાખો લોકો એવા છે જે નારાયણ થવાનો તો શું પણ નર થવાનો પુરુષાર્થ પણ સાચા અર્થમાં નથી કરતાં. તેઓ જીવનની મહત્તા સમજીને બચ્ચીદાસની જેમ પુરુષાર્થ કરે તો શું ન મેળવી કે કરી શકે ?

માનવીનો એક વર્ગ એવો છે, અને તે ધાર્યા કરતાં ઘણો મોટો છે, જે સંતોના બાહ્ય ચમત્કારોથી અંજાય છે અને એમને મહત્વના માની તે જોવા લલચાય છે.

આવા ભક્તોને સંતોષવા તથા પ્રભાવિત કરવા અમુક સંતો ચમત્કારો કરી દેખાડે છે. આવા ચમત્કારપ્રિય માનવીઓ પૂછશે, ‘બાબા બચ્ચીદાસજી કોઈ ચમત્કાર બતાવતા ખરા ?’ એમની જિજ્ઞાસાવૃત્તિના જવાબમાં અહીં સ્પષ્ટીકરણ કરશું કે એ કોઈ ચમત્કારો નહોતા કરતા. ચમત્કાર હંમેશા આધ્યાત્મિક વિકાસના પરિણામરૂપે જ થાય છે એવું નથી હોતું. તેની પાછળ હાથચાલાકી તથા બીજી નાનીમોટી તંત્રોપાસના અને બીજી વિદ્યાઓ પણ કામ કરતી હોય છે, એટલે એવા ચમત્કારોથી અંજાઈ જવું બરાબર નથી.

ચમત્કાર કરવાની શક્તિ કોઈ બજારૂ ચીજ કે જાદુના ખેલોની પેઠે વેપાર કે પ્રદર્શન કરવાની વસ્તુ નથી કે તેનો પ્રયોગ જ્યાં-ત્યાં અને જ્યારે-ત્યારે થઈ શકે. જેમનામાં ચમત્કારો કરવાની સાચી શક્તિ હોય છે તેઓ પણ જ્યાં-ત્યાં એનું પ્રદર્શન કર્યા કરતા નથી. એ તો કોઈવાર, બહુ અનિવાર્ય થઈ પડે ત્યારે, સહેજે થઈ જતા હોય છે. સાચી રીતે જોતાં તો આ જગત આખું ચમત્કારરૂપ છે.

એમાં મોટામાં મોટો ચમત્કાર માનવશરીરનો છે. એ શરીર ધારણ કરી, જે કામ, ક્રોધ, રાગ-દ્વેષ અને પોતાની પ્રકૃતિનાં બીજા મલિન તત્વો સામે લડીને વિજયી બને છે, સંસારના વિષયોની મોહિનીમાંથી મનને પાછું વાળી, ઈશ્વરના સ્વરૂપમાં જોડે છે, મન તથા ઈન્દ્રિયો પર સંયમ સાધે છે અને એ રીતે ઈશ્વરના સાક્ષાત્કારનો સ્વાદ લઈ અજ્ઞાન તેમજ અશાંતિમાંથી મુક્તિ મેળવી ધન્ય બને છે, તેમણે કરેલો ચમત્કાર અમુલખ, અનેરો તથા આશીર્વાદરૂપ છે.

એ ચમત્કાર જ અનુકરણીય તેમજ ઈચ્છવાજોગ છે. એની પાસે, જીવનના શ્રેય સાધનાના એ મહાન ચમત્કાર પાસે, બહારના કોઈ ગેબી ચમત્કારો કાંઈ જ વિસાતમાં નથી. બાબા બચ્ચીદાસજી, બીજા આદર્શ સંતોની જેમ, આવો ચમત્કાર કરીને ધન્ય બન્યા હતા !

 - શ્રી યોગેશ્વરજી

Comments  

-1 #1 Bhupendra 2010-12-22 10:53
"મૃત્યુ પછીનું જીવન અને તેની સચ્ચાઈ" પુસ્તક કે જે પંડીત રામપ્રકાશ શર્માએ લખ્યું છે તે જો આપ મને મારા ઈ-મેઈલ પર મોકલશો તો આપનો ઘણો જ આભારી થઈશ.

Today's Quote

Happiness is a perfume you cannot pour on others without getting a few drops on yourself.
- Anonymous

prabhu-handwriting