Text Size

માતા આનંદમયી

આધ્યાત્મિક ઉન્નતિની સાધનામાં પુરુષોની પેઠે સ્ત્રીઓ આગળ વધી શકે ને સિદ્ધહસ્ત બની શકે ખરી ? એવો પ્રશ્ન જિજ્ઞાસુઓ તરફથી પૂછવામાં આવે છે. એવા પ્રશ્નને આજના પ્રગતિશીલ, સ્ત્રી-પુરુષોની સમાનતાના યુગમાં ભાગ્યે જ સ્થાન હોઈ શકે. છતાં પ્રશ્ન પૂછવામાં આવે જ છે તો એના ઉત્તરમાં આપણને કહેવા દો, કે આધ્યાત્મિક ઉન્નતિની સાધનામાં સ્ત્રી અને પુરુષના ભેદ નથી પાડી શકાતા.

ત્યાં તો યોગ્યતા જોવાય છે. અને એટલા માટે જ જરૂરી યોગ્યતાથી સંપન્ન કોઈપણ સ્ત્રી અથવા પુરુષ એનો આધાર લઈ આગળ વધી અને સિદ્ધહસ્ત બની શકે છે. સામાન્ય રીતે આપણે ત્યાં એવો ખ્યાલ પ્રવર્તે છે કે આત્મિક વિકાસની સાધનાના ક્ષેત્રમાં સ્ત્રીઓને સહેલાઈથી સફળતા નથી મળતી.

પરંતુ તટસ્થ કે નિષ્પક્ષ રીતે જોઈએ તો ખરેખર એવું નથી લાગતું. પરિસ્થિતિ તો એથી ઊલટી જ દેખાય છે. સ્ત્રીઓ પોતાના કોમળ, ભાવમય ને પ્રેમાળ હૃદયથી તથા ભોગ આપવાની શક્તિથી કે સમર્પણભાવથી આત્મોન્નતિના કે ઈશ્વર સાક્ષાત્કારના ક્ષેત્રમાં સાચેસાચ અને સહેલાઈથી આગળ વધી શકે છે. એમાં કોઈ પણ પ્રકારનો સંદેહ નથી. ફકત એમને જરૂરી તક મળવી જોઈએ અને એ તકનો સદુપયોગ કરવા માટેનું માર્ગદર્શન પણ મળવું જોઈએ.

ભૂતકાળમાં જેમ શબરી, મૈત્રેયી, જનાબાઈ ને મીરાં જેવી વિદુષી સ્ત્રીઓ થઈ ગઈ છે, તેમ વર્તમાન કાળમાં પણ એવી ઈશ્વરપરાયણ ભક્ત, જ્ઞાની કે યોગી સ્ત્રીઓ છે અને થતી જાય છે, એ આ દેશનું સૌભાગ્ય છે.

ઉચ્ચ અવસ્થાએ પહોંચેલી બધી જ સ્ત્રીઓ જાણીતી નથી હોતી. કેટલીક અજ્ઞાત અવસ્થામાં પણ રહેતી હોય છે. પોતાને બીજા જાણે એવી ઉત્કટ ઈચ્છા પણ તેમને નથી હોતી. છતાં પણ ભારતના આધ્યાત્મિક આકાશમાં જે ગણ્યાંગાંઠ્યા જાણીતા અસાધારણ આકર્ષણ અને આભાવાળા નક્ષત્રગણોનો ઉદય થયો છે તથા પોતાના પાવન પ્રકાશથી જે પૃથ્વીને પ્રકાશિત કરે છે તેમાં માતા આનંદમયીનું સ્થાન વિશેષ ઉલ્લેખનીય અને અનોખું છે. આધ્યાત્મિક માર્ગના રસિયા આત્માઓએ એમનું નામ સાંભળ્યું જ હશે.

આનંદમયી માતા મૂળ તો બંગાળના. એમનો જન્મ બંગાળમાં થયેલો, પરંતુ એમનું કાર્યક્ષેત્ર એકલા બંગાળ પુરતું સીમિત નથી રહ્યું. એ આખા ભારતના થઈ ગયા છે. વધારે વિશાળ અર્થમાં કહીએ તો સમસ્ત સંસારના બની ગયા છે. ભારતના જુદાજુદા પ્રદેશોમાં ને ભારતની બહાર એમના અસંખ્ય પ્રશંસક અને અનુયાયીઓ છે, અને આધ્યાત્મિક વિકાસ માર્ગના અનેક મુસાફરો એમની તરફ એકસરખા આદરભાવથી જોયા કરે છે.

એ વધારે ભાગે વિચરણ કરતા રહે છે. એમનું નામ પણ સુચક છે. નામ પ્રમાણે એ ખરેખર આનંદમયી છે. અતીન્દ્રિય અવસ્થાનો આનંદ એમની મુખાકૃતિ પર રમતો હોય છે. આનંદની મૂર્તિ બની એ બેઠા હોય એવો આભાસ થાય છે.

એ અલૌકિક અણીશુદ્ધ આનંદ એમની આંખમાંથી, એમની વાણીમાંથી, એમના વદનમાંથી અને હલનચલનમાંથી સ્વાભાવિક રીતે ટપક્યા કરે છે. એમને જોતાં એમનું નામ સાર્થક હોય એવું લાગ્યા વિના નથી રહેતું.

આધ્યાત્મિક સાધનામાં ઘણી ઊંચી અવસ્થાએ પહોંચેલા હોવા છતાં માતા આનંદમયી બહુ સરળ, નિખાલસ તથા નમ્ર છે. એમની ઉંમર ઘણી મોટી છે તો પણ એમનું હૃદય એક નાની બાલિકા જેટલું સરળ છે. સફેદ વસ્ત્રો, લાંબા ને કાળા વાળ તથા કોઈવાર મસ્તક પર બાંધેલી જટાવાળા, ગૌરવર્ણના, જરા વધારે સ્થુળ શરીરવાળા માતા આનંદમયી પાસે બેસવું એ જીવનનો એક અવિસ્મરણીય અનેરો લ્હાવો છે.

એમનું વ્યક્તિત્વ પ્રભાવશાળી અને આકર્ષક હોવાથી સંખ્યાબંધ લોકો એમની આસપાસ એકઠા થાય છે. એમનું સ્થુલ ભણતર ખાસ ના હોવા છતાં એ અનુભવજન્ય આત્મજ્ઞાનની મહાન મૂડીથી સંપન્ન છે ને સાધનાના માર્ગમાં અંદરનું, અનુભૂતિને પરિણામે પેદા થયેલું જ્ઞાન જ મહત્વનો ભાગ ભજવે છે ને ? એવું જ્ઞાન આવશ્યક અથવા અમુલખ મનાય છે. એમના જ્ઞાનપ્રકાશથી પ્રેરાઈ તથા પ્રભાવિત થઈ મોટામોટા પંડિતો, પ્રોફેસરો ને સાક્ષરો એમની છાયામાં બેસે છે અને એમની પાસેથી માર્ગદર્શન મેળવે છે.

આનંદમયી માતાએ લગ્નજીવનમાં પ્રવેશ કરેલો છે. વરસો સુધી એમના પતિ એમની સાથે રહેતા. ગૃહસ્થાશ્રમમાં રહીને પણ એ એનાથી અલિપ્ત રહ્યા. શરીરના સુખોપભોગ તરફ એમનું મન વળતું ન હતું. એમનો સમગ્ર રસ આત્મવિકાસ તરફ હતો. પોતાના પતિને એમણે ધીમેધીમે સાધનાપરાયણ બનાવ્યા.

એમના હૃદયને પણ એમણે જીતી લીધું. પતિનું મૃત્યુ થતાં એમના બધા લૌકિક બંધનો તૂટી ગયા અને એ એકલાં જ વિચરણ કરવા માંડ્યા.

સાદાઈ, સ્નેહ તથા અપરિગ્રહની મૂર્તિ જેવા માતા આનંદમયી ભારતના વર્તમાન કાળના સંતોમાં મહત્વનું અને મોખરાનું સ્થાન ધરાવે છે. સ્ત્રી હોવાથી તેમનું મૂલ્ય ઘણું વધારે છે.

સ્ત્રીઓથી તો આત્મવિકાસ સધાય જ નહિ, અથવા આધ્યાત્મિક ક્ષેત્રમાં તો સ્ત્રીઓ કોઈ મહત્વનો ફાળો આપી જ ન શકે, એવું માનનાર સ્ત્રીપુરુષો માટે એમનું જીવન મોટા પદાર્થપાઠ રૂપ છે. આનંદમયી માતા પોતાના જીવન દ્વારા સિદ્ધ ને પ્રત્યક્ષ કરી બતાવે છે કે આત્મોન્નતિના માર્ગમાં સ્ત્રી પણ આગળ વધી શકે છે ને ઊંચામાં ઊંચા પદ પર આરૂઢ બને છે.

યોગમાર્ગની ઉપાસિકા હોવા છતાં એમનું હૃદય ભક્તનું છે. એથી જ, ભજનકીર્તનમાં એમની રૂચિ વિશેષ છે. નામસંકીર્તન એમનો પ્રિય વિષય છે. સંસારના વિષયો એમને આસક્ત નથી કરતા કે ભાન પણ નથી ભૂલાવી શકતા. એમનું અંતર તો કમળના જેવું જ અલિપ્ત રહે છે. ભોગ કે વૈભવી વાતાવરણમાં વસવા છતાં એ પોતાના ત્યાગના આદર્શને સાચવી રાખે છે. એના અનુસંધાનમાં એમના જીવનનો એક નાનકડો સાધારણ પ્રસંગ યાદ આવે છે.

ઈ.સ. ૧૯૫૬નો જૂન મહિનો ચાલતો હતો. માતા આનંદમયી ત્યારે સોલન સ્ટેટના રાજાના બોલાવવાથી સીમલા હીલ્સના પ્રસિદ્ધ સ્થાન સોલનમાં આવેલા. એ વખતે મારો અને એમનો આકસ્મિક મેળાપ થઈ ગયો. થોડો દિવસ એમની સાથે રહેવાનું પણ થયું. તે દિવસો દરમ્યાન એકવાર રાતે દસેક વાગે એમની પાસે એક મધ્યમ વર્ગના જેવો દેખાતો માણસ આવ્યો ને કહેવા લાગ્યો, ‘માતાજી, તમારે માટે આ સાડી લાવ્યો છું ...’

માતાજી ઓરડામાં આંટા મારતા હતા. તે ઊભા રહી બોલ્યા, ‘સાડી લાવ્યા છો ? મારી પાસે તો સાડી છે, વધારાની લઈને શું કરું ?’

‘સાડી તો તમારી પાસે હશે જ ને ? તમને વળી કઈ વસ્તુની કમી છે ? હું તો આ પ્રેમથી લાવ્યો છું. એનો સ્વીકાર કરશો તો મને આનંદ થશે.’

પેલા ભાઈની આંખમાં એટલું કહેતામાં ઝળઝળિયાં આવી ગયાં. એ વધારે બોલી ન શક્યા. માતાજીનું હૃદય પીગળી ગયું. એમણે સફેદ રંગની એ સાડી લઈ લીધી.

અંદરના ખંડમાં જઈ થોડી વારે એ સાડી બદલી બહાર આવ્યા. એમના હાથમાં પહેલાંની પહેરેલી સાડી હતી. તે પેલા ભાઈને અર્પણ કરતાં કહેવા માંડ્યા, ‘આ સાડી તમારી સાડીના બદલામાં લઈ લો. બધી સાડી ભેગી કરી મારે શું કરવું છે ? જરૂર હોય છે ત્યારે ઈશ્વર આપી રહે છે.’

પેલા ભાઈએ સાડી લઈ લીધી. એમને લેવી જ પડી.

એ પ્રસંગની છાપ મારા પર ઘણી મોટી પડી. એ પ્રસંગ જો કે ઘણો નાનો હતો-પરંતુ એનો સંદેશ ઘણો મોટો હતો. માતા આનંદમયીના ત્યાગભાવનો એથી પરિચય મળતો હતો. આજેય એ પ્રસંગ નથી ભૂલાતો.

માતા આનંદમયી પ્રવચનો નથી કરતાં. કોઈ પ્રશ્નો પુછે તો ઉત્તરો આપે છે-પરંતુ બહુ ઓછું બોલીને. એમની હાજરી જ શાંતિ આપે છે, પ્રેરણા પાય છે, પથપ્રદર્શન પૂરું પાડે છે. એમનો શાંત સમાગમ પણ જીવનમાં અમુલખ ભાથું ભરે છે ને ક્રાંતિ લાવે છે.

એમની આધ્યાત્મિકતાની પ્રેમપરબ અનેક માટે આશીર્વાદરૂપ ઠરે છે. શાંત રહીને પણ એ ઘણું મહત્વનું કામ કરે છે. ભારતના આધ્યાત્મિક ઈતિહાસમાં એ અમર છે, ને રહેશે.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

In prayer, it is better to have a heart without words than to have words without a heart.
- Mahatma Gandhi

prabhu-handwriting