Text Size

પવિત્રતાનું પારખું

‘સત્યનો હંમેશા વિજય થાય છે’ એ ઉપનિષદ વચન આજેય એટલું સાચું છે. પરંતુ એની સાથે એ પણ એટલું જ સાચું છે કે સત્યને માર્ગે ચાલનારનું કામ સદાને માટે સરળ નથી હોતું.

એ માર્ગ અનેક ભયસ્થાનોથી ભરેલો અને મુસીબતોથી મઢેલો હોવાથી એના પર ચાલનારની કસોટી કરનારો નીવડે છે. એનો આશ્રય લેનારને જુદાં જુદાં પ્રલોભનોનો સામનો કરવો પડે છે. નિંદા તથા ટીકા સહન કરવી પડે છે, અને પ્રતિકૂળતા તથા ચિંતાને વધાવી લેવી પડે છે. સત્યનો માર્ગ અતિ ઉપકારક અને આશીર્વાદરૂપ છે, પરંતુ સંકટરૂપી કંટકથી રહિત નથી.

એ માર્ગ તલવારની ધાર જેવો છે. મજબૂત મનોબળ ધરાવતા બહાદુર માનવીઓ તે માર્ગે ધીરજ, ખંત અને ઉત્સાહથી આગળ વધી, છેવટે સફળ થાય છે.

એ અનુભવબોલનું સ્મરણ કરાવતી એક સત્યઘટના મારા મનના ચક્ષુઓ સમક્ષ હાજર થાય છે. જે વ્યક્તિના જીવનમાં એ ઘટના બની છે, તે નામાંકિત નથી; છતાં એની જીવનકથા આપણા અંતરમાં આદર ઉપજાવે છે એથી એનું આલેખન અહીં કરું છું.

સાબરકાંઠા જિલ્લામાં મોડાસા તાલુકો છે, અને તેમાં બાયલ નામક નાનું ગામ છે. મોડાસા અથવા હિંમતનગરથી મોટર માર્ગે ત્યાં જઈ શકાય છે.

આજથી લગભગ ૪૦ વર્ષ પહેલાં ત્યાં એક વિધવા સ્ત્રી રહેતી હતી. એને સાધુસંતોની સંગત અને સેવામાં ઘણી પ્રીતિ હતી. ગામમાં કોઈ સાધુ આવતા તો એ એમના દર્શને જતી, સદુપદેશ સાંભળતી અને ભિક્ષા પણ કરાવતી. શક્ય એટલી સેવા પણ કરતી.

એના જીવનમાં કોઈ જાતનું સાંસારિક સુખ નહોતું રહ્યું અને પૂર્વ સંસ્કારો ઘણાં પ્રબળ હોવાથી એનું મન સંતસમાગમમાં ઊંડું સુખ અનુભવતું. સંતપુરુષો પ્રત્યેનો પ્રેમ તથા એમના સમાગમનો ભાવ કોઈ અસાધારણ આત્મામાં જ હોય છે.

એ દૃષ્ટિએ જોતાં તે સ્ત્રીનો આત્મા અસાધારણ હતો. એ વખતે ઉચ્ચ કોટિના સાધનાપરાયણ સંતપુરુષો તીર્થાટન કરવાને નીકળતા, અને વચ્ચે આવતા ગામોમાં ઈચ્છાનુસાર થોડો કે વધારે વખત રહેતા. એમાં કોઈ સંતો ભારે પ્રતાપી પણ દેખાતા હતા.

એકવાર દૈવયોગે એવા જ એક પરમ પ્રતાપી સંતપુરુષ ફરતા ફરતા એ ગામમાં આવી પહોંચ્યા. ગામના ભાવિક લોકો એમના દર્શનથી આનંદ પામ્યા. પેલી વિધવા સ્ત્રી પણ એમની પાસે પહોંચી ગઈ.

એમના દર્શન તથા ઉપદેશથી એને લાગ્યું કે મહાત્મા પુરષ ઊંચી અવસ્થાએ પહોંચેલા છે. આવા પુરુષના સમાગમનું સૌભાગ્ય જેને તેને અને જ્યારે ત્યારે નથી મળતું. એમની સેવા કરવામાં આવે તો જીવન ધન્ય બની જાય તેવું હતું.

મન મૂકીને એ સ્ત્રીએ તે મહાત્માની સેવા કરવા માંડી. મહાત્મા પુરુષને પણ ગામનું શાંત વાતાવરણ ગમી ગયું એટલે તે ત્યાં લાંબા વખત સુધી રહ્યા.

પરંતુ ‘ગામ હોય ત્યાં ઢેડવાડો હોય’ તે કહેવત પ્રમાણે ગામમાં અમુક અશુભ તત્વો રહેતા. એમણે પેલી સંતપ્રેમી સ્ત્રીની નિંદા કરવા માંડી. મહાત્મા પુરુષના તથા સ્ત્રીના સંબંધો ખરાબ છે એવું ઉઘાડે છોગે બોલાવા લાગ્યું.

પેલી સેવાભાવી સ્ત્રીને આ સાંભળીને ઘણું દુઃખ થયું. પોતે કેટલી બધી પવિત્રતાથી એ સંતપુરુષની સેવા કરતી અને સંતપુરુષ કેટલા પવિત્ર હતા એની તેને ખબર હતી, એટલે લોકોની નિંદા સાંભળીને તેને ભારે દુઃખ થયું. છતાં લોકોને મોઢે ગળણું બંધાય છે ?

અમુક માણસોએ એ સ્ત્રીને કહ્યું, ‘ગમે તેવા મોટા મહાત્મા હોય તો પણ સંગદોષ તો એમને પણ લાગે. જેમિની, પરાશર અને વિશ્વામિત્ર જેવા પણ સ્ત્રીની મોહિનીથી નથી બચ્યા, તો બીજા આજકાલના સામાન્ય સંતોનું તો કહેવું જ શું ? છતાંય તમને કોઈ જાતનો સંગદોષ ન લાગ્યો હોય ને તમે પવિત્ર જ હો તો ઉકળતા તેલની કડાઈમાં હાથ બોળી તમારી પવિત્રતાનું પારખું આપો, નહિ તો ગામમાં તમારી ફજેતી થશે.

લોકોને પેલી બાઈએ સમજાવી જોયા પણ તેઓ ન માન્યા. આખરે બીજો કોઈ ઉપાય ન દેખાતા, એ વિધવા નારી પોતાની પવિત્રતાનું પારખું બતાવવા તત્પર થઈ ગઈ. એ અભણ હતી, છતાં એને ઈશ્વરની કૃપામાં અને સત્યના વિજયમાં શ્રદ્ધા હતી.

નક્કી કરેલા દિવસે ગામ લોકો એકઠા થયા. તેલની કડાઈ ઉકાળવામાં આવી. પેલી સ્ત્રી પોતાની પવિત્રતાનું પારખું બતાવવા તૈયાર થઈ, અને લોકો એ પ્રયોગનું પરિણામ જાણવાને અત્યંત આતુર બની ગયા. ઉકળતા તેલની કડાઈ પાસે આવી સ્ત્રીએ પ્રાર્થના કરી :

‘હે પ્રભુ ! મારો અને સંતપુરુષનો સંબંધ કેટલો પવિત્ર છે એ તો આપ જાણો છો. તમે તો સર્વજ્ઞ અને અંતર્યામી છો. માનવીનું જાણ્યે-અજાણ્યે થયેલું કોઈ પણ કરમ તમારાથી છૂપું નથી રહેતું, તો આજે મારી રક્ષા કરજો. તમારા વગર મારે બીજા કોઈનોય આધાર નથી રહ્યો.’

આમ બોલી, એ સ્ત્રીએ ઉકળતી તેલની કડાઈમાં હાથ બોળી દીધા ! ગામ લોકો એ દૃશ્યને ઉત્સુકતા, આશ્ચર્ય અને કુતૂહલથી જોઈ રહ્યા.

એ સન્નારીને ઉકળતા તેલની કશી જ અસર ન થઈ. જાણે પોતે ઠંડા પાણીમાં હાથ બોળ્યા હોય એવું તેને લાગવા માંડ્યું.

જે ઈશ્વરને એના જીવનની ગતિવિધિની ખબર હતી, અને જે એની પવિત્રતાથી સંપૂર્ણ પરિચિત હતા તે ઈશ્વરે એની રક્ષા કરી. તે સર્વસમર્થ ઈશ્વર માટે ઠંડાને ગરમ કરવાનું તથા ગરમને ઠંડું કરવાનું મુશ્કેલ નથી. પોતાના શરણાગત માનવી તથા ભક્ત માટે એ ગમે તે કરી શકે છે.

એકઠાં થયેલા માણસો તો પેલી સ્ત્રીએ ઉકળતા તેલમાં હાથ બોળ્યા તે જોઈ આભા બની ગયા ! જે સ્ત્રીને એ શંકાની નજરે જોતા હતા તે એમની કસોટીમાંથી પાર ઊતરી અને અણીશુદ્ધ પવિત્ર ઠરી. લોકોના અંતરમાં એને માટે આદરભાવ પેદા થયો. એમણે એ સ્ત્રીના નામનો જયજયકાર કર્યો. સંકુચિત દિલના, ટૂંકી દૃષ્ટિના નિંદાખોરો મુંગા થઈ ગયા.

પવિત્રતાની કસોટી લેનારા ગામના આગેવાનોએ સૌના વતી એ સન્નારીની ક્ષમા યાચી અને તેની આનાકાની છતાં અત્યંત આગ્રહપૂર્વક એની કદરરૂપે તે સ્ત્રીને ૧૦૦ વીઘાં જમીન અર્પણ કરી.

પેલા સંતપુરુષ તો થોડાક વખત પછી ગામમાંથી વિદાય થયા અને એ સ્ત્રીએ પણ સમય પર પોતાનું શરીર છોડી દીધું, ત્યારે ગામ લોકોએ તેની સ્મૃતિમાં એક દહેરી બાંધી. બાયલ ગામમાં આજે પણ એ દહેરીના દર્શન થઈ શકે છે. એ સ્ત્રીને અર્પણ કરવામાં આવેલી જમીનનો ઉપભોગ એના વંશજો આજે પણ કરી રહ્યા છે.

આ જીવનકથા કોઈ વિરક્ત એકાંતવાસી ત્યાગી પુરુષની નથી; પરંતુ સમાજ વચ્ચે જીવનારી ને શ્વાસ લેનારી એક સામાન્ય સ્ત્રીની છે. અને એટલા માટે જ તે વધારે પ્રેરક બની રહે છે. એમાંથી આપણે સત્યને વળગી રહેવાનું તથા એને માટે જરૂર પડ્યે હસતે મુખે જરૂરી ભોગ આપવાનું શીખીએ તો પણ ઘણું છે.

 - શ્રી યોગેશ્વરજી

Comments  

0 #1 Das 2012-10-14 04:13
staya janva su karvwu dev? mane sataya ni khoj chhe

Today's Quote

There is nothing that wastes the body like worry, and one who has any faith in God should be ashamed to worry about anything whatsoever.
- Mahatma Gandhi

prabhu-handwriting