Text Size

અદભૂત મહાપુરુષ

દક્ષિણેશ્વરનું નામ કોણે નથી સાંભળ્યું ?

ભારતની અંદર જ નહિ, ભારતની બહારના દેશોમાં પણ એ નામ જાણીતું છે. પરદેશીઓ એનાં દર્શને આવે છે.

એની સાથે કેવળ ભારતની જ નહિ, પરંતુ સંસારની મહાન આધ્યાત્મિક વિભૂતિ શ્રી રામકૃષ્ણ પરમહંસનું નામ સંકળાયેલું છે. એ મહાપુરુષે ત્યાં રહીને પોતાના જીવનની સાધના તથા મહામૂલ્યવાન લીલા કરેલી.

કલકત્તાના ગંગાતટવર્તી શાંત અને એકાંત સ્થાનમાં એમની સ્મૃતિઓ આજે પણ વિદ્યમાન છે. એમની દીર્ઘકાળની તપશ્ચર્યા તથા આરાધનાનાં પરમાણુ ત્યાંના વાતાવરણમાં ફરી રહ્યાં હોય તથા પ્રેરણાની સામગ્રી ધરી રહ્યા હોય એવું જ લાગ્યા કરે છે. એને લીધે દર્શનાર્થીને ઊંડી શાંતિ મળે છે. જાણે પોતે આ દુનિયાની કોઈ નવી-દૈવી દુનિયામાં પ્રવેશ કર્યો હોય એવો પણ અનુભવ થાય છે.

સર્વપ્રથમ ઈ.સ. ૧૯૪૫માં મેં એ સુંદર સ્થળની મુલાકાત લીધી ને ત્યાં થોડો વખત હું રહ્યો ત્યારે મારું હૃદય ઈશ્વરભક્તિથી તથા રામકૃષ્ણ પરમહંસદેવ માટેના પ્રેમથી ભરપૂર હતું. મનમાં એવી ઈચ્છા હતી કે મને શ્રી રામકૃષ્ણ પરમહંસનું દર્શન થાય તેમજ તેમના તરફથી નવો અનુભવ મળે તો સારું.

એ દિવસોમાં મારો દિવસ અને રાતનો સમય પ્રાર્થના તથા ધ્યાનમાં જ પૂરો થતો. મારા અંતરમાં શાંતિ માટે જે ઝંખના અને આતુરતા હતી તેનું વર્ણન શબ્દોમાં થઈ શકે તેમ નથી.

એ એકાંત, સુંદર, શાંત સ્થળમાં સુક્ષ્મરૂપે ભળી ગયેલા રામકૃષ્ણદેવના જીવનપ્રસંગો મારા સ્મૃતિપટ પર અને મારી આંખ આગળ સજીવ બની રમવા માંડ્યા.

એ દિવસોમાં એક અજબ બનાવ બન્યો. દક્ષિણેશ્વરમાં પંચવટી પાસેના ઓટલા પર હું બેસતો ત્યાં મને એક વિચિત્ર પ્રકારના મહાત્માપુરુષનું દર્શન થયું. એમણે લાલ રંગના વસ્ત્રો પહેરેલાં. એ કાંઈ પણ બોલ્યા વગર પંચવટીના વિસ્તારમાં આંટા મારતા અને થોડી થોડી વારે મારી સામે પ્રેમપૂર્વક જોઈ બેસી રહેતા. જ્યારે જોઈએ ત્યારે એમની આંખમાંથી અશ્રુધારા ટપક્યા કરતી.

ઈશ્વરીય પ્રેમભાવમાં ડુબેલા એ મહાપુરુષ ખરેખર દર્શનીય ને અનોખા હતા. એક વાર મનમાં વિચાર થયો-ઈશ્વરદર્શન માટે અકસીર ઉપાય કયો તે બાબત એ મહાપુરુષને પૂછી જોઉં. તેમણે મારા વિચારને જાણી લઈ, મારી પાસે આવી પોતાની આંસુ-નીતરતી આંખ દેખાડી. એમ કરી એમણે સૂચવ્યું કે ‘આવો પ્રેમ હોય તો ઈશ્વરદર્શન થઈ શકે.’

મને એ સૂચનથી સંતોષ થયો.

એમની આંખમાંથી અખંડ આંસુ નીકળતાં ને એમના મુખમાંથી ‘મા’ ‘મા’ નો એકધારો ધ્વનિ બહાર પડતો.

એ કોણ હશે ? કોઈ ભક્ત હશે ?  સિદ્ધિના સર્વોચ્ચ શિખર પર પહોંચેલા કૃતાર્થ મહાપુરુષ હશે ?  આત્મભાવમાં આસીન યોગી હશે, કે રામકૃષ્ણ પરમહંસ પોતે હશે ?  એ ગમે તે હોય, પરમ પ્રેરણાદાયક હતા એમાં શંકા નહીં.

ત્રણચાર દિવસ પછી એ, આવેલા તેવી જ આકસ્મિક રીતે, દેખાતા બંધ થયા. એ ક્યાં ઉપડી ગયા તેની ખબર જ ન પડી-છતાં એમની આકૃતિ સ્મૃતિપટ પર કાયમ અંકિત થઈ ગઈ. વરસો વીતી ગયાં છતાં એ છાપ એવી જ અમર છે ને રહેશે.

એ અશ્રુઝરતી, અલૌકિક પ્રેમભરી આકૃતિ જાણે શ્રી રામકૃષ્ણદેવના શબ્દોમાં સંદેશ આપી રહી છે : ‘સંસારમાં પોતાના કોઈ પ્રિયજનનું મરણ થાય છે તો તેના શોકમાં માણસ ઘણાં આંસુ સારે છે. કોઈ પ્રિયજનનો વિયોગ થતાં કે ધંધામાં નુકશાન જતાં અથવા એવી જ કોઈ ભૌતિક, આધિભૌતિક આપત્તિ આવતાં એવી પોક મૂકીને રડવા માંડે છે કે એ રૂદનથી આંસુના ઘડા ભરાઈ જાય. પરંતુ ઈશ્વર માટે એવી રીતે કોણ રડે છે ? અરે, એક પણ આંસુ કોણ સારે છે ? એને માટેનો પવિત્ર ને સાચો પ્રેમ કોનામાં છે ? પછી ઈશ્વર કેવી રીતે મળે ?’

ગીતામાં ઈશ્વર પ્રાપ્તિના ઉપાયોની ચર્ચા કરતાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે, ‘હે અર્જુન, આખું જગત જેના આશ્રયે રહે છે ને જે આ સૃષ્ટિમાં વ્યાપક છે તે પરમાત્મા ભક્તિ દ્વારા મળી શકે છે.’

એ શ્લોક પણ એ મહાપુરુષની ચર્ચા કરતાં યાદ આવે છે. દક્ષિણેશ્વરના એ મહાપુરુષને મારાં અત્યંત પ્રેમ તથા ભાવપૂર્વક વારંવાર વંદન છે. એ મહાપુરુષ અજોડ ભક્તિ અથવા પ્રખર પ્રેમના મૂર્તિમંત સ્વરૂપ જેવા હતા. એવા મહાપુરુષોને મુખ ખોલવાની જરૂર નથી હોતી. ખાસ નોંધપાત્ર વસ્તુ તો એ હોય છે, કે જે હેતુ શાસ્ત્રાધ્યયનથી, પ્રવચનોથી સરે તે જીવનવિકાસની પ્રેરણાનો હેતુ એમના દર્શન માત્રથી જ સરી રહે છે. એમની વાણી નથી બોલતી, પણ એમનો વ્યવહાર બોલે છે. એવા પુરુષો ગમે ત્યાં અને ગમે તેવા રૂપરંગમાં રહેતા હોય તો પણ જે દેશમાં રહેતા હોય તે દેશ અને આખા જગતના ખજાનારૂપ છે. કોઈ પણ પ્રજા એવા સિદ્ધ તપસ્વી મહાપુરુષો માટે ગૌરવ લઈ શકે છે. આંખ ઉઘાડી હોય તો એમનામાંથી પ્રેરણા પામીને આગળ વધે છે.

ભારતની પુણ્યભૂમિમાં આજેય એવા અજ્ઞાત, ઈશ્વરપ્રેમી મહાપુરુષો ક્યાં અને કેટલા હશે તે કોણ કહી શકે ?  પરંતુ તે છે એ આ દેશનું ઓછું સદભાગ્ય તો નથી જ.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Wealth consists not in having great possessions, but in having few wants.
- Epicurus

prabhu-handwriting