Text Size

ભૂષણજી

પંડિત મુન્નાલાલ ભૂષણજી. કાનપુરના પ્રખ્યાત એડવોકેટ. છેલ્લા બેત્રણ વરસથી એમનો એકધારો આગ્રહ હતો કે મારે કાનપુરમાં એમના અતિથિ બનવું અને ત્યાંની સત્સંગપ્રેમી પ્રજાને સત્સંગનો લાભ આપવો. એમના એ આગ્રહને અનુસરીને અમે ઈ.સ. ૧૯૭૨માં કાનપુરની પહેલવહેલી મુલાકાત લીધી.

કાનપુર શહેર અમને એકંદરે ખૂબ જ સુંદર અને આકર્ષક લાગ્યું. ત્યાંના પ્રવચનોના પૂર્વયોજિત કાર્યક્રમ દરમિયાન કેટલાય અવનવા અનોખા પુરુષોનો પરિચય થયો. પરંતુ સૌથી યાદગાર સવિશેષ આહલાદક પરિચય તો પંડિત શ્રી મુન્નાલાલ ભૂષણનો પોતાનો થયો. એ પરિચયની આછીપાતળી રૂપરેખાને દોરી બતાવવાનું કાર્ય ઓછું આલ્હાદક કે પ્રેરક નહિ થાય.

આપણે ત્યાં મોટા ભાગના માનવોની માન્યતા છે કે શ્રેય તથા પ્રેયને કદાપિ બને નહીં અને જેણે આત્મવિકાસની સાધના કરવી હોય એણે સાંસારિક પ્રવૃત્તિઓને પરિત્યાગીને સ્નેહીજનોનો સંબંધ વિચ્છેદ કરીને એકાંત અરણ્યમાં વસવું જોઈએ. ઘર તો દર છે. એમાં રહીને કશું બની શકે નહીં, આત્મિક ઉન્નતિ અને સાંસારિક સુખાકારી તથા સમુત્કર્ષ એ બંનેનો સમન્વય કદી પણ ના કરી શકાય. કાં તો આત્મિક ઉન્નતિને અપનાવો કાં તો પછી ભૌતિક પ્રવૃત્તિના પથ પર પ્રયાણ કરો. એક મ્યાનમાં બે તલવાર નહિ રહી શકે. એવા માનવો સત્પુરુષોની શોધ કરવા માટે એકાંત અરણ્યોમાં ફરે છે અને સાધકોને વસતિની બહાર વિજનમાં પર્વત કે સરિતાતટવર્તી શાંત પ્રદેશમાં શોધવાનો પ્રયાસ કરે છે. એ પ્રયાસ કોઈવાર સફળ થાય છે. તો પણ એનો અર્થ એવો નથી કે સાચા સાધકો કે સત્પુરુષો વસતિની વચ્ચે નથી વસતા, વનમાં જ વસે છે, અને સાંસારિક સુખાકારી, સમુન્નતિ કે સ્વજનોનો ત્યાગ કરે છે. કેટલીકવાર એ આપણી આજુબાજુ જ વસતા તથા વિચરતા હોય છે, નોકરી કે ધંધો કરતા હોય છે, અને ગૃહસ્થી તરીકેનું જીવન જીવતાં, સ્ત્રી-સંતાન-પરિવાર સાથે રહીને, પ્રલોભનો, ભયસ્થાનો, વિઘ્નો તથા વિષમતાની વચ્ચે માર્ગ કાઢતાં, શ્રદ્ધા-ભક્તિ-ધીરજ અને હિંમતપૂર્વક આત્મોન્નતિના મંગલ માર્ગે આગળ વધતા હોય છે. એવા સાધકોનાં જીવન, સંસારના વિરોધાભાસી વાતાવરણમાં વસીને આત્મોન્નતિની આશીર્વાદરૂપ સુખદ સાધના સ્વપ્ને પણ ના થઈ શકે એવી નિરાશાવાણી બોલનારા માનવોને માટે, અવનવી આશાશ્રદ્ધાનો સંચાર કરનારાં, પથપ્રદર્શન અને પ્રેરક થઈ પડે છે. એ દ્રષ્ટિએ મનનીય છે. ભૂષણજી પ્રેયની વચ્ચે વસીને શ્રેયના મંગલમય માર્ગે આગળ વધનારા જીવનસાધક હોવાથી એમના જેવા બીજા જીવનસાધકોને માટે પ્રેરણાસ્પદ હતા.

કોઈ કહેશે કે ભૂષણજી એડવોકેટ એટલે વકીલાત કરતા હશે. અસીલોના કેસોમાં ઊભા રહેતા હશે. તો પછી સાધક કેવી રીતે હોઈ શકે ? વકીલ તો સાચાનું ખોટું ને ખોટાનું સાચું કરવાની કોશિશ કરે છે. એને માટે જ દલીલો કરે છે. એ જાણે છે કે આ સાચું છે અને આ ખોટું છે તો પણ પોતાની બધી જ બુદ્ધિ એને અન્યથા કરવા માટે કામમાં લે છે. વકીલનો ધંધો એવી રીતે એટલો બધો સારો નથી ગણાતો. ભૂષણજી એવા ધંધામાં રહીને સાધક તરીકે જીવન જીવી શકે ? જીવી શકે તો કેવી રીતે ? અમને તો એવું જીવન એકદમ અશક્ય લાગે છે.

બરાબર છે. એવી શંકા છેક જ સ્વાભાવિક છે. છતાં પણ ભૂષણજી સાધકનું જીવન જીવે છે એ પણ બરાબર છે. એમની દિનચર્યાને જોવાથી એની પ્રતીતિ થાય છે. ભૂષણજી બ્રાહ્મમુહૂર્તમાં ઊઠી જાય છે. સવારે ચારેક વાગે ઉઠીને પ્રાર્થના તથા ધ્યાનાદિ કરે છે. પાછળથી થોડોક વ્યાયામ પણ કરી લે છે. છ વાગ્યાની આસપાસ ફરવા નીકળે છે. ત્યાંથી પાછા ફરીને માલીશ તથા સ્નાનાદિથી પરવારીને સંધ્યા કરીને પૂજાના ઓરડામાં પ્રવેશે છે. ત્યાં રોજ નિયમપૂર્વક જપ તથા રામાયણપાઠ કરીને સાડા નવે લગભગ નીચે આવે છે. એ પછી હોમ કરી, અગ્નિદેવને ભોજન સમર્પી, જમવા બેસે છે. પછી કોર્ટમાં જાય છે. કોર્ટથી સાંજે પાછા ફરીને સંધ્યાદિ કરે છે. રાતે એમને ત્યાં એમના એક નિવૃત્ત ન્યાયાધીશ મિત્ર આવે છે. એમની સાથે ને બીજા સત્સંગીભાઈઓ સાથે બેસીને શ્રીમદ્ ભગવદ્ ગીતા જેવા સુંદર ધર્મગ્રંથોનો સત્સંગ કરે છે. એ પછી હવનવિધિને પતાવી, જમી, પ્રાર્થના કરી સુઈ જાય છે. દિવસ દરમિયાન વચ્ચેવચ્ચે વખત કાઢીને સુંદર પ્રેરક સદગ્રંથોનો સ્વાધ્યાય પણ કરતા રહે છે. એ દિનચર્યા એક વકીલ કે સંસારી વ્યક્તિ કરતાં સાધકની જ વધારે છે.

વકીલ સાધક બની જ ના શકે અને આત્મવિકાસની સાધના કરી જ ના શકે એવું માનવું ખોટું છે. વકીલ, દાક્તર, વૈદ, વેપારી, ઈજનેર, ખેડૂત, મજૂર, માલિક, સૈનિક, શિક્ષક, કોઈપણ સાધના કરી શકે છે. ફકત એને માટેની રુચિ, લગન, ઉત્કટ ઈચ્છા તથા પુરુષાર્થપરતા જોઈએ. વકીલનો વ્યવસાય સાચાનું ખોટું અને ખોટાનું સાચું કરવાનો વિકૃત વ્યવસાય છે એવું પણ નથી સમજવાનું. એ તો સત્યની સમ્યક્ સ્થાપનાનો અને અસત્યને ઉઘાડું પાડવા માટેની પ્રામાણિક પ્રવૃત્તિ છે. એ પ્રવૃત્તિમાં પ્રામાણિક રહીને સત્યની, પ્રામાણિકની ને નિર્દોષની સેવા કરી શકાય છે ને કરાવી જોઈએ. એમાં કેવળ ધન તરફ દૃષ્ટિ રાખવી ના જોઈએ પરંતુ નીતિમત્તા, ન્યાય અને માનવતાને પણ મહત્વ અપાવું જોઈએ. એવી રીતે એ એક પવિત્ર, પરોપકારી, પ્રગતિકારક પ્રવૃત્તિ બની જશે અને અભિશાપરૂપ બનવાને બદલે આશીર્વાદરૂપ થશે. વકીલોએ અને અન્ય જનોએ એના પ્રત્યેના અભિગમને બદલવાની આવશ્યકતા છે.

મેં એકવાર ભૂષણજીને પૂછ્યું : ‘વકીલ તરીકેનો વ્યવસાય તમારા સાધનાત્મક જીવનની વચ્ચે નથી આવતો ?’

‘ના. આખો વખત એકાંતિક સાધના કરવાની શક્તિ તો મારામાં છે નહિ. આજીવિકા માટે એ વ્યવસાય આવશ્યક છે. એથી મારા સાધનાત્મક જીવનમાં વિરોધ નથી પેદા થતો.’

‘તમારે કોર્ટમાં જુઠું બોલવું નથી પડતું ?’

‘ના.’

‘બને નહીં.’

‘છતાં પણ બને છે. શરૂઆતમાં સાચાખોટાનો આધાર લેવો પડતો પણ હવે નથી લેવો પડતો.’

‘કારણ ?’

‘હવે હું એવા જ કેસને હાથમાં લઉં છું જેમની યથાર્થતા કે નિર્દોષતામાં મને વિશ્વાસ હોય. સત્ય કે પ્રમાણિક પક્ષને સહન કરવું પડ્યું હોય કે અન્યાય થયો હોય ત્યારે મારી બુદ્ધિને કામે લગાડીને એક કર્તવ્યનિષ્ઠ માનવ તરીકે એને બનતી બધી જ મદદ કરું છું. પરંતુ અસત્યને સત્યના સ્વાંગમાં રજૂ નથી કરતો. અપરાધીને નિરપરાધી ઠરાવવાની પ્રવૃત્તિ મારાથી નથી કરી શકાતી. નિર્દોષ માર્યો જતો હોય તો એને બચાવવા તૈયાર થઉં છું પરંતુ દોષિતને બચાવવાનો પ્રયત્ન નથી કરતો. એને સાફ શબ્દોમાં સંભળાવી દઉં છું કે મારાથી ખોટી વાતને સાચી નહિ કરી શકાય. કેસ નહિ લડાય. કેસ કોઈક બીજા વકીલને સોંપો.’

‘તો પછી તમારું કામ ચાલે છે ખરું ?’

‘સારી રીતે ચાલે છે. સારા ને સાચા વકીલ તરીકે મારી શાખ બંધાઈ ગઈ છે. કોર્ટમાં હાજર થઉં છું એટલે જજ જાણે છે કે મારો કેસ સાચો જ હશે. ચુકાદો ભાગ્યે જ મારી વિરુદ્ધમાં આવે છે. મારું કામ કદીપણ નથી અટકતું. બીજા વકીલો કરતાં મારી ફી પણ વધારે હોય છે. એટલે જેમને ખાસ આવશ્યકતા હોય છે એ જ મારી પાસે આવતા હોય છે. ઈશ્વર મને મારા પરિશ્રમના પ્રમાણમાં પૂરતું આપી રહે છે, એટલે આર્થિક ચિંતા મને લેશ પણ નથી સતાવતી.’

‘તમારી વાત ખૂબ જ વિલક્ષણ છે.’

ભૂષણજી થોડીવાર શાંતિ રાખીને આગળ બોલ્યા : ‘મારું મન મોટે ભાગે સંતપુરુષોની સંનિધિમાં અને ઈશ્વરની ઉપાસનામાં રહે છે. એટલે વરસમાં એકાદ-બે વાર વખત કાઢીને હું કોઈક શાંત તીર્થસ્થળમાં, વૃંદાવન-હરિદ્વાર-ઋષિકેશ-મસૂરીમાં, થોડાક દિવસ રહેવા માટે જતો રહું છું. ત્યાં બને તેટલી વધારે સાધના કરું છું. મારા જીવનનો મૂળભૂત અંતિમ આદર્શ તો એ જ છે-પરમાત્માના સાક્ષાત્કારનો. એનું સ્મરણ મને નિરંતર રહ્યા કરે છે.’

મેં કહ્યું : ‘તમારી એવી પ્રવૃતિ તથા વિચારધારા પરથી તમારી અસાધારણ સંસ્કારીતાનો ખ્યાલ આવે છે. તમારા અંતરાત્માની ઉદાત્તતાનું પણ એમાં દર્શન થાય છે. તમારા જીવનનો આદર્શ પણ ઘણો ઊંચો છે.’

એમણે જણાવ્યું : ‘એ આદર્શની પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ પણ ખૂબ જ પ્રખર હોવો જોઈએ એ જાણું છું. એટલા માટે તો મેં વકીલ તરીકેના વ્યવસાયને છોડી દેવાનો સંકલ્પ કર્યો છે.’

‘વ્યવસાયને છોડી દેવાનો ?’

‘હા અને સમગ્ર ધ્યાન સાધનામાં લગાડવાનો. ત્યારે જ વહેલી તકે સાધનાની સિદ્ધિ સાંપડી શકશે. મારો વિચાર ત્રણ ચાર વરસ પછી જાહેર જીવનમાંથી નિવૃત્ત થઈને કાનપુર, હરિદ્વાર કે વૃંદાવનના કોઈક શાંત એકાંત સ્થળમાં રહેવાનો છે. આશીર્વાદ આપો કે મારી એ ભાવના પૂરી થાય.’

એમની ભાવનાને જોઈને મને આનંદ થયો.

ધાર્યુ ધરણીધરનું થાય છે એ નિયમને અનુસરીને બીજે જ વરસે ભૂષણજીના યુવાન વકીલપુત્રનો એકાએક સ્વર્ગવાસ થયો. એમના માથે જાણે કે વીજળી તૂટી પડી. એ આઘાતને એમણે ખૂબ જ સ્વસ્થતાપૂર્વક શાંતિથી સહન કર્યો.

આજે પણ એમની સાધના અબાધિત રીતે ચાલ્યા કરે છે. વકીલોને જ નહિ, બીજા બધાને એ પ્રેરણા પાય છે. કાદવની વચ્ચે કમળ જેમ કાંતિમય અને અલિપ્ત રહેનારા ભૂષણજી સંસારમાં સાચેસાચ ભૂષણરૂપ છે. ઈશ્વર એમને દીર્ઘાયુ કરે અને જીવનની સંસિદ્ધિનો સંતોષ ધરે.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Happiness is a perfume you cannot pour on others without getting a few drops on yourself.
- Anonymous

prabhu-handwriting