Text Size

મહર્ષિનો મેળાપ

શ્રી રમણ મહર્ષિના સુખદ સમાગમમાં આવવાનું સૌભાગ્ય સૌથી પ્રથમ મને ક્યારે ને કેવી રીતે સાંપડ્યું એ જાણવા જેવું છે. એની માહિતી રસપ્રદ થઈ પડશે. એ મહાપુરુષનું નામ તો મેં વરસો પહેલાં સાંભળેલું. મારી કિશોરાવસ્થામાં મારા પરમાત્મપ્રેમથી પરિપ્લાવિત અંતરમાં પરમાત્માના સાક્ષાત્કારની સદભાવનાએ જોર પકડ્યું ત્યારે એક દિવસ મને સ્વપ્નમાં કોઈનો સ્વર સંભળાયો કે આત્મસાક્ષાત્કાર કરવાની ઈચ્છા હોય તો રમણ મહર્ષિ પાસે જાવ. પરંતુ મારા અંતરમાં હિમાલયનું આકર્ષણ ઉત્કટ હોવાથી દક્ષિણના પ્રદેશમાં જવાનો પ્રસ્તાવ મને પસંદ ના પડ્યો. કાળક્રમે ઈશ્વરના અપાર અનુગ્રહથી સંજોગો સાનુકૂળ બનતાં મારે હિમાલયના પુણ્યપ્રદેશમાં પ્રવેશવાનું થયું. એ પ્રદેશમાં આવેલા નૈસર્ગિક સૌંદર્યસભર શાંત સ્થળ ઉત્તરકાશીમાં રહેવાનો અવસર મને પ્રાપ્ત થયો ત્યારે ઈ.સ. ૧૯૪૪માં, ગંગાના પ્રશાંત તટપ્રદેશ પરની નાનીસરખી મઢૂલીમાં રોજના નિયમાનુસાર હું રાતે ધ્યાનમાં બેઠો ત્યારે, સમાધિની શાંત અવસ્થામાં એકાએક, કોઈપણ પ્રકારના પૂર્વસંકલ્પ વિના, રમણ મહર્ષિનું દર્શન થયું. એમના એ દૈવી દર્શનથી મારા અંતરમાં અસાધારણ આનંદનો આવિર્ભાવ થયો.

એ પણ પોતાની પ્રસન્નતાને પ્રકટ કરવા માગતા હોય તેમ મારા તરફ નેહભરેલા નેત્રે નિહાળી રહ્યા. મારા પર અનુગ્રહની વર્ષા વરસાવતાં એમણે મારી પાસે આવીને મને સ્પર્શ કર્યો એ જ વખતે મારું શરીર તખત પરથી નીચે ઉતરીને અવકાશમાં સ્થિર થયું. એક નિમિષમાં જ એમણે મને પુનઃસ્પર્શ કર્યો. એના પરિણામે મારું શરીર જોતજોતામાં મઢૂલીમાંથી બહાર નીકળીને એમની સાથે અવકાશમાં ચાલવા માંડ્યું. મેં યોગીઓની આકાશગમનની જે મહાન આશ્ચર્યકારક સિદ્ધિ સંબંધી વારંવાર વાંચેલું ને સાંભળેલું તે સિદ્ધિનો મને એ મહાપુરુષના અનુગ્રહથી આકસ્મિક રીતે આપોઆપ અનુભવ થયો. આકાશગમનનો અર્થ હું આકાશમાં ઉડવું એવો સમજતો, પરંતુ એનો અર્થ અવકાશ અથવા રિક્ત પ્રદેશમાંથી પસાર થવું એવો થાય છે એનું મારી સમક્ષ સ્પષ્ટીકરણ થયું. ઈશ્વરની અનંત અનુકંપા વિના સાધનાપ્રાપ્ત યોગીઓને પણ દુર્લભ એવો અસાધારણ યોગાનુભવ મને ભાગ્યે જ થઈ શકત.

થોડા વખતમાં તો માઈલોના વિશાળ અંતરને કાપીને અમે મુંબઈમાં ચોપાટીના સુંદર સમુદ્રતટ પર આવી પહોંચ્યા. મહર્ષિએ મને નેહપૂર્વક નિહાળીને ફરી સ્પર્શ કર્યો. અમારાં બંનેના શરીરો સીમારહિત સમુદ્રની સપાટી પર થઈને અંનત અવકાશાવરણમાં આગળ વધવા લાગ્યાં. બીજી જ પળે હું એમની સાથે તિરુવણ્ણામલૈમાં આવેલા એમના એકાંત આશ્રમના હોલમાં પહોંચી ગયો.

એમણે મારો હાથ પકડીને મને એમની બાજુ કોચ પર બેસાડ્યો. એ વખતે થયેલા સંકોચને લક્ષમાં લઈને એમણે જણાવ્યું : ‘મારી પાસે બેસવામાં સંકોચ શા માટે થાય છે ? તમને તમારા પૂર્વજન્મનું જ્ઞાન નથી થયું ? એ જ્ઞાન સાચું છે. મને એટલા માટે જ તમારા પ્રત્યે પ્રેમ થયો છે ને મેં તમને આ વિલક્ષણ અનુભવ કરાવ્યો છે.’

‘પરંતુ હજુ તો મારે ઘણો ઘણો વિકાસ કરવાનો છે.’ મેં આત્મનિરિક્ષણની વૃત્તિથી પ્રેરાઈને નમ્રતાપૂર્વક કહ્યું.

‘તેથી શું ?’ તે તરત બોલ્યા : ‘તે સઘળો વિકાસ સમય પર સ્વાભાવિક રીતે જ થઈ રહેશે.’

એ પછીનો થોડોક વખત ઊંડા આત્માનંદમાં ને મૌનમાં વીતી ગયો. છેવટે એ બોલ્યા : ‘ભવિષ્યમાં અહીં આવજો. તમને મળીને મને આનંદ થશે.’

થોડી વાર પછી આંખ ઊઘડી ત્યારે હું ઉત્તરકાશીની મારી મઢૂલીમાં શાંતિપૂર્વક બેઠેલો. આજુબાજુ બધે જ અંધારું વ્યાપેલું. ગંગાનો સુમધુર સ્વર સંભળાવા લાગ્યો. એ સિવાય સમસ્ત વાતાવરણ નીરવ ને નિસ્પંદ હતું. મારાં લોચનમાંથી પ્રેમનો પવિત્ર પ્રવાહ વહેવા લાગ્યો. એ મહાપુરુષની અહેતુકી અનુકંપા સિવાય મને એવો અસાધારણ અનુભવ થઈ શકત ખરો ?

એ અદભુત અસાધારણ અનુગ્રહ પ્રસંગ પરથી મને પ્રતીતિ થઈ કે રમણ મહર્ષિની આત્મિક શક્તિ અસાધારણ છે. એ રહે છે દૂર દક્ષિણના નાના નગર તિરુવણ્ણામલૈમાં ને બહારથી કોઈ પ્રકારની વિશેષ પ્રવૃત્તિ કરતા નથી દેખાતા તો પણ દૂર દૂર સુધી જઈ શકે છે, દેશકાળના દુન્યવી ભેદથી પર છે, ને લોકોપયોગી પ્રવૃત્તિ કરે છે. મારા જેવા અધ્યાત્મ પંથના કેટકેટલા પ્રવાસીઓને એમણે એક અથવા બીજા પ્રકારે સહાયતા કરી હશે એનો સાંગોપાંગ સંપૂર્ણ ઈતિહાસ કોની પાસે છે ?  એમનું કર્મ બહારથી એટલું બધું જોરદાર દેખાતું ના હોય તો પણ એ નિષ્કર્મણ્ય તો નથી જ. ના જ હોઈ શકે.

રમણ મહર્ષિના એ અલૌકિક અનુભવે મને વિચાર કરતો કરી મૂક્યો. એ અનુભવ મારો પોતાનો હોવાથી એમાં કશું શંકા જેવું ન હતું. જે સાર સહસ્ત્રો શાસ્ત્રો શીખવી કે સમજાવી ના શકે એ સાર એ સ્વાનુભવે સહેલાઈથી સમજાવી દીધો. મહર્ષિની શક્તિ માટે મને માન પેદા થયું.

કાળચક્ર પોતાના નિશ્ચિત નિયમાનુસાર બદલાયું અને એક ધન્ય દિવસે હું તિરુવણ્ણામલૈના એકાંત શાંત રમણાશ્રમમાં જઈ પહોંચ્યો. ઈ.સ. ૧૯૪૫માં. આશ્રમમાં જવાનો મારો ઉદ્દેશ જરાક જુદો હતો. રમણાશ્રમનું વાતાવરણ જો સાનુકૂળ લાગે તો ત્યાં ઈચ્છાનુસાર રહીને સાધના કરવાની મારી આકાંક્ષા હતી. પ્રભાતના પ્રથમ પ્રહરમાં મંદમંદ વાતા વાયુની વચ્ચે મેં એ અસાધારણ ખ્યાતિ પ્રાપ્ત આશ્રમમાં પ્રવેશ કર્યો. ત્યાંના શાંત વિશુદ્ધ વાતાવરણની અસર મારા પર સ્વાભાવિક રીતે જ ઘણી સારી થઈ. આશ્રમ નાનો હોવા છતાં આહલાદક અને આકર્ષક હતો. અરુણાચલ પર્વતની પ્રશાંત ગોદમાં વસેલો હોવાથી વધારે નયનમનોહર દેખાતો. સ્વચ્છતા તથા સાદાઈના પ્રતીક જેવા એ આશ્રમને નિહાળીને મારું હૈયું હરખાઈ રહ્યું. એક પ્રકારના ઊંડા આત્મસંતોષ સાથે મેં આશ્રમના અધિષ્ઠાતા દેવતા ભગવાન રમણ મહર્ષિના દર્શનની અભિલાષાથી હોલમાં પ્રવેશ કર્યો.

હોલમાં મહર્ષિ એક કોચ પર બેઠેલા. એમની આગળ અગરબત્તીઓ સળગતી. એ કશુંક વાંચતા હતા. એમણે કેવળ સફેદ લંગોટી પહેરેલી. એમના વદન પર વૃદ્ધાવસ્થાની અસર દેખાઈ આવતી. કોઈ પણ પ્રકારનો દંભ નહિ, ઘમંડ નહિ, અહંભાવ નહિ, કેવળ શિશુસહજ સરળતા, શુચિતા ને નમ્રતા. સામે જમીન પર દર્શનાર્થી સ્ત્રીપુરુષો શાંતિપૂર્વક બેઠેલાં. કોઈ મહર્ષિ તરફ જોતાં તો કોઈ ધ્યાનમાં ડૂબેલાં કે પ્રાર્થનામગ્ન બનેલાં. મેં એ સૌની પાછળ એક તરફ બેસવાનું ઉચિત માન્યું.

મહર્ષિના પ્રથમ દર્શને મારા મનમાં જુદા જુદા છતાં ઉદાત્ત ભાવો પેદા થયા. અરુણાચલ પર્વતની પ્રશાંત તળેટીમાં વરસોથી વસનારા આ મહાપુરુષ કેવા છે ?  એમનામાં કશી અસાધારણતા છે એવું કોઈ પ્રથમ દર્શને તો કહી જ ના શકે. કોઈ અદભુત આકર્ષણયુક્ત મુખાકૃતિ, અદૃષ્ટપૂર્વ વ્યક્તિત્વ કે દિલ અને દિમાગને આંજી દેનારા દમામથી એ સંપન્ન નથી. કોઈ વિશેષ પ્રતિભા કે ચમત્કૃતિ પણ એમનામાં નથી દેખાતી. માર્ગે મળ્યા હોય અને કોઈ આપણને કહે કે આ રમણ મહર્ષિ તો મન માને નહિ. એ એવા અત્યંત સીધાસાદા કોઈ સાધારણ આશ્રમવાસી સાધુ જેવા દેખાય છે. કોઈ એમની તરફ જુએ છે, એમને નમે છે, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે, પુષ્પો ચઢાવે છે, એ તરફ એમનું કશું ધ્યાન જ નથી. એવા છે એ જીવનમુક્ત સર્વાત્મભાવમાં પ્રતિષ્ઠિત, આત્મદર્શી મહાપુરુષ. પ્રથમ દૃષ્ટિએ એમનું મૂલ્યાંકન કરવામાં ભૂલથાપ ખાઈ જવાનો પૂરતો સંભવ છે.

મને થયું કે થોડા સમય પહેલાં જ કોઈપણ પ્રકારના પૂર્વ પરિચય વિના આ પરમ પ્રતાપી મનાતા મહાપુરુષે મને ઉત્તરકાશીમાં અદભુત અનુભવ આપેલો. એ મહાપુરુષ શું આ જ છે ?  એ અનુભવ એમણે સ્વેચ્છાએ આપ્યો હશે કે એની પ્રાપ્તિ ઈશ્વરની અપાર અનુકંપાથી થઈ હશે ?  મહર્ષિએ એ અનુભવ એમની અસાધારણ શક્તિની ચમત્કૃતિ રૂપે સ્વેચ્છાએ આપ્યો હોય તો એ આટલા બધા ઉદાસીન કેમ છે ?

ત્યાં તો એમણે વાંચવાનું બંધ કર્યું. મારા મનોભાવો એમને પહોંચ્યા કે શું ?  એમણે હોલમાં બેઠેલા દર્શનાર્થીઓ પર દૃષ્ટિ ફેરવવા માંડી. એ દૃષ્ટિ છેવટે મારા પર આવીને સ્થિર થઈ. મારી તરફ એ ટકટકી લગાવીને નિહાળી રહ્યા.

એ નિહાળવાનું સામાન્ય નિહાળવાનું થોડું જ હતું ?  એ દ્વારા એ જાણે કે મારામાં વિચાર સંક્રમણ કરી રહેલા. એ એમની મહાન લાક્ષણિકતા મનાતી. સમાધિ પરના પરિપૂર્ણ પ્રભુત્વ દ્વારા એમણે શક્તિ મેળવેલી. આત્મા દ્વારા એ મારા આત્માને જાણે કે જણાવી રહ્યા : તમારે અહીં રહીને શું કરવું છે ?  તમારે માટે હિમાલયનો પુરાણ પ્રસિદ્ધ પાવન પ્રદેશ જ યોગ્ય છે. અત્યાર સુધી રહ્યા તેમ હજુ ત્યાં જ રહો ને સાધના કરો. તમને શાંતિ સાંપડશે. સિદ્ધિ કે સર્વોત્તમ અવસ્થાની અનુભૂતિ થશે.

એ પછી એમણે દૃષ્ટિ ફેરવી લીધી. કોચ પર આડા પડીને એ પત્રોના પ્રત્યુત્તર માટે આવશ્યક સુચનાઓ આપવા લાગ્યા. મારા મનનું એ મૂક વાર્તાલાપથી સંપૂર્ણ સમાધાન થયું. એ અવિસ્મરણીય પ્રસંગ પછી મહર્ષિ કેટલા બધા અસાધારણ છે અને કેવી અલૌકિક શક્તિથી સંપન્ન છે એની પ્રતીતિ મને થઈ ચૂકી. આત્મસ્થ મહાપુરુષની દૃષ્ટિ બહારના ઉપદેશો કે પ્રવચનો કરતાં વિશેષ કિમતી તથા ક્રાંતિકારી હોય છે એ સંબંધી સાંભળેલું તો ખરું, પરંતુ શ્રવણ અને સ્વાનુભવ વચ્ચે કેટલીક વાર આભજમીનનું અંતર હોય છે. એ અંતર એવી રીતે આપોઆપ કપાઈ જવાથી મને અતિશય આનંદ થયો.

રમણાશ્રમનો મારો ફેરો સફળ થયો.

યોગિક વિકાસથી માનવની શક્તિ કેટલી બધી અસીમ બની શકે છે એની અપરોક્ષાનુભૂતિ મહર્ષિના સંસર્ગમાં આવેલા અનેકને થઈ હશે. આ તો એનો આછોપાતળો આભાસ છે.

કોઈને કદાચ પ્રશ્ન થશે કે રમણ મહર્ષિને માટે આટલો બધો પ્રેમ અથવા આદરભાવ હોવા છતાં તમે રમણાશ્રમમાં અવારનવાર જઈને એમની મુલાકાત કેમ ન લીધી ?  હું એમને પૂછીશ કે જેના સાંનિધ્યમાં સદા સર્વદા ગંગા વહેતી હોય તેને ગંગાની પાસે પહોંચવાનું શેષ રહે છે ખરું ?  જે સુમનના સુંદર સૌરભસભર ઉપવનમાં બેઠો હોય તેને તેવા ઉપવન પાસે પહોંચવાનું ક્યાં રહે છે ?  એવી રીતે હું તિરુવણ્ણામલૈથી હજારો માઈલ દૂર હિમાલયના પ્રશાંત પુણ્યપ્રદેશમાં વસતો’તો પણ એમનો અનુગ્રહ મારા પર અવારનવાર વરસ્યા કરતો. સિદ્ધ યોગીપુરુષો એમની અસાધારણ આત્મશક્તિથી દેશકાળ પર શાસન કરે છે ને પસંદગી પ્રમાણેના પ્રદેશમાં પહોંચી જાય છે એવું મેં વાંચેલું ને સાંભળેલું ખરું, પરંતુ મહર્ષિ દ્વારા અપાયેલા અનેકવિધ અનુભવોથી મને એની પ્રતીતિ થઈ. સ્થૂલ રીતે દૂર રહીને પણ જેમણે મારી ઉપર અવારનવાર અસીમ અનુકંપાવૃષ્ટિ વરસાવી એવા સમર્થ મહાપુરુષોમાં એમનું સ્થાન આગળ પડતું છે. એ મને પ્રસંગોપાત મળતા રહેતા એટલે એમના આશ્રમમાં જવાની ને રહેવાની આવશ્યકતા નહોતી.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Let us not pray to be sheltered from dangers but to be fearless when facing them.
- Rabindranath Tagore

prabhu-handwriting