Text Size

દેવીનો અદભૂત આવેશ

હિમાલયના પવિત્ર પુરાણપ્રસિદ્ધ પ્રદેશ ઉત્તરાખંડનું સુંદર દેવસ્થાન દેવપ્રયાગ. જેમને પણ એ લોકોત્તર અસાધારણ સૌંદર્યસંપન્ન સ્થાનવિશેષના અવલોકનનો લાભ મળ્યો હશે એ એને કદાપિ નહિ ભૂલ્યા હોય. એનું મુખ્ય આકર્ષણ અલકનંદા અને ભાગીરથીનું સુંદર સંગમસ્થળ છે. બદરીનાથના પુણ્યપ્રદેશ તરફથી આવનારી અલકનંદા અને ગંગોત્રીની આગળની હિમાચ્છાદિત પર્વત પંક્તિઓમાંથી પ્રવાહિત થનારી ભગવતી ભાગીરથી બંનેનું ત્યાં સુખદ સંમિલન સધાય છે. અલકનંદા શાંત દેખાય છે ને ભાગીરથી ભાવોદ્રેકથી ભરાઈને અસાધારણ આવેગમાં આવીને એને આલિંગન આપવા આગળ વધે છે. ઘડીભર એમ થાય કે આ આનંદદાયક દૃશ્યને જોયા જ કરીએ. એને અવલોકીને મન ધરાતું નથી. ઉપરામ નથી બનતું, ને ત્યાંથી હઠવાની ઈચ્છા નથી કરતું. એની મંત્રમુગ્ધતા એવી મોટી હોય છે.

વરસો પહેલાં એ સંમોહક સુંદર સંગમસ્થળ પર બેસીને રાતના શાંત સમયે અમે વાર્તાલાપ કરી રહેલા.

‘ચંદ્રવદની દેવીનું સ્થાન કેટલું બધું શાંતિદાયક ને સુંદર લાગે છે ?’ મારી બાજુમાં બેઠેલા દેવપ્રયાગના જ્યોતિષાચાર્ય પ્રસિદ્ધ પંડિત ચક્રધરજીએ જણાવ્યું.

‘ઘણું સુંદર ને શાંતિદાયક લાગે છે.’ મેં સૂર પુરાવ્યો.

‘ચંદ્રવદની દેવીનું દર્શન આજે થઈ શકે ?’

‘જરૂર થઈ શકે. એને માટેની ભાવના, લગની કે તાલાવેલી હોય તો જરૂર થઈ શકે.’

‘એ કોઈની અંદર પ્રવેશ કરી શકે ?’

‘એમની ઈચ્છા હોય તો જરૂર પ્રવેશ કરી શકે. એમની શક્તિ અલૌકિક હોવાથી એમને એમ કરતાં કોણ રોકી શકે તેમ છે ?’

પંડિતજી સહેજ વાર શાંત રહીને કહેવા લાગ્યા : ‘મારું કહેવાનું તાત્પર્ય જરા જુદું છે. અહીં એક સ્ત્રી રહે છે. એને વરસમાં બે વાર ચૈત્ર અને આસો મહિમાની નવરાત્રિ દરમ્યાન નવમીની રાતે ચંદ્રવદની દેવીનો આવેશ આવે છે. એ પરણેલી ને સંતાનવાળી છે. આમ તો એની અંદર કોઈ પ્રકારની વિશેષતા કે સંસ્કારિતા નથી દેખાતી. એ તદ્દન નિરક્ષર જેવી છે.’

‘આપણી સ્થૂળ ઉપલક દૃષ્ટિએ એનામાં કોઈ વિશેષતા ના દેખાતી હોય એનો અર્થ એવો નથી કે કોઈ પ્રકારની વિશેષતા હશે જ નહીં. એના આ જન્મના નહિ તો જન્માંતરના સંસ્કારો ચંદ્રવદની દેવી સાથે સંકળાયેલા હશે. એ અદૃષ્ટ આધ્યાત્મિક સંસ્કારોના અનુસંધાનમાં જ એની ઉપર દેવીની અનુગ્રહવર્ષા વરસતી હશે. કશું અકારણ તો નથી જ હોતું. કોઈ વાર કારણ દેખાય છે તો કોઈ વાર નથી દેખાતું; કોઈ વાર સમજાય છે તો કોઈ વાર નથી સમજાતું; તો પણ હોય છે તો ખરું જ. આ જીવનમાં પણ એ સન્નારીનું હૃદય સરળ, સીધું અને નિષ્પાપ હશે.’

‘હા. એનો સ્વભાવ સાત્વિક છે.’

‘બસ ત્યારે સ્વભાવની સાત્વિકતા હોય તે પણ ઘણી મહત્વની ને મોટી લાયકાત કહેવાય છે.’

એટલામાં તો કોઈની ઉપરાઉપરી ચીસો સંભળાઈ. રાત્રીની હૃદયસ્થ શાંતિને ભેદનારી એ સુતીક્ષ્ણ ચીસો પાસે ને પાસે આવવા લાગી. સંગમના ઘોર અવાજમાં પણ એને સહેલાઈથી સાંભળી શકાઈ.

અમે ઘાટ પરથી ઊભા થઈને એ દિશામાં જોવા લાગ્યા. આજુબાજુના અંધકારમાં કશું ના દેખાયું.

પંડિતજીએ કહ્યું : ‘પેલી ચંદ્રવદની દેવીના આવેશવાળી સ્ત્રી જ આવતી લાગે છે. આજે નવરાત્રીનો છેલ્લો દિવસ છે, નવમીનો. મને યાદ આવ્યું.’

‘બરાબર છે. પરંતુ એ આ તરફ શા માટે આવે છે ?’

અવાજ પાસે ને પાસે આવતો જતો’તો. જોતજોતામાં તો અંધકારથી ભરેલાં ઘાટનાં પગથિયાં પરથી દિવસના પ્રખર પ્રકાશમાંથી ચાલતી હોય એમ એ સ્ત્રી દોડતી દોડતી છેક અમારી આગળ નીચે આવી પહોંચી. અમને આશ્ચર્ય થાય એ સ્વાભાવિક હતું. એટલા બધા અંધકારમાં સારી આંખવાળાથી પણ સંભાળીને પગ મૂકીને આગળ વધી શકાય તેમ ન હતું. ત્યારે એ ઉતરાણવાળા સાંકડા ને વાંકાચૂકા માર્ગ પરથી વાયુવેગે દોડતી આવી. એવી રીતે દોડવાથી જરાક પણ ભૂલ થાય તો નીચે પાણીના પ્રબળ પ્રવાહમાં પડી જવાની સંભાવના હતી. છતાં પણ એ સ્ત્રી સહીસલામત રીતે રમત રમતી હોય એમ આવી પહોંચી. એથી અનુમાન કરી શકાયું કે એની અંદર કોઈક અલૌકિક શક્તિ કાર્ય કરી રહી છે. એની કેટલેય પાછળ એના ઘરના ને પરિવારના માણસો ફાનસ તથા બેટરી લઈને ધીમે પગલે ખૂબ જ સંભાળપૂર્વક આવી રહેલા. એ હજુ ઘાટ પર પહોંચ્યા પણ ન હતા. સ્ત્રીનું શરીર કૃશ હતું. ઉંમર નાની, પચીસથી ત્રીસની દેખાતી. એના કેશ કમર સુધી પહોંચવાનો પ્રયાસ કરતા છૂટા પડી ગયેલા. હાથમાં દેવીનું ત્રિશૂળ હતું. એની નિર્ભયતા તથા હિંમત અદભુત લાગી.

અમારી પાસે પહોંચીને સહેજ વાર રોકાઈને એ ચક્રધરજીને ઉદ્દેશીને બોલી : ‘પંડિત, ડરો નહીં. હું ચંદ્રવદની છું. ચંદ્રવદની દેવી.’

તેણે આગળ લંબાવ્યું : ‘તુમ્હારે પંડે લોગોંકા જો મુકદ્દમા ચલ રહા હૈ ઉસમેં ઉન લોગોંકા વિજય હોગા. મેરે વચનમેં વિશ્વાસ રખના. ઉનકા જરૂર વિજય હોગા.’

તે દિવસો દરમ્યાન પંડાજનનો કેસ ચાલી રહેલો. તેમાં વિજય મળે તે માટે દેવપ્રયાગના રામચંદ્રજીના મંદિરમાં કેટલીક વાર રામાયણના સુંદરકાંડનો પાઠ પણ વિદ્યાર્થીઓ પાસે કરાવવામાં આવતો. લગભગ ત્રણેક વરસ કેસ ચાલ્યો ને તેમાં અંતે પંડાજનોનો વિજય થયો. એ કેસની વિગતમાં ઉતરવાની અહીં જરૂર નથી.

અમારી તરફ દૈવી દૃષ્ટિપાત કરીને એ હાથમાં ત્રિશૂળ સાથે ઝડપથી આગળ વધી. સંગમના પાણીમાં સાંકળ પકડ્યા વિના સ્નાન કરવાનું શક્ય નહોતું. આસો મહિનો અને રાતનો સમય એટલે પાણી બરફ જેવું ઠંડું હતું. તો પણ એમાં કૂદીને એ નહાવા પડી. ઉપરાઉપરી ત્રણેકવાર ડૂબકી મારીને બહાર નીકળીને પૂર્વવત્ પોકારો પાડતી એ વળી પાછી વાયુવેગે દોડતી પગથિયાં ચઢતી આગળ વધી. વાતાવરણમાં થોડાંક વખત સુધી એના પોકારોના પડઘા સંભળાયા. ઘેર પહોંચ્યા પછી એનો આવેશ આપોઆપ શાંત થયો.

કહે છે કે નવરાત્રીની પ્રત્યેક નવમી રાતે એની અંદર એવી રીતે ચંદ્રવદની દેવીનો પ્રવેશ થતો. સંગમમાં સ્નાન કરીને ગયા પછી એનો આવેશ શમી જતો અને એ સાધારણ સ્ત્રી જેવો વ્યવહાર કરવા લાગતી. એનાં લક્ષણો બદલાઈ જતાં. દેવપ્રયાગથી દસેક માઈલ દૂર આવેલા ચંદ્રવદની દેવીના સ્થાનની સર્વાધિષ્ઠાત્રી દેવી એના પર કર્મના કયા સંબંધને અનુસરીને અનુગ્રહની વર્ષા વરસાવતી તેની કોઈને ખબર નહોતી પડતી. પરંતુ એના પરિણામને પેખી શકાતું.

આ અવનીમાં આપણી સામાન્ય બુદ્ધિથી સહેલાઈથી ના સમજાય એવાં અનેક રહસ્યો રહેલાં છે. માણસે જે જાણ્યું છે તે તો સિંધુનું બિંદુ છે. હજું બીજું ઘણું ઘણું જાણવાનું ને પામવાનું બાકી છે. ખાસ કરીને આત્માની અદભુત દુનિયામાં.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

You must be the change you wish to see in the world.
- Mahatma Gandhi

prabhu-handwriting