Text Size

ભૂતનાથ મહાદેવના બ્રહ્મગિરિજી

સિદ્ધયોગીસેવિત ગિરિવર ગિરનારની ગૌરવવંતી ગોદમાં, એની તપઃપૂત પ્રશાંત તળેટીમાં વસેલું જુનાગઢ.

એમાં વેરાવળ રોડ પર પ્રસિદ્ધ બહાઉદ્દીન કોલેજની સામે આવેલું ભૂતનાથ મહાદેવનું સુંદર સુવિશાળ સ્થાન.

એના માયાળુ મહંત બ્રહ્મગિરિજી મહારાજ.

ઈ. સ. ૧૯૭૫ના ડીસેમ્બર મહિનામાં મારે ત્યાં પહેલીવાર પ્રવચનો કરવા જવાનું થયું ત્યારે અનાયાસે એમના પરિચયમાં આવવાનું થયું. મારો ઉતારો ત્યાં રાખવામાં આવ્યો અને મારા પ્રવચનો પણ ત્યાં જ યોજાયા.

બ્રહ્મગિરિ મહારાજ મૂળ ગોંડલના. પૂર્વના કોઈક અદૃષ્ટ અગમ્ય કર્મસંસ્કારોને લીધે નાની ઉંમરથી જ ગિરનારના અસાધારણ આકર્ષણને અનુભવતા અને એની પુરાણપ્રસિદ્ધ પવિત્ર ભૂમિમાં જવાના સ્વપ્નાં સેવતાં.

પરમાત્માની પરમ કૃપાથી એમનાં સ્વપ્નાં સાચાં પડ્યાં અને એક ધન્ય દિવસે એમના અસાધારણ અનોખા આત્મસંતોષ સાથે એ ગિરનારના પાવન પ્રદેશમાં પહોંચી ગયા. સંસારની સફરે નીકળેલા આત્માને એનું અસલ વતન મળ્યું; ચિરપરિચિત સાધનાસ્થળ જડ્યું.

એમણે ગિરનારની યાત્રા કરી. કોઈ પ્રાતઃસ્મરણીય સિદ્ધ મહાપ્રતાપી મહાપુરુષના મેળાપ માટે દૃષ્ટિ દોડાવી. એવા મહાપુરુષનો મેળાપ તો પૂર્વજન્મના પ્રબળ સંસ્કારો અથવા પરમાત્માની પરમ કૃપા હોય તો જ થઈ શકે. એમની શોધ ફળી. એમને સાધનાની સુયોગ્ય ભૂમિ પણ પ્રાપ્ત થઈ.

ગિરનારને ચઢનારા પ્રવાસીઓ અંબાજીની ટૂંક સુધી પહોંચીને દૂર દૃષ્ટિપાત કરે છે તો ગોરખનાથની તથા દત્તાત્રેયની ટૂંકનું દર્શન કરે છે. ગોરખનાથના સુપ્રસિદ્ધ સ્થાનની નીચેના ભાગમાં દૃષ્ટિપાત કરતાં કમડંલ કુંડનું દર્શન થાય છે. એ સ્થાન ઘોર જંગલમાં વસેલું છે. ત્યાં ભગવાન દત્તાત્રેયની ધૂણી છે, કેટલાક સાધુઓ વસે છે, અતિથિઅભ્યાગતની અન્નક્ષેત્ર દ્વારા સેવા કરાય છે, અને પરંપરાગત લોકોક્તિ પ્રમાણે આજે પણ કોઈક અલૌકિક અવસર પર ભગવાન દત્તાત્રેય પધારે છે ત્યારે કોઈ સૌભાગ્યશાળી સુસંસ્કારી સાધકો કે સત્પુરુષોને એમનું દેવદુર્લભ દૈવી દર્શન સાંપડે છે. એ એકાંત શાંત સ્થળના મહંતો પણ મોટે ભાગે પરમ તપસ્વી, ત્યાગી તથા સેવાભાવી હોય છે. એ સ્થળ અને એના સ્થાનાધ્યક્ષોના સંબંધમાં પ્રાચીનકાળથી જાતજાતની ચમત્કારિક વાર્તાઓ વહેતી આવે છે. એમનો પોતાનો અનોખો આહલાદક ઈતિહાસ છે. એ ઈતિહાસના સ્વલ્પ શ્રવણમનનથી પ્રભાવિત થયેલા બ્રહ્મગિરિ એ સુપ્રસિદ્ધ સ્થાનવિશેષમાં જઈ પહોંચ્યા. એના અવલોકનથી એમનું અંતર આનંદ પામ્યું અને શાંતિ અનુભવવા લાગ્યું. એમણે દત્તાત્રેયની ધૂણીનું, આજુબાજુના વિશાળ વનનું, તથા સ્થાનાધ્યક્ષનું દર્શન કર્યું. એમનું મન માની ગયું. સેવાભાવી સાધનાપરાયણ પરમતપસ્વી સ્થાનાધ્યક્ષનાં ચરણોમાં એમણે સર્વસમર્પણ કર્યું. સદગુરુએ શિષ્યનો સ્વીકાર કર્યો. એ એમની સેવામાં રહ્યા. સદગુરુએ સુયોગ્ય સમય પર એમનું નવીન નામકરણ કર્યું. એમના જીવનના અવનવીન અજ્ઞાત આધ્યાત્મિક અંકનો આરંભ થયો.

એ સંબંધી એમના જ શબ્દોમાં સાંભળીએ :

‘મારા જીવનનો એ અનોખો અધ્યાય આરંભાયો. મારામાં કોઈ બીજું જ્ઞાન તો હતું નહીં. ગુરુના આદેશાનુસાર એમની અને ત્યાં આવનારા સંતોની સેવા કરતો અને મંત્ર જપતો. મારી સમજ અને શક્તિ પ્રમાણે બનતી સાધના કરતો. મારા ગુરુ પરમ પ્રતાપી તપસ્વી સિદ્ધ હતા. એમને વચનસિદ્ધિ સાંપડેલી. એમના આશીર્વાદ ફળતા. એમનો સમાગમ સાચેસાચ સુખદ હતો.’

‘તમે કમંડલ કુંડના એ સ્થાનમાં કેટલો વખત વાસ કર્યો ?’ મેં પૂછ્યું.

‘બધાં મળીને બાર વરસ.’

‘બાર વરસ ?’

‘હા. એ સ્થળમાં સામાન્ય રીતે એક યુગ થઈ ગયો.’

‘એ દરમ્યાન ત્યાં જ રહીને સેવા કરતા કે બીજે ક્યાંય જતા ?’

‘મારા ગુરુએ મને ભગવાન દત્તાત્રેયની સેવા સોંપેલી એટલે રોજ સવારસાંજ હું દત્ત ભગવાનના સ્થાન પર જતો. કડકડતી ઠંડી હોય કે મૂશળધાર વરસાદ હોય, રોજ પ્રાતઃકાળે સૂર્યોદય પહેલાં મારે ત્યાં પહોંચવું પડતું. વરસો સુધી મેં એ સેવાકાર્ય કર્યું, અને એ પણ અતિશય ઉત્સાહપૂર્વક ને આદર સાથે. ઉંમર નાની હતી પણ ઉત્સાહ અનેરો એટલે કોઈવાર કંટાળો ના આવ્યો. એ સ્થાનની સેવામાં અસાધારણ આનંદ આવતો. એ સેવાકાર્યને સોંપાવીને ભગવાન દત્તાત્રેયે મારા પર કૃપા કરી હોય એવું લાગતું.’

‘તમને એ દિવસો દરમિયાન કોઈ સિદ્ધ મહાપુરુષના કે દત્ત ભગવાનના દર્શનનો લાભ મળેલો ?’

‘કમંડલ કુંડનું સ્થાન અતિશય અદભુત મનાય છે. એ સુંદર શાંત સ્થાનમાં કોઈ કોઈવાર સિદ્ધપુરુષો પધારતા. અમારા ગુરુદેવ અમને એમની માહિતી આપતા. પરંતુ અમારી અલ્પ બુદ્ધિ તથા શક્તિને લીધે એમને ઓળખવાનું અઘરું હતું. મારા એ વખતના જીવનના એક આશ્ચર્યકારક પ્રસંગને હું આજે પણ નથી ભૂલ્યો. ભવિષ્યમાં પણ નહીં ભૂલી શકું. મારા નિત્ય નિયમ પ્રમાણે એક દિવસ વહેલી સવારે હું દત્ત ભગવાનના સ્થાન તરફ આગળ વધતો’તો ત્યારે દત્ત ભગવાનના સ્થળથી થોડેક દૂર પગથિયાં પર મેં કોઈક સંતપુરુષને સુતેલા જોયા. હું વિચારમાં પડ્યો કે આ સંત આટલા બધા વહેલા હજુ પૂર્ણ પ્રકાશ પ્રકટ્યો નથી તે પહેલાં અહીં કેવી રીતે ને ક્યાંથી આવ્યા ?  મારી બુદ્ધિ કામ કરી શકી નહીં. એ પગથી માથા સુધી ઓઢીને સુતેલા. એ પાછળથી ક્યારે અને ક્યાં વિદાય થયા તેની ખબર ના પડી. ભગવાન દત્તાત્રેય અથવા ગિરનારના પવિત્ર પ્રદેશમાં રહેતા કોઈક પરમસિદ્ધ મહાપુરુષ મારા પર કૃપા કરીને મને એવી રીતે દર્શનલાભ આપવા આવ્યા હોય એવું લાગ્યું. એમની સાથે કશી વાતચીત ના થઈ. એમની મુખાકૃતિની ઝાંખી પણ ના કરી શકાઈ તો પણ કોણ જાણે કેમ પણ એમના દર્શનથી શાંતિ મળી. અંતરમાં અલૌકિક અવર્ણનીય આનંદ ફરી વળ્યો.’

‘એવા કોઈ બીજા અસાધારણ પ્રસંગનું સ્મરણ થાય છે ?’

બ્રહ્મગિરિજી વિચારમાં પડ્યા. એમનું મન ગિરનારનાં વાદળ સાથે વાતો કરનારાં શૃંગો અને ગોરખનાથની ટૂંકથી દત્તશિખર સુધીનાં પગથિયાં પર પહોંચી ગયું. સહેજ વાર શાંત રહીને એમણે કહેવા માંડ્યું : ‘દત્ત ભગવાને મારી કસોટી કરવામાં કશું બાકી નહોતું રાખ્યું. એ કસોટીમાંથી હું એમની કૃપાથી જ પાર ઉતર્યો. ઠંડી અને વરસાદની કસોટી તો ઠીક પરંતુ એક દિવસ એમણે મારી ખૂબ જ કપરી કસોટી કરી. ગિરનારનાં જંગલોમાં ભયંકર હિંસક પશુઓ વસે છે. એમાંથી એકનો મને મેળાપ થયો. ભગવાન દત્ત પોતે જ એ સ્વરૂપમાં મારી પરીક્ષા માટે પધાર્યા હોય તો પણ કોને ખબર ? ગોરખ ટૂંકથી આગળ વધીને એક દિવસ હું દત્ત શિખર તરફ જઈ રહેલો ત્યારે માર્ગમાં મને એક ભયંકર પશુની મુલાકાત થઈ. એ પશુ પગથિયાંની એક તરફ ઊભેલું. અમારી આંખ એક થઈ. મારા હાથમાં પૂજાની સામગ્રી હતી. શું કરવું એ પ્રશ્ન પેદા થયો. ભયભીત બનવાથી કશું વળે તેમ ન હતું. મેં દત્ત ભગવાનનું સ્મરણ કર્યું. એમને પ્રાર્થના કરી. એ ભયંકર પ્રાણી મારી પરીક્ષા કરતાં ઊભું રહ્યું. આખરે હું એક તરફથી આગળ વધ્યો એટલે એ પર્વતની નીચેના વિસ્તારમાં કૂદી પડ્યું ને અદૃશ્ય થયું. ભગવાનની કૃપાથી જ મારી રક્ષા થઈ. ગિરનારના પર્વત પરનું જીવન એવી અનેક પ્રકારની અગ્નિપરીક્ષાઓથી ભરેલું હોવા છતાં હું હિંમત ના હાર્યો. નિરાશ ના થયો. કર્તવ્ય પ્રત્યે પ્રમાદી ના પણ ના બન્યો. ગુરુદેવની કૃપાથી મને કશી મુશ્કેલી ના પડી. અગ્નિપરીક્ષાનો એ આકરો સમય સમાપ્ત થયો અને મારે આ સ્થળમાં આવવાનું થયું. કમંડલ કુંડના મહંત તરીકે મારા ગુરુભાઈ કામ કરે છે.’

બ્રહ્મગિરિ મહારાજે ભૂતનાથ મહાદેવના મંહત તરીકે નીમાયા પછી એ સુંદર સ્થાનના વિકાસમાં સક્રિય રસ લીધો. એ સ્થાનનો પાર વિનાની પ્રતિકૂળતાઓની વચ્ચે વસીને ધીરજ ને હિંમતથી ઉત્તરોત્તર વિકાસ કર્યો. એમની આકાંક્ષા ત્યાં વિશાળ વિદ્યાલય સ્થાપવાની છે. મહાદેવમાં એમણે થોડાક વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસ માટે આશ્રય આપ્યો છે. સાધુસંતો અથવા અતિથિ અભ્યાગતોને માટે ત્યાં સદાવ્રત ચાલે છે. જેમને કરવું હોય તેમને બંને વખતે તૈયાર ભોજન મળે છે. બ્રહ્મગિરિજીએ જણાવ્યું કે રામરોટીનો રિવાજ અમારે ત્યાં પરંપરાથી ચાલ્યો આવે છે. જે આવે છે તેને ભિક્ષા મળે છે. કોઈકવાર કોઈ મહાપુરુષ પણ આવી જાય છે. એમના દર્શનથી કૃતાર્થ થવાય છે. મારા આવ્યા પછી આ સ્થળમાં સ્ત્રીઓ નિર્ભયતાથી વિહરે છે. એમનું કોઈ નામ નથી લેતું. કેટલાક લાગવગવાળા માથાભારે માણસોએ મને હેરાન કરવાના, અહીંથી નસાડવાના, અને અહીંના કેટલાક વિસ્તારને પચાવી પાડવાના પ્રયત્નો કરી જોયા પરંતુ ભૂતનાથ ભગવાનની કૃપાથી એ બધા નિષ્ફળ ગયા.

બ્રહ્મગિરિજી મહારાજ ભગવાન ભૂતનાથના કૃપાપાત્ર છે. એમની કૃપાથી એ સરસ કાર્ય કરી રહ્યા છે. નાથ સંપ્રદાયની સુખદ સ્મૃતિ કરાવતાં એ કાનમાં કુંડળ પહેરે છે. એમને લીધે એ સ્થળની શોભા ને મહત્તા વધી ગઈ છે. ગરવા ગિરનારની સુખદ છત્રછાયામાં સુશોભિત એ સ્થાન એમને લીધે વધારે શોભાયમાન અને સજીવ લાગે છે.

પ્રવાસીઓને એ પ્રેરણા પૂરી પાડે છે. પર્વત પર ચઢવાની ઈચ્છાવાળા પ્રવાસીઓને પ્રોત્સાહન પૂરું પાડતાં એકવાર એમણે જણાવ્યું : ‘ગિરનાર પર ચઢવાનું કામ ધાર્યા જેટલું અઘરું નથી. દત્ત ભગવાનની કૃપાથી ચઢી જશો. એ જ ચઢાવી દેશે. હિંમત ના હારશો. જેટલું જવાય એટલું જશો તો પણ લાભ જ થશે.’

અમારે નીકળવાનું થયું તે પહેલાં એમણે કહ્યું : ‘કોઈવાર મહાશિવરાત્રીના મેળા પર અહીં આવો તો ખૂબ જ સારું લાગશે. એ વખતે આ ભૂમિ સંતપુરુષોથી ભરાઈ જાય છે. એ દૃશ્ય અનેરું હોય છે.’

એવો અવસર તો જ્યારે આવે ત્યારે ખરો. અત્યારે તો એ પવિત્ર ભૂમિની સ્મૃતિ પણ આનંદ આપે છે ને પ્રેરક ઠરે છે.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

You must not lose faith in humanity. Humanity is an ocean; if a few drops of the ocean are dirty, the ocean does not become dirty.
- Mahatma Gandhi

prabhu-handwriting