Text Size

Sauptika Parva

યુદ્ધોત્તર પ્રતિક્રિયા

કૌરવકુળના સર્વસંહારના સમાચાર સાંભળીને ધૃતરાષ્ટ્ર અતિશય શોકમગ્ન બની ગયાં. રડવા તથા કકળવા લાગ્યા.

અમને મહર્ષિ વ્યાસે પણ આશ્વાસન આપ્યું.

વિદૂરની સૂચના તથા પ્રેરણાથી એ કૌરવોની મરણોત્તર ક્રિયા કરવા માટે તૈયાર થઇને કૌરવકુળની કેટલીક સ્ત્રીઓ અને કુંતી તથા દ્રૌપદી સાથે હસ્તિનાપુરની બહાર નીકળ્યા.

એમને મળવા માટે શ્રીકૃષ્ણ સાત્યકિ, યુયુત્સુ તથા પાંડવો સાથે આવી પહોંચ્યા.

ધૃતરાષ્ટ્ર એ પ્રસંગે પણ પોતાના વેર તથા પ્રતિશોધભાવને ભૂલી કે શાંત કરી ના શક્યા.

એ આંખથી અંધ તો હતા જ પરંતુ વિવેકાંધ પણ પુરવાર થયા.

એમનો ક્રોધ તેમજ પ્રતિશોધભાવ પરાકાષ્ઠા પર પહોંચી ગયો.

પુત્રોના નાશથી વિહવળ થઇને તથા શોકાતુર બનીને તે મનમાં પ્રીતિ ન હતી તો પણ શિષ્ટાચારને અનુસરીને, પુત્રોનો નાશ કરનાર યુધિષ્ઠિરને ભેટ્યા. પછી એમણે અગ્નિની પેઠે ભીમસેનને બાળી નાખવાની ઇચ્છા કરી. તેમનો ક્રોધાગ્નિ શોકરૂપી વાયુના પ્રચંડ પ્રહારથી ભડભડાટ બળવા અને ભીમસેનરૂપી અરણ્યને બાળી નાખવા ઇચ્છતો હોય તેમ દેખાવા લાગ્યો. પરંતુ શ્રીકૃષ્ણ ભીમસેન પ્રત્યેના એમના અશુભ આશયને પ્રથમથી જ સમજી ગયા હતા. તેથી તેમણે ભીમસેનને એક તરફ હટાવી દઇને ભીમસેનની લોખંડની મૂર્તિને ધૃતરાષ્ટ્રના બાહુપાશમાં ગોઠવી દીધી. શ્રીકૃષ્ણ મહાબુદ્ધિમાન અને ચતુર હોવાથી ધૃતરાષ્ટ્રના દુષ્ટ અમંગલ આશયને પ્રથમથી જ જાણી ગયેલા. એમણે દુર્યોધને ઘડાવેલી ભીમસેનની લોહમય મૂર્તિને મંગાવી રાખેલી. એ મૂર્તિને ધૃતરાષ્ટ્રની આગળ ધરી દીધી.

ધૃતરાષ્ટ્રે ભીમસેનની એ લોહમય મૂર્તિને સત્ય ભીમસેન માનીને જોરથી આલિંગન આપ્યું એટલે એ મૂર્તિના ભાંગીને ભુક્કા થઇ ગયા. ધૃતરાષ્ટ્રમાં દસ હજાર હાથીઓના બળ જેટલું બળ હતું. પરંતુ તે કર્મને લીધે તેમની છાતીમાં ભયંકર વેદના થવા લાગી, મુખમાંથી લોહી નીકળવા લાગ્યું, અને જોતજોતામાં તો સમસ્ત શરીરે લોહીલુહાણ થઇને તે પૃથ્વી પર પડવા લાગ્યા.

સમીપમાં ઊભેલા સંજયે તેમને પકડી રાખ્યા અને શાંત પાડવા માંડ્યા.

એ સહેજ સ્વસ્થ થયા એટલે શ્રીકૃષ્ણે એમની આગળ ભીમસેનની લોહમૂર્તિના નાશની સત્ય વાતને પ્રગટ કરી અને જણાવ્યું કે ભીમસેનની લોહમય પ્રતિમાને મેં પ્રથમથી જ મંગાવી રાખેલી. તેને તમારી આગળ ધરી દીધેલી. તમારું મન સંતાનોના શોકથી સંતપ્ત બનેલું અને અધર્મમય થયેલું તેથી તમે ભીમસેનને મારી નાખવાની ઇચ્છા કરેલી, પરંતુ તમે કદાચ ભીમસેનને મારી નાખત તોપણ, તમારા પુત્રો કોઇ રીતે જીવતા ના થાત. માટે શોકમુક્ત બનો અને વેરને તિલાંજલિ આપો.

જે રાજા બુદ્ધિને સ્થિર કરીને પોતાના દોષોને તથા દેશકાળના વિભાગને જાણે છે, તે રાજા પરમ શ્રેયને પામે છે. પરંતુ જે રાજા સુહૃદવર્ગના કહેવા છતાં હિત, અહિત અથવા કલ્યાણની વાતનો સ્વીકાર કરતો નથી, અને અનીતિને માર્ગે આગળ ચાલે છે, તે રાજા આપત્તિમાં આવી પડે છે અને શોક કરે છે. તમારું વર્તન બીજા પ્રકારના રાજા જેવું હતું. તમારો આત્મા તમને પોતાને અધીન ન હતો. તમે કેવળ દુર્યોધનને જ વશ થઇ રહ્યા હતા. તમારા પર આ સમયે જે આપત્તિ આવી છે તેમાં તમારો પોતાનો જ અપરાધ કારણભૂત છે. તો પછી ભીમસેનને મારી નાખવા શા માટે ઇચ્છો છો ? જે ક્ષુદ્ર દુર્યોધને પાંડવો સાથેની સ્પર્ધાને લીધે પાંચાલીને સભામાં ઘસડી મંગાવેલી તે દુર્યોધનને કેવળ વેરનો બદલો લેવા ભીમસેને મારી નાખ્યો છે. તમે તમારા પોતાના દુરાત્મા પુત્રના અપરાધ તરફ દૃષ્ટિ કરો. તમે નિર્દોષ પાંડવોનો પરિત્યાગ કર્યો હતો.

શ્રીકૃષ્ણના શબ્દોને સાંભળીને ધૃતરાષ્ટ્રનો ક્રોધ શાંત થયો.

હવે મહાભારતમાં વર્ણવેલી ગાંધારીની પ્રતિક્રિયાથી પણ પરિચિત થઇએ.

પાંડવો ધૃતરાષ્ટ્રની આજ્ઞા લઇને શ્રીકૃષ્ણ સાથે ગાંધારી પાસે પહોંચ્યા.

યુધિષ્ઠિરને પોતાની પાસે આવેલા જાણીને પુત્રોના શોકથી સંતપ્ત ગાંધારીએ શાપ આપવાની ઇચ્છા કરી પરંતુ પાંડવો પ્રત્યેના એના અશુભ અભિપ્રાયને પ્રથમથી જ જાણી લઇને મહર્ષિ વ્યાસ મનસમાન વેગને ધારણ કરીને એ પ્રદેશમાં આવી પહોંચ્યા. ભગવાન વેદવ્યાસ સર્વ પ્રાણીઓના હૈયામાં રહેલા આશયને દિવ્યદૃષ્ટિથી જોઇ શક્તા હતા; અને તેથી જ ગાંધારીનો અભિપ્રાય તેમના જાણવામાં આવી ગયો હતો. તેમણે ગાંધારીને હિતવચનો કહેવા માંડ્યા. તે દ્વારા શાંતિ પ્રવર્તાવી.

ભીમસેને પણ કેટલાંક સમયોચિત સ્પષ્ટીકરણ કરીને ગાંધારીને ડંખરહિત કરવાનો પ્રયત્ન કર્યો.

તેણે જણાવ્યું કે દુઃશાસનનું રુધિર મારા અધરોષ્ઠથી આગળ મારા મુખમાં ગયું જ નથી. માત્ર મારા બે હાથ જ તેના રુધિરથી ખરડાયેલા. એ વાતને સૂર્યપુત્ર કર્ણ સારી પેઠે જાણતો હતો. પૂર્વે જુગાર રમાઇ ગયા પછી દુઃશાસને દ્રૌપદીનો ચોટલો પકડીને તેને જ્યારે સભામાં ઘસડી હતી ત્યારે ક્રોધાવેશને લીધે હું પ્રતિજ્ઞાવચન બોલ્યો હતો તે મારા હૃદયમાં ઘોળાયા કરતા. પ્રતિજ્ઞાવચનનું જો હું પાલન ના કરું તો ક્ષાત્રધર્મથી ભ્રષ્ટ થયેલો ગણાઉં અને મારે ચિરકાળપર્યંત નરકવાસ કરવો પડે. એથી જ મેં એવું કામ કર્યું હતું. માટે મારા પર દોષદૃષ્ટિ કરવી યોગ્ય નથી.

ગાંધારી બોલી કે મારા પુત્રોના કાળરૂપ તેં મારા એક જ પુત્રને બાકી રાખીને જો ક્ષાત્રધર્મનું પાલન કર્યું હોત તો મને આવું દુઃખ ના થાત.

પુત્રોના તથા પૌત્રોના નાશથી અતિ આતુર બનેલી ગાંધારીએ ક્રોધપૂર્વક પૂછ્યું કે યુધિષ્ઠિર ક્યાં છે ?

યુધિષ્ઠિર બે હાથ જોડીને તેમની પાસે પહોંચ્યા, અને બોલ્યા કે તમારા પુત્રોનો નાશ કરનારો યુધિષ્ઠિર આ રહ્યો. યુધિષ્ઠિર જ્યારે શરીરને નમાવીને તેમના ચરણે પડવા ગયા ત્યારે દીર્ઘદૃષ્ટિવાળી ધર્મજ્ઞ દેવી ગાંધારીએ નેત્રો પર બાંધેલા વસ્ત્રના અંતરમાંથી રાજાની આંગળીઓનાં ટેરવાં ઉપર દૃષ્ટિપાત કર્યો એટલે તરત જ રાજા યુધિષ્ઠિરના સુંદર નખ એકદમ શ્યામ થઇ ગયા.

એ જોઇને અર્જુન કૃષ્ણની પાછળ છુપાઇ ગયો. પાંડવો નાસભાગ કરવા લાગ્યા. ત્યારે દેવી ગાંધારીનો ક્રોધ દૂર થયો. અને એણે માતાની પેઠે તેમને શાંત પાડ્યા.

ધૃતરાષ્ટ્રની તથા ગાંધારીની યુદ્ધોત્તર પ્રતિક્રિયાનું એ વર્ણન સૂચવે છે કે સંગ્રામો નાના હોય કે મોટા, તોપણ પોતાની પાછળ પ્રતિશોધભાવ, પીડા અને અશાંતિને મૂકી જાય છે. જીતનાર અને હારનાર કોઇને પણ સંપૂર્ણ શાંતિ નથી આપતા. સદા માટે અકલ્યાણકારક ઠરે છે. માટે પ્રયાસ તો એવા કરવા જોઇએ કે એ થાય જ નહીં અને થયા હોય તો સત્વર શમી જાય. એમની પાછળની પ્રેરકવૃત્તિ, સ્વાર્થ, લોભ, મોહ, અહંકાર, દ્વેષાદિમાંથી મુક્તિ મેળવવામાં આવે તો માનવ એમની વિઘાતક અસરમાંથી બચી શકે અને બીજાને બચાવી શકે.