Text Size

Sauptika Parva

ગાંધારીનો શાપ અને ઉત્તરક્રિયા

ગાંધારીએ પોતાના પુત્રો, સ્વજનો અને અન્ય યોદ્ધાઓના સ્વર્ગવાસના સમાચારથી અતિશય શોકાતુર અને ઉદ્વિગ્ન બનીને યુદ્ધભૂમિનું અવલોકન કર્યું.

એ અવલોકન અત્યંત કરુણ થઇ પડ્યું.

રણભૂમિમાં દુર્યોધન, દુઃશાસન, વિકર્ણ, અભિમન્યુ, કર્ણ, જયદ્રથ, ભીષ્મપિતામહ, ભરિશ્રવા તથા દ્રોણાચાર્ય જેવા લોકોત્તર કૌરવયોદ્ધાઓને કાળના ગ્રાસ થયેલા જોઇને એનું કાળજું કકળવા લાગ્યું.

એને જીવન નિરર્થક અથવા નિરસ દેખાયું.

એણે શ્રીકૃષ્ણને કરુણાર્દ્ર સ્વરે કહેવા માંડયું કે તમારી સાથે રહેનારા પાંડવો ખરેખર અવધ્ય જ છે. તેથી દ્રોણાચાર્ય, ભીષ્મ, કર્ણ, કૃપાચાર્ય, દુર્યોધન, અશ્વત્થામા, જયદ્રથ, સોમદત્ત, વિકર્ણ અને શૂરવીર કૃતવર્માના સપાટામાંથી છૂટી ગયા છે. અરેરે ! કાળનો પલટો તો જુઓ. જે શૂરવીરો શસ્ત્રોના વેગથી સાક્ષાત દેવોને પણ મારી શકે તેવા સમર્થ હતા તે યુદ્ધમાં માર્યા ગયા છે. દેવને કોઇ પણ કાર્ય કરવામાં પરિશ્રમ પડતો નથી. કારણ કે આ શૂર ક્ષત્રિય વીરો સામાન્ય ક્ષત્રિયોના હાથે પણ માર્યા ગયા છે. તમે પ્રથમ જ્યારે સંધિ કરવાની ઇચ્છા સાથે હસ્તિનાપુરમાં આવેલા અને ત્યાંથી નિષ્ફળ થઇને ઉપલવ્યનગર તરફ પાછા ગયેલા ત્યારે જ મારા બળવાન પુત્રો મરણને પામી ચૂકેલા. શાંતનુકુમાર ભીષ્મે તથા મહાબુદ્ધિમાન વિદુરે મને ત્યારે જણાવેલું કે ગાંધારી તમારા પુત્રો પરના સ્નેહને હવે છોડી દેજો. એમની એ ભવિષ્યવાણી સાચી હતી. માટે તો મારા પુત્રો જોતજોતામાં નાશ પામ્યા.

શ્રીકૃષ્ણને એવું કહીને શોકથી મૂર્છિત થયેલી ગાંધારી ધૈર્યરહિત થઇને ધરતી પર ઢળી પડી. તેના વિજ્ઞાનનો નાશ થઇ ગયો. તે પુત્રોના શોકમાં ડૂબી ગઇ. તેની ઇન્દ્રિયો વ્યાકુળ થઇ ગઇ. આ સર્વસંહારનો સર્વદોષ શ્રીકૃષ્ણનો જ છે એમ માનીને અતિશય કોપાયમાન બનીને બોલી કે પાંડવો અને કૌરવો પરસ્પર વેર કરીને મૃત્યુ પામ્યા તોપણ તમે શા માટે તેમના નાશની ઉપેક્ષા કરી ? તમે શક્તિમાન હતા, તમારી પાસે અનેક સેવકો હતા; તમારી પાસે મહાન સૈન્ય હતું; અને શાસ્ત્રકુશળતા તથા વાકપટુતાને લીધે તમે ઉભય પક્ષનું સમાધાન કરવામાં સમર્થ હતા, છતાં પણ તમે જાણી જોઇને કુરુઓના નાશની ઉપેક્ષા કરી છે. માટે તેના ફળને જરૂર પામશો. મેં મારા પતિની સેવા દ્વારા આજ પર્યંત જે તપોબળને પ્રાપ્ત કર્યું છે તે દુર્લભ તપોબળના સામર્થ્યથી તમને શાપ આપું છું કે પરસ્પર બંધુ સંબંધથી જોડાયેલા કૌરવ પાંડવો અન્યોન્યનો સંહાર કરવા તત્પર થયા ત્યારે તમે તેમની ઉપેક્ષા કરી છે, માટે તમે પણ તમારા બંધુઓનો સંહાર કરનારા થઇ પડશો. આજથી છત્રીસમે વરસે તમારા સર્વ બંધુઓ, મંત્રીઓ તથા પુત્રોનો નાશ થઇ જશે અને તમે પોતે પણ વનમાં વિચરશો. તમે અનાથ પેઠે અજ્ઞાત થઇ જશો. અને લોકોમાં તમારી ઓળખ પણ નહીં પડે. અંતે અતિનિંદ્ય રીતે મરણ પામશો. ભરતકુળની સ્ત્રીઓ પોતાના પુત્રોનો, સંબંધીઓનો તથા બાંધવોનો નાશ થવાથી રોકકળ કરે છે તેમ, તમારા યાદવકુળની સ્ત્રીઓ તેવાં જ હેતુથી રોકકળ કરશે.

ગાંધારીના ઘોર શાપ વચનને સાંભળીને શ્રીકૃષ્ણે સ્મિત કરીને જણાવ્યું કે જેને માટે મેં પ્રથમથી જ નિશ્ચય કરેલો તે કાર્યને તમે શાપ દ્વારા સિદ્ધ કર્યો છે. હું જાણું છું કે યાદવો તેવા દૈવીયોગથી જ નાશ પામવાના છે. યાદવકુળનો નાશ કરી શકે તેવો મારા વિના બીજો એક પણ પુરુષ આ જગતમાં નથી. મનુષ્ય દેવો કે દાનવો પણ યાદવોનો નાશ કરવા સમર્થ નથી. તેઓ પરસ્પર યુદ્ધ કરીને જ નાશ પામશે. ભગવાન કૃષ્ણે કહ્યું કે હવે શોકને દૂર કરો. કૌરવો કેવળ તમારા અપરાધથી નાશ પામ્યા છે. દુર્યોધન દુરાત્મા હતો, ઇર્ષાળુ હતો, અત્યંત અભિમાની અને પાપી હતો. તોપણ તમે તેનું સન્માન કરતાં અને તેને સૌથી સારો માનતા. સર્વની સાથે વેર કરનાર અને વૃદ્ધપુરુષોનું પણ અપમાન કરનારા એ ક્રુર પુરુષને સારો માનીને તમે પોતે જ દોષનો મારા પર આરોપ કરવાની શા માટે પ્રવૃત્તિ કરો છો ? જે મનુષ્ય પોતાના મરી ગયેલા અથવા નાસી ગયેલા સંબંધીનો શોક કરે છે તે ઘણું જ દુઃખ પામે છે.

શોકસંતપ્ત ગાંધારીએ શ્રીકૃષ્ણને શાપ આપ્યો તોપણ શ્રીકૃષ્ણ સ્વસ્થ અને શાંત રહ્યા અને સ્મિતને સાચવી શક્યા એ શું સૂચવે છે ? એ જ કે એ સંસારમાં હતા તોપણ સંસારની પ્રતિક્રિયાથી પર હતા. મનના, ઇન્દ્રિયોના સ્વામી, પ્રકૃતિના નિયંતા, પ્રભુ અથવા અધિષ્ઠાતા હતા માટે જ એ અચળ રહ્યા નહીં તો ગાંધારીને સામે શાપ આપી શકત. ગાંધારીનું વ્યક્તિત્વ એમની આગળ સાંસારિક અને સાધારણ લાગે છે. માનવની સાત્વિકતા શીલસંપત્તિ અને શાંતિની કસોટી અનૂકૂળતામાં થાય છે તેના કરતા પ્રતિકૂળતા દરમિયાન વધારે થતી હોય છે. શ્રીકૃષ્ણ પરિસ્થિતિથી પર હતા. પર રહ્યા. મહામાનવો એવા જ હોય છે.

ધૃતરાષ્ટ્રની જિજ્ઞાસાના જવાબમાં યુધિષ્ઠિરે જણાવ્યું કે મહાભારતના મહાયુદ્ધમાં છાસઠ કરોડ, એક લાખ અને ત્રીસ હજાર યોદ્ધાઓ મરણ પામ્યા. તેમાં ચોવીસ હજાર, એકસો ને પાસઠ યોદ્ધાઓ તો બંને પક્ષમાંથી કોઇના જાણીતા ન હતા.

યુધિષ્ઠિરે તેમની ગતિનું પણ મરણોત્તર વર્ણન કર્યું.

તેમને તીર્થયાત્રા પ્રસંગે તેવું વિશિષ્ટ જ્ઞાન પણ દેવર્ષિ લોમશનાં દર્શનથી અને સમાગમથી પ્રાપ્ત થયેલું.

ધૃતરાષ્ટ્રના આદેશ અનુસાર યુધિષ્ઠિરે સૌની ઉત્તર ક્રિયા કરાવી.

તેમણે કર્ણની ક્રિયા કરાવીને કહ્યું કે મેં પાપીએ મારા મોટા ભાઇ કર્ણને મારી માતા કુંતીના ગુપ્તમંત્રને નહીં જાણવાથી મરાવી નાખ્યો છે. માટે હું કહું છું કે કોઇ પણ સ્ત્રીના હદયમાં હવે પછી કોઇ પણ ગુપ્ત વાત ટકી શકે નહીં.

એ પછી એ ગંગાસ્નાન માટે વિદાય થયા.

મહાભારતના મહાયુદ્ધમાં કૌરવપાંડવોના કેટલા બધા યોદ્ધાઓ મરાયા ? એનો છાસઠ કરોડ, એક લાખ, ત્રીસ હજારનો જે ચોક્કસ આંકડો યુધિષ્ઠિર દ્વારા આપવામાં આવ્યો એ આંકડા પરથી અનુમાન થાય છે કે એ વખતે એટલે કે મહાભારતના મહાભીષણ યુદ્ધકાળ દરમ્યાન સમસ્ત દેશની વસ્તી એથી પણ વધારે, ખૂબ જ વધારે હોવી જોઇએ. છાસઠ કોટિનો અર્થ છાસઠ પ્રકાર કરવામાં આવે તો તે વર્ણનને બીજી રીતે વાંચી વિચારી શકાય. પરંતુ કરોડનો નિર્દેશ હજાર તથા લાખની પહેલા આવતો હોવાતી એ નિર્દેશ સંખ્યાસૂચક નથી પરંતુ પ્રકારસૂચક છે એવું માનવાનું મન સહેલાઇથી ના થાય એવું છે.

યુધિષ્ઠિરમાં આવેલી એવા સુનિશ્ચિત સંખ્યાજ્ઞાનની અને યોદ્ધાઓની મરણોત્તર ગતિના જ્ઞાનની શક્તિ મહામુનિ લોમશના અલૌકિક અનુગ્રહથી આવિર્ભાવ પામેલી એવા સ્પષ્ટીકરણ દ્વારા લોકોત્તર મહાપુરુષોના દર્શન સમાગમ શુભાશીર્વાદના અમોઘ અસીમ સામર્થ્ય પ્રત્યે અંગુલિનિર્દેશ કરવામાં આવ્યો છે. યુદ્ધમાં મૃત્યુ પામેલા વિરોધી વીરયોદ્ધાઓની પણ વિધિપૂર્વક ઉત્તરક્રિયા કરીને યુધિષ્ઠિરે દર્શાવ્યું કે એમની માનવતા મરી પરવારી નહોતી. સંઘર્ષ સિદ્ધાંતને માટે અન્યાય, અશુભ, અનાચાર સામે હોઇ શકે, પરંતુ તેમાં તથા તે પછી માનવતાનો મૃત્યુઘંટ ના વાગવા દેવાય. માનવે તો દાનવ બનવાને બદલે દાનવતાને દફનાવી દઇને માનવ જ રહેવું જોઇએ.