Text Size

Shvetashvatara

Chapter 1, Verse 09

ज्ञाज्ञौ द्वावजावीशनीशावजा ह्येका भोक्तृभोग्यार्थयुक्ता ।
अनन्तश्चात्मा विश्वरूपो ह्यकर्ता त्रयं यदा विन्दते ब्रह्ममेतत् ॥९॥

jnajnau dvavajavisanisavaja
hyeka bhoktrbhogyarthayukta ।
anantaschatma visvarupo hyakarta
trayam yada vindate brahmametat ॥ 9॥

ઈશ્વર સર્વસમર્થ અને સર્વજ્ઞ; જીવ અલ્પજ્ઞ જ છે,
અલ્પશક્તિ છે જીવ, અજન્મા કહ્યા વળી તે બંને છે;
વળી અજન્મા પ્રકૃતિ પણ છે, જીવોને તે ભોગ ધરે,
અનંત છે પરમાત્મા તે તો તે બંનેથી જુદા જ છે.
વિશ્વરૂપ તે બધું કરે છે છતાં અકર્તા જેમ રહે,
પ્રકૃતિજીવતણા છે સ્વામી, જે જાણે તે મુક્ત બને. ॥૯॥

અર્થઃ

જ્ઞાજ્ઞૌ  - સર્વજ્ઞ અને અજ્ઞાની
ઇશનીશૌ - સર્વસમર્થ અને અસર્વસમર્થ
દ્વૌ - બંને
અજૌ - અજન્મા આત્મા છે (અને)
ભોક્તૃભોગ્યાર્થયુક્તા - ભોગવનારા જીવાત્માને માટે ઉપયોગી ભોગ્યસામગ્રીથી સંપન્ન
હિ - તથા
અજા - અનાદિ પ્રકૃતિ
એકા - એક ત્રીજી શક્તિ છે. (એ ત્રણેમાં જે ઇશ્વર તત્વ છે તે બીજા બંનેથી વિલક્ષણ છે.)
હિ - કારણ કે
આત્મા - પરમાત્મા
અનંત - અનંત
વિશ્વરૂપઃ - સંપૂર્ણ રૂપોવાળા
ચ - અને
અકર્તા - કર્તૃત્વના અભિમાનથી મુક્ત છે.
યદા - જ્યારે
એતત્ ત્રયમ્ - ઇશ્વર, જીવ તથા પ્રકૃતિ એ ત્રણેને
બ્રહ્મમ્ - બ્રહ્મરૂપમાં
વિંદતે - પામી લે છે (ત્યારે બંધનમુક્ત બની જાય છે).

ભાવાર્થઃ

ઇશ્વર સર્વસમર્થ અને સર્વજ્ઞ છે. જીવાત્મા અલ્પ શક્તિવાળો અને અજ્ઞાની. એ બંને અજન્મા છે. એ ઉપરાંત, ત્રીજી શક્તિ પ્રકૃતિની છે. એ પણ અજન્મા છે. એ જીવાત્માના ભોગોપભોગની વિવિધ સામગ્રીથી સંપન્ન છે. પરમાત્મા જીવાત્મા તથા પ્રકૃતિ બંનેથી વિલક્ષણ અથવા વિશિષ્ટ છે. અનંત અને સર્વરૂપ છે. એ સમસ્ત સંસારનું સર્જન, સંરક્ષણ, વિસર્જન કરતા હોવાં છતાં પણ અહંકારરહિત હોવાથી અકર્તા છે. પ્રકૃતિમાં જીવનો પણ સમાવેશ થાય છે. એ પરમાત્માથી અભિન્ન અંતરંગ શક્તિ છે. છાયા છે. એવી રીતે વિચારવાથી એ પરમાત્મારૂપ છે અને પરમાત્મા જ સર્વોપરી છે એવું અનુભવાય છે. એકતાની એવી અંતિમ અનુભૂતિથી સાધક બંધન અથવા અવિદ્યામાંથી મુક્તિ મેળવે છે ને ધન્ય બને છે.