Text Size

Shvetashvatara

Chapter 1, Verse 11

ज्ञात्वा देवं सर्वपाशापहानिः क्षीणैः वलेशेर्जन्ममृत्युप्रहाणिः ।
तस्याभिध्यानात्तृतीयं देहभेदे विश्वैश्वर्यं केवल आप्तकामः ॥११॥

jnatva devam sarvapasapahanih
ksinaih valeser janma mrtyu prahanih ।
tasyabhidhyanat trtiyam deha-bhede
visvaisvaryam kevala aptakamah ॥ 11॥

નિત્ય ધ્યાન ધરવાથી તે પ્રભુ પ્રાપ્ત થાય છે સાધકને,
સર્વ બંધ તૂટે છે ત્યારે, પાંચ ક્લેશ પણ નષ્ટ બને;
જન્મમૃત્યુ ના રહે પછીથી; શરીર તેનું પડે પછી,
કેવલ પ્રભુમાં મળી જાય તે કામના રહે ના જ જરી. ॥૧૧॥

અર્થઃ

તસ્ય - એમનું
અભિધ્યાનાત્ - સતત ધ્યાન કરવાથી
દેનમ્ - એ દેવોના દેવ પરમાત્માને
જ્ઞાત્વા - જાણી લેવાથી
સર્વપાશાપહાનિઃ - સર્વે બંધનોનો નાશ થાય છે.
ક્લેશૈઃ ક્ષીણૈઃ - ક્લેશોનો નાશ થવાથી
જન્મમૃત્યુપ્રહાણઃ - જન્મ તથા મૃત્યુનો એકદમ અભાવ થઇ જાય છે.
દેહભેદે - શરીરનો અંત આવતાં
તૃતીયમ્ - ત્રીજા લોક અથવા સ્વર્ગ સુધીના
વિશ્વેશ્વર્યમ્ (ત્યક્તવા) - સમસ્ત ઐશ્વર્યને છોડીને
કેવલઃ - શુદ્ધ
આત્મકામઃ - પૂર્ણકામ બની જાય છે.

ભાવાર્થઃ


દેવોના દેવ પરમાત્માના પ્રત્યક્ષ પરિચયને માટે એમનું પ્રેમપૂર્વક સતત ધ્યાન કરવું જોઇએ. એ જ એક અકસીર અમોઘ સાધન છે. ધ્યાન દ્વારા પરમાત્માનો પ્રત્યક્ષ પરિચય થાય છે, એમનો સંબંધ બંધાય છે અને એમના રહસ્યનું ઉદઘાટન સહેલું બને છે. પરમાત્માની પરમકૃપાથી બંધન તથા ક્લેશોનો નાશ થાય છે ને વાસના તથા વિકારો શમી જાય છે. જન્મ તથા મૃત્યુમાંથી મુક્તિ મળે છે. પરમાત્માની પરમકૃપાનો આસ્વાદ મળતાં આ લોક તો શું પરંતું સ્વર્ગલોકના સુખોપભોગની કામના નથી રહેતી. મન સંપૂર્ણ વિશુદ્ધ અથવા વાસનારહિત બની જાય છે. આત્માની અંદરથી જ પરમ તૃપ્તિ, પરમ શાંતિ તથા પરમાનંદની પ્રાપ્તિ થાય છે. સાધક સર્વકાળે સર્વપ્રકારે સાર્થકતાને અનુભવે છે. પરમાત્માના પ્રત્યક્ષ પરિચય વિના જીવનની કૃતકૃત્યતા કે પરિપૂર્ણતા કદાપિ નથી થઇ શકતી. ઉપનિષદનો આ શાશ્વત સંદેશ છે.