Text Size

Shvetashvatara

Chapter 1, Verse 12

एतज्ज्ञेयं नित्यमेवात्मसंस्थं नातः परं वेदितव्यं हि किञ्चित् ।
भोक्ता भोग्यं प्रेरितारं च मत्वा सर्वं प्रोक्तं त्रिविधं ब्रह्ममेतत् ॥१२॥

etajjneyam nityamev atma samstham
natah param veditavyam hi kinchit ।
bhokta bhogyam preritaram cha matva
sarvam proktam trividham brahmametat ॥ 12॥

આજ હૃદયમાં સ્થિત ઈશ્વર છે જાણી લેવાયોગ્ય સદા,
અન્ય કૈં નથી જ્ઞેય; તે જ છે કારણ મૂળ કહ્યાં સહુના;
જીવ અને પ્રકૃતિ ને પ્રભુને જાણ્યે કૈં ના શેષ રહે,
પ્રકૃતિ, આત્મા ને પરમાત્મા બ્રહ્મતણાં છે રૂપ ત્રણે. ॥૧૨॥

અર્થઃ

આત્મસંસ્થમ્ - પોતાની અંદર વિરાજમાન
એતત્ - એ બ્રહ્મને
એવ - જ
નિત્યમ્ - સદા
જ્ઞેયમ્ - જાણવા જોઇએ.
હિ - કેમ કે
અતઃ પરમ્ - એમનાથી ઉત્તમ
વેદિતવ્યમ્ - જાણવા યોગ્ય
કિંચિત્ - બીજું કાંઇપણ
ન - નથી
ભોકતા - ભોક્તા જીવાત્મા
ભોગ્ય - ભોગ્ય જડવર્ગ અથવા અપરા પ્રકૃતિ અને
પ્રેરિતારમ્ - એમના પ્રેરક પરમાત્મા
મત્વા - (એ ત્રણેને) જાણીને (માનવ)
સર્વમ્ - સર્વકાંઇ (જાણી લે છે).
એતત્ - (એવી રીતે) આ
ત્રિવિધમ્ - ત્રણ પ્રકારે
પ્રોક્તમ્ - બતાવાયેલા
બ્રહ્મમ્ - પરમાત્મા છે.

ભાવાર્થઃ

જગતમાં જાણવા જેવા વિષયો તો કેટલાય છે, પરંતુ પરમાત્માને જાણવાથી જ આત્મકલ્યાણ સાધી શકાય છે. પરમાત્માને જાણવાથી જ શાંતિ, મુક્તિ, તથા પૂર્ણતાને પામી શકાય છે. એ પરમાત્મા જીવાત્માના તથા પ્રકૃતિના પ્રેરક છે. એમની પાછળ સૂત્રધારરૂપે એ જ રહેલાં છે. એમને જાણવાથી સઘળું સધાઇ જાય છે. એ જ સૌથી શ્રેષ્ઠ અને જાણવાયોગ્ય છે. એમને જાણવા માટે બહારની દુનિયામાં દૃષ્ટિ દોડાવવાની જરૂર નથી રહેતી. એ શરીરની અંદર વિરાજમાન હોવાથી અંતર્મુખ બનવાથી અથવા ધ્યાનનો આધાર લઇને પોતાની અંદર દૃષ્ટિપાત કરવાથી એમનો સાક્ષાત્કાર કે સંપર્ક સહેલો બને છે. એમના સાક્ષાત્કાર પછી સમજાય છે કે જીવાત્મા, પ્રકૃતિ અને સમસ્ત સંસારરૂપે એ જ રહેલા છે, એમની જ શક્તિ કાર્ય કરે છે, અને એ જ અખંડ અનંત રસમય રાસલીલા રમે છે.