Text Size

ભાગ્ય

નિસર્ગના ખોળે ખેલેલાં ધારી જન્મ તમે
એવી માતા મેળવવાનું પામ્યા ભાગ્ય અમે.
ગૌરવ છે અમને એ માટે; કૂડકપટ શોષણ
અનાચાર અન્યાય કર્યા ના; પામીને પોષણ

જર્જર શાંત મઢૂલીમાંથી બન્યા સર્વને વંદ્ય
તમને મેળવવાનું પામ્યા અમે ભાગ્ય બલવંત.
જીવન સાદું, શુદ્ધ વિચારો, વિશદ તમારી વાણી,
નિર્ભયતા સ્વાશ્રય અપરિગ્રહ સહજ સરળતા ભારી;

પ્રેમ ટેક નિઃસ્વાર્થ તમારી ઉપકારકતા ન્યારી,
પીવાનું મૂકીને પાતાં અન્યજનોને પાણી.
છાયા ધરતાં તાપ સહીને, અશ્રુ લુછતાં રોઈ,
ઘા રૂઝવતાં જખમી દિલનાં સુખ પોતાનું ખોઇ;

શાંત સ્વમાની પવિત્ર પ્રભુમય જીવનને જીવનારાં
જ્યાં પણ વિચર્યાં વસ્યાં ત્યાં બન્યાં સર્વ જનોના પ્યારાં.
બગાડ્યું નહીં કોઇનુંયે, બગાડવા ના માંગ્યું,
સદા સુધાર્યું અન્ય જનોનું બગડ્યું નિજ છો લાગ્યું.

નાના ગામે જન્મ ધરીને જગનાં થયાં તમે
એવી માતા મેળવવાનું પામ્યા ભાગ્ય અમે.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Death is not extinguishing the light; it is only putting out the lamp because the dawn has come.
- Rabindranath Tagore

prabhu-handwriting