Sunday, May 19, 2013
   
Text Size

ગાર્ગી

આત્મજ્ઞાની પુરુષોની કદર કરનારા અને એમની સેવામાં માનનારા રાજા જનકે એકવાર હજાર હૃષ્ટપુષ્ટ દૂધ આપનારી ગાયો તૈયાર કરાવી તથા પ્રત્યેક ગાયને શીંગડે બે બે સુવર્ણ મુદ્રાઓ બંધાવીને વિદ્નજ્જનોની સભાને સંબોધીને કહ્યું :

"તમારામાંથી જે સૌથી વધારે વિદ્વાન અને આત્મજ્ઞાની હોય તે આ ગાયોને લઈ જાય."

ગાયોને લેવાનું મન કોને ના થાય ? તેમાં પણ એવી સુંદર ગાયો ! જનકના શબ્દો સાંભળીને સૌ એકમેકના તરફ જોવા લાગ્યા. ગાયોને લઈ જવાનો પ્રસ્તાવ હતો તો આકર્ષક, પરંતુ જનક રાજાએ જે શરત રાખેલી તેનું શું ? એ શરત કોણ પૂરી કરે ? સૌથી વધારે વિદ્વાન અથવા આત્મજ્ઞાની કોણ છે તે કેવી રીતે સમજાય ? અને પોતાને સભાજનોમાં અથવા વધારે સારા શબ્દોમાં કહીએ તો સભામાં એકઠા થયેલા વિદ્વદ મંડળમાં શ્રેષ્ઠ આત્મજ્ઞાની માનીને એ ગાયોને લઈ જવાની હિંમત પણ કોણ કરે ? એ હિંમત એક પ્રકારનું સાહસ જ ગણાય.

થોડા વખત સુધી તો સભામાં શાંતિ પ્રસરી રહી.

પરંતુ પછી સભામાં બેઠેલા મહર્ષિ યાજ્ઞવલ્ક્ય ઊભા થયા ને પોતાના શિષ્યને સંબોધીને બોલ્યા -

"આ ગાયોને આપણે ત્યાં લઈ લે."

સભાના વિદ્વાનો તથા પંડિતોને માટે એ એક મહાન અને ખુલ્લો પડકાર હતો. પરંતુ એ પડકાર ઝીલે કોણ ?

સમસ્ત સભામાં સન્નાટો છવાઈ ગયો. યાજ્ઞવલ્ક્યને રાજા જનકે પૂછ્યું પણ ખરું !

'તમારી જાતને તમે સૌથી જ્ઞાની માનો છો ?'

બીજા બે ત્રણ પુરુષોએ પણ એવું જ પૂછ્યું.

યાજ્ઞવલ્ક્યે ઉત્તર આપ્યો:

'મારું મન તો આ ગાયોને જોઈને લલચાઈ ગયું છે.'

પરંતુ એ તો કાંઈ ઉત્તર કહેવાય ? એવો ઉત્તર કોને સંતોષ આપી શકે ?

સભામાં અઢારેક વરસની એક કુમારી બેઠેલી. એ કુમારી ભારે વિચક્ષણ બુદ્ધિની, ત્યાગ-પરાયણ તથા જ્ઞાની હતી. એના મુખમંડળ પર દિવ્ય પ્રકારની દીપ્તિ હતી. એનાં નેત્રો નિર્મળ હતાં. એમાંથી એક જાતની અલૌકિકતા ટપક્યા કરતી. એનું નામ ગાર્ગી વાચકનવી.

એણે તદ્દન નિર્ભય બનીને વિદ્વાનોની એ સભામાં યાજ્ઞવલ્ક્યને પડકાર કર્યો.

એ પરમ નિર્મળ વ્યક્તિત્વવાળી બ્રહ્મવાદિની, વિદુષી ગાર્ગીને યાજ્ઞવલ્ક્યનો મુકાબલો કરવા માટે વિદ્વાનોએ પોતાના પ્રતિનિધિ તરીકે પસંદ કરી એટલે એ યાજ્ઞવલ્ક્ય સાથે શાસ્ત્રાર્થ કરવા તૈયાર થઈ. એણે યાજ્ઞવલ્ક્યને કહ્યું :

'વીર યોદ્ધાઓ જેવી રીતે શત્રુ પર છોડવાના આશયથી હાથમાં બાણ લઈને ઊભા રહે છે, તેવી રીતે હું તમારી કસોટી કરવા તમારી સામે ઊભી રહી છું. હું તમને પાંચ પ્રશ્નો પૂછીશ. એમના સંતોષકારક ઉત્તરો આપીને તમારા જ્ઞાનની શ્રેષ્ઠતા સાબિત કર્યા પછી જ તમે ગાયોને લઈ જઈ શકશો - તે વિના નહિ.'

એ બ્રહ્મવાદિની વિદુષી ગાર્ગીએ યાજ્ઞવલ્ક્યને પૂછેલા તત્વજ્ઞાન વિષયક પ્રશ્નોના ઉત્તરો યાજ્ઞવલ્ક્યે સંતોષકારક રીતે પૂરા પાડ્યા ત્યારે જ યાજ્ઞવલ્ક્ય ગાયોને લઈ જઈ શક્યા.

ગાર્ગીએ કહ્યું કે યાજ્ઞવલ્કય ગાયોને લઈ જવા માટે સૌથી વધારે લાયક છે.

પરંતુ યાજ્ઞવલ્ક્ય પણ ગાર્ગીની નિર્ભયતા, વિદ્વતા ને નિર્ભયતા જોઈને છક બની ગયા. એમણે ગાર્ગીને શાબાશી આપી.

પોતાના અનુપમ આકર્ષક વ્યક્તિત્વથી ને પોતાની અસાધારણ બૌદ્ધિક પ્રતિભાથી સૌને મંત્રમુગ્ધ કરનાર એ તપસ્વિની ગાર્ગી ભારતના વૈદિક વખતનાં જ નહિ પરંતુ સર્વ કાળનાં પ્રતાપી સ્ત્રી પાત્રોમાં અમર છે. જે લોકો એમ કહે છે કે ભારતમાં પ્રાચીન કાળમાં સ્ત્રીના વિકાસની કોઈ તકો ન હતી ને સ્ત્રીઓ પછાત હતી તેમણે ભારતના એ અતીત કાળનો ઈતિહાસ પૂરેપૂરો જાણ્યો જ નથી. એમણે ગાર્ગી જેવી સન્નારીઓની ગૌરવગાથાઓને જાણવાની જરૂર છે. જે દેશના મહાપુરુષ મનુએ પોતાની સ્મૃતિમાં એવો સુંદર સંદેશ આપ્યો કે,

યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, રમંતે તવ દેવતા: ।
યત્રૈતાસ્તુ ન પૂજ્યન્તે સર્વે તત્રા ફલા ક્રિયા: ॥

 

એટલે કે જ્યાં સ્ત્રીઓનું સર્વપ્રકારે સન્માન ને પૂજન થાય છે તથા તેમની સમુન્નતિની યોજનાઓ કરવામાં આવે છે ત્યાં દેવતા અથવા દૈવી તત્વો વાસ કરે છે, ને જ્યાં એમનો અનાદર થાય છે ત્યાં બધી જ પ્રક્રિયાઓ નિષ્ફળ બને છે, તે દેશ સ્ત્રીઓને પછાત કેવી રીતે રાખી શકે, અને પછાત રાખવાનો અન્યાયયુક્ત અનર્થકારક સંદેશ પણ કેવી રીતે આપી શકે ?

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Let us not pray to be sheltered from dangers but to be fearless when facing them.
- Rabindranath Tagore 
14.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Translate

Who's Online

Now 544 guests online

View site in