if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

કુદરતી સૌન્દર્યથી ભરેલી કાશ્મીરની ભૂમિમાં આવેલા સુપ્રસિદ્ધ સુંદર તીર્થધામ અમરનાથનું નામ કોણે નથી સાંભળ્યું ? દર વરસે કુદરતી સૌન્દર્યના હજારો રસિયાઓ એના દર્શને જાય છે. શ્રાવણ મહિનો ભગવાન શંકરની સેવાપૂજા માટે ખાસ કરીને મહત્વનો મનાતો હોવાથી, અમરનાથના સુંદર સ્થાનના દર્શન માટે લોકો મોટે ભાગે શ્રાવણ મહિનામાં જ પ્રસ્થાન કરે છે, અને શ્રાવણ સુદ પૂનમે ત્યાં પહોંચી જાય છે. દ્વાદશ જ્યોતિર્લિંગના પેલા ચિરપરિચિત શ્લોકમાં એની ગણના નહીં કરાયલી હોવા છતાં ભાવિક લોકોને મન તો એનો મહિમા જ્યોતિર્લિંગ કરતાં જરા પણ ઓછો નથી; અને એ મહિમાથી પ્રેરાઈને દેશના ચારે ખૂણાની જનતા એની યાત્રા માટે નીકળી પડે છે અને એના દર્શનથી કૃતાર્થતા અનુભવે છે.

કુદરતી સૌન્દર્યના રસિયાઓ કાશ્મીરની નિરાળી ભૂમિને ધરતી પરના જીવતાજાગતા સ્વર્ગ સાથે સરખાવે છે; એની પ્રશંસા કરતાં થાકતા નથી. કાશ્મીરની ભૂમિ પર પગ મૂકીએ છીએ ત્યારે એ ભૂમિની કુદરતી શાંતિ તથા સુંદરતા આપણા અંતરને સ્પર્શી જાય છે, ને મનને મુગ્ધ કરી દે છે. જેણે હિમાલયના કુદરતી સૌન્દર્યથી છવાયેલા બીજા પર્વતીય પ્રદેશની ઝાંખી કરી હશે તેને કાશ્મીરનો પ્રદેશ એટલું બધું કામણ નહિ કરે, પરંતુ પ્રથમવાર હિમાલયના પ્રવાસે આવનાર પ્રવાસી કાશ્મીરના એ પ્રાકૃતિક સૌન્દર્યથી ખરેખર અને ખૂબ જ પ્રભાવિત બનશે એમાં કોઈ શંકા નથી.

અમરનાથની યાત્રાએ નીકળેલો પ્રવાસી દિલ્હીથી ટ્રેન મારફત પઠાણકોઠ જાય છે, ને ત્યાંથી મોટર દ્વારા જમ્મુ થઈને કાશ્મીરના મુખ્ય શહેર શ્રીનગરમાં પહોંચે છે. દિલ્હીથી શ્રીનગર વિમાન મારફત પણ જઈ શકાય છે. સમય બહુ થોડો હોવાથી અને શ્રાવણ સુદ પૂનમે અમરનાથના દર્શનની ઈચ્છા હોવાથી દિલ્હીથી શ્રીનગરનો પ્રવાસ અમે વિમાનમાં જ કર્યો. એ પહેલાં પાસપોર્ટની પણ જરૂરી વ્યવસ્થા કરી લીધેલી. જીવનમાં મારી ને માતાજીની આ સૌથી પહેલી વિમાની મુસાફરી હતી. દિલ્હીથી શ્રીનગર પહોંચતા અમને આશરે સાડા-ચાર કલાક લાગ્યા. રસ્તામાં અમૃતસર તથા જમ્મુમાં વિમાન થોડોક વખત માટે રોકાયેલું.

શ્રીનગરની ભૂમિ આજુબાજુનાં અસંખ્ય ચિનાર વૃક્ષોને લીધે તથા લીલાંછમ ખુલ્લાં મેદાનોને લીધે ઘણી રમણીય લાગે છે. એ ભૂમિ પર પગ મૂંકતાંવેંત જાણે કોઈક જુદી જ દુનિયામાં આવ્યા હોઈએ એવો અનુભવ થાય છે. અમરનાથ જવા મોટરમાર્ગે પહેલગાંવ જવું પડે છે.

પહેલગાંવ હવા ખાવાનું સુંદર પર્વતીય સ્થળ છે. શ્રીનગરથી તે લગભગ પ૯ માઈલ દૂર છે. રસ્તામાં હજારોની સંખ્યામાં ઊભેલાં ચિનાર, ચીડ અને દેવદારનાં સુંદર વૃક્ષો પ્રવાસીનું મન હરી લે છે. સમુદ્રસપાટીથી ૭,ર00 ફૂટ જેટલી ઊંચાઈએ આવેલા પહેલગાંવમાં ઠંડીનો અનુભવ પણ સૌથી પહેલો અને સારા પ્રમાણમાં થાય છે. ત્યાંની હરિયાળી, નદી, ઝરણાં તથા ઉત્તુંગ આકાશને અડવાની હરીફાઈ કરતી પર્વતમાળા એ સઘળુંય રમણીય છે. ત્યાં આવેલી નંદભવન ધર્મશાળામાં અમે રાતવાસો કર્યો.

અમરનાથનો પગરસ્તો પહેલગાંવથી જ શરૂ થાય છે. એ રસ્તો જરા વિકટ અને યાત્રીઓની કસોટી કરનારો છે. રસ્તામાં ધર્મશાળાની વ્યવસ્થા ના હોવાથી પહેલગાંવથી માર્ગમાં મુકામ માટે ભાડે મળતા તંબુ લઈ જવા પડે છે. તે ઉપરાંત, પ્રવાસ માટેની કેટલીક જરૂરી સામગ્રી પણ ત્યાંથી મળે રહે છે. પદયાત્રા કરવાની અશક્તિવાળા માણસો માટે દંડી તથા ઘોડાની વ્યવસ્થા પણ ત્યાંથી જ થઈ શકે છે. રસ્તામાં કાશ્મીર સરકાર તરફથી યાત્રીઓને માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે, જેમાં ફરતા દવાખાનાનો પણ સમાવેશ થાય છે.

પહેલગાંવથી ચંદનવાડી સુધીનો માર્ગ જરા સારો છે, પરંતુ પછીથી થોડું ચઢાણ શરૂ થાય છે. રસ્તામાં એક સરોવર આવે છે. તેનું દૃશ્ય અત્યંત મનોહર છે. ચારેબાજુ સુંદર હિમાચ્છાદિત પર્વતમાળા અને એની વચ્ચે, કોઈક ઈશ્વરકૃપાપાત્ર યોગીના હૃદયની નિર્મળતા તથા રસમયતાની યાદ આપતું, જમા થયેલું બરફનું પાણી ઘણું સુંદર લાગે છે. આ માર્ગમાં એવાં સરોવર એકથી વધુવાર જોવા મળે છે. કેટલીકવાર તો બરફના વિશાળ પટની નીચેથી પાણીનો વિશાળ પ્રવાહ વહેતો દેખાય છે, ત્યારે અંતર એક પ્રકારના અવર્ણનીય આનંદથી ઊભરાઈને નાચી ઊઠે છે. આ માર્ગમાં હિમાચ્છાદિત પર્વતો પણ દેખાય છે, તથા બરફ પરથી પસાર થવાનો દુર્લભ અવસર પણ અનાયાસ પ્રાપ્ત થાય છે.

પહેલગાંવથી નીકળ્યા પછી પહેલો મુકામ ચંદનવાડીમાં ને બીજો મુકામ શેષનાગમાં કરવો પડે છે. શેષનાગ પહેલગાંવથી સોળેક માઈલ દૂર છે. શેષનાગનું સ્થાન ચારે બાજુ હિમાચ્છાદિત પર્વતોથી ઢંકાયેલું હોવાથી ખૂબ જ ઠંડુ અને ચિત્તાકર્ષક છે. ત્યાંની જમીનમાં કલકલ કરતાં ઝરણાં વહ્યા કરે છે. ઠંડીને વધારવામાં એ ઓછો અગત્યનો ભાગ નથી ભજવતાં.

સવારે ઊઠીને અમે શેષનાગથી આગળ પ્રયાણ કર્યું. હવેનો માર્ગ ખૂબ જ કપરો હતો. ખૂબ જ સંભાળપૂર્વક, માર્ગમાં છવાયેલા બરફમાં થઈને ઘોડા આગળ વધતા હતા. ઊંચાઊંચા હિમાચ્છાદિત સફેદ પર્વતો પર થોડીકવારમાં તો ઊગતા સૂર્યના સોનેરી કિરણો ફરી વળ્યાં. સૂર્ય જગતનો આત્મા છે એવું વેદમાં કહેલું છે, ને નિત્યકર્મ કરનાર પ્રત્યેક માનવ તેવા વિધાનનો મંત્ર રોજ સવારે બોલી જાય છે પણ ખરો; પરંતુ એનો સાચો મર્મ અમને અત્યારે સમજાયો. ભીષણ ઠંડી તથા બરફમિશ્રિત હવાને લીધે યાત્રીઓ થરથરતાં હતાં. સૂર્યનાં કિરણ એમને માટે આશીર્વાદરૂપ થઈ પડ્યાં. યાત્રીઓના હરખનો પાર રહ્યો નહિ.

હવે અમે લગભગ ૧3,૬00 ફૂટની ઊંચાઈ પરથી આગળ વધી રહ્યાં હતાં. ચારે બાજુ બરફ દેખાઈ રહ્યો હતો. એટલામાં તો એક સ્ત્રી ઠંડીથી બેશુદ્ધ થઈને પર્વત પર ઢળી પડી. કેટલાક પ્રવાસીઓ અને સાથીઓ તેની સેવાશુશ્રુષા કરીને તેને ભાનમાં લાવવાના પ્રયાસો કરવા માંડ્યા. એ વિકટ યાત્રામાં ઉઘાડે પગે ચાલનારા યાત્રી પણ ઘણા હતા. ભગવાન શંકરના દર્શન માટેની તેમની શ્રદ્ધાભક્તિ ઘણી ભારે હતી.

શેષનાગથી આઠેક માઈલનો પ્રવાસ પૂરો કરીને અમે પંચતરણી પહોંચ્યાં. એ સ્થળે નદીના પાંચ ભાગ થાય છે, તેથી તેનું પંચતરણી નામ સાર્થક ઠરે છે. તંબુમાં સામાન મૂકીને અમે ભોજનનો પ્રબંધ કરવા માંડ્યો. આ યાત્રામાં લાકડાં તો મળતાં જ નથી, છતાં કેટલાક યાત્રી પ્રાયમસની મદદથી કે તદ્દન લીલાં લાકડાં સળગાવીને જેમતેમ કરીને રસોઈ બનાવી લે છે. મોટા ભાગના યાત્રીઓ તો યાત્રામાં સાથે રહેતા દુકાનદારો પાસેથી પુરીશાક મેળવીને જ ચલાવી લે છે.

પંચતરણીથી અમરનાથનો પાંચ માઈલનો માર્ગ ચઢાણવાળો ને જરા વધારે વિકટ છે. અમરનાથમાં રહેવાની વ્યવસ્થા ન હોવાથી યાત્રીઓ દર્શન તથા પૂજન કરીને પાછા વળી જાય છે. હિમાલયના બીજા પ્રદેશ કરતા યાત્રાના આ પ્રદેશની મુસાફરી વિકટ હતી. એ યાત્રાનો છેલ્લો દિવસ હજી બાકી હતો. સંતમહાત્માઓ, સ્ત્રીઓ ને પુરુષો અમરનાથના દર્શન માટે ઉત્સાહપૂર્વક આગળ વધવા માંડ્યા.

આખરે અમે અમરનાથ પહોંચી ગયા. ‘અમરનાથ કી જય ! ભગવાન શંકર કી જય !’ લોકોએ પોકારો પાડ્યા. અમારા અંતરમાં પણ આનંદ ફરી વળ્યો. અમરનાથનું સ્થળ એકાકી, શાંત છતાં અલૌકિક અને સુંદર છે. ત્યાં વહેતી નદીની બાજુના પર્વતમાં એક વિશાળ પ્રાકૃતિક ગુફા છે. સામેનાં પર્વતશિખરો બરફથી ઢંકાયેલાં છે. ગુફાવાળા પર્વત પર પણ બરફ દેખાતો હોવા છતાં અમે અમારા આશ્ચર્ય વચ્ચે જોયું કે, ગુફામાં એક ખૂણામાં બરફ જામી ગયો હતો, ને ત્યાં બરફના ચારેક ફૂટ ઊંચા લિંગનું સ્પષ્ટ દર્શન થતું હતું. બાજુમાં બીજી પણ બરફની બે રચનાઓ હતી, જે ગણેશ ને પાર્વતીના નામે ઓળખાવાઈ. ભગવાન શંકરના એ અવિસ્મરણીય, અનુપમ, અલૌકિક દર્શનથી અમને આનંદ થયો. અમને થયું કે ગુફામાં બીજે ક્યાંય નહિ ને આ સ્થળમાં બરફ ક્યાંથી ? અને એ પણ લિંગાકાર જ કેમ ધારણ કરે છે ? ભાવિક યાત્રીઓને બૌદ્ધિક ખણખોદમાં કોઈ જ રસ નહોતો. એ તો અસાધારણ દર્શનથી વિસ્મય પામી, પોતાને કૃતાર્થ માની, ભગવાનના પૂજનભજનમાં મગ્ન બની ગયાં. જુદાજુદા પ્રદેશમાંથી આવેલાં સર્વ દર્શનાર્થીઓ બાહ્ય ભેદભાવ ભૂલીને ભગવાનના ચરણોમાં પોતપોતાની રીતે આત્મનિવેદન કરી રહ્યાં. આખુંયે વાતાવરણ અત્યંત અદ્દભુત બની રહ્યું. યાત્રીઓની અવરજવર માટે ગુફામાં દરવાજા બનાવેલા હતા, જ્યાં પહેરેગીરની વયવસ્થા હતી.

એક બાજુ કેટલાક સાધુ ધૂણી ધખાવીને બેઠા હતા. એમની પાસે ભાવિકોની ભીડ જામેલી. લોકો એમના દર્શનથી કૃતાર્થ થતા. એમનામાંના કેટલાકે તો એકાદ કૌપીન કે કટિવસ્ત્ર જ પહેરેલું. બીજી બાજુ અસહ્ય ઠંડીનો સામનો કરવા, કામળા ઓઢીને ઊભેલા લોકો બાર આને અને રૂપિયે કપ મળતી ચા પીતા હતા. ગુફામાં કબૂતરનાં દર્શન પણ ઉપરના ભાગમાં થયા કરતાં. કબૂતરો ગુફાના પોલાણમાંથી બહાર નીકળતાં તે જોઈને યાત્રીઓ આનંદ પામતાં. એમના સંબંધી જાતજાતની દંતકથાઓ સાંભળવા મળી. યાત્રીઓમાંના કેટલાક એમને શિવપાર્વતી કે મૃત્યુંજય અમર યોગીનું સ્વરૂપ માનતા.

ગુફામાં એક બાજુ બેસીને અમે પણ ભગવાન શંકરની સ્તુતિ કરી. થોડોક વખત એ દિવ્ય વાતાવરણનો લાભ લઈને આખરે અમે પાછાં વળ્યાં. ભગવાન શંકરના દિવ્ય સ્વરૂપદર્શનથી યાત્રાનો થાક અને પરિશ્રમ સફળ થયો લાગ્યો. એ દર્શન અત્યંત અદ્દભુત અને અજબ હતું. પાછા વળતાં રસ્તામાં ભારે વરસાદ તૂટી પડ્યો. એને લીધે રસ્તો ચીકણો બની ગયો. ભીંજાતાભીંજાતા અમે પંચતરણી આવી પહોંચ્યાં. એ દિવસે પહેલગાંવ તરફ આવવા માટે પ્રસ્થાન કર્યું.

શ્રીનગરમાં લશ્કરી પ્રવૃત્તિ સારા પ્રમાણમાં હતી. ત્યાં અમે શીખોની ગુરુદ્વારા ધર્મશાળામાં ઊતર્યાં. બીજે દિવસે ત્યાંના જોવા જેવાં સુંદર સ્થળોની મુલાકાત લીધી. એ સ્થળોએ ડાલ સરોવર, શંકરાચાર્યની ટેકરી તથા નિશાતબાગ ને શાલીમાર જેવા વિખ્યાત બાગોનો સમાવેશ થાય છે. શ્રીનગરના એ બાગોમાં ફૂલની સાથે ફળ પણ પુષ્કળ પ્રમાણમાં ઉગાડવામાં આવતાં હોવાથી બાગોની જમીનનો સદુપયોગ થાય છે અને એ આર્થિક રીતે બોજારૂપ નથી બનતા. બાગોની જમીનનો એવો ઉપયોગ બીજાઓ માટે અનુકરણીય છે. કાશ્મીરમાં ફળ ઘણાં સસ્તાં મળે છે. શ્રીનગરમાં આવતા કેટલાય પ્રવાસીઓ જેલમ નદીમાં નાવમાં જ રહેવાનું પસંદ કરે છે. એ નાવો સારી પેઠે શણગારેલી અને આધુનિક સાધનોથી સજ્જ હોય છે. નાવ પ્રવાસીની પસંદગી પ્રમાણે ગમે ત્યાં લઈ જવાય છે.

શ્રીનગરથી મોટરમાર્ગે પઠાણકોટ આવ્યાં. એ માર્ગ આશરે ર૭0 માઈલ લાંબો છે. પર્વતીય પ્રદેશમાંથી પસાર થતો એ માર્ગ ભારત સરકારે ભારે ખર્ચ ને પરિશ્રમ ઊઠાવીને બંધાવ્યો છે. તે ખૂબ કપરો છે. રસ્તામાં ૯,000 ફૂટ જેટલી ઊંચાઈએ મોટરે પસાર થવું પડે છે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.